Tuesday, 27 August 2019

વિદેશમાં અભ્યાસ: પલાયનવૃત્તિ કે દેખાદેખી?

                શેરી-મહોલ્લાને નાકે ભેગા થયેલા થોડા યુગલો આમ તો આકસ્મિક રીતે ભેગા થઈ ગયા હતા પણ એમાં ચર્ચા ચાલી હતી અમેરિકા-કેનેડા ભણવા જવાની. એક મમ્મી ઉત્સાહથી બોલી હતી, ‘હવે મારા ટપુને તો બહાર ભણવા જવું છે...એની તૈયારી પણ કરવા માંડ્યો છે..’ સાંભળી બીજા યુગલે સૂર પુરાવ્યો, ‘અમે તો અમારા બેઉને કહી જ દીધું છે કે કેનેડાનો પ્રયત્ન કરજો...પૈહાની વ્યવસ્થા તો કરી લઈશું... બીજું એક યુગલ શાંતિથી સાંભળી રહ્યું હતું પણ છેલ્લે જતાં જતાં બોલ્યુંતું કે, ‘હવે આપણે એકલા એકલા રહેવાની ટેવ પાડી દેવાની ખરું ને?’ થોડી મરક મરક સાથે બધા છૂટા પડી ગયા હતા, પણ બધાયના મનમાં વિદેશની તીવ્ર ઝંખના તો છલકાતી જ હતી.
                સાંપ્રત સમયમાં આમ જ થઈ રહ્યું છે. સંભવતઃ દશમાંથી છ વાલીઓને પોતાનું સંતાન વિદેશમાં ભણે (અને આમ કરતાં કરતાં ત્યાં સેટ થઈ જાય!) એની તલપ લાગેલી હોય તેમ જણાય છે. દરેક વિશ્વ નાગરિકને દુનિયામાં ગમે ત્યાં જવાની આંશિક છૂટછાટ મળે છે, પરંતુ જ્યાં સુધી અભ્યાસનું કારણ હોય તો દુનિયાના લગભગ બધા જ દેશોએ વિદેશી નાગરિકો માટેના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. એટલે મા-બાપો પણ ભવિષ્યમાં વિદેશમાં સ્થાયી થવાય તે માટે પોતાના સંતાનને અભ્યાસકાળ દરમ્યાન જ મોકલવાની તજવીજમાં પડ્યા છે. સંતાનની સાથે પોતાનું ભવિષ્ય પણ વિદેશમાં વીતે એવી ઝંખના મા-બાપોમા પણ તીવ્ર સ્વરૂપે હોય જ છે!

                
                 મહત્ત્વાકાંક્ષા રાખવી એ ખોટું નથી. કેટલેક અંશે એ જીવન વિકાસનું પ્રેરક્બળ પણ છે જ પરંતુ જો એની તીવ્રતા વ્યક્તિની ક્ષમતા કરતાં વધી જાય તો આફત નોતરી શકે છે. શું વધુ અભ્યાસ  માત્ર વિદેશમાં જ થઈ શકે છે? જે લોકો એમ કહે છે કે માસ્ટર્સ માટે વિદેશ જવું છે તેવા લોકોની પાસે આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર નથી હોતો. ખરેખર લક્ષ્ય તો જુદું જ હોય છે! ભારતમાં છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વિકાસના ઠીક ઠીક હકારાત્મક પરિણામો આવ્યા છે, તો પણ વિદેશમાં ભણવા-સ્થાયી થવા પાછળની તીવ્ર ઝંખના કેમ? શક્ય છે ભૌતિક સુવિધાના સંદર્ભમાં જ હશે. મેસ્લોના સિદ્ધાંત મુજબ જો લોકોની આર્થિક ક્ષમતા વધે તો તેઓ અસુવિધાથી સુવિધા તરફ જાય. એનો મતલબ એ થાય કે  ભારતમાંથી  વિદેશ ભણવા જનારાઓના કુટુંબો આર્થિક રીતે પ્રગતિશીલ બન્યા છે. જો એમ હોય તો દેશમાં વિકાસ તો થયો જ છે, ખરું?
                વિદેશમાં ભણવા પાછળના લાભો કયા? એક તો, જે તે દેશની સંસ્કૃતિમાં લાંબા સમય સુધી રહેવાનુ મળે છે જે વૈશ્વિક નાગરિક બનવામાં મદદરૂપ થાય છે. બીજું, તમે બીજા શહેર કે દેશમાં ભણો ત્યારે તમે વધુ જવાબદારીપૂર્વકનું વર્તન કરતાં શીખો છો! સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવાય છે. ત્રીજું વિશ્વના અન્ય દેશોના મિત્રો-લોકો સાથે સંપર્ક વધવાથી મિત્ર વર્તુળ વ્યાપક અને વૈવિધ્યવાળું બને છે. ચોથું, અલગ દેશમાં જવાથી નવી જ શિક્ષણ પદ્ધતિ-વ્યવસ્થાનો લાભ મળે છે, જેનાથી શક્ય છે પોતાની સુષુપ્ત શક્તિ ખીલવાનો અવકાશ મળે છે. પાંચમું, ભવિષ્યમાં રોજગારી મેળવવા માટે વિદેશ અભ્યાસનો અનુભવ વધુ ઉપયોગી બને છે. આ ઉપરાંત છઠ્ઠો લાભ, અંગ્રેજી સુધારણા બાબતે મળે છે. જો કે એ તો જે તે દેશની ભાષાને સહજ રીતે અપનાવી લેવી પડે છે છતાં બહુધા દેશોમાં અંગ્રેજીનું પ્રભુત્ત્વ  છે તેથી એની વ્યાપક તક ઉપલબ્ધ બને છે.
              હવે વિદેશમાં શિક્ષણ મેળવવા જનારે કઈ કઈ કાળજી રાખવાની છે તેની વાત પણ કરી લઈએ. જે તે દેશની પસંદગી કરતાં પહેલાં તે દેશની રાજકીય, ભૌગોલિક અને કાયદાકીય બાબતોની જાણકારી અચૂક મેળવી લેવી જોઈએ. જે તે નજીકના સ્થળોએ વારંવાર જવાનું હોય તો તેની જાણકારી પણ ખરી જ. ત્યાંની આસપાસની વસ્તી, પાર્કિંગ સ્થળો, બેન્ક કે દવાખાનાની વિગતો પણ હોવી જરૂરી છે. વિદેશમાં શરૂઆતના એક વર્ષ સુધી સાદગીપૂર્ણ (low profile) રીતે રહેવું સલાહભરેલું છે. કેમ કે, વિકસિત દેશોમાં ભલે કાયદાઓ કડક હોય તો પણ ધુતારાઓ મોજૂદ હોય છે! બધા જ ડોલર કમાતા હોય છે છતાં અજાણ્યા કે પ્રવાસી જેવા દેખાતા લોકોને ગમે તે રીતે નુકસાન પહોંચાડવા આવા લોકો તૈયાર જ હોય છે (જો કે આ બાબત દુનિયાના કોઈપણ દેશ માટે સાચી છે.) એટલે સરળ વાત તો એટલી જ છે કે સમૃદ્ધિનો દેખાડો કરવો નહીં!
            અભ્યાસાર્થે વિદેશ જવાના મુખ્ય આકર્ષણો અને સાવચેતી કઈ કઈ છે તેની સંક્ષિપ્તમાં રજૂઆત કર્યા બાદ હવે એ મુદ્દા પર ફરી આવીએ કે ભારતમાંથી (ખાસ કરીને ગુજરાતીઓ) કેનેડા, યુ.કે., યુ.એસ.. જેવા દેશો તરફ જે યુવાનો જઇ રહ્યાં છે તેમાંનામાંથી ઘણાની પોતાની અને તેમના વાલીઓની મનસા વિદેશમાં સ્થાયી થઈ જવાની હોય છે. પોતાનાથી ન થઈ શકાયું તો સંતાન મારફતે એ પૂરું થાય. આવા લોકો બહુધા અનુભવેલી નહીં પણ જોયેલી અને સાંભળેલી વાતોથી પ્રભાવિત થઈને ભારત વિશેનું તકલીફોવાળો દેશ નું ચિત્ર મનમાં સ્થાપિત કરી દેતા હોય છે. એટલે ગમે તે ભોગે તેઓ અહીંથી પલાયન થઈ જવાના પ્રયત્નો કરવા માંડે છે. આવા આંધળૂકિયામાં કેટલાયે લોકો ઠગબાબાનો ભોગ બની ચૂક્યા હોય છે. લોભને થોભ નહીં એ ગુજરાતી વિચાર અહીં પણ સટીક બેસે છે.
            વિદેશની લાલચ એ હદે હાવી હોય છે કે લાખોની લોન હોંશભેર લઈને દીકરા-દીકરી વિદેશ પહોંચી જાય છે. પણ વાલીઓ બિચારા બનીને રહી જાય છે. પોતાની મુશ્કેલીઓમાં હવે પોતાની પાસે સંતાનો હોતા નથી ને ઉપરથી લોનના હપતાનો બોજ વધતી ઉંમરે ભારે કષ્ટદાયી બની રહે છે. ધારોકે સંતાનો વિદેશ ભણીને કાઠું કાઢે તો તેમાં ઘણા વર્ષો વીતી જાય છે. મા-બાપને પાછલી જિંદગીમાં એક-બેવાર ત્યાં જવાની તક પણ મળે તોયે એ આકર્ષિત હોતી નથી, સામાજિક જરૂરિયાત હોય છે! આવી મનો:સ્થિતિનું વર્ણન કોઈપણ વ્યક્તિ ખૂલીને કરતી નથી. પોતાની અક્ષમતા સામે ઘણા મા-બાપો લાચાર બની રહે છે. જો ના પાડીશું તો કઇંક કરી નાંખશે!ના ભયથી આજની વડીલ પેઢી સૌથી વધુ ભયભીત બનીને જીવી રહી છે!
            અંતમાં, અગાઉ કહ્યું તેમ વિદેશમાં જવું એ જે તે વ્યક્તિ કે કુટુંબનો નિર્ણય હોય અને તેને જે તે દેશની સત્તા સ્વીકારે તો એમાં અન્ય લોકોએ ઈર્ષ્યા કરવાની જરૂર નથી. પોતાની કાબેલિયતથી વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણે ડંકો વગાડી શકે છે. સવાલ જે તે પરિસ્થિતિમાં તે પોતાના સંસાધનો અને ક્ષમતાઓનો કેટલો ઉપયોગ કરી શકે છે તેનો જ રહે છે.

-ડૉ. વિજય મનુ પટેલ 

Wednesday, 14 August 2019

સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ ભયભીત છે!

              રાત્રે સુઈએ ત્યારે મન ચિંતા કરતાં કરતાં ઊંઘી જાય છે, એવી આશા સાથે કે આવતી કાલ સવારે કઇંક મઝાનું બનશે. સવારે ઊઠીને છાપું હાથમાં લઈએ ત્યારે એમાં મઝા આવે તેવું સાવ ઓછું અને હતાશ કરે તેવું જ વધારે હોય છે. આખા દિવસની ભાગદોડ પછી પાછા રાત્રે સુવા જઈએ ત્યારે આવા (આગ, અકસ્માત, પૂર, આપઘાત, હિંસા જેવા) સમાચારોની ચિંતામાં મન ગરક થઈ જાય છે. શિક્ષણ જગતમાં પણ આ બધાની પરોક્ષ અસરો પડતી જ હોય છે. ત્યાં પણ ક્યાંક પરિણામોનો ભય છે તો ક્યાંક અપેક્ષાઓના ડરથી આખું વાતાવરણ ડહોળાઈ જાય છે. શિક્ષકો, વાલીઓ અને સંચાલકોની અપેક્ષા અને નિયમ પાલનમાં રહેલો છૂપો ડર એ બાળકોના મનમાં ફંગોળાયા કરે છે. આ ભયને દૂર કરવાનું કામ આસાન છે ખરું? કોણ કરે?
                એક જાણીતો પ્રસંગ યાદ કરીએ. એક દિવસ બાળક (વિદ્યાર્થી) એડિસન પોતાના હાથમાં એક બંધ કાગળ લઈને ઘરે પરત ફરે છે. આવીને માતાને કહે છે: મારા શિક્ષકે કહ્યું છે કે આ કાગળ માત્ર તારી માતાના હાથમાં જ આપજે. એ કાગળ વાંચતાં વાંચતાં થોમસ એડિસનની માતાની આંખ ભરાઈ આવી. એડિસને પુછ્યું, ‘માં, એમાં શું લખ્યું છે?’ માતાએ મોટેથી કહ્યું, ‘તમારો પુત્ર જીનીયસ છે, આ શાળા તમારા પુત્રને માટે ઘણી નાની છે અને તેને ભણાવી શકે તેવા ઉત્તમ શિક્ષકો અહીં નથી. મહેરબાની કરી તમે જ તેને ભણાવજો!
                અને પછી એની માતાએ બરાબર એવું જ કર્યું. પૂરા સમર્પણ ભાવ સાથે ઘરમાં જ જાણે શાળા શરૂ કરી. ઘણા વર્ષો વીતી ગયા ને માતાનું મૃત્યુ થયું. હવે એડિસન એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. એક દિવસ ઘરમાં બેઠા બેઠા જૂની ફાઈલો-કાગળો ફેરવતાં હતા ત્યારે નાનપણમાં એમની માતાને જે કાગળ આપવા જણાવ્યુ હતું તે હાથ લાગ્યો. તેમણે તે ઉઘાડયો ને તેમાં લખેલો સંદેશ વાંચ્યો: તમારો દીકરો માનસિક રીતે સાવ નબળો છે, હવેથી અમે તેને શાળામાં રાખી શકીએ તેમ નથી!’

                એ જ ક્ષણે એડિસને અનુભવ્યું હતું કે તેની માતાએ ઘણા વર્ષો પહેલાં તેને માટે શું કર્યું હતું. તેમણે પોતાની ડાયરીમાં લખ્યું: થોમસ આલવા એડિસન એક નકામું બાળક હતું, પણ એક હીરો માતાને લીધે સદીનો જીનીયસ વ્યક્તિ બન્યો! એક જાણીતી ઉક્તિ છે કે, ‘અવિચારી રીતે બોલાયેલા શબ્દો તલવારની જેમ છેદી કાઢે, પણ ડહાપણભર્યા શબ્દો ઘાને રૂઝવી કાઢે. એડિસનના એ શિક્ષકે લખેલા મૂળ શબ્દો જ તેની માતાએ રજૂ કર્યા હોત તો શું થાત તેની કલ્પના કરી જુઓ. તો કદાચ દુનિયાને વીજળીના દીવા (બલ્બ) અને બીજી અનેક શોધ ન મળી હોત, ખરું ને? એ માતાનો આભાર કે જેમણે એડિસનમાં ભય વધારનારા અને હતાશ કરે તેવા એ શબ્દોને જાણે સુંદર આભૂષણ બનાવવા માટે જુદા જ આકારમાં ઢાળી દીધા હતા!
                ધારોકે તમે શિક્ષક હોવ અથવા વાલી હોવ તો તમારા નબળાં વિદ્યાર્થી (કે સંતાન)ની સ્થિતિ વિશે શું બોલશો? કોના ઉપર દોષારોપણ કરશો? બાળકને ભયભીત કરશો કે ભય ઘટાડવા માટે એડિસનની માતા જેવો રસ્તો લેશો? ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે જીભ તારે, ને તે જ મારે નકારાત્મક વિચારોને ઊર્ધ્વગામી બનાવીને ચરિતાર્થ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ એડિસનની માતાએ આપ્યું. સચ્ચાઈ એ છે કે માતા લોકપ્રિય ન થઈ, પણ પુત્ર પ્રસિદ્ધિ પામ્યો. માંનુ બલિદાન અને મનોવૈજ્ઞાનિક સમજ જેવી તેવી હશે કે?
                બાળક નાનું હોય અને શાળાએ જવાનું આવે ત્યારે એ રડે તો સમજી જવાનું કે તેનામાં ભયનું બીજારોપણ થયું છે. ઘરમાં ખુશ અને પ્રસન્ન રહેતો વિદ્યાર્થી શાળાએ જતી વખતે નિસ્તેજ ચહેરાવાળો થાય તો સ્પષ્ટ છે કે શાળામાં જવામાં એને મઝા કે ખુશીની લાગણી નથી થતી. આ ભય કોનો છે અને શાનો છે એ જાણવું વાલીની પ્રથમ ફરજ છે. પરંતુ એમ થવાને બદલે ઊલટું તેને ઘણીવખત ઢોંગીમાં ખપાવી દેવામાં આવે છે. અહીં વાલી નાદાન બની રહે છે!
                આપણી સમાજ વ્યવસ્થામાં ઘણાબધાં વડીલો ભય બીના પ્રીત નાહીંમાં માનનારા છે, અને આવા લોકો ડર કે આગે જીત હૈનો સ્થૂળ અર્થ પકડીને શિશુ અને તરુણોને વધુ ને વધુ ભયભીત બનાવવાનું દુષ્કૃત્ય કરતાં રહે છે. સંતાનની જે અધૂરપ છે તે તેની અક્ષમતાને (કે રસ-રુચીના અભાવને) લીધે છે એ સમજવાને બદલે તેને ધાક-ધમકી-થપ્પડ કે બરાડાથી વધારવાની કોશિશ કરે છે. જેનામાં ગણિતના પાયાના ખ્યાલોની સમજ અધૂરી છે તેવા સંતાનને મોંઘા અને અતિ વિદ્વાન શિક્ષકને સોંપવા જેવી વાત થઈ. આ કિસ્સામાં સંતાન વધુ ભયભીત થશે કે ખુશ થશે? વિચારી જુઓ.
                ભારતમાં ઈજા અને ટી.બી.પછી અપમૃત્યુનું જો કોઈ કારણ હોય તો તે આપઘાતનું છે અને આપઘાત પાછળનું મહત્ત્વનું પરિબળ ભય છે. કશુંક અધુરપતાનો સતત અહેસાસ ભયના કુંડાળાને વિસ્તારતો જ રહે છે અને અંતે એ દુર્ઘટના બનીને છવાઈ જાય છે! એડિસનના શિક્ષકે સામન્યીકરણ કરીને રસ્તો શોધી કાઢ્યો હતો કે તમારો દીકરો સાવ નબળો છે પણ માએ વિશિષ્ટ પરિણામને પામવા ભય પેદા કરે તેવા શબ્દોને દૂર ફંગોળી દીધા હતા.
                હવે વિચારીએ ભય પેદા કેવી રીતે થાય છે? વાલી અથવા શિક્ષકો ગુરુતાગ્રંથિથી પીડાતા હોય એટલે કે હું જે કહું તે શ્રેષ્ઠ જ હોય, મને જે આવડે તે જ ફાઇનલ અથવા મેં જે કહ્યું તેના સિવાય ઉકેલ જ ન હોય જેવા વિધાનો વારંવાર ઉચ્ચારનારા વાલીઓ કે શિક્ષકો વિદ્યાર્થીઓ (સંતાનો) માં ધીમે ધીમે ભયને ઉછેરતાં હોય છે. આ લોકોની ગુરુતાગ્રંથિ વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ વધારવાનું નિમિત્ત બનતી હોય છે.
                બીજું કારણ આનાથી વિરુદ્ધનું છે. વાલીઓ કે શિક્ષકો સ્વયં લઘુતાથી પીડિત હોય તો તેઓ નવું કરવા ઉત્સાહી તો નથી જ હોતા પરંતુ પોતાના વિદ્યાર્થીઓ કે સંતાનોને પણ એ માટે પ્રોત્સાહિત નથી કરતાં. તેઓની એવી રજૂઆત હોય તો પણ તેને દૂર હડસેલી દે છે! ના...ના..આ ન થશે, આવું કરવામાં જોખમ છે, આમ કરવાનું તારું ગજું નથી જેવા વિધાનો તેઓ ઉચ્ચારતા હોય છે. આવી વૃત્તિ પણ કિશોરો કે તરુણોને હતાશ અને ભીરુ બનાવી દે છે.
                આ ઉપરાંત, અન્ય વ્યક્તિઓ પાસેથી વારંવારની અતિ ઊંચી અપેક્ષાઓ કે હતાશાજનક ટીપ્પણીઓના અનુભવો પછી વિદ્યાર્થીઓ ભય સાથે જીવતા થઈ જાય છે. આવો ભય દેખાતો હોતો નથી. વર્ગમાં બેઠેલાં બાળકો હિમશીલાના ભાગ જેવા હોય છે જે બહાર દેખાય છે તેના કરતાં એમની અંદર ઘણુબધું છુપાયેલું હોય છે. આની ઓળખ જ વાલીઓ અને શિક્ષકોને માટે મોટો પડકાર છે.

-ડૉ. વિજય મનુ પટેલ-12-8-19

Saturday, 10 August 2019

મિત્રો,

      આજે અહીંથી વડીલ સ્ત્રીઓ- પુરુષોને કહેવું છે કે આપ  છોકરીઓ કે યુવતીઓને રસોઈ શીખવવા માટે જેટલાં હરખઘેલા થાવ છો તેટલા જ તેમને કરાટે, લાઠી કે અન્ય રીતે સ્વ બચાવની તાલીમ આપવામાં ઉત્સાહી શાને થતાં નથી?

      નારી બચાવની હાકલ કરનારાઓ, છોકરાઓ કે યુવકોને પણ સ્ત્રી સન્માન, સભ્યતા કે સુરક્ષાના કાયદા વિશેની‌‌ સમજ‌ આપવા‌ શાને ઉત્સુક નથી?


       સરકારે અને સમાજે સ્ત્રી સશક્તિકરણને બદલે 'પુરુષ જાગૃતિ સપ્તાહ' ની ઉજવણીનો મોટાપાયે પ્રારંભ કરવાની જરુર છે. આપ શું માનો છો?!

        એક શાળાકીય કાર્યક્રમમાં આ વિશેના મારા વિચારો જાણવા નીચેની લિંક પર ક્લિક કરો!

         આપનો આભાર!

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...