લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી હોય
ત્યારે શિક્ષણ પ્રભાવિત થાય ખરું? આ પ્રશ્ન ચિંતનાત્મક તો ખરો જ. કેમ કે, સામાજિક પ્રસંગો કે દુર્ઘટનાઓ જે તે શૈક્ષણિક સંસ્થાઓ પર ઓછી વધતી અસર એ
રીતે કરે છે કે આવા સમયે શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગેરહાજરીનું પ્રમાણ
વધે! આમ થાય એટલે વર્ગખંડ શિક્ષણ પર પણ થોડી અસર તો થાય. આમેય દુનિયાના ઘણા
વિકાસશીલ દેશોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે ભારત પણ તેમાં અપવાદરૂપ નથી.
દરેક શાસક પક્ષ ચૂંટણીની જીત માટેના વિકાસમાં જેટલું ધ્યાન આપે છે તેટલું શિક્ષણ
કે આરોગ્યમાં આપતો નથી એ વાત પણ માનવી જ પડે.
આ
પુસ્તક મજાનું છે- એવું આ વાક્ય ખૂબ સરળ જણાય છે, પરંતુ તમને જાણીને
નવાઈ લાગશે કે કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડાના ત્રીજા
ધોરણના દર ચારમાંથી ત્રણ બાળકો આ વાક્ય સમજી શકતા નથી. એ દેશોની વાત છોડો. ભારતના
ગ્રામીણ વિસ્તારના ત્રીજા ધોરણના ત્રીજા ભાગના બાળકો બે સંખ્યાની બાદબાકીના દાખલા
ગણવા સક્ષમ નથી. અને વધુ આશ્ચર્ય એ કે પાંચમા ધોરણ સુધી આવ અક્ષમ બાળકો
(વિદ્યાર્થીઓ)ની સંખ્યા લગભગ 50 ટકા જેટલી થઈ જાય છે!
સમગ્ર
રીતે કહીએ તો આખું વિશ્વ ભણવાની કટોકટીથી પીડાઈ રહ્યું છે. દુનિયાના દેશો શિક્ષણ
પાછળ પોતાનું ધ્યાન અને ખર્ચ બંને ભલે વધારી રહ્યા હોય,
પણ એ શીખવાની વૃદ્ધિ દર્શાવતુ નથી! દુનિયાના લાખો બાળકો જ્યારે તરુણાવસ્થાએ પહોંચે
છે ત્યારે દાકતરની છાપેલી સૂચનાઓ કે બસનું સમયપત્રક સમજી શકતા નથી. શિક્ષણ એ માનવમૂડી
નિર્માણના કેન્દ્રમાં છે. જો શિક્ષણ અને આરોગ્યનો સંપૂર્ણ આનંદ લેવાની વાત હોય તો
વર્લ્ડ બેન્કના એક અહેવાલ મુજબ દુનિયાના 56 ટકાથી વધુ બાળકો પોતાના શિક્ષણ અને
આરોગ્યથી માંડ અડધી ક્ષમતા સુધી જ પહોંચી શકે છે.
શિક્ષણ
વ્યક્તિ અને સમાજ, એમ બંને ને મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસ
અને રોજગારી માટેની ભાવિ તકો વધારીને વ્યક્તિગત રીતે મદદરૂપ
થાય છે, તો દેશના લાંબાગાળાના વિકાસ,
ગરીબી નિર્મૂલન અને નવીનીકરણને ઉત્તેજન આપી સમાજ ઉત્થાનમાં સહાયક બને છે. એવું નથી
કે કોઈ દેશ ઈરાદાપૂર્વક શિક્ષણના ક્ષેત્રની ઉપેક્ષા કરતો હોય. માનવમૂડીના અનિવાર્ય
અંગ તરીકે ‘શિક્ષણ’ના મહત્ત્વ્થી દરેક
દેશ વાકેફ છે, છતાં શીખવા-શીખવવા બાબતે કેમ કટોકટી સર્જાઈ છે
એ વિશે વિચારીએ.
એક
કારણ એ છે કે વિકાસશીલ દેશો પાસે એ બાબતે બહુ ઓછી જાણકારી છે કે કોણ શીખે (ભણે) છે
અને કોણ નથી શીખતું? જો આ ખબર ન હોય તો આગળ કેમ વધાય? શૈક્ષણિક નીતિની અસ્પષ્ટતાને કારણે શું અને કેવું શીખવવું તે બાબતે પણ
ભારે અસમંજસતા જણાય છે. આવી અનિશ્ચિતતાને લીધે શિક્ષકો અને શાળાઓ વિદ્યાર્થીઓને
માત્ર પાયાના વાંચન-લેખનથી વિશેષ કશું શીખવતા નથી. વિદ્યાર્થીઓ માહિતીને વાંચે-લખે
તેટલું જ પૂરતું નથી પણ તેનું અર્થઘટન, વિશ્લેષણ, અભિપ્રાય, રજૂઆત બાબતે પણ કુશળ થવા જોઈએ.
વિશ્વબેન્કનું
ધ્યેય એ છે કે દુનિયાના દરેક બાળક અને યુવાનને એવી આવડતો શીખવાની તક મળે જેનાથી
તેઓ વધુ ઉત્પાદક, સંપૂર્ણ અને સર્જનાત્મક કર્મચારી બની શકે.
આ માટે શાળા કક્ષાએ બાલમંદિરથી ઉચ્ચ કક્ષા સુધી સંચાલકો વધુ સક્ષમ બને, શિક્ષકો અધ્યાપનમાં કુશળ બને અને શીખવવાની તકનીકીમાં સુધારો થાય એમ દરેક
તબક્કે મદદરૂપ થવાનું લક્ષ્ય છે.
સંશોધનના
તારણો અને અભ્યાસો પરથી સ્પષ્ટ છે કે આ કટોકટી શીખવવાને લગતી જ છે. મતલબ
વિદ્યાર્થીઓ(શીખનારાઓ)ને સારા શિક્ષકોની જરૂર છે! ઉપરછલ્લી શિક્ષણ વ્યવસ્થામાં
શિક્ષકો ભણાવતા દેખાય છે, પણ હકીકતમાં તે અધૂરું અને અપૂરતું હોય છે.
સદભાગ્યે દરેક દેશમાં, ઘણા વિદ્યાર્થીઓના નસીબમાં ઉત્સાહી
અને સમર્પિત શિક્ષકો છે. જેઓ ગમે તેવા ઝડપી પરિવર્તનો સાથે તાલમેલ સાધીને
વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. પોતાની સર્જનાત્મકતા, કુશળતા અને નિષ્ઠા થકી તેઓ આમ કરતાં જ રહે છે.
મોરક્કોના
કેન્ટીરા નામના એક પ્રાંતની શાળામાં આવા જ એક શિક્ષિકાએ પોતાના હાથે જ શાળાની
દીવાલ રંગી હતી. દરેક બાળકને મઝા પડે, ભાગીદારી કરે અને શીખે એ માટે અનેક સાધનો
પણ બનાવ્યા હતા. તેના વર્ગમાં દરેક અંગ્રેજી મૂળાક્ષર સાથે એક પ્રાણીનો અવાજ અને
હલનચલન જોડ્યો હતો. જ્યારે તેણી એવો કોઈ અવાજ અને હલનચલન કરે એટલે બાળકો એ શબ્દોને
લખી દેતા! જે બાળકો તેમ ન કરી શકતા તેમને સરળતાથી શિક્ષિકા શોધી કાઢતી અને તેને
શીખવવામાં મદદરૂપ થતી. બાળકો આ રીતે શીખવામાં મશગૂલ બનતા. તેઓ ભૂલ થવાની બીક વિના
જોડાતા કેમ કે શીખવનાર શિક્ષિકા પર તેમને વિશ્વાસ રહેતો!
બધા
જ શિક્ષકો આવા નથી હોતા. તેઓને પ્રેરિત કરવામાં મદદની જરૂર પડે. આ માટે વર્લ્ડ
બેન્કે એક વૈશ્વિક પ્લેટફોર્મ નામે ‘સફળ શિક્ષકો, સફળ
વિદ્યાર્થીઓ’ શરૂ કર્યું. આ પ્લેટફોર્મ દ્વારા દુનિયાના
શિક્ષકો પોતાના વિષયમાં વધુ અસરકારક અને સક્ષમ બને તેવો પ્રયાસ થાય છે. વર્ગમાં
પ્રવેશતા પહેલા યોગ્ય જ્ઞાન-માહિતી અને કૌશલ્યથી સજ્જ થવાનું માર્ગદર્શન આપવામાં
આવે છે.
આપણે
જાણીએ છીએ કે ટેક્નોલૉજીએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. શિક્ષકો,
વિદ્યાર્થીઓને શીખવા-શીખવવામાં પણ આજે તેની જ બોલબાલા વધી છે. હજારો લોકો આજે શિક્ષણમા
તેનો વિનિયોગ કરી રહ્યા છે. ટેક્નોલૉજી દ્વારા શિક્ષણ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ બહુવિધ પણ બન્યું છે. અન્ય શાળાના શિક્ષકો પાસેથી કોઈપણ શાળાના
વિદ્યાર્થીઓને શીખવાની અનુકૂળતા થઈ છે. ભારતમાં પણ આવી અનેક એજન્સીઓ અને
વેબ-પોર્ટલ્સ ઉદભવ્યા છે. જેના થકી શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા સુધરી શકે છે.
પરંતુ કમનસીબી એ છે કે સરકારની વારંવાર બદલાતી નીતિ અને આદેશોએ કશુંય સાતત્યપૂર્ણ
રીતે ચાલવા જ દીધું નથી.
આવી
સ્થિતિ દુનિયાના અન્ય દેશોમાં ભલે હોય, પણ ભારત સરકારે પાયાના શિક્ષણના પરિણામ
કરતાં તેની ‘પ્રક્રિયા’ પર વધુ ભાર
આપવાની જરૂર છે એ બિલકૂલ દીવા જેવી સ્પષ્ટ વાત છે. આશા રાખીએ સમાજ પણ એવી માંગ
પેદા કરે!!
No comments:
Post a Comment