Monday, 25 February 2013

બજેટનું શિક્ષણ: અભ્યાસક્રમ વિનાની રોજિંદી ક્રિયા!


બજેટનું શિક્ષણ: અભ્યાસક્રમ વિનાની રોજિંદી ક્રિયા! 


          ફેબ્રુઆરી માસમાં કોઈ શાળા કે કોલેજના સિનિયર ક્લર્ક, વિદ્યાર્થીઓને ભણાવવા વર્ગમાં જાય અને પોતાની શાળા(કે કોલેજ)ની આવક-જાવક વિશેની માહિતી દ્વારા બજેટ વિશે ભણાવે(સમજાવે) તો કેવું લાગે? જર્નાલિઝ્મની ભાષામાં આને ન્યૂઝ આઇટમ કહેવાય! તમને જાણીને થોડું આશ્ચર્ય થશે કે સુરતની એક પ્રતિષ્ઠિત શાળાના કોમર્સના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી એક તાસ શાળાના અંદાજપત્ર વિશે તેના ક્લાર્ક પાસેથી સમજે છે! આ ક્લર્ક બજેટ વિશ્લેષણના વિદ્વાન નથી. પણ શાળાના બજેટ વિશે સમજાવવામાં એક શિક્ષક કે અધ્યાપક કરતાં વધુ સારો અનુભવ તેની પાસે છે. અન્ય શાળા કે કોલેજોના આચાર્યો પોતાના ક્લર્કને આવી એક તક આપી જુએ તો ઉત્તમ. એ જ રીતે ઘરના બજેટ વિશે ઘરના સ્વજનોને સમજાવવા પિતા કે દાદાથી વિશેષ વ્યક્તિ કોણ હોય શકે?
         ભારતમાં ફેબ્રુઆરી માસને સામાજિક કે ધાર્મિક રીતે મહત્વ ધરાવતા મહિના તરીકે લોકો વધુ જાણે છે. પરંતુ સૌ કોઇની સાથે વધુ સ્પર્શતી આર્થિક બાબત બજેટના માસ તરીકે જોનારા લોકોની સંખ્યા ઓછી છે. આ જ માસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મહાનગર પાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે વિભાગ જેવી ઘણીબધી બંધારણીય સંથાઓના બજેટ રજૂ થાય છે. જો કે, આ તમામમાં લોકોની પ્રત્યક્ષ હિસ્સેદારી કઈં જ નથી હોતી એટલે બહુજન તેનાથી દૂર હોય એ સ્વાભાવિક છે. ખેર, આજે સરકારી બજેટ વિશેની કોઈ જ વાત કરવી નથી. પણ બજેટની વાતને જુદા દ્રષ્ટિકોણથી સાથે તો રાખવી જ છે.
        આજના યુવાનોને દેશના, રાજ્યના કે શહેરના બજેટ અને તેની ચર્ચાઓમાં કોઈ રસ નથી. અરે તેને પોતાના ઘરના બજેટમાં પણ રસ નથી હોતો. રૂપિયા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની કોઈ સમજ તેને જોઈતી નથી. હા, વાપરવા માટે સમયાંતરે નાણાં જરૂર જોઈએ છે! આપણી સમાજ વ્યવસ્થામાં દર 100 માથી 99 ઘરમાં ન તો કમાનાર(પિતા) તેના કુટુંબીજનોને આવક ક્યાંથી આવે છે તે વિશે સમજાવે છે, કે ન તો સ્વજનો(આશ્રિતો) ઘરની મુખ્ય વ્યક્તિને પૂછે છે કે ઘરની આવકના સ્રોત કયા છે? કોઈ જિજ્ઞાસુ યુવક-યુવતી  કે પત્ની જો આવો પ્રશ્ન પૂછવા જાય તો ઘણુખરું તું તારું કામ કર! એવો જ જવાબ મળે છે. આની પાછળ વ્યક્તિ પોતે ક્યાં તો અસ્પષ્ટ હોય છે અથવા ખોટી રીત-રસમો દ્વારા આવક કમાતો હોવાનો સંભવ છે. ઘરની વ્યક્તિઓ, ઘરના ખર્ચાઓને પૂર્ણ કરવા આવક ક્યાંથી આવે છે તે જાણી નથી શક્તી ત્યારે વરાછા ઘટના બને છે! (છેલ્લા થોડા સમય દરમ્યાન સુરતના વરાછા વિસ્તારમાં બનેલી આપઘાત, અપહરણ, હત્યા જેવી દુર્ઘટનાઓ પાછળ ઘણુખરું આર્થિક કારણો જવાબદાર હતા.)
        આમ તો, વ્યક્તિ(કે કુટુંબ) પોતાનો ખર્ચ નક્કી કરતી વખતે પોતાની આવકને ધ્યાનમાં રાખતી હોય છે. જ્યારે સરકાર આનાથી વિરુદ્ધ રીતે વર્તે છે. બહુજન સમાજના વિકાસ અને ઉત્થાન માટે તે ખર્ચાઓ પહેલા નક્કી કરે છે અને પછી આવકો માટેના સ્રોત વિચારે છે. પણ નવાઈની વાત એ છે કે અમીર બનવાની લહાયમાં કે  સામાજિક પ્રતિષ્ઠાના નશામાં આજકાલ કુટુંબો પણ સરકારની જેમ વર્તવા માંડયા છે! અર્થાત, તેઓ પહેલા લગ્નમાં, જમીનમાં કે ઘર બનાવવામાં કેટલો ખર્ચો કરવાનો છે તે નક્કી કરે છે પણ પછી તેને પહોંચી વળવા સરકાર જેવા કાયદાકીય રસ્તાઓ ન હોવાથી છાના-છપના, ગોલમાલ કે બેનંબરી રસ્તાઓ થકી આવક મેળવવા પાછળ પડે છે! પુરુષોના આવા કાવા-દાવાઓથી મોટેભાગે ઘરના અન્યો સાવ અંધારામાં જ રહેતા હોય છે. અને પછી અચાનક એવું કઇંક બની જાય છે કે આંખે અંધારા આવી જાય. આવક-ખર્ચના બજેટને મુક્ત ચર્ચાના પ્રકાશમાં રાખવાને બદલે મૌનના અંધારામાં દબાવી રાખશો તો વિનિપાત જ છે.
        વાણિજયના વિદ્યાર્થીઓ બજેટ વિશેની જાણકારી પોતાના અભાયાસક્રમમાંથી મેળવશે અને રોજિંદા જીવનમાં તેનું મહત્વ સમજશે. પણ વિજ્ઞાન વિનયન કે અન્ય પ્રવાહના વિધાર્થીઓ આનાથી વંચિત જ રહેવાના. શાળા-કોલેજના યુવાનો સાથે દેશના આવક-ખર્ચના અંદાજો કરતાં ઘરના આવક-ખર્ચ વિશે વધુ ચર્ચા કરવાની જરૂર છે. સરકારનું બજેટ ઘરના બજેટને પ્રભાવિત કરે એ દ્રષ્ટિએ પણ ઘરના સૌએ ભેગા મળીને વર્ષમાં એક દિવસ આવક-ખર્ચના અંદાજો વિશે વિચાર-વિમર્શ કરી લેવો જોઈએ. કેમ કે બજેટ એ સૌના માટે દૈનિક પ્રક્રિયાનો ભાગ છે, તેને માટે કોઈ અલગ કોર્સ કરવાની જરૂર નથી!
        વાલીઓ અને વિદ્યાર્થીઓ, તમારા કુટુંબ માટે સૌથી મહત્વની બાબત કઈ? તમે વિચારશો શિક્ષણ’. ખરું? પણ મારી દ્રષ્ટિએ સુરક્ષા કે સલામતી જ પ્રથમ આવે. અને તેથી જ નાણાંકીય આયોજનને તમે અવગણી શકો નહી. ઘરમાં કમાનાર વ્યક્તિઓ અને તેની કુલ આવક તથા ઘરમાં થનાર કુલ ખર્ચાઓ વિશે આગોતરી વિચારણા રાખો જ. સાથે સાથે આટલી ટીપ્સ પણ. (આજકાલ ટીપ્સનું ચલણ છે !)
        ૧) દર ત્રણ કે છ માસે આવક-ખર્ચનો તાલમેલ મેળવતા રહો. શક્ય હોય તો આની લેખિત નોધ રાખી શકો. ૨) કુટુંબની આવકના 60 ટકા ખર્ચવાનું રાખો. બાકીના 40 ટકાને-10 ટકા લાંબા ગાળાના રોકાણ માટે, 10 ટકા ટૂંકા ગાળાના રોકાણ માટે, 10 ટકા આકસ્મિક રોકડ માટે અને 10 ટકા મોજશોખ માટે- એમ વિભાજિત કરી શકો. 3) શિક્ષણ પાછળના ખર્ચને ભલે મૂડીરોકાણ ગણતા હોવ, પણ એમ વિચારીને અસાધારણ ખર્ચમાં પડશો તો હાથમાં ડિગ્રી ને બદલે મુશ્કેલી જ આવશે! (વાંચવાના ન હોવ તો પુસ્તકમેળામાંથી ચોપડા ના ખરીદતાં !!)
        જુઓ, સરકારની વાત ન્યારી છે. તે પોતાના ખર્ચાઓને પહોંચી વળવા દેવું બહુજ આસાનીથી કરશે. અરે આપણાં ખિસ્સા કે ખાતામાં હાથ નાખીને ટેક્સ દ્વારા રૂપિયા ખેંચી લેશે અને આટલું કરવા છતાં ખૂટે તો નવી નોટોય છાપી શકશે. પણ તમે અને હું આમાનું કશું જ નહીં કરી શકીએ (આને લાચારી માનો તો લાચારી!). ઉત્તમ માર્ગ એ જ છે કે રોજિંદા જીવનમાં આવક-ખર્ચની સમતુલા જાળવો. ઘરના સભ્યોની જરૂરિયાત પ્રમાણે શું થઈ શકે?’ અને કેટલું કરી શકીએ?’ એ બંને વચ્ચે મનમેળ સાધો. સ્ત્રીઓ કે પત્નીઓ સામાજિક પ્રસંગોમાં તો આટલું જોઈએ જ ને વળી? જેવી તુમાખી ન દાખવે, કમાનાર ઉડાઉ ન બને, છોકરાઓ મોટી મોટી સુવિધાઓ માટે મા-બાપ પર દબાણ ન કરે, અને સમાજમાં સ્થાન બતાવવા દેવું કરીને ઘી પીવા નો પ્રયત્ન વડીલો ન કરે તો એવા કુટુંબનું બજેટ આનંદદાયી અને કલ્યાણકારી જ રહેવાનુ.
        ઘર-કુટુંબના અનિવાર્ય એવા ખર્ચાઓમાં ખોરાક, કપડા, મકાન, આરોગ્ય, અને શિક્ષણ આવે. જ્યારે વાહન, મોબાઈલ, સુશોભન, સૌંદર્ય પ્રસાધન, મોજશોખ વગેરે લોભાવનારા ખર્ચા છે. બસ તેના પર લગામ રાખશો તો ભયો ભયો. વારુ ત્યારે, સરકારનું બજેટ આવે પછી, તમારું બજેટ પણ ઘરના સૌ આગળ રજૂ કરી દેજો! બેસ્ટ ઓફ લક !!


- ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 25/2/13)

Friday, 22 February 2013

એક સાથે બે અભ્યાસક્રમો: ગુણવત્તા જીવશે કે મરશે ?!


એક સાથે બે અભ્યાસક્રમો: ગુણવત્તા જીવશે  કે મરશે ?!
                                               
        એક તાજા  સમાચાર છે. હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ થોડા સમય પહેલા જ યુનિવર્સિટિના કુલપતિઓની એક પરીષદ બોલાવી હતી. તેમાં વડાપ્રધાન ડો.મનમોહનસિંહ બોલ્યા હતા કે શિક્ષણ ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવી વિશ્વની ટોચની 200 યુનિવર્સિટિની યાદીમાં ભારતની એક પણ યુનિવર્સિટિ સ્થાન પામી નથી! મતલબ કે આપણું યુનિવર્સિટિ ગ્રાન્ટ કમિશન વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચે છે છતાં ગુણવત્તાને નામે હાથમાં કશુંય ધ્યાનાકર્ષક આવતું જ નથી.
        બીજા પણ હમણાંના જ સમાચાર છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિએ એ વાતનું ગૌરવ લીધું છે કે તેની સિન્ડિકેટ દ્વારા એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે જેનાથી કેટલીક શરતોને આધીન વિદ્યાર્થીઓ એકસાથે બે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે! (આ વાતમાં યુજીસીએ પણ સંમતિનો સૂર પુરાવ્યો છે.)
        આ બંને સમાચારો સામસામા છેડા જેવા લાગે છે. ભલે, એ બંને જુદા જુદા સ્થળોએ બનેલી ઘટનામાંથી નીપજેલા છે. પરંતુ તેને અહીં ભેગા કરવાનો આશય થોડા પ્રશ્નો બાબતે મનન કરવાનો છે. ઘોડાગાડી એક ઘોડાથી પણ ચાલે અને બે થી પણ ચાલે. બળદગાડું એક બળદથી પણ ચાલે અને બે થી પણ ચાલે. એજ રીતે યુનિવર્સિટિ એકસાથે એક અભ્યાસક્રમથી પણ ચાલે અને બે કે તેથી વધુ વડે પણ ચાલે. પણ વધુ પ્રાણીઓ જોડવાથી ઘોડાગાડી કે બળદગાડું વધુ ઝડપથી દોડી શકશે? ઘડીભર મંથન કરો. જો તમારો જવાબ હા હોય તો તમે પ્રાણીઓની સંખ્યા વધે તો શક્તિ વધે એ સત્યને સ્વીકારનારા છે. જો તમારો જવાબ ના હોય તો તમને ઉપરના સત્યમાં સંશય છે એ સ્પષ્ટ છે. વિચારવાનું એ જ છે કે એક સાથે બે કે વધુ અભ્યાસક્રમો કરવાથી આપણું યુવાધન કુશળ બની જશે ખરું? 25 વર્ષે પહોંચેલો યુવાન બે ડિગ્રીને બદલે ત્રણ ડિગ્રી હાંસલ કરી દે તો તેની હોંશિયારીથી પોતાને અને દેશને કેટલો લાભ થશે. ભણવાની દોડમાં એક વિદ્યાર્થી પર બમણો ભાર નાખશો તો તેની ઝડપ વધશે કે ઘટશે? (ડો.મનમોહનસિંહની પ્રથમ પેરાની વ્યથાનું શું?!)
        અમેરિકા સહિત દુનિયાની કેટલીક યુનિવર્સિટિમાં એક સાથે બે અભ્યાસક્રમો ભણવાની વ્યવસ્થા છે. પરંતુ આવા દેશોની વસ્તી, તેનું અર્થતંત્ર, તેની રાજકીય-સામાજિક વ્યવસ્થા સાથે તેનું યોગ્ય સંકલન શક્ય બને છે. વિદેશોની સમાજ વ્યવસ્થામાં કામ મહત્વનુ છે હોદ્દો નહીં.(આપણે ત્યાં ઊંધુ છે!!) ત્યાંનો યુવાન બી.એ. કરે પછી આર્ટ્સના ક્ષેત્રમાં જ નોકરી કે ધંધો શોધે તેવું નથી. એમ.બી.એ કર્યા પછી ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર તરીકે કે એન્જિનિયર થઈને મોલના મેનેજર તરીકે કામ કરવામાં ત્યાંના લોકોને કઈં અજુગતું લાગતું નથી. પણ આપણાં દેશના યુવાનો આ રીતે ટેવાયેલા નથી. એમ.કોમ. થયેલો યુવાન હોસ્પિટલની સેવા માટે અને એમ.એસ.સી. થયેલી યુવતી બેંકમાં કામ કરવા તૈયાર નથી ત્યારે બબ્બે અભ્યાસક્રમો ભણીને તેઓ વધુ યોગ્યતા પુરવાર કરીને શું કરશે?
        એક સાથે બે અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકાય તેવો વિચાર રોમાંચકારી જરૂર છે, એટલે સત્તાધીશો તેનાથી ખુશ થાય તેમાં આપણને વાંધો નથી. પણ આવા નિર્ણય થકી યુનિવર્સિટિ શિક્ષણની કે પ્રાધ્યાપકોની ગુણવત્તા સુધરી જશે એ બાબત તો દિલ હૈ કી માનતા નહીં! જેવી જ લાગે છે. માત્ર 200 જ નહીં પ્રથમ 400 શ્રેષ્ઠ યુનિવર્સિટિ સુધી યાદી લંબાવીએ તો પણ તેમાં આપણી ચાર-પાંચ યુનિવર્સિટિનો જ નંબર લાગે તેમ છે!    જો કે વિશ્વની ધનાઢ્ય ટોપટેન વ્યક્તિઓ, ટોપટેન સુંદરીઓ, ટોપટેન ઔધ્યોગિકએકમો કે ટોપટેન પ્રભાવી વ્યક્તિઓ જેવા સમાચારો અખબારોમાં આવે એમાં દેશના દશ ટકાને જ રસ હોય છે. તેમ દેશની યુનિવર્સિટિ વિશેના આવા સમાચારો પર બહુ ઓછાની નજર જતી હોય છે. છતાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિના આ નવા નિર્ણયની ફળશ્રુતિને તપાસી લઈએ.
        એકસાથે બે અભ્યાસ્ક્ર્મોમાં પ્રવેશ મેળવવાથી પ્રથમ લાભ એવા વિદ્યાર્થીઓને મળશે જે મહેનતુ અને તેજસ્વી છે. તેઓ એકના ભારની સાથે બીજાને પણ ઉપાડવા સક્ષમ હશે. બીજું, જેઓને વિદેશમાં સ્થાયી થવાની તક કે ઉજળા સંજોગો છે તેઓ જે તે દેશમાં જરૂરી હોય તેવા અથવા તેને પૂરક એવા અભ્યાસક્રમને અહીં જ પસંદ કરીને ભણી શકશે. (પણ એવા અભ્યાસક્રમ આપણે ત્યાં હોવા જોઈએ.)
        હવે વિચારીએ આનાથી કયા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પ્રથમ તો મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કોઈ રીતે પ્રલોભનકારી નથી. બીજું, એક અભ્યાસક્રમની પરીક્ષા-મૂલ્યાંકન-પરીણામ બાબતમાં યુનિવર્સિટિ સમય અને ચોકસાઈ જાળવી શકતી નથી તો વિદ્યાર્થીઓ જ્યારે બબ્બે અભ્યાસક્રમોમાં જોડાશે ત્યારે તેનું સંચાલન કેટલું કાર્યક્ષમ રહેશે તે પણ વિચારણીય પ્રશ્ન છે. ત્રીજું, જેમણે કમાતા કમાતા ભણવું પડે તેમ હોય તેવા વિદ્યાર્થીને આ નિર્ણય માફક નહી આવે. નોકરી સાથે માંડ એક પાસ કરી શકતો વિદ્યાર્થી બે અભ્યાસક્રમ તરી જ ન શકે. વળી, આ યુનિવર્સિટિએ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થી એવા જ બે અભ્યાસક્રમો એક સાથે ભણી શકશે કે બંનેની પરીક્ષાનો સમય એકસાથે આવતો  ન હોય. પણ આ માટે દર વર્ષે સ્નાતક, અનુસ્નાતક કે પી.જી.સર્ટિ. ક્ક્ષાના દરેક કોર્ષ માટે દરેક સિમેસ્ટર દીઠ પરીક્ષાનો સમયગાળો(મહિનો) અત્યારથી જ નિર્ધારિત કરી દેવો પડે. અને આ સમયપત્રક ઘણાં વર્ષો સુધી જાળવી રાખવું પડશે. જો આમ ન થાય  તો માત્ર જૂજ અભ્યાસક્રમો જ એક સાથે ભણી શકાશે. તો પછી બે અભ્યાસક્રમો સાથે ભણી શકાશે એવો સિન્ડિકેટનો ઐતિહાસિક નિર્ણય માત્ર પોકળ દાવો બનીને રહી જશે.       
        ભારતની ઘણી એન્જિનિયરીંગ સંસ્થાઓમાં(આઈ.આઈ.ટી.)આ પ્રકારના બેવડા અભ્યાસક્રમોનું ચલણ છે. જેમાની કેટલીક સંસ્થાઓએ તો વિદેશી સંસ્થાઓ સાથે સંયોજન સાધ્યું છે. આપણું યુવા ધન વિદેશો તરફ ન ચાલી જાય તે માટેનો આ એક માર્ગ હોઈ શકે છે. વળી, આવનારા પડકારને પહોંચી વળવા યુવાનો વધુ ભણે એ દેશને માટે સારી બાબત છે. છતાં આ વ્યવસ્થા પુષ્કળ મહેનત, ચોક્કસ આયોજન, અને બંને અભ્યાસક્રમ વચ્ચે યોગ્ય સંકલન માંગે છે એમાં બે મત નથી જ. 
        અંતમાં, એક તરફ યુનિવર્સિટિ શિક્ષણની ગુણવત્તાના પ્રશ્નો છે અને બીજી તરફ યુ.જી.સી.એ જ યુનિવર્સિટિઓમાં એક સાથે વધુ અભ્યાસક્રમો ચલાવવાની હિમાયત કરી છે ત્યારે બહુધા શિક્ષણવિદ્દોના મનમાં એ પ્રશ્ન વલોવાઈ રહ્યો છે કે પહેલી વાત શિક્ષણની ગુણવત્તાની હોય કે વિદ્યાર્થી ઓછા સમયમાં વધુ ભણે તેની હોય? મંથન જારી રખીયે..!


-ડો. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા-18/2/13)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...