Sunday, 16 February 2020

ગુજરાતનાં નવા શિક્ષણ સુધારાઓ વિશે

               સરકારી નિર્ણય વધારે નહીં તોયે, જરાક પદ્ધતિસર સ્વરૂપમાં અને તે પણ અગાઉથી, જાહેર થાય ત્યારે થોડી નવી આશા બંધાય. કેમ કે, મોટાભાગના સરકારી નિર્ણયો આ માપદંડમાં ફીટ બેસતા હોતા જ નથી! ખેર, ઘણા સમયથી શિક્ષણક્ષેત્રે જે શુષ્કતા અને અરાજકતા હતી તે હવે દૂર થશે એવી અપેક્ષાથી આવનારા પરિવર્તન સંબંધિત નિર્ણયો પર નજર કરીએ.
                આપણા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અનેક વિભાગો અને સંસ્થાઓમાં વહેંચાયેલી રહી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને તેમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સ્વનિર્ભર શાળાઓ મળીને અંદાજે ૫૫૦૦૦ શાળાઓમાં સવા કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાંની ૫૦૦ જેટલીએ શાળાઓ કેન્દ્રિય કે અન્ય બોર્ડ દ્વારા સંચાલિત છે એટલે લગભગ ચોપન હજારથી વધુ શાળાઓ ગુજરાત શિક્ષણ બોર્ડના દાયરામાં આવે છે. આ બધી શાળાઓમાં ગુણવત્તાને નામે ઠીકઠાક પરિસ્થિતી છે. હવે એમાં સુધારો કરવાનો વિચાર સરકારને આવ્યો છે અને તે માટે પ્રગતિશીલ અને ભવિષ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરવા માટે આવનારા વર્ષથી કેટલાક નવા સુધારા અને પદ્ધતિઓનો અમલ કરવાનો રહેશે. આવી મહત્ત્વની બાબતો પર નજર કરીએ.
               

                નવું સત્ર 2021ની 1 લી એપ્રિલથી શરૂ થશે. એટલે આવતા વર્ષથી તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને નિયમિત સ્વરૂપે સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો માર્ચ સુધીમાં મળી જશે એમ માની લઈએ! આ પાઠ્યપુસ્તકો NCF દ્વ્રારા તૈયાર થશે અને ધોરણ 3 થી 8 ના તમામ પુસ્તકો QR કોડવાળા હશે. 9 થી 12માં NCERTના પાઠ્યપુસ્તકો અમલમાં છે જ. નવા સત્રથી કોઈપણ શાળાનો આધાર ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જ પુસ્તકો જ રહેશે. અહીં એ ધ્યાન રહે કે ઘણી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ખાનગી શાળાઓ ખાનગી પ્રકાશનોના પુસ્તકોનો ઉપયોગ કરતી હતી. હવે એ પ્રતિબંધિત થશે. જો કે સંદર્ભ સાહિત્ય તરીકે ખાનગી પ્રકાશનોના પુસ્તકો વાપરી શકાશે એવી બારી તો એમાં છે જ!
                હવે પછી આ જ પાઠ્યપુસ્તકો પર આધારિત એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય કસોટીનું આયોજન કરવામાં આવશે.(આ વ્યવસ્થા પહેલા સરકારી પ્રાથમિક શાળાઓ પૂરતી હતી.) પ્રશ્નપત્રો તૈયાર કરવાનું કામ GCERT કરશે. તમામ પ્રાથમિક શાળાઓમાં આના આયોજનની જવાબદારી પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીની રહેશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ આવી એકમ કસોટીઓનું આયોજન થશે તેનું સંચાલન GSHSEB દ્વારા થશે અને તેના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે. પ્રશ્નપત્રોની રચના અને વિતરણની જવાબદારી સરકાર ઉપાડશે. હા, છાપકામ ખર્ચ જે તે સંસ્થાએ ઉપાડવાનો રહેશે!
                આ બધા જ પ્રકારના પ્રશ્નપત્રો દરેક માધ્યમ માટે તૈયાર થશે આ તમામ કામગીરી અને સંકલન માટે એક Task Force રચવાની વાત કરવામાં આવી છે. એટલે હવેથી આખા રાજયમાં ધોરણ 3થી 10ના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો એકસરખા હશે. આમાં તમામ પ્રકારની શાળાઓ સમાવિષ્ટ હશે. પરીક્ષાના સંચાલનમાં વર્ગ-2થી ચઢિયાતાં સરકારી માણસોને પણ જોતરવાની વાત છે!. શિક્ષણની ગુણવત્તા માટેની આંતરરાષ્ટ્રીય PISA કસોટીમાં ગુજરાત પણ 2024માં હિસ્સેદાર બનવા માંગે છે. આ એક સારી મહત્વાકાંક્ષા છે એટલે આવકારીએ.  
                હવે મૂલ્યાંકનની વાત જોઈએ. એકમ કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ કરવાનું રહેશે. જ્યારે પ્રથમ અને દ્વિતીય સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ માટે અન્ય શાળાના શિક્ષકો (થર્ડ પાર્ટી)ને કામે લગાડાશે. મતલબ હાલમાં બોર્ડ પરીક્ષાની જવાબવહીઓ તપાસાય છે તેમ. આની વ્યવસ્થા Task Forceને સોંપાઈ છે. વળી, એકમ કસોટીના ગુણ દરેક શાળાઓએ SSA પોર્ટલ ઉપર online મૂકવાના રહેશે. નવા સત્રથી રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને તમામ ખાનગી શાળાઓએ એકસમાન એવી એકમ કસોટીનો હિસ્સો બનવાનો રહેશે.
                મૂલ્યાંકન સંલગ્ન આટલી સ્પષ્ટતા પછી શિક્ષકોની સજ્જતા માટે શું? તો નવા સત્રથી આ વિશેની કામગીરી GCERT અને DIETને સોંપવામાં આવશે. તેઓ શિક્ષકોની તાલીમનું આયોજન કરશે. શાળા શિક્ષકોની શ્રેષ્ઠતાને અન્યો સુધી પહોંચવા માટે વિવિધ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવાની સરકારની નેમ છે. આ બધા ઠરાવોના અમલ વિશેની થોડી સંક્ષિપ્ત મર્યાદાઓ પણ વિચારી લઈએ.    
  1. શાળાઓના શિક્ષકો પાસે તમે જે ઈચ્છો છો તેવું અને તેટલું જ કામ કરાવવા ઇચ્છો છો? શા માટે? તમારા દ્વારા જ પસંદ થયેલા શિક્ષકો 'યંત્રવત' બનશે તે યોગ્ય હશે?
  2. કસોટીઓની ભરમાર અને તેના ભારપૂર્વક્ના અમલ દ્વારા તમે માત્ર શિક્ષકના પરિણામ (Output) પર જ વધુ ધ્યાન આપવા માંગો છો? તો પછી શિક્ષણની પ્રક્રિયાનું શું?
  3. શિક્ષકોની તાલીમ માટેના તજજ્ઞો (ક્ષમતાવાન વ્યક્તિઓ)ની DIET કે GCERT પાસે અછત છે. તો તાલીમની અસરકારકતા ફળદાયી નીવડશે ખરી?
  4. ગુજરાતનું શાળાકીય શિક્ષણ કથળવાનું એક મહત્ત્વનું કારણ 'લાદી દેવાતા સરકારી કાર્યક્રમો' છે. આવા ઉત્સવો, સેવા પ્રકલ્પો, મેળાઓ વગેરેનો અતિરેક ઘટાડવાનો કોઈ ઠરાવ થશે ખરો? ક્યારે?
  5. એકમ કસોટી હાલમાં 'ફૂટેલા' પેપરથી જ લેવાય છે! એને સિદ્ધિ ગણશો?
  6. સત્રાંત પરીક્ષાની જવાબવહીના થર્ડ પાર્ટી મૂલ્યાંકનમાં વાલીઓને અસંતોષ થાય તો ફરિયાદ કયા શિક્ષકને કરશે? પોતાની શાળાના કે બીજી શાળાના?!

                શિક્ષણ વ્યવસ્થામાં સળવળાટ થયો છે એ જરૂરી હતું એટલે આવકારદાયક છે. છતાં, પણ હજી સરકારના પક્ષે વિચારવા જેવા મુદ્દા તો છે જ. અગાઉ સરકારે ઉતાવળે નિર્ણયો કરવામાં ઘણી વખત ભાંગરો વાટ્યો હતો. આ વખતે પાકા પાયે કામ કરે એવી અપીલ અને અપેક્ષા પણ છે. ગુજરાત સરકારનું શિક્ષણ ખાતું દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની જે જે સારી બાબતો અને સફળતા છે તેને પ્રમાણિકતાથી સ્વીકારવાનું ઔચિત્ય દાખવે એવી પણ અંતરેચ્છા!
               
-ડૉ. વિજય મનુ પટેલ 

1 comment:

  1. આવનાર પરિવર્તન વિદ્યાર્થીઓ માટે પ્રગતિશીલ નિવડે તેવી આશા સહ શુભેચ્છાઓ

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...