Wednesday, 26 February 2020

શિક્ષણની પ્રક્રિયા પર ધ્યાન આપો!

                 લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી હોય ત્યારે શિક્ષણ પ્રભાવિત થાય ખરું? આ પ્રશ્ન ચિંતનાત્મક તો ખરો જ. કેમ કે, સામાજિક પ્રસંગો કે દુર્ઘટનાઓ જે તે શૈક્ષણિક સંસ્થાઓ પર ઓછી વધતી અસર એ રીતે કરે છે કે આવા સમયે શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગેરહાજરીનું પ્રમાણ વધે! આમ થાય એટલે વર્ગખંડ શિક્ષણ પર પણ થોડી અસર તો થાય. આમેય દુનિયાના ઘણા વિકાસશીલ દેશોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે ભારત પણ તેમાં અપવાદરૂપ નથી. દરેક શાસક પક્ષ ચૂંટણીની જીત માટેના વિકાસમાં જેટલું ધ્યાન આપે છે તેટલું શિક્ષણ કે આરોગ્યમાં આપતો નથી એ વાત પણ માનવી જ પડે.
                આ પુસ્તક મજાનું છે- એવું આ વાક્ય ખૂબ સરળ જણાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડાના ત્રીજા ધોરણના દર ચારમાંથી ત્રણ બાળકો આ વાક્ય સમજી શકતા નથી. એ દેશોની વાત છોડો. ભારતના ગ્રામીણ વિસ્તારના ત્રીજા ધોરણના ત્રીજા ભાગના બાળકો બે સંખ્યાની બાદબાકીના દાખલા ગણવા સક્ષમ નથી. અને વધુ આશ્ચર્ય એ કે પાંચમા ધોરણ સુધી આવ અક્ષમ બાળકો (વિદ્યાર્થીઓ)ની સંખ્યા લગભગ 50 ટકા જેટલી થઈ જાય છે!

                    સમગ્ર રીતે કહીએ તો આખું વિશ્વ ભણવાની કટોકટીથી પીડાઈ રહ્યું છે. દુનિયાના દેશો શિક્ષણ પાછળ પોતાનું ધ્યાન અને ખર્ચ બંને ભલે વધારી રહ્યા હોય, પણ એ શીખવાની વૃદ્ધિ દર્શાવતુ નથી! દુનિયાના લાખો બાળકો જ્યારે તરુણાવસ્થાએ પહોંચે છે ત્યારે દાકતરની છાપેલી સૂચનાઓ કે બસનું સમયપત્રક સમજી શકતા નથી. શિક્ષણ એ માનવમૂડી નિર્માણના કેન્દ્રમાં છે. જો શિક્ષણ અને આરોગ્યનો સંપૂર્ણ આનંદ લેવાની વાત હોય તો વર્લ્ડ બેન્કના એક અહેવાલ મુજબ દુનિયાના 56 ટકાથી વધુ બાળકો પોતાના શિક્ષણ અને આરોગ્યથી માંડ અડધી ક્ષમતા સુધી જ પહોંચી શકે છે.
                શિક્ષણ વ્યક્તિ અને સમાજ, એમ બંને ને મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસ અને રોજગારી   માટેની ભાવિ તકો વધારીને વ્યક્તિગત રીતે મદદરૂપ થાય છે, તો દેશના લાંબાગાળાના વિકાસ, ગરીબી નિર્મૂલન અને નવીનીકરણને ઉત્તેજન આપી સમાજ ઉત્થાનમાં સહાયક બને છે. એવું નથી કે કોઈ દેશ ઈરાદાપૂર્વક શિક્ષણના ક્ષેત્રની ઉપેક્ષા કરતો હોય. માનવમૂડીના અનિવાર્ય અંગ તરીકે શિક્ષણના મહત્ત્વ્થી દરેક દેશ વાકેફ છે, છતાં શીખવા-શીખવવા બાબતે કેમ કટોકટી સર્જાઈ છે એ વિશે વિચારીએ.
                    એક કારણ એ છે કે વિકાસશીલ દેશો પાસે એ બાબતે બહુ ઓછી જાણકારી છે કે કોણ શીખે (ભણે) છે અને કોણ નથી શીખતું? જો આ ખબર ન હોય તો આગળ કેમ વધાય? શૈક્ષણિક નીતિની અસ્પષ્ટતાને કારણે શું અને કેવું શીખવવું તે બાબતે પણ ભારે અસમંજસતા જણાય છે. આવી અનિશ્ચિતતાને લીધે શિક્ષકો અને શાળાઓ વિદ્યાર્થીઓને માત્ર પાયાના વાંચન-લેખનથી વિશેષ કશું શીખવતા નથી. વિદ્યાર્થીઓ માહિતીને વાંચે-લખે તેટલું જ પૂરતું નથી પણ તેનું અર્થઘટન, વિશ્લેષણ, અભિપ્રાય, રજૂઆત બાબતે પણ કુશળ થવા જોઈએ.
               વિશ્વબેન્કનું ધ્યેય એ છે કે દુનિયાના દરેક બાળક અને યુવાનને એવી આવડતો શીખવાની તક મળે જેનાથી તેઓ વધુ ઉત્પાદક, સંપૂર્ણ અને સર્જનાત્મક કર્મચારી બની શકે. આ માટે શાળા કક્ષાએ બાલમંદિરથી ઉચ્ચ કક્ષા સુધી સંચાલકો વધુ સક્ષમ બને, શિક્ષકો અધ્યાપનમાં કુશળ બને અને શીખવવાની તકનીકીમાં સુધારો થાય એમ દરેક તબક્કે મદદરૂપ થવાનું લક્ષ્ય છે.
                   સંશોધનના તારણો અને અભ્યાસો પરથી સ્પષ્ટ છે કે આ કટોકટી શીખવવાને લગતી જ છે. મતલબ વિદ્યાર્થીઓ(શીખનારાઓ)ને સારા શિક્ષકોની જરૂર છે! ઉપરછલ્લી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો ભણાવતા દેખાય છે, પણ હકીકતમાં તે અધૂરું અને અપૂરતું હોય છે. સદભાગ્યે દરેક દેશમાં, ઘણા વિદ્યાર્થીઓના નસીબમાં ઉત્સાહી અને સમર્પિત શિક્ષકો છે. જેઓ ગમે તેવા ઝડપી પરિવર્તનો સાથે તાલમેલ સાધીને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. પોતાની સર્જનાત્મકતા, કુશળતા અને નિષ્ઠા થકી તેઓ આમ કરતાં જ રહે છે.
                   મોરક્કોના કેન્ટીરા નામના એક પ્રાંતની શાળામાં આવા જ એક શિક્ષિકાએ પોતાના હાથે જ શાળાની દીવાલ રંગી હતી. દરેક બાળકને મઝા પડે, ભાગીદારી કરે અને શીખે એ માટે અનેક સાધનો પણ બનાવ્યા હતા. તેના વર્ગમાં દરેક અંગ્રેજી મૂળાક્ષર સાથે એક પ્રાણીનો અવાજ અને હલનચલન જોડ્યો હતો. જ્યારે તેણી એવો કોઈ અવાજ અને હલનચલન કરે એટલે બાળકો એ શબ્દોને લખી દેતા! જે બાળકો તેમ ન કરી શકતા તેમને સરળતાથી શિક્ષિકા શોધી કાઢતી અને તેને શીખવવામાં મદદરૂપ થતી. બાળકો આ રીતે શીખવામાં મશગૂલ બનતા. તેઓ ભૂલ થવાની બીક વિના જોડાતા કેમ કે શીખવનાર શિક્ષિકા પર તેમને વિશ્વાસ રહેતો!
                    બધા જ શિક્ષકો આવા નથી હોતા. તેઓને પ્રેરિત કરવામાં મદદની જરૂર પડે. આ માટે વર્લ્ડ બેન્કે એક વૈશ્વિક પ્લેટફોર્મ નામે સફળ શિક્ષકો, સફળ વિદ્યાર્થીઓ શરૂ કર્યું. આ પ્લેટફોર્મ દ્વારા દુનિયાના શિક્ષકો પોતાના વિષયમાં વધુ અસરકારક અને સક્ષમ બને તેવો પ્રયાસ થાય છે. વર્ગમાં પ્રવેશતા પહેલા યોગ્ય જ્ઞાન-માહિતી અને કૌશલ્યથી સજ્જ થવાનું માર્ગદર્શન આપવામાં આવે છે.
             આપણે જાણીએ છીએ કે ટેક્નોલૉજીએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. શિક્ષકો, વિદ્યાર્થીઓને શીખવા-શીખવવામાં પણ આજે તેની જ બોલબાલા વધી છે. હજારો લોકો આજે શિક્ષણમા તેનો વિનિયોગ કરી રહ્યા છે. ટેક્નોલૉજી દ્વારા શિક્ષણ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ બહુવિધ પણ બન્યું છે. અન્ય શાળાના શિક્ષકો પાસેથી કોઈપણ શાળાના વિદ્યાર્થીઓને શીખવાની અનુકૂળતા થઈ છે. ભારતમાં પણ આવી અનેક એજન્સીઓ અને વેબ-પોર્ટલ્સ ઉદભવ્યા છે. જેના થકી શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા સુધરી શકે છે. પરંતુ કમનસીબી એ છે કે સરકારની વારંવાર બદલાતી નીતિ અને આદેશોએ કશુંય સાતત્યપૂર્ણ રીતે ચાલવા જ દીધું નથી.
                આવી સ્થિતિ દુનિયાના અન્ય દેશોમાં ભલે હોય, પણ ભારત સરકારે પાયાના શિક્ષણના પરિણામ કરતાં તેની પ્રક્રિયા પર વધુ ભાર આપવાની જરૂર છે એ બિલકૂલ દીવા જેવી સ્પષ્ટ વાત છે. આશા રાખીએ સમાજ પણ એવી માંગ પેદા કરે!!

       
-ડૉ. વિજય મનુ પટેલ 

Sunday, 16 February 2020

ગુજરાતનાં નવા શિક્ષણ સુધારાઓ વિશે

               સરકારી નિર્ણય વધારે નહીં તોયે, જરાક પદ્ધતિસર સ્વરૂપમાં અને તે પણ અગાઉથી, જાહેર થાય ત્યારે થોડી નવી આશા બંધાય. કેમ કે, મોટાભાગના સરકારી નિર્ણયો આ માપદંડમાં ફીટ બેસતા હોતા જ નથી! ખેર, ઘણા સમયથી શિક્ષણક્ષેત્રે જે શુષ્કતા અને અરાજકતા હતી તે હવે દૂર થશે એવી અપેક્ષાથી આવનારા પરિવર્તન સંબંધિત નિર્ણયો પર નજર કરીએ.
                આપણા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અનેક વિભાગો અને સંસ્થાઓમાં વહેંચાયેલી રહી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને તેમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સ્વનિર્ભર શાળાઓ મળીને અંદાજે ૫૫૦૦૦ શાળાઓમાં સવા કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાંની ૫૦૦ જેટલીએ શાળાઓ કેન્દ્રિય કે અન્ય બોર્ડ દ્વારા સંચાલિત છે એટલે લગભગ ચોપન હજારથી વધુ શાળાઓ ગુજરાત શિક્ષણ બોર્ડના દાયરામાં આવે છે. આ બધી શાળાઓમાં ગુણવત્તાને નામે ઠીકઠાક પરિસ્થિતી છે. હવે એમાં સુધારો કરવાનો વિચાર સરકારને આવ્યો છે અને તે માટે પ્રગતિશીલ અને ભવિષ્યલક્ષી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરવા માટે આવનારા વર્ષથી કેટલાક નવા સુધારા અને પદ્ધતિઓનો અમલ કરવાનો રહેશે. આવી મહત્ત્વની બાબતો પર નજર કરીએ.
               

                નવું સત્ર 2021ની 1 લી એપ્રિલથી શરૂ થશે. એટલે આવતા વર્ષથી તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને નિયમિત સ્વરૂપે સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો માર્ચ સુધીમાં મળી જશે એમ માની લઈએ! આ પાઠ્યપુસ્તકો NCF દ્વ્રારા તૈયાર થશે અને ધોરણ 3 થી 8 ના તમામ પુસ્તકો QR કોડવાળા હશે. 9 થી 12માં NCERTના પાઠ્યપુસ્તકો અમલમાં છે જ. નવા સત્રથી કોઈપણ શાળાનો આધાર ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જ પુસ્તકો જ રહેશે. અહીં એ ધ્યાન રહે કે ઘણી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ખાનગી શાળાઓ ખાનગી પ્રકાશનોના પુસ્તકોનો ઉપયોગ કરતી હતી. હવે એ પ્રતિબંધિત થશે. જો કે સંદર્ભ સાહિત્ય તરીકે ખાનગી પ્રકાશનોના પુસ્તકો વાપરી શકાશે એવી બારી તો એમાં છે જ!
                હવે પછી આ જ પાઠ્યપુસ્તકો પર આધારિત એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય કસોટીનું આયોજન કરવામાં આવશે.(આ વ્યવસ્થા પહેલા સરકારી પ્રાથમિક શાળાઓ પૂરતી હતી.) પ્રશ્નપત્રો તૈયાર કરવાનું કામ GCERT કરશે. તમામ પ્રાથમિક શાળાઓમાં આના આયોજનની જવાબદારી પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીની રહેશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ આવી એકમ કસોટીઓનું આયોજન થશે તેનું સંચાલન GSHSEB દ્વારા થશે અને તેના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે. પ્રશ્નપત્રોની રચના અને વિતરણની જવાબદારી સરકાર ઉપાડશે. હા, છાપકામ ખર્ચ જે તે સંસ્થાએ ઉપાડવાનો રહેશે!
                આ બધા જ પ્રકારના પ્રશ્નપત્રો દરેક માધ્યમ માટે તૈયાર થશે આ તમામ કામગીરી અને સંકલન માટે એક Task Force રચવાની વાત કરવામાં આવી છે. એટલે હવેથી આખા રાજયમાં ધોરણ 3થી 10ના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો એકસરખા હશે. આમાં તમામ પ્રકારની શાળાઓ સમાવિષ્ટ હશે. પરીક્ષાના સંચાલનમાં વર્ગ-2થી ચઢિયાતાં સરકારી માણસોને પણ જોતરવાની વાત છે!. શિક્ષણની ગુણવત્તા માટેની આંતરરાષ્ટ્રીય PISA કસોટીમાં ગુજરાત પણ 2024માં હિસ્સેદાર બનવા માંગે છે. આ એક સારી મહત્વાકાંક્ષા છે એટલે આવકારીએ.  
                હવે મૂલ્યાંકનની વાત જોઈએ. એકમ કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ કરવાનું રહેશે. જ્યારે પ્રથમ અને દ્વિતીય સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ માટે અન્ય શાળાના શિક્ષકો (થર્ડ પાર્ટી)ને કામે લગાડાશે. મતલબ હાલમાં બોર્ડ પરીક્ષાની જવાબવહીઓ તપાસાય છે તેમ. આની વ્યવસ્થા Task Forceને સોંપાઈ છે. વળી, એકમ કસોટીના ગુણ દરેક શાળાઓએ SSA પોર્ટલ ઉપર online મૂકવાના રહેશે. નવા સત્રથી રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને તમામ ખાનગી શાળાઓએ એકસમાન એવી એકમ કસોટીનો હિસ્સો બનવાનો રહેશે.
                મૂલ્યાંકન સંલગ્ન આટલી સ્પષ્ટતા પછી શિક્ષકોની સજ્જતા માટે શું? તો નવા સત્રથી આ વિશેની કામગીરી GCERT અને DIETને સોંપવામાં આવશે. તેઓ શિક્ષકોની તાલીમનું આયોજન કરશે. શાળા શિક્ષકોની શ્રેષ્ઠતાને અન્યો સુધી પહોંચવા માટે વિવિધ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવાની સરકારની નેમ છે. આ બધા ઠરાવોના અમલ વિશેની થોડી સંક્ષિપ્ત મર્યાદાઓ પણ વિચારી લઈએ.    
  1. શાળાઓના શિક્ષકો પાસે તમે જે ઈચ્છો છો તેવું અને તેટલું જ કામ કરાવવા ઇચ્છો છો? શા માટે? તમારા દ્વારા જ પસંદ થયેલા શિક્ષકો 'યંત્રવત' બનશે તે યોગ્ય હશે?
  2. કસોટીઓની ભરમાર અને તેના ભારપૂર્વક્ના અમલ દ્વારા તમે માત્ર શિક્ષકના પરિણામ (Output) પર જ વધુ ધ્યાન આપવા માંગો છો? તો પછી શિક્ષણની પ્રક્રિયાનું શું?
  3. શિક્ષકોની તાલીમ માટેના તજજ્ઞો (ક્ષમતાવાન વ્યક્તિઓ)ની DIET કે GCERT પાસે અછત છે. તો તાલીમની અસરકારકતા ફળદાયી નીવડશે ખરી?
  4. ગુજરાતનું શાળાકીય શિક્ષણ કથળવાનું એક મહત્ત્વનું કારણ 'લાદી દેવાતા સરકારી કાર્યક્રમો' છે. આવા ઉત્સવો, સેવા પ્રકલ્પો, મેળાઓ વગેરેનો અતિરેક ઘટાડવાનો કોઈ ઠરાવ થશે ખરો? ક્યારે?
  5. એકમ કસોટી હાલમાં 'ફૂટેલા' પેપરથી જ લેવાય છે! એને સિદ્ધિ ગણશો?
  6. સત્રાંત પરીક્ષાની જવાબવહીના થર્ડ પાર્ટી મૂલ્યાંકનમાં વાલીઓને અસંતોષ થાય તો ફરિયાદ કયા શિક્ષકને કરશે? પોતાની શાળાના કે બીજી શાળાના?!

                શિક્ષણ વ્યવસ્થામાં સળવળાટ થયો છે એ જરૂરી હતું એટલે આવકારદાયક છે. છતાં, પણ હજી સરકારના પક્ષે વિચારવા જેવા મુદ્દા તો છે જ. અગાઉ સરકારે ઉતાવળે નિર્ણયો કરવામાં ઘણી વખત ભાંગરો વાટ્યો હતો. આ વખતે પાકા પાયે કામ કરે એવી અપીલ અને અપેક્ષા પણ છે. ગુજરાત સરકારનું શિક્ષણ ખાતું દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની જે જે સારી બાબતો અને સફળતા છે તેને પ્રમાણિકતાથી સ્વીકારવાનું ઔચિત્ય દાખવે એવી પણ અંતરેચ્છા!
               
-ડૉ. વિજય મનુ પટેલ 

Saturday, 15 February 2020

Touchy Vaat ! - 24





Hello friends,
This is my one of the video from my video series 'touchy vaat!' Must watch it, then like, share and subscribe for more precious videos!
Enjoy!!

વર્ગખંડમાં એકાગ્રતાની ઊણપ!

                   યોગના મહત્વથી પ્રેરિત થઈને સાંપ્રત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને યોગ દિવસની ભેટ ધરી. ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના અંગ કહેવાય એવા યોગ-પ્રાણાયમને એ રીતે સમગ્ર દુનિયાએ આવકારી. પણ ખાટલે મોટી ખોડ હોય તેમ ભારતના અડધાથી વધારે ઘરોમાં યોગ પ્રવૃત્તિનું અસ્તિત્વ જ નથી! કારણો જે હશે તે પણ આપણી પ્રજા શરીર-મનને ઉન્નત કરવાની પ્રવૃત્તિ તરીકે હજી સુધી તેને સ્વીકારવા બાબતે સંશયિત રહી છે. સમૃદ્ધ દેશો પાયાની સુવિધાઓ સારી રીતે પૂર્ણ કરી શકે છે, તેથી તેઓ યોગ તરફ વધુ આકર્ષાય છે એવી દલીલોમાં થોડુંઘણું વજૂદ હોઈ શકે વધારે તો નહીં જ.
                એક વડીલ અને શિક્ષણવિદ્દે ચિંતા વ્યક્ત કરી હતી કે, દિવસે દિવસે સમાજમાં નકારાત્મક પ્રવૃત્તિઓ, દ્વેષભાવ, અપરાધભાવ કે કૌટુંબિક ક્લેશો વધી રહ્યા છે, તો પછી એને દેશની પ્રગતિ કેમ કહેવી?’ એમની વાત વિચારણીય હતી. જો કે એની પાછળનું કારણ શું તેની સમજૂતીમાં એમણે જ કહ્યું હતું કે, ‘માનવ શરીર જે પંચમહાભૂત તત્વ (અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, આકાશ)નું બન્યું છે તેમાં જ ગરબડ થઈ રહી છે! ગૂઢ અને અધ્યાત્મ વિચાર તરફની એમની વાત બધાને કદાચ ન આકર્ષે અને ન સમજાય, પણ શાળા કે સમાજ સાથે સંકળાયેલા સૌ કોઈએ એ દિશામાં વિચારવું જરૂરી બન્યું છે.

                
               વ્યક્તિગત જીવન હોય કે વ્યવસાયિક જીવન, જો કોઈપણ વ્યક્તિ પોતાના કામ કે પ્રવૃત્તિ પર એકાગ્રતાથી જોડાઈ શકતો ન હોય તો ગમે તેટલું બ કે ઉત્સાહ હશે તો શું કામ લાગશે? આવી સ્થિતિને કારણે વ્યક્તિથી સતત ભૂલો થતી રહેશે. એક વ્યક્તિ તરીકે આપણે  પણ કોઈપણ કાર્ય સંપૂર્ણ રીતે કરી જ ના શકીએ. જો આવું જ રહે તો કામમાંથી મળતો આનંદ હાથ જ લાગશે નહીં, જે ધ્યેય વિચાર્યું હોય તે પામી જ નહીં શકાશે. પરિણામ શું? અજંપો અને અરાજકતા ખરું?
                શાળા શિક્ષણના સંદર્ભમાં વિચારીએ તો હવે એવી ફરિયાદો વારંવાર સંભળાય છે કે છોકરાઓ બરાબર ધ્યાન જ નથી આપતા. અડધો કલાકના તાસમાં પણ પાંચ વાર તો તેઓને શાંતિ રાખો...શાંતિ રાખો એમ ટપારવા જ પડે છે. આ સ્થિતિ દરેક શાળાની છે. આવી સ્થિતિમાં બાહ્ય પ્રેરક પ્રવચનોનું શાળાકીય આયોજન કેટલું અસરકારક રહેતું હશે તે વિશે વિચારો તો નિરાશા સાંભળવાના ચાન્સ ઘણા છે. બાળમન ચંચળ હોય છે એ ખરું, પણ એ અભ્યાસમાં એકાગ્ર જ ન થઈ શકે તો શિક્ષણનો હેતુ સરે ખરો?
                 એક વખત એક વ્યક્તિની કાંડા ઘડિયાળ ખોવાઈ ગઈ હતી. તેણે આખું ઘર ફેંદી નાખ્યું, પણ તે શોધી શક્યો નહીં. તેથી તેણે બહાર રમતા થોડા છોકરાઓને બોલાવ્યા અને પોતાની ઘડિયાળ શોધવાના કામમાં જોતરી દીધા. તેની સાથે તેણે લાલચ પણ મૂકી કે જે કોઈ ઘડિયાળ શોધી આપશે તેને ઈનામ સ્વરૂપે ચોકલેટ મળશે! બધા બાળકો ઉત્સાહ, જોશ અને પોતાની ક્ષમતાથી શોધખોળ કરવા માંડ્યા. અડધો કલાક થયો તો પણ તેઓ શોધી શક્યા નહીં.
             આ બધામાં એક બાળક એવો હતો જેનામાં માત્ર ઉત્સાહ કે જોશ જ નહોતો, પણ  સમજદારી પણ હતી. તેણે પેલી વ્યક્તિને કહ્યું કે જો તમારી ઘડીયાળ આ જ રૂમમાં હોય તો હું શોધી શકું. પણ એને માટે બધાએ આ રૂમની બહાર જવું પડશે. વ્યક્તિ સંમત થયો એટલે બધાને બહાર કાઢીને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. પાંચ જ મિનિટમાં તેણે હાથમાં ઘડિયાળ સાથે દરવાજો ખોલ્યો!
                પેલી વ્યક્તિએ પૂછ્યું આ ઘડિયાળ શોધવામાં તો કેટલા બધા લોકો હારી-થાકી ગયા તો તેં કઈ રીતે શોધી કાઢી? છોકરાએ કહ્યું કે, ‘જ્યારે ઓરડામાં નીરવ શાંતિ પથરાઈ હતી ત્યારે હું વચ્ચે એકાગ્ર ચિત્તે બેસી ગયો હતો. મને ટીક ટીક અવાજ સંભળાવા લાગ્યો. મેં  એ દિશા તરફ જોયું તો કાંડા ઘડિયાળ કબાટ પાછળ પડી હતી. એ બાળકે ઘડિયાળને જોશથી નહીં, પણ હોશથી શોધી કાઢી હતી. એકાગ્રતાનો ચમત્કાર હતો! જે અસામાન્ય લાગતું હતું તે આટલું સામાન્ય હતું ?!
                જીવનમાં આપણે બધા ઘણુંખરું ઠરેલપણુ ભૂલવા લાગ્યા છે. બસ, બધું જ અસાધારણ અને ઓછા સમયમાં જાણી લેવું છે. એ શક્ય બનતું નથી કેમકે વિચાર-વિચાર કરવામાં મન નિર્ણય લેવા જ સક્ષમ રહેતું નથી! આપણને જે કંઈ કામ મળે છે તેને લઈને ઉત્સાહિત તો ઘણા થઈએ છીએ પણ એકાગ્ર થવા તૈયાર નથી. ખરેખર તો સફળતાની સૌથી મહત્ત્વની ચાવી જ આ છે. હવે આ જ વા શાળાના વર્ગખંડ શિક્ષણ બાબતે પણ વિચારવી રહી.
                નબળા પરિણામવાળી શાળાઓ જો માત્ર વર્ગમાં વિદ્યાર્થીઓ એકાગ્ર થાય પછી જ જે તે વિષય વસ્તુ ભણાવવાનું શરૂ કરે તો પણ પરિણામ પર તેની કારાત્મક અસર વર્તાઈ શકે છે. આવો પ્રયોગ એકાદ મહિના સુધી કરવામાં આવે તો તેનાથી થતા લાભ કે ગેરલાભની પરખ થઈ જાય. સવાલ એટલો જ રહે છે કે વર્ગમાં વિદ્યાર્થીઓને એકાગ્ર કઈ રીતે કરી શકાય? તો તેને માટે પાછા મૂ વાત પર જ આવવું પડે તેમ છે, એટલે કે શાળામાં યોગ-પ્રાણાયામને ટાઈમ ટેબલમાં સ્થાન મળવું જોઈએ.
               આપણે ત્યાં સરકારે હજી શાળાઓમાં યોગ કે ધ્યાનનો સ્વતંત્ર તાસ ગોઠવાય એવો આદેશ કર્યો નથી.  હા, રમતની સાથે યોગનું નામ જરૂર જોડી દીધું છે! એક જાણકારી મુજબ નેપાળ સરકારે ધોરણ ૯ થી ૧૨માં યોગનો અભ્યાસક્રમ દાખલ કરવા માટેનું મન બનાવી લીધું છે.
               આપણે ત્યાં જે પ્રગતિશીલ શાળાઓ છે તેઓ પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને યોગ દ્વારા એકાગ્રતા કેળવવાની માટેની મથામણ જરૂર કરે છે, પણ આવી શાળાઓની સંખ્યા ઘણી ઓછી છે. મોટાભાગની શાળાઓએ તો યોગ, સંગીત, જેવી પ્રવૃત્તિ ને તિલાંજલિ આપી દીધી છે, એ કારણથી કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કે પ્રવેશ પરીક્ષાઓનું ખુબ ભાર રહે છે.  વિચિત્રતા તો એ છે કે આવી દોડને કારણે જ વિદ્યાર્થીઓમાં અભ્યાસની એકાગ્રતા ગુમ થઈ રહી છે. ખાસ કરીને શહેરની શાળાઓના વર્ગો અશાંત અને ખાલી થવા લાગ્યા છે. એવી દોડ શરૂ થઈ છે કે જાણે વર્ગખંડમાં જઈ પૂછવું પડે કે એકાગ્રતા તુમ કહાં હો?!’ આવી સ્થિતિમાં હવે કોણ, કોને સત્ય સમજાવશે?!
                અંતે, એકાગ્રતાનો ખ્યાલ આમ તો અધ્યાત્મ સાથે જોડાયેલો છે, પણ શિક્ષણનો એક ઉદ્દેશ વિદ્યાર્થીની (વ્યક્તિની) અધ્યાત્મિક ઉન્નતિ પણ છે એ ન ભૂલવું જોઈએ. સરળ વાત એટલી જ છે કે જીવનનાં કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ અને પરિણામલક્ષી કામ કરવું હશે તો એકાગ્રતા કેળવવા વિના આરો નથી. માનો યા ન માનો!!


- ડૉ. વિજય મનુ પટેલ

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...