Saturday, 22 June 2019

શિક્ષણ વિશે ક્રાંતિકારી વિચારો

મિત્રો,

       દેશ બદલાઈ રહ્યો છે પણ શિક્ષણમાં જોઇએ તેવું પરિવર્તન દેખાતું નથી! આજે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ વિશે મારા ક્રાન્તિકારી વિચારોને તમારી સમક્ષ મૂક્યાં છે. વાંચો, સમજો અને મંથન કરો!


       ૧- કોઈ પણ ધોરણમાં વષૅ દરમ્યાન વધુમાં વધુ પાંચ જ વિષયો રાખી શકાય. જેમાં ગણિત અને વિજ્ઞાન હોવા જ જોઇએ! બે ભાષા તથા અન્ય એક વિષય જે તે સંસ્થા પોતાની પસંદગી મુજબ રાખી શકે. ધોરણ ૯ પછી ૧૧ સુધીમા બીજો એક વિષય ઉદ્યોગનો ફરજિયાત હોય જ! આ ઉદ્યોગનો વિષય શાળા પોતાની ઈચ્છા મુજબ બદલી શકે.

       ૨- ધોરણ ૧૨ની એકમાત્ર બોર્ડ પરીક્ષા હોય જેમાં માત્ર ગણિત, વિજ્ઞાન, બે ભાષા સહિત કુલ પાંચ વિષયોની જ હોય! કોમર્સ અને આર્ટસમાં ગણિત-વિજ્ઞાનના સ્થાને, મહત્ત્વના બે વિષયો હોય! બોર્ડ પરીક્ષા પાંચ વિષયથી વધુની હોય જ નહીં!

       ૩- બજારમાંથી જે તે ધોરણના પાઠ્યપુસ્તકો સિવાયનું તમામ પ્રકારનુ પરીક્ષાલક્ષી પૂરક સાહિત્ય હટાવી દેવામાં આવે! તૈયાર સાહિત્યથી કલ્પના અને સજૅનશીલતા ખતમ થઈ ગઈ છે!

       ૪- શિક્ષકો ભણાવતા હોય તે વિષય માટે દર બે વર્ષે રાષ્ટ્રીય એજન્સી દ્વારા કસોટી લેવાય. જેમાં લઘુત્તમથી ઓછા ગુણ મેળવનારની નોકરી તો રહે પરંતુ બે માસનો પગાર કપાઈ જાય!, જો સતત ત્રણ વર્ષ આવું થાય તો નોકરીમાંથી છૂટા કરી દેવા!

       ૫- શાળામાં ૩ કલાક વર્ગખંડ શિક્ષણ અને ૨ કલાક પ્રવૃત્તિઓ દ્વારા જ ભણાવવાનું.
અથવા
વિદ્યાર્થીઓએ દર શનિવારે  દફતર વિના શાળામાં જવાનું, અને શિક્ષકોએ માત્ર પ્રવૃત્તિઓ દ્વારા જ ભણાવવાનું!

       ૬- શનિવારે અને રવિવારે શાળા કક્ષાના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસો ફરજિયાત બંધ રહેશે!



       ૭- કોલેજ કે યુનિવર્સિટી શિક્ષણમાં અધ્યાપકે ૬૦ ટકા કોર્સ પ્રવૃત્તિઓ દ્વારા ભણાવવાનો અને ૪૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન કે લાયબ્રેરી દ્વારા જાતે જ ભણવાનું!

       ૮- શાળાના સંતાનોના વાલીઓ પ્રવેશના પ્રથમ વર્ષે સમગ્ર કેમ્પસ જોઈ શકે. ત્યારબાદ માત્ર મિટિંગ હોય ત્યારે જ શાળા કેમ્પસમાં દાખલ થઈ શકે. એ સિવાય તેઓ ઈચ્છે તો શિક્ષકો કે આચાર્ય સાથે ફોન કે ઈમેલ દ્વારા જ સંપર્ક કરી શકે!

       ૯- સરકાર આખા વર્ષમાં શાળાઓમાં પરીક્ષા સિવાય માત્ર ચાર જ પ્રવૃત્તિઓ ફરજિયાત ધોરણે કરાવી શકશે! એ સિવાયના પરિપત્રો જ ન કરી શકે. શાળાઓ શિક્ષણ માટે છે, સરકારી કામો માટે નથી!

      ૧૦- દેશના સમગ્ર શિક્ષણનું માધ્યમ, ધોરણ પાંચ સુધી સંપૂર્ણ રીતે માતૃભાષામાં જ હોય, પરંતુ ત્યારબાદ હિન્દી અથવા અંગ્રેજી સિવાય બીજો વિકલ્પ જ ન હોય! ઉચ્ચ શિક્ષણ માટે પણ આજ વિકલ્પો રહે!

       ૧૧- કૂવામાં હોય તો હવાડામાં આવે એ વિચાર મુજબ ટિચરસૅ ટ્રેનિંગ કોલેજોમાં એક વર્ષ પ્રવેશ અટકાવી બંધ કરી દેવી અને આખું વર્ષ તેના આચાર્ય અને અધ્યાપકોની તાલીમ ચલાવવામાં આવે! સમગ્ર આંતર માળખાકીય સુવિધાઓ અપડેટ કરવી. દર છ મહિને રિફ્રેશર કોર્સ ફરજિયાત હોય! નિષ્ફળતા માટે ઉપરના (શિક્ષકો) જેવી(ક્રમ-૪) દંડનાત્મક કાર્યવાહી કરવી!

      ૧૨- નવી શાળા-કોલેજોની મંજૂરી દર ત્રણ વર્ષે, બે વર્ષ માટે બંધ કરી દેવી. આ સમય દરમ્યાન 'જરૂરિયાત'  બાબતે ગંભીરતાપૂર્વક સર્વેક્ષણ કરી ત્યારબાદ જ, તે સંખ્યામાં મંજૂરી આપવી. નવા વાહનોના ઉત્પાદન બાબતે પણ આમ જ વિચારવું. મન ફાવે તેમ 'વિકાસ'ને નામે છૂટો દોર ન અપાય !!

   ૧3- જે નીતિ અંતિમ સ્વરૂપમાં નક્કી થાય તે પછી તેનો અમલ ઓછામાં ઓછો દશ વર્ષ સુધી રાખવો જ તે પહેલાં તેમાં કોઈ ફેરફાર નહીં કરવો. આઠ વર્ષ બાદ નવી વિચારણા અને ફેરફાર શરૂ કરવાની કામગીરી કરવી!. 


- Dr Vijay Manu Patel
M.Com., Ph.D (Edu.),PGJMC
Principal, Smt. V. D. Desai (Wadiwala) School, Adajan Road,
SURAT-395009.


Wednesday, 19 June 2019


મિત્રો, 
મારી હળવી રમૂજી શૈલીમાં આ સંવાદો આપ સૌને પસંદ આવશે તેવી આશા છે, છતાં સાંપ્રત વિષય પરનું આ લખાણ આપને  કેવું લાગ્યું તે વિશે  આપનો અભિપ્રાય જણાવશો તો ગમશે। 






Friday, 7 June 2019

હે વાલીઓ, છોકરાને કાબુમાં રાખો!


             સોરી, પપ્પા મારે A ગ્રેડ જોઈતો હતો: આ શબ્દો ગયા અઠવાડિયે વડોદરામાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખનાર સાતમા ધોરણની વિદ્યાર્થિની સ્નેહા ચૌહાણના હતા. આ જ જિલ્લાના છાણી ગામે નેહા નામની ધોરણ નવની વિદ્યાર્થીનીએ પણ પરિણામના આગલા દિવસોમાં ફાંસે લટકી આત્મહત્યા કરી હતી. આ બંને દુર્ઘટના પાછળના કારણો શિક્ષણમાં નિષ્ફળતા અથવા નબળા પરિણામનો ર હતો. ડર કે આગે જીત ભાગ્યે જ હોય છે, બાકી તો મો જ હાવી થઈ જાય છે!
              આ બંને કિસ્સામાં બે બાબતો સામાન્ય હતી. એક, બંને છોકરીઓ હતી અને બે, બંને તરુણ વયની હતી. બેટી બચાવો, બેટી પઢાવોના વિચાર સાથે દેશમાં સામાજિક ક્રાંતિ થઈ રહી હોય ત્યારે આવા બનાવો આત્મવિશ્વાસ ડગાવી દેનારા હોય છે. અપમૃત્યુ, બળાત્કાર, શારીરિક છેડતી અને અશ્લીલ ટીકાઓ જેવા શબ્દો બહુધા સ્ત્રી શોષણ અને અપમાનના પ્રતીકરૂપ છે. છોકરીઓ કે સ્ત્રીઓને ભાગે આ બધુ મોટેભાગે પુરુષો તરફથી જ આવે છે તેથી દેશમાં હવે બેટા પઢાવો, બેટી બચાવોના નવા સામાજીક આંદોલનની જરૂર છે!
             ભારતીય સમાજમાં છોકરીના જન્મ સાથે જ અનેક મર્યાદાઓની બેડી લાગી જાય છે. જ્યારે છોકરાના જન્મ બાબતે નરી સ્વછંદતાને જાણ્યે-અજાણ્યે પોષવાનું શરૂ થઈ જાય છે. આમ કરવામાં સ્ત્રીઓ પોતે પણ ભાન ભૂલે છે એ આશ્ચર્યજનક છે. છોકરાઓને સામાજિક કેળવણી આપવા વિષે ઝાઝી ચર્ચા થતી નથી એટલે આજે એ વિશે થોડા વિચારો વહેચું.


             છોકરીઓ સ્વભાવે નમ્ર અને શાંતિપ્રિય હોય છે જ્યારે છોકરાઓ ચંચળ અને આક્રમક હોય છે, ખરું?બંને પ્રકારમાંથી કયા સ્વભાવને સારો ગણી શકાય તેના ઉત્તરમાં મહત્તમ પસંદગી છોકરીવાળા સ્વભાવ તરફ જ ઢળે છે છતાં ભારતના ઘણા કુટુંબોમાં બાળકોના આક્રમક સ્વભાવ માટે ગૌરવ અનુભવાય છે, બોલો. અજુગતું લાગશે જ  પણ આ અવલોકન સાવ ખોટું નથી એ પણ એટલું જ સાચું છે! શક્ય છે જાગૃત વાચક તરીકે આપને પણ આવો કઇંક અનુભવ હોય.
           છોકરાઓના વર્તન સુધારાની દિશામાં શું થઈ શકે? દરેક મા-બાપે જાતિભેદને ધ્યાનમાં રાખ્યા વિના જાહેર વર્તનો શીખવવાની જરૂર છે. નમ્રતા, વિવેક, આદર, પ્રામાણિક્તા, વિરોધ વગેરેમાં જાતિને શું લેવાદેવા છે? છોકરાઓમાં વારંવાર ગુસ્સે થવાની આદતને કદીપણ પ્રોત્સાહિત કરવી ન જોઈએ. ઘરના કોઈપણ સભ્ય સાથે ઊંચા અવાજમાં વાત ન કરવાની કેળવણી (કે અંકુશ) વડીલોના હાથમાં છે. છોકરાઓને સમજાવટ દ્વારા હિંસાત્મક વર્તનથી જેમ બને તેમ જલદીથી વિમુખ કરવાના પ્રયત્નો ઘરના વડીલોએ કરવાની જરૂર છે.
            તમારાં છોકરાઓએ બીજાની સામે (ઘરના કે બહારના) શરમમાં મુકાવું પડે તેવા અન્યોના વર્તનથી તેમને બચવવાની જરૂર છે. મનોવિજ્ઞાનના મતે, ઘરના સભ્યો, સગાસંબંધીઓ કે મિત્રો તરફથી છોકરાઓએ જો વારંવાર શરમિંદગી અનુભવવી પડતી હોય તો તેવા છોકરાઓ હિંસક કે આક્રમક બની જવા સંભવ છે. એટલે મહોલ્લામાં કે સામાજિક મેળાવડાઓમાં પોતાના છોકરા માટે અન્યો દ્વારા કોઈ અજુગતિ ટીકા-ટિપ્પણી ન થાય તેનું ધ્યાન વાલીઓએ રાખવું જોઈએ. જેમ છોકરીઓને અન્યો સાથે વાતચીત કે ચર્ચામાં સામેલ થવામાં અટકાવીએ છીએ તે રીતે છોકરાઓને પણ અન્યો સાથે મળવા-ભણવામાં ધ્યાન રાખવું જોઈએ. આપણાં બધાનો એવો પણ અનુભવ છે કે અપશબ્દો, ગાળ કે છીછરી ટીપ્પણી છોકરાઓ દ્વારા જ વધુ થતી હોય છે. પોતાનું સંતાન (છોકરો) કેવા મિત્રોના જૂથમાં વધુ રહે છે તેના ઉપર દેખરેખ રાખવાનું કામ વાલીઓનું છે એ ન ભુલશો.
       આધુનિક સમયમાં છોકરાઓ પર સૌથી વધુ પ્રભાવ હોય તો ઇલેક્ટ્રોનિક્સ સાધનો(gadgets)નો છે. આની ઘેલછા કેવા પરિણામો લાવે છે તે સમાચાર રૂપે અખબારોમાં ચમકતું રહે છે. તેથી છોકરાઓની ઇન્ટરનેટ પ્રવૃતિઓ પર નજર રાખવી આધુનિક મા-બાપોનું કર્તવ્ય બને છે. બાળકો મોબાઈલ કે કમ્પ્યુટર પર રમતો રમે છે તે કેવા પ્રકારની છે તેની જાણકારી અને દેખરેખ વાલીએ જ  રાખવી પડશે. જો હિંસાત્મક રમતોમાં છોકારાઓ વધુ સામેલ થશે (મોટાભાગની રમતો આવી જ હોય છે!) તો લાંબેગાળે તેનું વર્તન પણ ઉદંડ અને આક્રમક જ હશે. વારંવાર યુદ્ધ કે હિંસાત્મક દ્રશ્યોવાળી ફિલ્મ જોવાના શોખીન છોકરાઓના મા-બાપે પણ ચેતી જવાની જરૂર છે!
            ઘણાબધાને પસંદ ન આવે તેવી એક પ્રવૃત્તિ પાલતુ પ્રાણી રાખવાની છે. કૂતરો, બિલાડી, સસલું, કાચબો કે અન્ય પક્ષીને ઘરમાં રાખવાથી છોકરાને જવાબદારીપૂર્વકનું કામ મળે છે. આવા મૂંગા પ્રાણીઓને સંભાળવાની કામગીરી તેમનામાં સહાનુભૂતિ જન્માવે છે, જે પેલા હિંસાત્મક વર્તનમાંથી તેઓને બચાવી લે છે. જો પ્રાણીઓ-પક્ષીઓ સાથે છોકરાઓ સારું વર્તન કરશે તો તેની આસપાસના માણસો સાથે પણ તેવું જ વર્તન કરવા પ્રેરાશે. છોકરાઓના વર્તનને સુધારવાનો આ સાવ નોખો પ્રયોગ છે. જે ઘરોમાં ગુસ્સાનું પ્રભુત્વ છે તેવા વડીલોને આ ઉપાય અજમાવી જોવા સલાહ છે!
           વાલીઓએ છોકરાની બાહ્ય રમતો (ખાસ કરીને મેદાન કે ખુલ્લી જગ્યાઓમાં રમાતી હોય તેવી)માં પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આજકાલ શહેરોમાં આની ભારે ઉણપ વર્તાય છે. રમવાની ખુલ્લી જગ્યા ન હોવાના કારણે નહીં પણ ગોખણિયા અને પરીક્ષાલક્ષી શિક્ષણને કારણે છોકરા-છોકરીઓ અને વાલીઓ રમત કે શારીરિક પ્રવ્રત્તિથી લગભગ વિમુખ બની ગયા છે. આવા ઘરના છોકરાઓ રખડપટ્ટી દ્વારા મનોરંજન મેળવે છે, જેમાંથી વ્યસનો, છેડતી, અપશબ્દો અને હિંસા જેવા અવગુણો ગ્રહણ કરે છે. બહુધા વાલીઓ આ બાબતે મૌન સેવે છે અથવા અજ્ઞાત હોય છે.
             છોકરાઓને પણ સૌંદર્ય ગમે છે. ઘર કે બહારની દુનિયામાં રહેલા વૃક્ષો, ફૂલો, નદી-તળાવો, ઘરની સુશોભિત વસ્તુઓ વગેરે તરફ ધ્યાન દોરતા વાલીઓએ શીખવવાની જરૂર છે. આ બધુ ન થાય ત્યારે છોકરાઓના સૌંદર્યની શોધ માત્ર છોકરી કે સ્ત્રી પુરતી જ સીમિત થઈ જાય છે! આ મનોવૈજ્ઞાનિક વાસ્તવિક્તા છે. છોકરાઓને દુનિયામાં ઠેર ઠેર પડેલી સુંદરતાનો અનુભવ કરાવવાની જવાબદારી વડીલો અને વાલીઓની છે. જ્યારે આમ નથી થતું ત્યારે છોકરાઓ ભટકી જાય છે અને તેના દુષ્પરિણામો કુટુંબ અને સમાજે ભોગવવાનો વારો આવે છે. તેથી હે વાલીઓ! મંથન કરજો અને આ ઉપાયો અચૂક અજમાવજો.

-ડૉ. વિજય મનુ પટેલ 

Wednesday, 29 May 2019

Training Moments



For watching school teachers training held on 8-6-19, 
pl click the link below

School Teachers Training



નોકરીના સમયગાળા દરમ્યાન તજજ્ઞ તરીકે 

વિવિધ સંસ્થાઓમાં લીધેલી અને આપેલી તાલીમની કેટલીક યાદગાર ક્ષણો.













Tuesday, 21 May 2019

નવાં બે પુસ્તકોનું વિમોચન

સંચેતનાય નમઃ તથા છાનું છપનું હસીએ મજાનું! 
એવા બે પુસ્તકોનું વિમોચન તા: 24/3/19ના રોજ 
ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યું. 
આ સાથે અત્યાર સુધીમાં જ મારા આઠ પુસ્તકો પ્રકાશિત થયા છે.

 
ડૉ. બિન્દુ શાહ (એસો.પ્રોફે., નવયુગ કોલેજ) તથા શ્રીમતી મીનાક્ષીબેન દેસાઈ(ટ્રસ્ટીશ્રી, ભૂલકાં ભવન)


ડૉ. દક્ષેશ ઠાકર (પૂર્વ ઉપકુલપતિ, VNSGUni.) અને ડૉ. વિનોદ પટેલ(નિવૃત આચાર્ય, બી.એડ. કોલેજ)

Go for small video:





Thursday, 16 May 2019

નવી આવડતો સાથેનું સરસ્વતી પૂજન!

નવી આવડતો સાથેનું સરસ્વતી પૂજન!    
          
              ગઇકાલે રવિવાર હતો અને લગ્નોની અતિ વ્યસ્તતા હશે એટ્લે ઘણાબધાને વસંતપંચમીનું નામ મોઢે આવવા છતાં સરસ્વતી પૂજનના દિવસ તરીકે તે બહુ ઓછાને યાદ આવ્યો હશે. વસંતઋતુના વધામણાં સાથે જે ભૌગોલિક અને પ્રાકૃતિક વાતાવરણમાં ફેરફાર થવા માંડે તેનો અહેસાસ બધાને જ વધતે-ઓછે અંશે થતો હશે પણ આ દિવસ વિદ્યાની દેવી સરસ્વતીના પૂજન તરીકે પણ ઉજવાય છે તે ઘણા ઓછાને ખબર છે. જો કે રવિવાર હોવાને કારણે શાળાઓમાં આ દિવસની ઉજવણી ફિક્કી જ રહી. ભલે, પણ વિદ્યાની દેવીના પૂજન સાથે વિદ્યાર્થીઓમાં ખાસ પ્રકારના ગુણો વિકસાવવાના જે ઉદ્દેશો છે તે ભૂલાવા ન જોઈએ. સાંપ્રત સમયમાં કેટલાક ખાસ ગુણોના સિંચનની વાત કરું.
                 નવા જમાનામાં વિદ્યાર્થીઓ પાસે નવા પ્રકારની આવડતો જોઈશે, કેમ કે ઘણાબધા કામો (રોજગારી)માં યાંત્રિક પ્રક્રિયાનું પ્રભુત્વ હશે. આ સંદર્ભમાં નવી પેઢીમાં કઈ આવડતો વિકસાવવી જોઈએ તે વિશે એક વિદેશી ધંધાકીય અગ્રણી ક્લે પાર્કરનો અસંતોષ છે કે, ‘...કદાચ આપણે તેમણે તકનીકી કુશળતા શીખવીશું પરંતુ તેમને સારા પ્રશ્નો કેમ પૂછવા અથવા કેવી રીતે વિચારવું એ શીખવતા નથી. મતલબ એ થયો કે વિચારવાની બાબતમાં નવી પેઢી યાંત્રિક (રોબોટ) ન બનવી જોઈએ. આ બહુ જ મહત્ત્વનું ચિંતન છે અને શિક્ષણ-સમાજક્ષેત્રના કોઈએ આ બાબતે મંથન કરવું જ જોઈએ.
                હવે પછીના સમયમાં વિદ્યાર્થીઓ વાળ સરખા ઓળે, કતારબંધ ચાલે કે ચૂપચાપ સાંભળ્યા કરે એવા મૂલ્યો(ગુણો)ની અપેક્ષા આપણે ઘટાડવી રહી. તેને બદલે વિદ્યાર્થીઓને ઉપયોગી અને હકારાત્મક ચર્ચાઓમાં પ્રવૃત રાખવા પડશે. તેઓ એકમેક સામે આંખમાં આંખ પરોવી વાત કરી શકે તેવા આત્મવિશ્વાસુ બનાવવા પડશે. બીજાઓ સાથે કેમ અને કેવો વ્યવહાર કરવો તે શીખવવા પાછળ સમય આપવો પડશે. હવે પછીનો સમય બહુવિધ આવડત સાથેનો હશે તેથી શાળા કક્ષાએથી જ ભવિષ્યના નવા અને કુશળ નાગરિકો તૈયાર કરવાની શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી રહી. આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ?

                સૌ પ્રથમ આવડત જોઈશે તાર્કિક રીતે વિચારવાની અને સમસ્યા ઉકેલવાની. ગઇકાલના ઉત્તરો આવતીકાલની સમસ્યાનો ઉકેલ ન આપી શકે એ બાબત શિક્ષકો-પ્રાધ્યાપકો અને સંચાલકોએ ધ્યાનમાં રાખવી પડશે. શાળા-કોલેજોની નેતાગીરી ઉપર ઘણાબધા કામનું ભારણ હોય છે તેવા સંજોગોમાં તેઓની પાસે તો સમસ્યા ઉકેલની કુનેહ જોઈશે જ પરંતુ નવી પેઢીના વિદ્યાર્થીઓને પણ વિવિધ પ્રવૃત્તિઓમાં રોકીને આવી કુશળતા શીખવવા પ્રયત્ન કરવો પડશે. આ માટે શિક્ષકો-પ્રાધ્યાપકોએ જ સારા પ્રશ્નો સર્જવાની અને પૂછવાની આવડત કેળવવી પડશે, ખરું?
                આવનારા સમયમાં ભલે કામોનું નાની-નાની પ્રવૃત્તિઓમાં વિભાગીકરણ(specialization) રહેવાનુ છે છતાં સમૂહોમાં કામ કરવાની તત્પરતા ખાસ જોઈશે જ. વિશિષ્ટીકરણમાં વ્યક્તિ પાસે કોઈ એક કુશળતા હોય છે પરંતુ આખરી ઉત્પાદન કે હેતુ પૂર્તિ માટે તો આવી અનેક આવડતોવાળી વ્યક્તિઓએ સાથે મળીને જ કામ કરવું પડશે. અવકાશમાં ઉપગ્રહો તરતા મૂકનારા વૈજ્ઞાનિકો પોતપોતાનું કામ ઉત્તમ રીતે જ કરે છે પરંતુ અન્યો સાથેનું સંકલન જ તેને સફળ બનાવે છે. તેથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલી સામૂહિક પ્રવૃત્તિ કે કાર્યક્રમોમાં જોડાવા પડશે. આના થકી જ નેતૃત્વના ગુણો સીંચી શકાશે જે આવનારા સમયની મહત્ત્વની આવડત ગણાશે!
                 ભવિષ્યમાં સ્વતંત્ર ધંધા કે વ્યવસાયની તકોની બોલબાલા પણ રહેવાની છે જેમાં વ્યક્તિ સારું વિચારે અને પ્રશ્નોનાં ઉકેલ માટે નવા નવા વિકલ્પો વિચારે તેવી કુશળતા જોઈશે. તકનીકી કુશળતા સાથે આવો સમન્વય વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ પ્રગટાવી શકશે. શાળાના વિદ્યાર્થીઓને આ સંદર્ભમાં જ શું વિચારવું કરતાં પણ કેવી રીતે વિચારવું એ શીખવવું વધારે યોગ્ય બનશે.
                આર્થિક ઉપાર્જન માટે નવી પેઢીને તૈયાર કરવાની જવાબદારી અને મૂળભૂત ઉદ્દેશ શાળા-કોલેજના શિક્ષણમાં પહેલેથી જ સમાવિષ્ટ છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાનો ગુણ સીંચવો જરૂરી બનશે. આ વિષે CISCOના માર્ક ચંડ્લરના વિચારો વાંચો: હું મારા કર્મચારીઓને કહું છું કે તમે પાંચ કામો કરો છો અને પાંચેય પૂરા કરો તો તમે નિષ્ફળ છો. જો તમે દશ કામો માટે પ્રયત્ન કરો છો અને આઠમાં સફળ થાવ છો તો તમે હીરો છો! જો તમે ધ્યેય સુધી પહોંચવામાં નિષ્ફળ જશો તો ટીકા ન થશે, પણ વધુ પ્રયત્ન ન કરશો તો થશે જ ! શું વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક(અભ્યાસકીય)દેખાવને સુધારવા માટે આવો જ અભિગમ અપનાવવો જરૂરી નથી જણાતો? માત્ર વિદ્યાર્થીઓ નહિ, દેશના શિક્ષણક્ષેત્રના સૌ કોઈએ શૈક્ષણિક ગુણવત્તા સુધારણા બાબતે આવું વિચારવું જ પડશે અને જોઈએ જ.
                આજની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની એક મોટી નબળાઈ તેમની મૌખિક અભિવ્યક્તિની ઊણપ અથવા વાતચીત કલાના અભાવની છે. કોઈપણ બાબતને સ્પષ્ટ ઉચ્ચારણ અને સંદર્ભ સાથે તેઓ રજૂ કરવામાં ધરાર નિષ્ફળ નીવડી રહ્યા છે. નવી પેઢી બોલબોલ બહુ કરે છે, પરંતુ તેમાં ઢંગ નથી. બસ, આ ખામીને દૂર કરવા શાળાઓએ મથવું પડશે. આપણી શાળાઓમાં વ્યાકરણ કે જોડણી ઉપર અસાધારણ ભાર અપાય છે, તેની સાથે સારી રીતે લખવા-બોલવા પર પણ ભાર અપાય તે એટલું જ મહત્ત્વનું છે. કેમ કે સર્જનશીલ વિચારોની અસરકારક પ્રસ્તુતિ આ બંને માધ્યમો (લખવા અને બોલવા) દ્વારા જ રજૂ થતી હોય છે.
                  એક સાવ નવી આવડતની કેળવણી પણ નવા સમયમાં અનિવાર્ય થવાની છે તે માહિતીના વિશ્લેષણની. માહિતી સંચારની આધુનિક વ્યવસ્થામાં માહિતીના ઢગલે ઢગલા મગજમાં ઠલવાઈ રહ્યા છે. આ બધામાંથી કામની અને જરૂર પૂરતી માહિતીને અલગ તારવવાની ક્ષમતા નવી પેઢીમાં લાવવી પડશે. શાળા-કોલેજો હવે માત્ર માહિતી ઠાંસી ઠાંસીને ભરવાને બદલે તેને ચાળવાનું પણ શીખવી શકશે તો ઉત્તમ. જેમ પેટની ક્ષમતા કરતાં વધુ ખાવું અરુચીકર અને મુશ્કેલી પેદા કરે છે તેમ મગજમાં અસાધારણ માહિતી પણ નકારાત્મક અસરો પેદા કરે છે. આ બાબતે નવી પેઢીને સચેત કરવાની જવાબદારી શાળા-કોલેજોની રહેશે.
                 અંતમાં, શિક્ષણમાં એ પૂરતું નથી કે તમે પાસ થઈ જાવ, પરંતુ એની સાથે માનવ સહજ બીજી આવડતો અને વૈચારિક ક્ષમતામાં ઉમેરણ થવું જોઈએ. વૈશ્વિક સ્પર્ધાત્મક યુગમાં આ અનિવાર્ય બનવાનું છે. તેને માટે નવી પેઢીને તૈયાર કરીએ અને સરસ્વતી(વિદ્યા)પૂજનને ના નવા મૂલ્યો (ગુણો) સાથે સાર્થક કરીએ તો સરસ્વતી અને વસંત બંનેના આશીર્વાદ આપણને મળશે, ખરું ને?!


-ડૉ. વિજય મનુ પટેલ 

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...