એક તરફ આજકાલ બોર્ડ પરીક્ષાનો માહોલ છે, અને બીજી તરફ આ બે
દિવસથી લોકો હોળી-ધૂળેટીના પર્વનો
આનંદ અને અજંપો માણી રહ્યાં છે. તહેવારોમાં
ધાર્મિક શ્રદ્ધા અને એકમેકને મળવાથી પ્રસન્નતાનો અનુભવ થાય, પણ તહેવારોમાં માનસિક સંકુચિતતા અને અસભ્ય વર્તનની આશંકાથી અજંપો પણ રહેતો હોય છે. ધૂળેટીને વધુ
સાલસતા અને મર્યાદામાં ઉજવનારો એક વર્ગ છે તો બીજી તરફ બીજાના સન્માનને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિઓમાં રાચનારો વર્ગ પણ છે. લોકોના સ્વભાવ, વિચારસરણી પર
રંગોનો પ્રભાવ હોય ખરો? માનવીના જીવનમાં આ રંગો કેવા કેવા રંગો ભરે છે
તેના પ્રભાવ વિશે આજે થોડી પ્રાસંગિક વાત કરીએ.
માનવી આમ તો ગમે તે દેશ કે પ્રદેશનો હોય તેને હંમેશા દુ:ખથી દૂર રહેવાનુ ગમે છે. પણ આનો ઉપાય દરેક પાસે નથી હોતો એટલે કેટલાંક તેનાથી દૂર રહેવા માદક દ્રવ્યોનું શરણું લઈ લે
છે. કેટલાક સિનેમા, શોપિંગ, કલબ કે દૂરના સ્થળે જવાનો
માર્ગ પણ અપનાવી લેતા હોય છે. હોળીનો ઉત્સવ પણ એક રીતે દુ:ખ-દર્દ ભૂલવાનો
ઉત્સવ છે, જેમાં એકબીજા પર રંગો છાંટીને સૌ પોતાની નિરાશાને ઘડી ભર ભૂલી જાય છે. આ રંગોનો પ્રભાવ માનવ સ્વભાવ સાથે જોડાયેલો હોવાનું પ્રતીત થાય છે.
ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે અમુક વ્યક્તિ બહુ
કપટી છે, દાવ ખેલનારી છે એનાથી સાવધ રહેજો. દરેક શેરી
મહોલ્લામાં આવી એકાદ વ્યક્તિ તો કદાચ મળી આવે જે બધાને ઊંચા-નીચા કરી શકે. આવી વ્યક્તિ પર
ભૂખરા (કબૂતર જેવા) રંગની અસર સવિશેષ
હોય છે. આપણે વ્યક્તિના
ભાવોને રંગો દ્વારા કે રંગોના
આધારે વ્યક્તિના સ્વભાવ વિશે થોડું અનુમાન કરી શકીએ છીએ. ક્યારેક સારા
માણસો ખરાબ વ્યવહાર કરે કે ખરાબ માણસ સારું વર્તન કરતાં જણાય ત્યારે આપણને આશ્ચર્ય થતું હોય છે
પરંતુ એ વ્યક્તિના આભામંડળમાં થતાં
ફેરફારોને આભારી હોય છે.
કોઈ વ્યક્તિ વધુ
ધાર્મિક હોવા પાછળ તેનામાં પીળા
રંગનું વર્ચસ્વ વધુ હોય છે. કોઈ વ્યક્તિ બહુ ચંચળ હોય અને અચાનક તે સ્થિર અને ગંભીર બની જતી હોય તો તેજસ(અગ્નિ જેવા) રંગને કારણે હોય છે. તે જ રીતે જેમને સંસારની
ક્રિયાઓમાં ખાસ દિલચશ્પી ન હોય તો તેઓ પર
સફેદ રંગની છાયા વધુ રહેતી હોય છે. સફેદ રંગથી ક્રોધ શાંત થાય છે, રોજિંદી ભાગદોડમાં, કપટમાં, અને લોભવૃત્તિ પર નિયંત્રણ આવે છે.
રંગોનું પણ વિજ્ઞાન છે અને
તેના પર આધારિત ચિકિત્સાના પ્રગો(કલર થેરપી) થયા છે. રંગોના મિશ્રણથી કેવી સ્થિતિનું
નિર્માણ થાય છે તે વિશેના પણ અભ્યાસો થયા છે. એક વ્યક્તિએ પોતાના નવા મકાનને રંગ
કરાવ્યો. રંગો વિશે તેને ઝાઝી જાણકારી હતી નહીં એટલે એ વિશે સ્વાભાવિક જ એને કશું
વિચાર્યું નહોતું. રહેવા અને સુવાના રૂમમાં (લિવિંગ અને બેડરૂમમાં) તેણે ગાઢ લાલ
રંગ લગાડાવી દીધો. પરિમાણ એ આવ્યું કે તેના ઘરમાં સતત સંઘર્ષ-ઝઘડા-બોલાચાલી શરૂ થઈ
ગઈ હતી. લાલ રંગ ઊર્જા અને આક્રમક્તાનો પ્રભાવ પાથરી ગયો હતો!
માત્ર દીવાલ પરના રંગો જ નહીં, કપડાના રંગો પણ વ્યક્તિ પર પ્રભાવ પાથરે છે. લાલ રંગના વસ્ત્રો
વ્યક્તિને ઝડપથી ઉગ્ર બનાવી દેશે. ગાઢ ભૂરાશવાળા કપડાં પહેરવાથી કદાચ તમે ઈર્ષાળુ બની જાવ તેવું બને. જેઓ મંદ બુદ્ધિવાળા છે તેઓ જો પીળા રંગનું દર્શન કરતાં રહે તો તેમનામાં યાદશક્તિ વધી શકે છે! રંગોના ફેરબદલ દ્વારા વ્યક્તિ
પોતાના રોજિંદા જીવનમાં ફેરફાર લાવી શકે છે. હા, રંગો હકારાત્મક અને
નકારાત્મક એમ બંને પ્રકારની અસર
ઉપજાવે છે.
રંગો વિશે થયેલા વિવિધ
સંશોધનો એ દર્શાવે છે કે રંગોનો પ્રભાવ માનવ મસ્તિષ્ક પર પડે તો છે જ, પણ એ કેટલે અંશે અને
કેટલા સમય સુધી એ વાતની પુષ્ટિ મળતી નથી. છતાં આપણો સૌએ એ અનુભવ્યું હશે કે અમુક પ્રકારના રંગોથી આપણે પ્રસન્ન થઈ જઇએ છીએ, અમુક રંગોવાળા
વાતાવરણમાં જવાથી આપણને ઉન્માદ કે શાંતિનો અનુભવ થાય છે. તો પછી શાળાના વર્ગખંડો અને સ્ટાફરૂમમાં રંગોની યોગ્ય પસંદગી કરીને અશિસ્ત કે મનની સંકુચિતતાને કેમ દૂર ન કરી શકાય?
ખોટી પ્રવુત્તિઓના ખર્ચા ઘટાડીને શાળાઓ નિયમિત રીતે રંગરોગાન કરીને પોતાની
શિક્ષણની ગુણવત્તા ન સુધારી શકે? શાળા-કોલેજો વિચારી તો જુઓ.
બાળકો મોટેભાગે ભપકાદાર રંગો તરફ આકર્ષાય છે. કિશોરોને પણ
ભપકાદાર કે રેડિયમ રંગો વધુ પસંદ પડે છે, જ્યારે વડીલો
ઝાખાં રંગના વસ્ત્રો વધુ પસંદ કરે છે. જે લોકો શિક્ષિત અને શ્રીમંત હોય છે તેઓની પણ અમુક ચોક્કસ ડિઝાઇન કે રંગોની
પસંદગી હોય છે. આ બધી બાબતો જાણ્યે-અજાણ્યે
એ વાતને સ્વીકારવા મજબૂર
કરે છે કે રંગોનો પ્રભાવ આપણાં પર હોય છે જ. હા, દરેક બાબતમાં થોડા અપવાદો તો રહેવાના, તેથી અહીં રજૂ કરેલ બાબતો બધાને એકસરખી રીતે લાગુ ન પણ
પડે.
તહેવારો સાથે રંગોનો સંબંધ પણ ખાસ રીતે જ જોડાયેલો હશે. કોઈપણ તહેવાર રંગો
વિનાનો હોઇ શકે ખરો? કલ્પના માત્રથી જ કદાચ eઆપણને ‘ફિક્કાસ’નો અનુભવ થવા
માંડે. હોળી આનંદનો દિવસ છે, અનિષ્ટ પર ઇષ્ટના વિજયનું પર્વ
છે. શિક્ષણનું મૂળ કામ પણ તો આ જ છે ને? સંસ્થાઓના સૌ સભ્યો
વચ્ચેનું વૈમનસ્ય ઘટે એ માટે શાળા-કોલેજોને રંગોથી સુશોભિત કરીએ. આવો, રંગોની સાથે એને જોડીએ. બીજાને રંગોના સુંદર આભામંડળથી સજાવીએ. સન્માન
સાથે બીજાની ખુશીમાં વધારો કરીને પોતે પણ પ્રફુલિત બનીએ. શિક્ષણની ગુણવત્તા
સુધારવા ધૂળેટીને આમ મનાવીએ...
-ડૉ.
વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા 17/3/14)
No comments:
Post a Comment