વ્હાલા
વિદ્યાર્થીઓ, દસેક માસ પહેલા નવમાની પરીક્ષા પૂર્ણ નહોતી થઈ, ત્યાં ટ્યુશન ક્યાં રાખવું? એની ચિંતામાં તમે અને
તમારા માતા-પિતા પડી ગયા હતા. થોડી વિચારણા પછી તમે એ નક્કી કરી લીધું હતું અને બસ, ત્યારથી તમે બોર્ડ પરીક્ષાની હોડમાં જોડાઈ ગયા હતા. ઝાઝી સમજ નહોતી છતાં
તમે વૈકલ્પિક વિષયોની પસંદગી પણ દેખાદેખીથી જ કરી લીધી હતી,
કેમકે જેને પૂછ્યું હતું તેમની પાસેથી તમને સંતોષકારક જવાબો મળ્યા નહોતા. ખેર, આજે એ નવ માસ ઘર, શાળા ને ટયુશનની આવન-જાવન અને
ટેન્શનમાં તમે પૂરા કરી દીધા છે. હું જાણું છું કે આ સમયગાળામાં તમે ભણ્યા ઓછું
અને પરીક્ષાઓ ઘણી આપી છે. બોર્ડની પરીક્ષામાં તમારામાંથી મોટાભાગનાએ A કે A+ ગ્રેડ લાવવાનું લક્ષ્ય જો નક્કી કરી રાખ્યું
હશે!
તમારા માતા-પિતાએ પણ તમારી એ બધી જ પરીક્ષાઓમાં
ઘણો જ રસ લીધો હશે. તમે શું ભણ્યા એના કરતાં પરીક્ષામાં કેટલા
ગુણ આવ્યા તેમાં તેઓને દેખીતો વધુ રસ રહ્યો હશે એટલે તેઓ હંમેશા તમારી સેવામાં
રહ્યાં. વહેલા ઉઠવાનું, ચા-નાસ્તો બનાવવાની, કે ટ્યૂશને લેવા-મુકવા જવાની પણ તેઓએ ફિકર રાખી હતી. સંતાન તરીકે તમને જો
આવા મા-બાપ મળ્યા હોય તો તમે નસીબદાર છો. પણ તેઓના મનમાં કેળવણીનો સાચો આદર્શ હતો કે સામાજિક પ્રતિષ્ઠાનો? એ પ્રશ્ન પોતાને પૂછી લેજો. હા, કદાચ તમારી આ ઉંમરે એવું વિચારવું કે નક્કી કરવું મુશ્કેલ જરૂર હશે, પણ આજકાલ સંતાનના પરિણામની ટકાવારી એ મા-બાપને માટે ઘડતરને બદલે ‘સ્ટેટસ સિમ્બોલ’ વધારે બની છે એવું અનુભવાઇ રહ્યું છે.
જે હોય તે, તમારા જેવા બીજા
અનેક વિદ્યાર્થીઓને આજે બીજી પણ કેટલીક વાતો કરવી છે, બોર્ડની
આવનારી પરીક્ષાના સંદર્ભમાં જ. તમારામાંના ઘણાએ સારી મહેનત કરી હશે, મોટાભાગનાએ તો બોર્ડ પરીક્ષાના તણાવ અને ‘હાઉ’ને રોજબરોજ મહેસૂસ કર્યો હશે, તેથી કેટલાકના મનમાં
ભયાનક(દુષ્ટ) વિચારો આવ્યા હશે. ક્યારેક શિક્ષકો પ્રત્યે આક્રોશ, કયારેક માતા-પિતા કે ભાઈબહેન સાથે ઉગ્રતા અને ક્યારેક પોતાની જાત પ્રત્યે
જ નફરત પેદા થઈ હશે. અરે! કોઈકને આપઘાત સુદ્ધાંના વિચારોનો ઝબકારો આવી ગયો હશે. પણ
ખમ્મા કરજો મિત્રો, તમે આ જગતનું એક અણમોલ વ્યક્તિત્વ છો, એટલે એ બધી વાતોને સાથે લઈને ચાલશો નહીં. બોર્ડની પરીક્ષા જીવનની
પરીક્ષાથી વધારે મહત્વની નથી જ. એટલે તમે જે કર્યું છે, તેને
‘ઘણું કર્યું છે’ એમ માની લેજો.
પરીક્ષા સમયે હવે મનમાં લઘુતાનો ભાવ લાવશો નહીં.
હું સમજુ છું કે ખાસ કરીને દૂર દૂર ગામડામાં
ભણતાં હજારો વિદ્યાર્થીઓને એક તરફ પેપરો કેવા નીકળશે તેની,
અને બીજી તરફ નબળા વિષયોમાં ઓછામાં ઓછા ૩૩ ગુણ લાવવા માટે વર્ષ દરમ્યાન કરેલો
પુરુષાર્થ કામ લાગશે કે નહીં તેની ચિંતા કોરી ખાતી હશે. કાળા અક્ષરો અને આંકડાઓ
તેમણે ક્યારેય ગમ્યા નહીં હોય, તો પણ તેઓને કહેવું છે કે
પુરુષાર્થ કરવાનું છોડી દેશો નહીં. વર્ષ દરમ્યાન અભ્યાસક્રમમાંથી જેટલું સમજાયું
હોય તેને પુરવણીમાં ઉતારવામાં આળસ ન કરતાં. ટીપે ટીપે સરોવર ભરાય છે એ ગુજરાતી
કહેવતને બરાબર યાદ રાખજો. શકય છે કે તમારી નબળી યાદશક્તિ કરતાં, તમારો અભિગમ જીતી જાય!
માત્ર
તમારા જેવા સાધારણ કે નબળા વિદ્યાર્થીઓને જ પરીક્ષાનો ભય હોય છે એવું નથી મિત્રો.
તમારામાંના હોંશિયાર કે મહેનતુ વિદ્યાર્થીઓને પણ હોય છે. તેમને નાપાસ થવાનો નહીં,
પણ પોતાના જૂથમાં પાછળ પડી જવાનો ભય છે. તેઓને દાખલા કે
જવાબો નહીં આવડવાની ચિંતા નથી હોતી, તેઓને ‘પેપરો બરાબર તપાસાશે કે નહીં’ તેની ચિંતા હોય છે!
આવા મિત્રોને મારી એટલી જ સલાહ છે કે પરિણામની ઊંચી ટકાવારી તમારા સર્વાંગી
વિકાસનો માપદંડ નથી જ. ભૂતકાળમાં ૯૨ ટકા મેળવનારા વિદ્યાર્થીઓ નોકરી નહીં
મેળવનારાઓની યાદીમાં હોય, અને ૬૮ ટકા મેળવનારા પોતાના નાનકડા
વ્યવસાયથી ખુશ હોય તો તેનો મતલબ તમે શું કરશો? એટલે ‘હું પાછળ પડી જઈશ’ એવી માનસિકતામાંથી આપ બહાર રહેશો
એવી મારી શાણી સલાહ છે.
તમે સામાન્ય વિદ્યાર્થી હોવ કે
હોંશિયાર, તમારા પર મા-બાપનું ઘણું દબાણ રહ્યું છે. તમે લાગણીવશ તેમની
અનુચિત બાબતો(સૂચનો)ને પણ સ્વીકારી લીધી હશે. તે જ રીતે પોતાના વિષયનું પરિણામ ઊંચું
લાવવા મથતા કેટલાક હૂંકારી શિક્ષકોના જોર-જુલમને પણ તમે સહન કરી લીધા હશે. અરે
ક્યારેક આ લોકોના કડવા વેણ અને વૈતરાને પણ ગંભીર ચહેરા સાથે પોતાનામાં ઉતારી દીધા
હશે. એમના પ્રત્યેના દ્વેષભાવયુક્ત પ્રસંગો તમને ક્યારેક યાદ પણ આવી જતાં હશે, ખરું?. પણ આવા સમયે, વાંચવા-
લખવાનું બાજુએ મૂકી થોડીવાર બારી પાસે જઈને પ્રકૃતિના સોંદર્યને જોતાં રહેજો.
મનમાં ઉભરાતા અણગમતા વિચારોને એમ કરીને તમે દૂર હટાવી દેજો. પરીક્ષાના દિવસોમાં
પ્રસન્ન રહેવા પ્રયત્ન કરજો. કોઇની સાથે સંઘર્ષ કે બોલાચાલી કરવાનું ટાળજો, કેમકે પરીક્ષા આપવાનો આનંદ તમારા હૈયે રહેવો જોઇએ.
બોર્ડ પરીક્ષાની તૈયારીથી
તમારામાંના કેટલાક તો એ હદે કંટાળી પણ ગયા હશો કે પરીક્ષા પૂરી થાય એટલે ‘આમ
કરીશું, તેમ કરીશું’ના વિચારો અને
કલ્પનાઓમા વારંવાર સરી પડતાં હશે. વર્તમાનની ક્ષણોને જીવવાને બદલે તેઓ ભવિષ્યના
લોભાવનારા આયોજનો કરવા માંડ્યા હશે. જે છે તેને ઉપયોગમાં લેવાને બદલે જે નથી તેને
માટે વર્તમાન સમયને વેડફી દેવામાં લપસી રહ્યાં હશે. મિત્રો,
સાવધાન! જો તમે આમાંના એક હોવ તો ઘડીક થોભી જજો. ભવિષ્યમાં શું કરવું તેના વિચારો
પર લગામ રાખજો. હમણાં માત્ર બોર્ડ પરીક્ષાના સમય અને વિષયોને જ મનમાં યાદ કરતાં
રહેજો, કેમકે તે સચવાશે તો ભવિષ્ય સચવાશે. પાણીમાં પડવાનું
હોય ત્યારે સૌથી પહેલાં હાથ-પગ હલાવવા વિશે જ વિચારવાનું હોય, નહીં કે કિનારે પહોંચીને શું કરીશું!? બરાબર કે
નહીં!?
અને અંતે, બાળપણથી અત્યાર સુધી
ખાવા-પીવાની, હરવા-ફરવાની જે ટેવો તમે વિક્સાવી હશે તેમાંની કેટલીક
અયોગ્ય હશે જ છતાં હવે છેલ્લી ઘડીએ તમે કે તમારા માતા-પિતા તેને બદલી શકવાના નથી
જ. જે થઈ ગયું છે તેને સ્વીકારી લેવામાં જ ઔચિત્ય છે. છતાં પરીક્ષાના સમયે શરીર
અને મન તંદુરસ્ત રહે તે માટે યોગ્ય સમતોલ આહાર, પ્રવાહી અને
પૂરતી ઊંઘ લેશો જ. તમારામાંના ઘણાં આગ લાગે ત્યારે કૂવો ખોદવાવાળા હશે, એટલે તેમને મારી આ ટકોર જરૂર પહોંચાડશો જ. તમને શુભેચ્છા કે ભેટ સોગાદો
આપનારાઓ ઘણા આવશે પણ એનાથી ખાસ કઈં મોટો ચમત્કાર થતો નથી. છતાં કોઈ મળવા આવે તો તેઓને એક સ્મિત આપીને પોતાના વાંચનમાં
તરત જોડાઈ જશો. હું તમને મળવા નથી આવવાનો એટલે મારા આ શબ્દોને જ તમે મારી શુભેચ્છા
માની લેજો. આપકી યાત્રા સુખદ હો...!
-ડૉ. વિજય મનુ
પટેલ ( ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 10/3/14)
No comments:
Post a Comment