એક સાથે બે અભ્યાસક્રમો: ગુણવત્તા જીવશે કે મરશે ?!
એક તાજા સમાચાર છે. હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ
થોડા સમય પહેલા જ યુનિવર્સિટિના કુલપતિઓની એક પરીષદ બોલાવી હતી. તેમાં વડાપ્રધાન
ડો.મનમોહનસિંહ બોલ્યા હતા કે શિક્ષણ ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવી વિશ્વની
ટોચની 200 યુનિવર્સિટિની યાદીમાં ભારતની એક પણ યુનિવર્સિટિ સ્થાન પામી નથી! મતલબ
કે આપણું યુનિવર્સિટિ ગ્રાન્ટ કમિશન વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચે છે છતાં
ગુણવત્તાને નામે હાથમાં કશુંય ધ્યાનાકર્ષક આવતું જ નથી.
બીજા પણ
હમણાંના જ સમાચાર છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિએ એ વાતનું ગૌરવ લીધું
છે કે તેની સિન્ડિકેટ દ્વારા એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે જેનાથી કેટલીક
શરતોને આધીન વિદ્યાર્થીઓ એકસાથે બે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે! (આ વાતમાં
યુજીસીએ પણ સંમતિનો સૂર પુરાવ્યો છે.)
આ બંને સમાચારો સામસામા છેડા જેવા લાગે છે. ભલે, એ
બંને જુદા જુદા સ્થળોએ બનેલી ઘટનામાંથી નીપજેલા છે. પરંતુ તેને અહીં ભેગા કરવાનો
આશય થોડા પ્રશ્નો બાબતે મનન કરવાનો છે. ઘોડાગાડી એક ઘોડાથી પણ ચાલે અને બે થી પણ
ચાલે. બળદગાડું એક બળદથી પણ ચાલે અને બે થી પણ ચાલે. એજ રીતે યુનિવર્સિટિ એકસાથે
એક અભ્યાસક્રમથી પણ ચાલે અને બે કે તેથી વધુ વડે પણ ચાલે. પણ વધુ પ્રાણીઓ જોડવાથી
ઘોડાગાડી કે બળદગાડું વધુ ઝડપથી દોડી શકશે? ઘડીભર મંથન કરો.
જો તમારો જવાબ ‘હા’ હોય તો તમે ‘પ્રાણીઓની સંખ્યા વધે તો શક્તિ વધે’ એ સત્યને
સ્વીકારનારા છે. જો તમારો જવાબ ‘ના’
હોય તો તમને ઉપરના સત્યમાં સંશય છે એ સ્પષ્ટ છે. વિચારવાનું એ જ છે કે એક સાથે બે
કે વધુ અભ્યાસક્રમો કરવાથી આપણું યુવાધન કુશળ બની જશે ખરું?
25 વર્ષે પહોંચેલો યુવાન બે ડિગ્રીને બદલે ત્રણ ડિગ્રી હાંસલ કરી દે તો તેની
હોંશિયારીથી પોતાને અને દેશને કેટલો લાભ થશે. ભણવાની દોડમાં એક વિદ્યાર્થી પર બમણો
ભાર નાખશો તો તેની ઝડપ વધશે કે ઘટશે? (ડો.મનમોહનસિંહની પ્રથમ
પેરાની વ્યથાનું શું?!)
અમેરિકા સહિત
દુનિયાની કેટલીક યુનિવર્સિટિમાં એક સાથે બે અભ્યાસક્રમો ભણવાની વ્યવસ્થા છે. પરંતુ
આવા દેશોની વસ્તી, તેનું
અર્થતંત્ર, તેની રાજકીય-સામાજિક વ્યવસ્થા સાથે તેનું યોગ્ય
સંકલન શક્ય બને છે. વિદેશોની સમાજ વ્યવસ્થામાં ‘કામ’ મહત્વનુ છે હોદ્દો નહીં.(આપણે ત્યાં ઊંધુ છે!!) ત્યાંનો યુવાન બી.એ. કરે
પછી આર્ટ્સના ક્ષેત્રમાં જ નોકરી કે ધંધો શોધે તેવું નથી. એમ.બી.એ કર્યા પછી ટ્રાન્સપોર્ટ
કંપનીના ડ્રાઈવર તરીકે કે એન્જિનિયર થઈને મોલના મેનેજર તરીકે કામ કરવામાં ત્યાંના
લોકોને કઈં અજુગતું લાગતું નથી. પણ આપણાં દેશના યુવાનો આ રીતે ટેવાયેલા નથી.
એમ.કોમ. થયેલો યુવાન હોસ્પિટલની સેવા માટે અને એમ.એસ.સી. થયેલી યુવતી બેંકમાં કામ
કરવા તૈયાર નથી ત્યારે બબ્બે અભ્યાસક્રમો ભણીને તેઓ વધુ યોગ્યતા પુરવાર કરીને શું
કરશે?
એક સાથે બે
અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકાય તેવો વિચાર રોમાંચકારી જરૂર છે, એટલે સત્તાધીશો તેનાથી ખુશ થાય તેમાં આપણને
વાંધો નથી. પણ આવા નિર્ણય થકી યુનિવર્સિટિ શિક્ષણની કે પ્રાધ્યાપકોની ગુણવત્તા
સુધરી જશે એ બાબત તો ‘દિલ હૈ કી માનતા નહીં!’ જેવી જ લાગે છે. માત્ર 200 જ નહીં પ્રથમ 400 શ્રેષ્ઠ યુનિવર્સિટિ સુધી
યાદી લંબાવીએ તો પણ તેમાં આપણી ચાર-પાંચ યુનિવર્સિટિનો જ નંબર લાગે તેમ છે! જો કે વિશ્વની ધનાઢ્ય ટોપટેન વ્યક્તિઓ, ટોપટેન સુંદરીઓ, ટોપટેન ઔધ્યોગિકએકમો કે ટોપટેન
પ્રભાવી વ્યક્તિઓ જેવા સમાચારો અખબારોમાં આવે એમાં દેશના દશ ટકાને જ રસ હોય છે.
તેમ દેશની યુનિવર્સિટિ વિશેના આવા સમાચારો પર બહુ ઓછાની નજર જતી હોય છે. છતાં વીર
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિના આ નવા નિર્ણયની ફળશ્રુતિને તપાસી લઈએ.
એકસાથે બે
અભ્યાસ્ક્ર્મોમાં પ્રવેશ મેળવવાથી પ્રથમ લાભ એવા વિદ્યાર્થીઓને મળશે જે મહેનતુ અને
તેજસ્વી છે. તેઓ એકના ભારની સાથે બીજાને પણ ઉપાડવા સક્ષમ હશે. બીજું, જેઓને વિદેશમાં સ્થાયી થવાની તક કે ઉજળા
સંજોગો છે તેઓ જે તે દેશમાં જરૂરી હોય તેવા અથવા તેને પૂરક એવા અભ્યાસક્રમને અહીં
જ પસંદ કરીને ભણી શકશે. (પણ એવા અભ્યાસક્રમ આપણે ત્યાં હોવા જોઈએ.)
હવે વિચારીએ
આનાથી કયા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પ્રથમ તો મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓ માટે આ
નિર્ણય કોઈ રીતે પ્રલોભનકારી નથી. બીજું, એક અભ્યાસક્રમની પરીક્ષા-મૂલ્યાંકન-પરીણામ બાબતમાં
યુનિવર્સિટિ સમય અને ચોકસાઈ જાળવી શકતી નથી તો વિદ્યાર્થીઓ જ્યારે બબ્બે
અભ્યાસક્રમોમાં જોડાશે ત્યારે તેનું સંચાલન કેટલું કાર્યક્ષમ રહેશે તે પણ વિચારણીય
પ્રશ્ન છે. ત્રીજું, જેમણે કમાતા કમાતા ભણવું પડે તેમ હોય
તેવા વિદ્યાર્થીને આ નિર્ણય માફક નહી આવે. નોકરી સાથે માંડ એક પાસ કરી શકતો
વિદ્યાર્થી બે અભ્યાસક્રમ તરી જ ન શકે. વળી, આ યુનિવર્સિટિએ
સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થી એવા જ બે અભ્યાસક્રમો એક સાથે ભણી શકશે કે બંનેની
પરીક્ષાનો સમય એકસાથે આવતો ન હોય. પણ આ
માટે દર વર્ષે સ્નાતક, અનુસ્નાતક કે પી.જી.સર્ટિ. ક્ક્ષાના
દરેક કોર્ષ માટે દરેક સિમેસ્ટર દીઠ પરીક્ષાનો સમયગાળો(મહિનો) અત્યારથી જ નિર્ધારિત
કરી દેવો પડે. અને આ સમયપત્રક ઘણાં વર્ષો સુધી જાળવી રાખવું
પડશે. જો આમ ન થાય તો માત્ર જૂજ અભ્યાસક્રમો
જ એક સાથે ભણી શકાશે. તો પછી બે અભ્યાસક્રમો સાથે ભણી શકાશે એવો સિન્ડિકેટનો ‘ઐતિહાસિક’ નિર્ણય માત્ર પોકળ દાવો બનીને રહી જશે.
ભારતની ઘણી
એન્જિનિયરીંગ સંસ્થાઓમાં(આઈ.આઈ.ટી.)આ પ્રકારના બેવડા અભ્યાસક્રમોનું ચલણ છે.
જેમાની કેટલીક સંસ્થાઓએ તો વિદેશી સંસ્થાઓ સાથે સંયોજન સાધ્યું છે. આપણું યુવા ધન
વિદેશો તરફ ન ચાલી જાય તે માટેનો આ એક માર્ગ હોઈ શકે છે. વળી, આવનારા પડકારને પહોંચી વળવા યુવાનો વધુ ભણે
એ દેશને માટે સારી બાબત છે. છતાં આ વ્યવસ્થા પુષ્કળ મહેનત,
ચોક્કસ આયોજન, અને બંને અભ્યાસક્રમ વચ્ચે યોગ્ય સંકલન માંગે
છે એમાં બે મત નથી જ.
અંતમાં, એક તરફ યુનિવર્સિટિ શિક્ષણની ગુણવત્તાના
પ્રશ્નો છે અને બીજી તરફ યુ.જી.સી.એ જ યુનિવર્સિટિઓમાં એક સાથે વધુ અભ્યાસક્રમો
ચલાવવાની હિમાયત કરી છે ત્યારે બહુધા શિક્ષણવિદ્દોના મનમાં એ પ્રશ્ન વલોવાઈ રહ્યો
છે કે પહેલી વાત શિક્ષણની ગુણવત્તાની હોય કે વિદ્યાર્થી ઓછા સમયમાં વધુ ભણે તેની
હોય? મંથન જારી રખીયે..!
-ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-18/2/13)
No comments:
Post a Comment