મારી વાત સાથે તમે સંમત થશો જ કે તમે કોઈ દિવસ આવું
સાંભળ્યું નહીં હોય કે ‘આવી, આવી....મઝાની પરીક્ષા આવી!’ બોલો સાચું છે ને? તમે ભલે મારાથી દૂર છો પણ આ વાંચતી વખતે તમારા ચહેરા પરના સ્મિત અને તણાવ
મિશ્રિત ભાવને હું જોઈ રહ્યો છું. પરીક્ષા મઝાની હોય એ વાત જ સાવ હમ્બગ છે નહીં? મોટાભાગનાને માટે એ સાચું છે અને આજનો આ લેખ એવા અનેક વિદ્યાર્થીઓ માટે
છે જેઓ પરીક્ષાની તૈયારીમાં પડ્યા છે. પરીક્ષાના હાઉને દૂર કરવા અને તેમને ‘મઝાની’ બનાવવા આજે હું તમને કેટલીક વાત કહીશ કેમ કે
પરીક્ષા ગમે તેવી હોય તેની સાથે તણાવ તો આવે જ. એમાંય પ્રથમ વખત જાહેર(બોર્ડ)
પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓની સાથે તેના વાલીઓને પણ ઉચાટ રહે છે. આ
બધામાંથી બચવાની થોડી વાત કરીએ.
વાંચન
વ્યૂહરચના: વાંચવાની સાચી રીત કઈ? આ પ્રશ્નનો કોઈ કાયમી અને બીબાઢાળ ઉત્તર ન જ હોઇ શકે. દરેકે પોતાના
સ્વભાવ અને કુટુંબ વ્યવસ્થા મુજબ વાંચવાનું સમયપત્રક ગોઠવવાનું હોય છે. પણ તેમાં
એક બે વાત સામાન્ય છે. એક, વાંચનની એક બેઠક સવાથી દોઢ કલાકની
રાખવી જ. કેમ કે, વારંવાર ઉઠ ઉઠ કરવાથી મગજમાં વાંચેલાનો
સંગ્રહ થતો જ નથી. (જ્ઞાન ટુકડાઓમાં નહીં, પણ અખંડ હોવું
જોઈએ એવી ફિલસૂફોની વાત યાદ રાખજો.) વળી, આવી બેઠકો વચ્ચે
ડોક, આંખ, હાથ-પગ માટેની હળવી કસરતો
સાથેની પંદર મિનિટ હોવી જોઈએ. એકધારાપણું શરીર અને મનને ઝડપથી થકવી નાખે છે. એટલે
દિવસમાં આવી વધુ બેઠકો માટે આટલું રિફ્રેશમેન્ટ અનિવાર્ય છે.
લેખન
વ્યૂહરચના: એક મમ્મીએ પ્રશ્ન કર્યો હતો કે, ‘મારા દીકરાનું લખાણ ઠીક નથી એ માટે શું કરવું?’ આ પ્રશ્નનો ઉત્તર પૂરી વાત જાણ્યા વિના આપવો અઘરો હતો. પણ પરીક્ષા સાવ
નજીક હોવાથી મેં આટલી વાત કહી હતી. આજકાલ જમાનો દેખાવનો છે એટલે સારા અક્ષરો હોય એ
જરૂરી ખરું પરંતુ તેના કરતાંય વધારે અગત્યની વાત જવાબોની રજૂઆત કરવાની શૈલીની છે.
જરૂર હોય ત્યાં શીર્ષક લખવું જ. વળી, જવાબને લાંબા
પેરેગ્રાફને બદલે બે-ત્રણ વાક્યવાળા નાના પેરેગ્રાફમાં રજૂ કરવામાં આવે તો લખાણની
સુંદરતા વધે છે. ( આ રીતનું લખાણ પરીક્ષકોને પણ તપાસવામાં વધુ અનુકૂળ આવે એવો મારો
અનુભવ છે.)
ઉપરાંત, લખાણમાં એકલા અક્ષરોને બદલે જરૂર જણાય
ત્યાં નાની ભૌમિતિક આકૃતિઓનો ઉપયોગ કરશો તો તે નાવીન્યપૂર્ણ ગણાશે. જો કે આમ
કરવામાં સમયનું યોગ્ય પાલન થવું જરૂરી છે. પરીક્ષાની નિર્ધારિત સમય મર્યાદામાં
સારું લખાણ લખી શકાય તે માટે બે-ત્રણ પેપરો લખવાનું રિહર્સલ ઉપયોગી નીવડે છે.
પરીક્ષાના આગલા દિવસની વ્યૂહરચના: પરીક્ષાના
અગાઉના એક-બે દિવસોમાં ઉત્તેજના એ હદે વધી જતી હોય છે કે ઘણાબધા વિદ્યાર્થીઓ ‘શું કરીએ?’ એ જ નક્કી
કરી નથી શકતા. ઘડીકમાં અંગ્રેજી વાંચવા બેસે, ને ઘડીકમાં
દાખલાની પ્રેક્ટિસ યાદ આવી જાય. અને કેટલાક તો વળી કેવું પેપર હશે? કેવા સુપરવાઇઝર હશે? તેની ચિંતામાં જ સરી પડે!
વિદ્યાર્થી મિત્રો, આ બધામાંથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે
પૂરતી ઊંઘ સાથે આ દિવસોમાં પ્રથમ પરીક્ષાના વિષયને જ તમે વધારે ન્યાય આપો. જેની
શરૂઆત સારી તેનો અંત પણ સારો એ વાતમાં કેટલોક દમ છે.
પ્રથમ
વિષયની તૈયારી સાથે તમે પરીક્ષા માટેની જરૂરી વસ્તુઓ ખાસ કરીને કંપાસ અને ઘડિયાળને
સજ્જ કરી દેજો. પ્રવેશ રસીદની ઝેરોક્ષ ઘરે મૂકી દીધી જ હશે, તેના પર ફરી એકવાર નજર કરી લો. પરીક્ષા
સ્થળે પહોંચવાના અંદાજિત સમયને પણ જાણી રાખો. આમ, છેલ્લી
ઘડીની દોડાદોડીમાંથી મુક્ત બની રહો.
પરીક્ષાના
દિવસની વ્યૂહરચના: એવું અનુભવાયું છે કે બોર્ડ પરીક્ષાના દિવસે હોંશિયાર કરતાં
નબળા વિદ્યાર્થીઓ વહેલાં ઉઠી જતાં હોય છે! ખરેખર તો પરીક્ષાનો સમય સવારનો હોય કે
બપોરનો હોય, બહુ
વહેલાં ઉઠવાની જરૂર નથી. પૂરતી ઊંઘ સૌથી અનિવાર્ય બાબત છે તેથી પરીક્ષાના આગલા
દિવસે રાત્રે સૂતા પહેલાં મન અને વિચારને કાબુમાં રાખીને ઓછામાં ઓછી છ કલાકની ઊંઘ
તો લેજો જ મિત્રો કેમ કે, શરીર સ્વસ્થ હશે તો જ યાદશક્તિ
તમને મહત્તમ લાભ અપાવશે.
બીજું, સવારે ઊઠીને પોતાની પ્રવેશ રસીદ ખાસ જોઈ
લેશો. તેમાં દર્શાવેલ તારીખ, સમય, વિષય
અને ખાસ તો ‘બ્લોક નંબર’ અચૂક જોઈ
લેવા. કેમ કે, આધુનિક કમ્પ્યૂટર તકનીકીના યુગમાં હવે તમારા
વર્ગના સાથી મિત્રો પરીક્ષાખંડમાં પણ તમારી સાથે જ હોય એવું બનતું નથી! ઉપરાંત, અમુક વિષયોની પરીક્ષા બીજી શાળા કે બીજા બ્લોકમાં બેસીને આપવાના સંજોગો
પણ ઉપસ્થિત થાય છે. એટલે જ કહું છું કે
પ્રવેશ રસીદ બરાબર જોઈ લીધી છે? અને હા, તેની પાછળની સૂચનાઓ વાંચી લીધી છે ને?!
તમે
પરીક્ષાખંડમાં યોગ્ય જગ્યાએ બેસી ગયા હોવ અને પ્રશ્નપત્ર હાથમાં આવી ગયું હશે
ત્યારે પ્રશ્નપત્રના પાનાને ફેરવીને જોઈ લો કે કોઈ છાપભૂલ તો નથી ને? પછી તેનું અવલોકન કરો અને કયા પ્રશ્નો વધુ
વિચારીને લખવા પડે તેવા છે એ વિશે વિચારી લો. હવે તમારે OMR
કે પુરવણીમાં તમારો નંબર અને અન્ય વિગતો કાળજીપૂર્વક ભરવાની છે. આ કામમાં ન સમજાય
તો નિરીક્ષકને પૂછવામાં શરમ રાખશો નહીં. એ પણ યાદ રાખો કે પ્રશ્નપત્રના કોઈપણ
વિભાગથી તમે જવાબો લખવાની શરૂઆત કરી શકો છો(OMRમાં કોઈ
વિભાગો હોતા નથી.) પણ જે વિભાગ પસંદ કરો તેના બધા જ પ્રશ્નોના ઉત્તરો એક સાથે જ
રાખવા. જવાબ લખતી વખતે પ્રશ્ન લખવાની જરૂર નથી માત્ર તેનો ક્રમ સ્પષ્ટ રીતે લખો
તેટલું પૂરતું છે.
ઉત્તર
લખતી વખતની વ્યુહરચના: લખવાની સૂચના મળે(કે બેલ વાગે) ત્યારે જે તે વિભાગથી
લખવાની શરૂઆત કરો. ઉત્તર લખવામાં હાંસિયા માટે તથા પેરેગ્રાફ વચ્ચે યોગ્ય જગ્યા
રાખવી. વધુ પડતી ઉતાવળ કરીને લખવાની જરૂર
નથી કેમ કે તેમ કરવામાં ભૂલો થવાની શક્યતા વધે છે. લખાણમાં ઘૂંટેલા શબ્દો કે
અક્ષરો આકર્ષક બનતા નથી. ભૂલ થાય તો માત્ર એક સીધી લીટી વડે રદ કરો.(જો આખો ઉત્તર
ખોટો લખાયો હોય તો મોટી આડી લાઇન કે ચોકડી કરી શકો. વધારે લીટા કરવાની જરૂર નથી!) જે
પ્રશ્નના ઉત્તરો લખાતાં જાય તેમ તેમ પ્રશ્નપત્રમાં પેન્સિલથી નાની નાની નિશાની
કરતાં જાઓ, જેથી
છેલ્લે કોઈ પ્રશ્ન લખ્યા વિનાનો રહી ગયો હોય તો તરત જાણી શકાય.
જે
પ્રશ્નનો ઉત્તર લખી રહ્યા હોવ ત્યારે બીજા પ્રશ્નના ઉત્તર વિશે વિચારવામાં સરી ન
પડતાં! એમ કરવામાં સમય વેડફાશે, ઉત્તરની ગુણવત્તા પણ બગડી શકે. અને હા, પરીક્ષકને
શંકા જાય તેવી પ્રયુક્તિ કે વર્તનથી અળગા રહેજો. પુરવણી માંગતી વખતે કે કોઈ
મુશ્કેલીની રજૂઆત કરતી વખતે નિરીક્ષક સાથે વિનમ્રતા દાખવવાનું ચૂકશો નહીં.
પરીક્ષા
પૂર્ણ થવાની દશ મિનિટ પહેલાં બધા ઉત્તરો લખાઈ જાય તેવું આયોજન વિચારવું. પરીક્ષાના
અંતે પુરવણીને યોગ્ય ક્રમમાં બાંધવાની, સ્ટિકર લગાવવાની અને જરૂરી વિગતો ભરવાનું કામ પૂર્ણ થયું છે
કે કેમ તેનું અવલોકન કરી લેવું. છેલ્લે, નિરીક્ષકને ઉત્તરવહી
સોંપી પોતાની તમામ વસ્તુઓ(રસીદ સહિત) એકત્ર કરીને જ પરીક્ષાખંડની બહાર નીકળજો..હસતાં...હસતાં.
Enjoy your exam this way!!
આટલું તો સ્વીકારી જ લેજો !
§ પરીક્ષા તમે તમારા માટે નહીં પરંતુ પરીક્ષક માટે આપો છો, તેથી ઉત્તરવહી શક્ય હોય તેટલા સ્વચ્છ અને
સુઘડ અક્ષરોમાં લખવાનું રાખજો.
§ કયો પ્રશ્ન પૂછાશે? એવી કલ્પનામાં બહુ રાચશો નહીં, કેમ કે
તમે જે તૈયાર કર્યું છે તેમાંથી જ ઘણુબધું પૂછાવવાનું છે એમ માનજો.
§ મહેનત દ્વારા વાવેલો સમય અને વાંચન દ્વારા માણેલો સમય તમને
જરૂર મીઠાં ફળ આપશે જ.
આટલું તો માનજો જ યારો!!
·
પ્રશ્નોને
ધ્યાનપૂર્વક વાંચજો,
ઉતાવળથી નહીં.
·
ફોન
અને ફ્રિજને દૂર જ રાખજો.
·
ઓછામાં
ઓછી છ કલાકની ઊંઘ રાખજો.
·
જરૂર
પૂરતું જ સાહિત્ય લઈ વાંચવા બેસજો, ઘણુબધું નહીં.
·
પરીક્ષામાં
ચુસ્ત અને સિન્થેટિક્સ કપડાં ન પહેરશો.
·
પ્રશ્નપત્રમાંથી
જે તે શબ્દ કે સંખ્યા ઉતારવામાં ભૂલ ન કરતાં.
·
બહારનું
નહીં, ઘરનું સાત્વિક ભોજન
લેજો.
·
ઘર અને
પરીક્ષાખંડ, બંનેમાં
સૌ સાથે ખુશ રહેજો.
-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન(10/3/14)માં છપાયેલ બોર્ડ પરીક્ષા માટે ખાસ લેખ)
No comments:
Post a Comment