Tuesday, 27 August 2019

વિદેશમાં અભ્યાસ: પલાયનવૃત્તિ કે દેખાદેખી?

                શેરી-મહોલ્લાને નાકે ભેગા થયેલા થોડા યુગલો આમ તો આકસ્મિક રીતે ભેગા થઈ ગયા હતા પણ એમાં ચર્ચા ચાલી હતી અમેરિકા-કેનેડા ભણવા જવાની. એક મમ્મી ઉત્સાહથી બોલી હતી, ‘હવે મારા ટપુને તો બહાર ભણવા જવું છે...એની તૈયારી પણ કરવા માંડ્યો છે..’ સાંભળી બીજા યુગલે સૂર પુરાવ્યો, ‘અમે તો અમારા બેઉને કહી જ દીધું છે કે કેનેડાનો પ્રયત્ન કરજો...પૈહાની વ્યવસ્થા તો કરી લઈશું... બીજું એક યુગલ શાંતિથી સાંભળી રહ્યું હતું પણ છેલ્લે જતાં જતાં બોલ્યુંતું કે, ‘હવે આપણે એકલા એકલા રહેવાની ટેવ પાડી દેવાની ખરું ને?’ થોડી મરક મરક સાથે બધા છૂટા પડી ગયા હતા, પણ બધાયના મનમાં વિદેશની તીવ્ર ઝંખના તો છલકાતી જ હતી.
                સાંપ્રત સમયમાં આમ જ થઈ રહ્યું છે. સંભવતઃ દશમાંથી છ વાલીઓને પોતાનું સંતાન વિદેશમાં ભણે (અને આમ કરતાં કરતાં ત્યાં સેટ થઈ જાય!) એની તલપ લાગેલી હોય તેમ જણાય છે. દરેક વિશ્વ નાગરિકને દુનિયામાં ગમે ત્યાં જવાની આંશિક છૂટછાટ મળે છે, પરંતુ જ્યાં સુધી અભ્યાસનું કારણ હોય તો દુનિયાના લગભગ બધા જ દેશોએ વિદેશી નાગરિકો માટેના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. એટલે મા-બાપો પણ ભવિષ્યમાં વિદેશમાં સ્થાયી થવાય તે માટે પોતાના સંતાનને અભ્યાસકાળ દરમ્યાન જ મોકલવાની તજવીજમાં પડ્યા છે. સંતાનની સાથે પોતાનું ભવિષ્ય પણ વિદેશમાં વીતે એવી ઝંખના મા-બાપોમા પણ તીવ્ર સ્વરૂપે હોય જ છે!

                
                 મહત્ત્વાકાંક્ષા રાખવી એ ખોટું નથી. કેટલેક અંશે એ જીવન વિકાસનું પ્રેરક્બળ પણ છે જ પરંતુ જો એની તીવ્રતા વ્યક્તિની ક્ષમતા કરતાં વધી જાય તો આફત નોતરી શકે છે. શું વધુ અભ્યાસ  માત્ર વિદેશમાં જ થઈ શકે છે? જે લોકો એમ કહે છે કે માસ્ટર્સ માટે વિદેશ જવું છે તેવા લોકોની પાસે આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર નથી હોતો. ખરેખર લક્ષ્ય તો જુદું જ હોય છે! ભારતમાં છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વિકાસના ઠીક ઠીક હકારાત્મક પરિણામો આવ્યા છે, તો પણ વિદેશમાં ભણવા-સ્થાયી થવા પાછળની તીવ્ર ઝંખના કેમ? શક્ય છે ભૌતિક સુવિધાના સંદર્ભમાં જ હશે. મેસ્લોના સિદ્ધાંત મુજબ જો લોકોની આર્થિક ક્ષમતા વધે તો તેઓ અસુવિધાથી સુવિધા તરફ જાય. એનો મતલબ એ થાય કે  ભારતમાંથી  વિદેશ ભણવા જનારાઓના કુટુંબો આર્થિક રીતે પ્રગતિશીલ બન્યા છે. જો એમ હોય તો દેશમાં વિકાસ તો થયો જ છે, ખરું?
                વિદેશમાં ભણવા પાછળના લાભો કયા? એક તો, જે તે દેશની સંસ્કૃતિમાં લાંબા સમય સુધી રહેવાનુ મળે છે જે વૈશ્વિક નાગરિક બનવામાં મદદરૂપ થાય છે. બીજું, તમે બીજા શહેર કે દેશમાં ભણો ત્યારે તમે વધુ જવાબદારીપૂર્વકનું વર્તન કરતાં શીખો છો! સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવાય છે. ત્રીજું વિશ્વના અન્ય દેશોના મિત્રો-લોકો સાથે સંપર્ક વધવાથી મિત્ર વર્તુળ વ્યાપક અને વૈવિધ્યવાળું બને છે. ચોથું, અલગ દેશમાં જવાથી નવી જ શિક્ષણ પદ્ધતિ-વ્યવસ્થાનો લાભ મળે છે, જેનાથી શક્ય છે પોતાની સુષુપ્ત શક્તિ ખીલવાનો અવકાશ મળે છે. પાંચમું, ભવિષ્યમાં રોજગારી મેળવવા માટે વિદેશ અભ્યાસનો અનુભવ વધુ ઉપયોગી બને છે. આ ઉપરાંત છઠ્ઠો લાભ, અંગ્રેજી સુધારણા બાબતે મળે છે. જો કે એ તો જે તે દેશની ભાષાને સહજ રીતે અપનાવી લેવી પડે છે છતાં બહુધા દેશોમાં અંગ્રેજીનું પ્રભુત્ત્વ  છે તેથી એની વ્યાપક તક ઉપલબ્ધ બને છે.
              હવે વિદેશમાં શિક્ષણ મેળવવા જનારે કઈ કઈ કાળજી રાખવાની છે તેની વાત પણ કરી લઈએ. જે તે દેશની પસંદગી કરતાં પહેલાં તે દેશની રાજકીય, ભૌગોલિક અને કાયદાકીય બાબતોની જાણકારી અચૂક મેળવી લેવી જોઈએ. જે તે નજીકના સ્થળોએ વારંવાર જવાનું હોય તો તેની જાણકારી પણ ખરી જ. ત્યાંની આસપાસની વસ્તી, પાર્કિંગ સ્થળો, બેન્ક કે દવાખાનાની વિગતો પણ હોવી જરૂરી છે. વિદેશમાં શરૂઆતના એક વર્ષ સુધી સાદગીપૂર્ણ (low profile) રીતે રહેવું સલાહભરેલું છે. કેમ કે, વિકસિત દેશોમાં ભલે કાયદાઓ કડક હોય તો પણ ધુતારાઓ મોજૂદ હોય છે! બધા જ ડોલર કમાતા હોય છે છતાં અજાણ્યા કે પ્રવાસી જેવા દેખાતા લોકોને ગમે તે રીતે નુકસાન પહોંચાડવા આવા લોકો તૈયાર જ હોય છે (જો કે આ બાબત દુનિયાના કોઈપણ દેશ માટે સાચી છે.) એટલે સરળ વાત તો એટલી જ છે કે સમૃદ્ધિનો દેખાડો કરવો નહીં!
            અભ્યાસાર્થે વિદેશ જવાના મુખ્ય આકર્ષણો અને સાવચેતી કઈ કઈ છે તેની સંક્ષિપ્તમાં રજૂઆત કર્યા બાદ હવે એ મુદ્દા પર ફરી આવીએ કે ભારતમાંથી (ખાસ કરીને ગુજરાતીઓ) કેનેડા, યુ.કે., યુ.એસ.. જેવા દેશો તરફ જે યુવાનો જઇ રહ્યાં છે તેમાંનામાંથી ઘણાની પોતાની અને તેમના વાલીઓની મનસા વિદેશમાં સ્થાયી થઈ જવાની હોય છે. પોતાનાથી ન થઈ શકાયું તો સંતાન મારફતે એ પૂરું થાય. આવા લોકો બહુધા અનુભવેલી નહીં પણ જોયેલી અને સાંભળેલી વાતોથી પ્રભાવિત થઈને ભારત વિશેનું તકલીફોવાળો દેશ નું ચિત્ર મનમાં સ્થાપિત કરી દેતા હોય છે. એટલે ગમે તે ભોગે તેઓ અહીંથી પલાયન થઈ જવાના પ્રયત્નો કરવા માંડે છે. આવા આંધળૂકિયામાં કેટલાયે લોકો ઠગબાબાનો ભોગ બની ચૂક્યા હોય છે. લોભને થોભ નહીં એ ગુજરાતી વિચાર અહીં પણ સટીક બેસે છે.
            વિદેશની લાલચ એ હદે હાવી હોય છે કે લાખોની લોન હોંશભેર લઈને દીકરા-દીકરી વિદેશ પહોંચી જાય છે. પણ વાલીઓ બિચારા બનીને રહી જાય છે. પોતાની મુશ્કેલીઓમાં હવે પોતાની પાસે સંતાનો હોતા નથી ને ઉપરથી લોનના હપતાનો બોજ વધતી ઉંમરે ભારે કષ્ટદાયી બની રહે છે. ધારોકે સંતાનો વિદેશ ભણીને કાઠું કાઢે તો તેમાં ઘણા વર્ષો વીતી જાય છે. મા-બાપને પાછલી જિંદગીમાં એક-બેવાર ત્યાં જવાની તક પણ મળે તોયે એ આકર્ષિત હોતી નથી, સામાજિક જરૂરિયાત હોય છે! આવી મનો:સ્થિતિનું વર્ણન કોઈપણ વ્યક્તિ ખૂલીને કરતી નથી. પોતાની અક્ષમતા સામે ઘણા મા-બાપો લાચાર બની રહે છે. જો ના પાડીશું તો કઇંક કરી નાંખશે!ના ભયથી આજની વડીલ પેઢી સૌથી વધુ ભયભીત બનીને જીવી રહી છે!
            અંતમાં, અગાઉ કહ્યું તેમ વિદેશમાં જવું એ જે તે વ્યક્તિ કે કુટુંબનો નિર્ણય હોય અને તેને જે તે દેશની સત્તા સ્વીકારે તો એમાં અન્ય લોકોએ ઈર્ષ્યા કરવાની જરૂર નથી. પોતાની કાબેલિયતથી વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણે ડંકો વગાડી શકે છે. સવાલ જે તે પરિસ્થિતિમાં તે પોતાના સંસાધનો અને ક્ષમતાઓનો કેટલો ઉપયોગ કરી શકે છે તેનો જ રહે છે.

-ડૉ. વિજય મનુ પટેલ 

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...