કોઈ નવી શરૂઆત હંમેશાં આવકારદાયક
ગણાય, પણ દરેક નવી શરૂઆત શું એટલી બધી અજોડ હોય છે કે તેને
સમાચારપત્રો અને મીડિયામાં ચમકાવવી પડે?! કોરોના મહામારી
પછીના અનિવાર્ય લોકડાઉનમાં સૌ કોઈએ નવી શરૂઆત કરવી પડી છે, એટલે
શિક્ષણ પણ એમાં બાકાત નથી રહ્યું. કોર્પોરેટ્સ મિટિંગ્સ,
ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને વૈશ્વિક સંસ્થાઓ સાથેનું આઉટસોર્સીંગ જેવા કામો તો
ઘરે બેઠા થતા જ હતા હવે તેમાં શાળાના વૈધિક શિક્ષણને ઓનલાઈન કરવાનું ચલણ વધ્યું
છે.
દરેક
નવી વિષમ પરિસ્થિતી નવી ઉપાધીઓ લાવે, પણ તેમાંથી નવા
રસ્તાઓ પણ જન્મતા હોય છે. શાળાના શિક્ષણને ઘેરબેઠા ભણાવવાના નુસ્ખાઓની શરૂઆત થઈ છે, પણ
ઘણાબધા લોકો અને સંસ્થાઓને એ એટલું બધુ સાહસિક કદમ લાગ્યું છે કે તેને ‘પબ્લિસિટી
સ્ટંટ’ બનાવી કાઢ્યું છે. રાજ્યથી લઈને સ્થાનિક સ્તર સુધી આવા
લોકો એ રીતે પોતાના online શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે કે જાણે તેઓ જ આવું
કરનારા સૌથી પહેલા છે!!
એક-બે કિસ્સામાં તો એવું જાણવા મળ્યું કે આવો કૂદકો આંધળૂકિયો જ હતો કેમ કે, આ રીતે ભણાવવા માટે ન તો તેમની પાસે કોઈ પ્લેટફોર્મ હતું કે ન તો અગાઉથી તૈયાર કરેલું સાહિત્ય (materials) હતું! Online ભણાવવા માટે શિક્ષક પાસે કઈ કઈ સુવિધાઓ કે જાણકારી હોવી જોઈએ તેની તૈયારી સુદ્ધાં કરવામાં આવી નહોતી. અને વળી, આ બધુ જ ‘મફતિયું’ મળ્યું એટલે સૌ કોઈ લેવા દોડ્યા! કેટલીયે જાણીતી સંસ્થાઓ પોતાની ‘નવી પહેલ’ના પ્રચાર-પ્રસારમાં આંખે પાટો બાંધીને કૂદી પડી હતી. આ એપ્લીકેશનની વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતા વિશે તેમને કોણ પૂછવા જાય? અને કોણ સાચું કહેશે? વિદ્યાર્થીઓ અને વાલીઓ આ અંગે આગળ આવે તો ઝૂમ દ્વારા શિક્ષણની ઉપયોગિતા અંગે સાચું ચિત્ર સ્પષ્ટ થાય.
એમાંયે
ઘણાબધા વ્યક્તિઓ અને સંચાલકો એવાય ખરા કે જેઓ આજ સુધી પોતાનું ઇ-મેઈલ નિયમિત રીતે
જોતાં નહોતા. પોતાની સંસ્થાની વેબસાઈટસ પર પણ છેલ્લે શું અને ક્યારે પોસ્ટ કરી હતી
તેની પણ જાણ નહોતી! આવા લોકો જ્યારે સમાચારપત્રમાં મોટા ઉપાડે ‘અમે તો
ઓનલાઈન ભણાવીએ!’ની ગુલબાંગો હાંકે ત્યારે કેટલાયે લોકોને ગેરમાર્ગે દોરી
લઘુતાગ્રંથિ પેદા કરવાનું પાપ કરતાં હોય છે. નવું કર્યાનો નિજાનંદ હોય પણ તેને
જાહેર કરવાની તીવ્ર ઘેલછા આત્મશ્લાઘાની પરાકાષ્ઠા કહેવાય.
શિક્ષણ
જગતમાં એવી કેટલીય વેબસાઈટસ અને પ્લેટફોર્મ્સ છે જેમની પાસે તકનીકી રીતે ઉત્તમ કહી
શકાય તેવા વિડિયોઝ, ઓડિયોઝ અને પ્રિન્ટ કરી શકાય તેવું મૂલ્યાંકન સાહિત્ય છે
તેમ છતાં તેઓ પોતાની ખાસ જાહેરાત પણ કરતાં હોય તેવું જણાતું નથી. ઓનલાઈન ભણાવી
શકાય તેવું સક્ષમ આંતરમાળખું આ લોકો પાસે છે. છતાં આજ સુધી એ તરફ જોયુ સુદ્ધાં ન
હોય તેવી પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થાઓ અચાનક કોઈ તૈયારી કે મૂડીરોકાણ વિના ઓનલાઈન
ભણાવવા નીકળી પડે ત્યારે તે હાસ્યાસ્પદ તો લાગે જ છે.
બીજી
તરફ આ ઉતાવળ એટલા માટે પણ યોગ્ય જણાતી નથી કે શાળાના અભ્યાસક્રમને આ રીતે વર્ચુયલી
શીખવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ટેવાયેલા જ નથી. એમને પણ આ પ્રક્રિયા કેમ
કરવી, તેને માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે, કયા
પ્રકારની સાવચેતી રાખવી વગેરેની કોઈ જાણકારી કે પ્રશિક્ષણ આપ્યા વિના જ જોતરી
દેવામાં આવ્યા છે. ઘરમાં બેસી રહે એના કરતાં ‘આમ કરજો’નો આદેશ
છોડીને સંચાલકો અને શિક્ષકો પણ online educationના ખાડામાં કૂદી પડ્યા છે. પણ હવે
ખાડામાં અંધારું હોય તો પણ બહાર નીકળવાની મથામણ કરવા કરતાં ત્યાં જ થોડો સમય પડી
રહેવામાં તેઓ ઈતીશ્રી માની રહ્યા છે!!
જેમની
પાસે વેબિનાર્સ કે ઓનલાઈન મિટિંગ માટેનું સમૃદ્ધ માળખું છે તેવા કોર્પોરેટ્સ પણ
આનો વારંવાર ઉપયોગ કરતાં નથી. માહિતીના આદાન-પ્રદાન કે તાલીમ માટે તેનો વિશેષ
ઉપયોગ થાય છે. ઉપરાંત, સ્નાતક કે પછીના વૈધિક શિક્ષણની અનુકૂળતા ન હોય તો અવૈધિક
રીતે આવા ઓપન સોર્સથી ભણવાનું કાર્ય ચાલતું હોય છે. પણ આટલી પરિપક્વતા, સમજ કે
તકનીકી કુશળતા શાળામાં વિદ્યાર્થીઓ પાસે હોય છે ખરી? તો પછી
શાળાના વિદ્યાર્થીઓ માટે online શિક્ષણ કેટલું કારગર?
અપરિપક્વ કે અજ્ઞાની વ્યક્તિઓ ઇન્ટરનેટ પર બેસે તો એ તલવારની ધાર પર બેસવા બરાબર
છે એવા સમયે શાળાઓ ‘ઝૂમી’ રહી છે!!
ઉચ્ચતર
માધ્યમિક કક્ષાએ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ માટે કેટલાક ખાનગી કોચિંગ
ક્લાસીસ દ્વારા online વર્ગોનું સંચાલન થતું હોય છે. શક્ય છે કે ઉચ્ચતર માધ્યમિક
કક્ષાના વિદ્યાર્થીઓને કઇંક અંશે અનુકૂળ આવેય ખરું. પરંતુ પ્રાથમિક કક્ષાના બાળકો
માટે પણ વર્ચ્યુયલી ભણાવવાની મહાત્વાકાંક્ષા વધારે પડતી લાગે છે. બાળ મનોવિજ્ઞાન
કહે છે કે પ્રત્યક્ષીકરણ વિના શીખવું
મહદંશે શક્ય નથી. કેમ કે 5 થી 12 વર્ષના બાળકો ઘણુખરું સ્પર્શ દ્વારા શીખે તો તેઓ
વધુ સારી રીતે આત્મસાત કરી શકે છે. આ વાત વર્ચ્યુઅલમાં આવે ખરી?! માત્ર
વર્કશીટ્સ, કવીઝ કે કોયડા સ્વરૂપે બાળકોને પ્રવૃત્તિમાં રોકી શકાય છે, ભણાવી
શકાતા નથી!
વર્તમાન
કોરોના સંકટે આવનારા સમયની દુનિયા અને તેના વ્યવહારની બદલી નાંખ્યા છે અને એમાં આ
રીતે ઘરે રહીને પણ પ્રવૃત રહેવાની નવી બારીઓ ઊઘડશે એમાં કોઈ શંકા નથી. શાળા-કોલેજો
હવેથી એ દિશામાં વિચારશે એમ કહેવા કરતાં તેમણે એમ વિચારવું જ પડશે એમ કહીશ. પણ આનો
મતલબ એવો કદી થતો નથી કે એ નવી વ્યવસ્થાને સમજ્યા વિના જ કૂદી પડવું. સાયકલ શીખવતા
પહેલા એક પગ ઉપર ઊભા રહીને શરીરનું સંતુલન જાળવવાનું શીખવવામાં કોઈ વાંધો ખરો?
જે
હવે લાંબાગાળા માટે વિચારવું પડવાનું છે તો પછી તેને હવે પૂરી તૈયારી અને માળખાકીય
રીતે વિચારવાની શરૂઆત ક્યારથી કરવાની છે? આ વિશે હજી કોઈ
જ કશું વિચારતું નથી. મોટાભાગની શાળા-કોલેજો અદ્ધર-પદ્ધર પ્રયોગો કરીને સમય વીતાવે
છે, કેમ કે એ લોકો જાણે છે કે જૂનું તો હજીયે રહેવાનું જ છે તો પછી ઝાઝું
વિચારવાનું કે ખર્ચવાનું રહે જ નહીં ને? સહેલું ને સટ્ટ!
-ડૉ. વિજય મનુ પટેલ