Friday, 25 December 2015

વિશ્વ એઈડઝ દિવસની યાદમાં શિક્ષણ ચિંતન




        એઈડઝ, H.I.V નામના વિષાણુથી ફેલાતો ચેપી રોગ છે. આ વિષાણુ શરીરના પ્રવાહીમાં રહેલા ટી હેલ્પર સેલ(એકપ્રકારના શ્વેતકણ)માં પ્રવેશી તેમાનાં જનીન તત્વને નુકશાન કરે છે અને તે આ કોષમાં ઘર કરી રહે છે. જેમ જેમ આ વાયરસ વધુને વધુ ટી હેલ્પર કોષોને નિષ્ક્રિય કરે છે તેમ તેમ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી ને ઓછી થતી જાય છે. તેથી વાતાવરણમાં રહેલાં અન્ય ચેપી રોગના વિષાણુ વ્યક્તિને જલદી લાગવા માંડે છે. આમ, કાયમી પ્રકારના નુકશાનની શરૂઆત થાય છે. વધારે ભયજનક વાત એ હોય છે કે પોતાને વાયરસ લાગ્યા છે કે કેમ તે વિશે વ્યક્તિને ઘણા વર્ષો સુધી ખબર જ નથી પડતી! રોગ એ દ્રષ્ટીsilent killer બને છે.

                આ વાયરસ માણસના શરીરના પ્રવાહીમાં હોવા છતાં તે લોહી, વીર્ય, અને યૌનીસ્ત્રાવ સિવાય ફેલાતો હોવાનું જણાયું નથી. સામાન્ય રીતે આ રોગ થવાનું જોખમ આવી વ્યક્તિઓને હોય છે:

1) વેશ્યાઓ અને તેની સાથે જાતીય સંબંધ રાખનાર. 2) એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સજાતીય કે વિજાતીય સમાગમ કરનાર. 3) અન્ય વ્યક્તિઓ પાસેથી લોહી લેનાર. 4) ઈંજેકશન દ્વારા નશાના બંધાણીઓ 5) અવાર-નવાર લોહી સ્વીકારવાની જરૂર પડે તેવા દર્દીઓ (જેવા કે, હિમોફિલિયા, થેલેસેમિયા વગેરે)ને અને 6) એચ.આઈ.વી. ધરાવતી માતા દ્વારા તેના બાળકને.

              
  વિશ્વમાં આ રોગે 1981માં અને ભારતમાં 1986માં દેખા દીધી હતી. ત્યાર પછી ભારત જેવા ગરીબ દેશમાં મોટો હાઉ ઊભો થયો. વસ્તીથી ઉભરાતા એવા વિકાસશીલ દેશ ભારત માટે સ્વાભાવિક રીતે જ ચિંતાનો પ્રશ્ન બન્યો હતો. NACO (National Aids Control Organization)ના 2012ના અહેવાલ મુજબ ભારતમાં HIV ધારકોની સંખ્યા 2000ની તુલનામાં 0.10% ઘટી છે. છતાં HIV સાથે જીવનારા આ લોકોમાં અંદાજિત 61% પુરુષો અને 39% સ્ત્રીઓ (લગભગ 93 લાખ) છે. HIV નો ચેપ બાળકોમાં (15 વર્ષથી નાના) 4.4%, પુખ્ત વયનાઓમાં (15થી49 વર્ષ) 82.4% અને 50 વર્ષથી મોટી ઉંમરનાઓમાં 13.2% જોવા મળ્યો છે.

                આ અહેવાલ મુજબ ગર્ભધારણ કરનારી સ્ત્રીઓમાં 0.40%, ગુપ્ત રોગોના દર્દીઓમાં 3.6%, વૈશ્યાઓમાં 2.67%, સિરીંજ દ્વારા કેફી ડ્રગ્સ લેનારાઓમાં 7.14%, હોમોસેક્સ કરનારાઓમાં 4.43% લોકોમાં HIV હોવાનું જણાયું હતું. ભારતમાં આંધ્રપ્રદેશમાં 5 લાખ, મહારાષ્ટ્રમાં 4.2 લાખ, કર્ણાટકમાં 2.5 લાખ અને તામિલનાડુમાં 1.5 લાખ લોકો HIV ગ્રસ્ત હોવાનો અંદા છે. 2009માં ભારતમાં AIDSને કારણે 1,72,000 લોકોના મૃત્યુ નોંધાયા હતા. એક પૂરક માહિતી ઉમેરી દઉં આ જ સાલમાં અકસ્માતને કારણે 3,57,021 (જેમાં રોડ અકસ્માતમાં 37.9%) લોકોના મૃત્યુ થયા હતા! ઉપરાંત 2010માં દેશમાં તમાકુના કેન્સરથી 2.10 લાખ લોકો અને 46 હજાર લોકો સાપ કરડવાને કારણે મોતને ભેટયા હતા.

                1986થી HIVના ક્ષેત્રે કામ કરી રહેલા ડૉ. સુંદર સુંદરારમનનુ કહેવું છે કે, HIV હજીયે વાસ્તવિક્તા છે. પોલિયો કે રક્તપિતની જેમ નચિંત થવા જેવું નથી. હજી 50 % કામ થયું છે(બેમાંથી એક જ ચેપમુક્ત છે!). જો કે વિશ્વના પરિપ્રેક્ષ્યમાં એઇડ્ઝને નિયંત્રણમાં લેવાના ભારતના પ્રયાસો પ્રસંશનીય બન્યા છે. સકારી તંત્ર અને NGO’s  દ્વારા કામને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

                AIDS ના ભયાનક રોગમાંથી નવી પેઢીને બચાવવા માટે અન્ય કોઈ પહેલ કરે કે ન કરે પણ માતા-પિતાએ જ શરૂઆત કરવી પડે તેમ છે. સંતાનો સાથેની નિખાલસ ચર્ચા દ્વારા તેમની શારીરિક,  માનસિક અને જાતીય સમસ્યાઓને ઉકેલી શકાય છે. એઈડઝ અંગે સંશોધન અને જાગૃતિનું કામ કરનાર ભારતીય ડૉ. રેડિયમનું કહેવું છે કે, આ રોને ફેલાતો અટકાવવામાં મિશ્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી. એને માટે તો વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે માહીતીનું આદાન-પ્રદાન જ થવું જોઈએ. મતલબ સ્પષ્ટ છે કે કુટુંમ્બોમાં હકારાત્મક અને રચનાત્મક પર્યાવરણ બનવું જોઈએ. વિજાતીય મૈત્રી કેળવવામાં તરૂણોને રોકવાથી તેઓ વધુ આક્રમક બનવા સંભવ છે. છતાં એવી મૈત્રી શારીરિક સંબંધોમાં ન પરિણમે તેની તકેદારી રાખવી જ.

                તેની સાથે દેશના તરૂણોને આ અંગેના શિક્ષણ આપવાની થોડી જવાબદારી શિક્ષકોના ભાગે પણ આવે. આ માટે તેઓ આટલું કરી શકે: 1) વિદ્યાર્થીઓના જાતીય આવેગો સાહજિક હોય છે તેને બળપૂર્વક દબાવી ન દેતા યોગ્ય દિશામાં વાળવા ધ્યાન, યોગાસન, રમત વગેરે ઉપાયો યોજવા. 2) એઈડઝ કે જાતીય વિષયક ચર્ચા, પ્રવચન, ફિલ્મ, પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ સામેલ કરવા. 3) છોકરીઓ માટે સમાજની હાનિકારક રૂઢિ અને પરંપરાઓ દૂર કરી સ્ત્રી સન્માનની ભાવના વધે તેવા પ્રયત્નો કરવા અને તેવું કરનારને વર્ગ કે શાળામાં પ્રોત્સાહિત કરવા. 4) સામાજિક ધોરણોને અનુવર્તીને પોતાની જાતીય ઇચ્છાઓની અભિવ્યક્તિ કરે અને વિજાતીય વ્યવહારો સામાજિક મર્યાદામાં કરે તેની તકેદારી શિક્ષકોએ રાખવી જોઈએ.

                તરૂણો સાથે માતા-પિતા અને શિક્ષકો જ સૌથી વધુ સંપર્કમાં રહેતાં હોવાથી તેઓએ આ કામને ખૂબીથી કરતાં રહેવું જોઈએ. WHO ના સલાહકાર રહી ચૂકેલા Dr. Everold Hosen કહે છે તેમ-

‘India’s challenge is to engage people in talking about sex beyond disease and death. Especially Youth, because sex is on their mind most of the time and there are no comfort zones to discuss these Issues.’

                આજે વિશ્વ એઈડઝ દિન છે. શક્ય છે કે કાલે ઇબોલા દિન આવે! માણસે પ્રાકૃતિક અને પોતાની જીવનશૈલીમાં જે ફેરફારો આણ્યા છે તેમાંથી અવનવા રોગો આવશે, હાહાકાર મચાવશે, કાબુમાં આવશે, ફરી કોઈ નવો રોગ દેખા દેશે! ચક્રને ચાલુ રાખવામાં આપણી કોઈ હોશિયારી ન કહેવાય. વ્યક્તિ પોતાના સમગ્ર સ્વભાવ વિશે આત્મમંથન કરે એ પણ એટલી જ આવશ્યક બાબત છે અને એ વિશે આવનારી પેઢીને પણ વિચારતા કરીએ તોયે ઘણું ઘણું કર્યું કહેવાશે.

                હા, આજે સામાજિક શિક્ષણ દિન પણ છે તેની બહુ ઓછાને ખબર છે. આજે જેમના લગ્ન છે એવા એક યુગલે સામાજિક ઉત્થાન માટે કામ કરતી સંસ્થાને પોતાના તરફથી અગિયાર હજારનું દાન આપીને આ દિવસની સાર્થક ઉજવણી કરી છે. ધન્ય એ પળને, ધન્ય એ યુગલને પણ!

                                

-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં ચ્છાપાયેલ લેખ)

આધ્યાત્મ ગુરુની વિદાય અને આપઘાતનું અઠવાડિયું!



                શિક્ષણનો એક ઉદ્દેશ છે, સમાજની આધ્યાત્મિક ઉન્નતિ. આ માટે જરૂરી હોય છે શિક્ષકોનું એ તરફનું ચિંતન. પણ એવા શિક્ષકો ગણ્યા ગાંઠયા જ મળી શકે. એક એવા શિક્ષકને આજે યાદ કરીએ. 10મી ઓગસ્ટ 1931માં જન્મેલા અને આધ્યાત્મ શિક્ષક તરીકેની ઊંચાઈને પ્રાપ્ત થયેલા શ્રી કીરીટ જોષીનું 83 વર્ષની વયે 24મી સપ્ટેમ્બરના 2014 રોજ અવસાન થયું. તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદા અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો. 1955માં તેઓ I.A.S તરીકેની  પસંદગી પામ્યા તો ખરા, પરંતુ 1956માં જ સુરતના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેના પદથી રાજીનામું આપીને શ્રી અરવિંદ અને માતાજીનાં યોગ અભ્યાસ માટે પૉંડિચેરી જવાનું યોગ્ય માની લીધું. શ્રી માતાજીનાં સાંનિધ્યમાં રહીને તેમણે ઘણા શૈક્ષણિક પ્રયોગો કર્યા અને શ્રી અરવિંદ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન(પૉંડિચેરી)માં ફિલોસોફી અને મનોવિજ્ઞાન શીખવવાનું કાર્ય કર્યું.

                1976માં ભારત સરકારે શિક્ષણ માટેની સલાહકાર સમિતિમાં તેમની નિમણૂક કરી અને 1983થી 1988 સુધી ભારત સરકારના ખાસ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 1987થી 1989 સુધી તેઓ UNESCOની શૈક્ષણિક સંસ્થા(હેમ્બર્ગ)ના ઉપપ્રમુખ પદ પર રહ્યા. 1999થી 2004 સુધી ઓરોવિલ્લ એજ્યુકેશનનું પ્રમુખ પદ શોભાવ્યું. મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકારના મુખ્ય સલાહકાર તરીકે રહીને તેમણે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપનમાં ઉલ્લેખનીય સહયોગ આપ્યો. સંશોધન, ફિલોસોફી અને આધ્યાત્મ કેળવણીને પોતાનું જીવન કર્મ બનાવનારા સ્વ.શ્રી કીરીટ જોષીને ભાવભીની શ્રદ્ધાંજલી.

                ગત સપ્તાહમાં સુરત શહેરની જુદી જુદી શાળાના બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો એ સમાચાર અખબારોમાં છવાયેલા રહ્યાં. ધોરણ 9ના વિદ્યાર્થીના કિસ્સામાં શિક્ષક અને ધોરણ 11ના વિદ્યાર્થીના કિસ્સામાં તેના પિતાજી જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે. આ બંને બનાવો શાળાશિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા છે. આમેય સમાજના મોટા હિસ્સાનું જોડાણ શાળાઓ સાથે જ વિશેષ હોય છે એટલે મીડિયાને પણ અવનવા ન્યૂઝ ત્યાંથી જ મળતા હોય છે. આપઘાત કરનારાઓ વિભિન્ન વયજૂથ અને વિવિધ કારણો ધરાવતાં હોય છે, તેથી તેનું મૂલ્યાંકન વ્યક્તિદીઠ અલગ રહે તેવું બને. પણ આ બંને કિસ્સા ટીનેજર્સના છે એટલે એ વધારે ધ્યાનાકર્ષક બન્યા છે.

                શાળાઓ-કોલેજો સાથે જે કઇં ઘટનાઓ બનતી હોય છે તેમાં હંમેશા થોડું તો પૂર્વગ્રહયુક્ત માનસ જોડાયેલું રહે જ છે. આવી સંસ્થાઓ કે તેમના કોઈ કર્મચારી ગમે તેટલા સંનિષ્ઠ હોય તો પણ સમાજના કેટલાક લોકો તેના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક જોડાઈ શકતા નથી. અને મુશ્કેલીના સમયમાં તો તે અંતર ઓર વધી જતું હોય છે! શિક્ષણ સંસ્થાઓ એકંદરે સભ્ય અને સંસ્કારી વ્યક્તિઓનો સમૂહ છે, દબંગ કે હીન માણસોનો નથી એ  સત્ય સમાજ ખુદ ભૂલી જાય છે. આને વિડંબણા જ ગણવી પડે અને સત્ય સામે ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે. બીજી તરફ કુટુંબના વ્યક્તિ દ્વારા થતી કનડગત એટલી વિવાદાસ્પદ બનતી નથી. ધોરણ 11ના વિદ્યાર્થીએ કરેલ આપઘાતની ચર્ચા એટલી ન થઈ જેટલી ધોરણ 9ના વિદ્યાર્થીના કિસ્સામાં થઈ! કેમ? વિચારો સમાજના પ્રબુદ્ધજનો!

                કોઈપણ વ્યક્તિ માટે આપઘાત ક્યારેય નવી શરૂઆત બની નથી શકતી એ સત્ય બહુધા લોકોને ખબર હોય છે છતાં આપઘાત કરનારાઓની સંખ્યા વિશ્વમાં અને ભારતમાં પણ ઓછી નથી. એમાંય ચિંતાજનક બાબત એ છે કે આપઘાત કરનારાઓમાં સૌથી વધુ પ્રમાણ યુવાન વયના લોકોનું હોય છે. જે વ્યક્તિ આપઘાત કરે છે તેની પાછળનું કારણ ઘરની વ્યક્તિ હોય કે બહારની, તેનાથી કુટુંબીજનો ક્યારેય ખુશ નથી હોતા છતાં  દુનિયામાં દર 40 સેકંડે એક વ્યક્તિ આપઘાત કરે છે અને વિશ્વના ત્રણ આપઘાતમાં એક ભારતનો હોય છે. અર્થાત, ભારતમાં દર બે મિનિટે એક વ્યક્તિ આપઘાત કરે છે! 2012માં WHOના મતે ભારતમાં 2.5 લાખ લોકોએ આપઘાત દ્વારા જીવન ટૂંકાવી દીધું હતું, જેમાં સૌથી વધુ યુવાનો(15થી 29વર્ષના) હતા! સમાજનું ભૌતિકવાદી માનસ, આર્થિક-સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે અસમાનતા જેવા કારણોથી નવી પેઢી પર ઘાતક અસર વર્તાઇ રહી છે ત્યારે સાંપ્રત ઘટનાઓને માત્ર એક જ માપદંડથી જોવી એ નરી બેવકૂફી જ ગણાય.

                જેમ એક ડૉક્ટરની સારવારથી કોઈ વ્યક્તિ(દર્દી)નું મૃત્યુ થાય તો સમગ્ર ડૉક્ટર જગત પર શંકા કરવી તદ્દન અતાર્કિક હોય છે તે જ રીતે કોઈ એક શિક્ષકના કારણે વિદ્યાર્થીને કે તેના કુટુંબને સહન કરવાનો સમય આવે ત્યારે તે માટે સમગ્ર શાળા કે શિક્ષણ સમાજને વિકૃત વ્યવસ્થા તરીકે જોવી બિલકુલ હાસ્યાસ્પદ ગણાય. સમાજનો એ અભિગમ પણ અતિ વિચિત્ર જણાય છે કે શિક્ષક વિદ્યાર્થીને મારે કે ટીકા કરે તો તેની તેના ઉપર ખરાબ અસર પડે, માનસિક વિકાસમાં અવરોધ પેદા કરે અને આવી જ હરકત તેના મા-બાપ કરે તો? કોઈ ફરિયાદ નહીં, કોઈ રેલી નહીં. અદભૂત!!

                મીડિયાએ પણ આવા સંજોગોમાં વિવેક દાખવીને સત્ય શોધવામાં સહયોગ આપવાનો હોય છે નહીં કે ઉતાવળા બનીને સમાચાર બનાવવાની હોડમાં પડી જવાનું હોય છે. જો કે સ્થાનિક અખબારો કે ચેનલો એવો સંયમ જાળવવાની કોશિશમાં હોય છે તો ખરા, પણ આંધળી સ્પર્ધા તેઓને પણ તટસ્થ રહેવાનું ભુલાવી દેતી હોય છે. હા, શાળાઓ અને શિક્ષકોમાંથી વિશ્વાસ ખતમ ન થઈ જાય તેની તકેદારી સમાજે અને પત્રકારોએ પણ રાખવી જ પડશે, રાખવી જ જોઈએ. ન્યાય શોધવા માટે ઉતાવળે અંધ બનવા કરતાં દેખતા રહીને અન્યાય અટકાવવાનો પ્રયત્ન વધુ સાર્થક બનવા જોઈએ.

                હવે ફરી સ્વ. કીરીટ જોષીને યાદ કરીએ. તેમણે શિક્ષક-અધ્યાપક તરીકે પોતાના જીવનને આધ્યાત્મ સાથે જોડી દીધું  હતું. એમના જીવનમાંથી પ્રવર્તમાન શિક્ષકો અને વાલીઓ પણ એ શીખે કે શક્ય હોય ત્યાં સુધી પોતાના કામના સ્થળે કે ઘરે પોતાના તન-મનને આધ્યાત્મ ઉન્નતિનો થોડો સ્પર્શ જરૂર આપે, નિયમિત રીતે આપે. જો આમ થશે તો પોતાના ગુસ્સા કે કલુષિત વિચારો પર લગામ આવશે અને તેનો લાભ પોતાના બાળકો કે વિદ્યાર્થીઓને પણ મળશે. અતિ સંવેદનશીલ કે સંવેદનહીન બની રહેલા બાળકોને નિયંત્રિત કરવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય જણાય છે. હા, આ માત્ર શિક્ષકોની જ નહીં, વાલીઓ અને વડીલોની પણ સરખી જ  જવાબદારી બને છે. મીડિયા પણ આવી બાબતોને ઉજાગર કરે એવી અપેક્ષા શાને ન રાખીએ?!




-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)


Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...