Monday 7 January 2013

મારે ભણવું છે, પણ ભણાતું નથી !


                       મારે ભણવું છે, પણ ભણાતું નથી !                            
        
         કોઈ મોટો સમારંભ સમાપ્ત થાય ત્યારે મેદાન, પાર્ટી પ્લોટ કે સ્ટેડિયમની સ્થિતિ કેવી હોય છે? આડી-અવળી ખુરશીઓ, વિખરાયેલા ફૂલો, અવ્યવસ્થિત પડદા, ઊંચી-નીચી થઈ ગયેલી જાજમ ને એવું ઘણુબધું... સાંજ પડે ને કોઈ શાળા-કોલેજનો આંટો મારો તો કદાચ આવું જ લાગે. ઘણુબધું કર્યા પછીના ખાલીપા જેવું! શિક્ષકો કે પ્રોફેસરોના મેળાવડામાં એક પ્રશ્ન મૂકો કે આજકાલના વિધ્યાર્થીઓ કેવાક છે? તો મોટાભાગે ઉત્તર આવો જ હોય છે. સાલા, બરાબર ભણતાં જ નથી! કેટલાક શાણા વિધ્યાર્થીઓને આ ઉત્તર સંભાળવીએ તો મોટાભાગના કબૂલે છે કે સર, અમારે ભણવું છે, પણ ભણાતું નથી! અને પોતાના સમર્થનમાં આવા વિધાનો સંભળાવે છે:
        -મને મારા પર કોઈ નિયંત્રણ રહેતું નથી.
        -મારાથી ૧૫ મિનિટથી વધુ સમય વાંચવા બેસી શકાતું જ નથી.
        -જ્યારે હું ચોપડી ખોલું છું ત્યારે મને લાગે છે કે આ તો મને આવડે જ છે!
        -મને ભણવાનું ગમતું નથી કેમકે બીજા ઘણા વિધ્યાર્થીઓ ભણતા નથી.
        -મને ભણવાનું ગમતું નથી કારણ કે મારા માર્કસ ઓછા આવે છે.
        -ભણ્યા પછી બધા જ થોડા સુખી થાય છે?
        -મને ટી.વી., સંગીત, ડાન્સ અને ફિલ્મોમાં જ મજા આવે છે.
        -મને પરીક્ષાઓની બહુ બીક લાગે છે.
        -શિક્ષકો એવું ભણાવે છે કે સમજ જ નથી પડતી.
        -ભણવા બેસું છુ ત્યારે વિચારે ચઢી જવાય છે.
        આ સિવાય બીજા પણ કારણો હોય શકે છે. પણ આ સમસ્યા વિશે વિચારતા એ માટેના જવાબદાર કારણોને હું ચાર મુખ્ય ભાગમાં વહેચું છું: ૧) પ્રાથમિક શિક્ષણનો નબળો પાયો ૨) શિક્ષણ માટે ઘરનું અપ્રોત્સાહિત વાતાવરણ ૩) મનોરંજનના સાધનોનો વધુ પ્રભાવ ૪) શાળા-કોલેજ શિક્ષણમાં રહેલી ત્રુટિઓ. આ બધા વિશે ક્રમશઃ વિચારીએ.
        આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સમય અને અભ્યાસક્રમ વચ્ચે અસમતુલા રહી છે. તેથી શિક્ષણની પ્રક્રિયા જાણે પરીક્ષાની, પરીક્ષા માટે અને પરીક્ષા વડે ની જ બની ગઈ છે. આમાં ધીમી કે નબળી ગ્રહણશક્તિવાળા વિધાર્થીઓ સમજ્યા વિના જ આગળ ધકેલાતા રહે છે. ૧/૨ એટલે બેમાંથી એક ભાગ, પણ ૩/૨ એટલે બેમાંથી ત્રણ ભાગ કેવી રીતે? એ પ્રશ્ન અનુત્તર રહી જાય છે. તેઓ H2O એટલે પાણી એવો જવાબ અચૂક આપી શકશે પરંતુ H2Oમાંના 2 ને બદલે 3 થાય તો શું થાય? એની સમજ વિના જ આગળ વધી જાય છે પરિણામે ઉચ્ચતર કક્ષાના રસાયણશાસ્ત્રના સમીકરણો તેને ક્યારેય ગમતા બની શકતા નથી. પછી શું? એ જ વળી, સર ભણાતું નથી! સ્વાભાવિક છે કે આવા વિધાર્થીઓ ઉપલા વર્ગના સમીકરણો ન તો સમજી શકશે ન તો ઉકેલી શકશે. આમ નીચલા ધોરણથી જ નબળું અધ્યયન ધીમે ધીમે તેને જે તે વિષય શિક્ષણથી તેઓને વિમૂખ બનાવતું જશે.
        શાળામાંથી ક્યારેક વહેલો છૂટી જવા છતાં મીત લાયબ્રેરીમાં બેસીને અભ્યાસ કરતો. એક દિવસ શિક્ષકે પૂછ્યું- મીત, બધા ઘરે જતાં રહે છે તો તું કેમ અહીં બેસી રહે છે?’ તેણે નિખાલસતાથી કહ્યું હતું કે-ઘરે જાઉં તો મમ્મી-પપ્પાની કચકચ હોય..એવું ન હોય તો આજુબાજુવાળની હોય..ઘરમાં વાંચતો હોઉ તો ડિસ્ટર્બ જ રહું છું! આ મીતના જેવી જ સ્થિતિ બધાની જ હોય તે જરૂરી નથી, પણ ઘણી વખત ઘરના સભ્યો વચ્ચેના અણબનાવ કે સામાજીક પ્રશ્નોમાં જ વડીલો ઉલઝેલા રહે છે. સંતાનોના અભ્યાસની વાતો તો દિવસો સુધી અને ક્યારેક તો મહિનાઓ સૂધી આવતી જ નથી! આવા વિધ્યાર્થીઓમાં એક સંદેશ ઘર કરી જાય છે કે ભણવું એ કઈ ખાસ કે હૉટ બાબત નથી, માટે તેમાં ગમે તેમ ચાલે. અને જેના ઘરમાં ગમે તેમ ચાલે તેના વિધ્યાર્થીઓ શાળા-કોલેજમાં પણ ગમે તેમ જ ચાલવાના! અને પછી વાત આવે સર, ભણવું તો છે પણ....
        એ દિવસે સીમા શાળાએ નહોતી આવી એટલે શિક્ષકે વાલીને ફોન કર્યો હતો કે તમારી દીકરી શાળામાં હાજર નથી. માતાએ જણાવ્યુ હતું કે-‘..હા એ સૂતેલી છે. રાત્રે ટી.વી. જોવાની બાબતે અમારે એની સાથે બોલવાનું થયુ હતું...એમાં એણે આક્રમક્તાથી કહી દીધું હતું કે હું કાલે સ્કૂલે નથી જવાની..એ આવતી કાલે આવશે સર.. ફિલ્મ,ટી.વી.,મોબાઇલ, અને કમ્પ્યૂટરના આગમને ઘણાબધા વિધ્યાર્થીઓને ભણવામાંથી ભટકાવ્યા છે. આ લોભામણા ઉપકરણોએ એવી દુનિયાની સેર કરાવી છે કે જ્યાંથી તે નવું નવું જાણે તો છે પરંતુ તે બધુ તેઓને હમેશાં જૂનું જ લાગે છે! હજી આનાથી સારું, આના કરતાં ચઢિયાતું, સુપર્બ...ની ભૂખ પૂરી થતી જ નથી પરિણામે જે પુસ્તકમાં સમાયેલું છે તે તેઓને માટે અણગમતી વાનગી બનીને રહી જાય છે. ટી.વી.ના સુંદર ચહેરાઓ, SMSના સુંદર શબ્દો અને ફેસબૂકની(ઇન્ટરનેટની)માયામાં તેમને શાળા-કોલેજના શિક્ષકોના ફેસ અને બૂક બંને નિસ્તેજ અને ચીલાચાલૂ લાગે છે! શાળા-કોલેજ બાદના અધ્યયનમાં પણ આ સૌથી વધુ વિક્ષેપ પાડનારા પરિબળો જણાય છે.
        વાત શાળા-કોલેજ સાથે જોડાઈ ગઈ છે ત્યારે શાળા-કોલેજનુ નબળું નેતૃત્વ, શિક્ષકોની નબળી કામગીરી અને સમગ્ર ટીમવર્કની ખામી પણ વિધ્યાર્થીઓને શિક્ષણમાં નીરસ બનાવી શકે છે. વિધ્યાર્થીઓ શાળા કોલેજમાં આવે છે ત્યારે તેઓના મનમાં નવા પાઠો જ શીખવાનો ઉમંગ નથી હોતો, પરંતુ તેમને જુદી જુદી સામૂહિક પ્રવૃતિઓ, નવતર અધ્યયન શૈલીઓ, નવા શૈક્ષણિક કાર્યક્રમો અને તરોતાજા શિક્ષકોની પણ તલાશ હોય છે. એકની એક ઘરેડમાં નિસ્તેજ રીતે ચાલતી શાળા-કોલેજો તેઓનામાં કોઈ ચેતના કે પ્રસન્ન્તા જગાડતી નથી. સંચાલકોની રૂઢિચુસ્ત માનસિકતા, શિક્ષકોના પરસ્પર ટકરાતાં અહંકાર વિધ્યાર્થીઓને કોઈ રીતે પ્રેરિત કરી શકતા નથી. જલદી જલદી અભ્યાસક્રમ પૂરો કરનારા શિક્ષકોનું પ્રમાણ ભણનારાઓને ભાગવા માટે જ પ્રેરિત કરનારું બની જતું હોય છે. ટ્યૂશનમાં શીખી લેવાની વધી રહેલી માનસિકતા કે ફેશન શાળા-કોલેજના વ્યક્તિત્વ પર શંકા ઉપજાવનારી છે    
        કારણો આ સિવાય પણ હોય શકે અને આ દરેક મુદ્દા પર તમારા પોતાના વિચારો પણ હોઇ શકે છે. છતાં આ પ્રશ્ન ઘણા યુવા વિધ્યાર્થીઓના મનમાં ઘૂમરાય છે એટલે તેના ઉકેલ સ્વરૂપ આટલી સંક્ષિપ્ત વાતો સૌને કહેવી છે: (૧) પહેલું તો એ કે ભણવું છે અને ભણાતું નથી એ બંને વિરોધી વિચારો છે, તે સાથે ન હોઈ શકે. ભણાતું નથી એ પલાયનવાદી વિચાર છે તેને વહેલી તકે તિલાંજલી આપો.(૨) બીજું બધુ બદલવા કરતાં પોતાને બદલવાના પ્રયત્ન કરો. એ સૌથી સરળ અને ઝડપી માર્ગ છે. (૩) ભણતર જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ છે, માત્ર સ્પર્ધા માટે નહીં એ હમેશા યાદ રાખો. અંતે, શિક્ષણ સાથે સંકળાયેલા સૌને ૨૦૧૩ના આગમને હાર્દિક મંગલકામના..!

                           - ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન’ અખબારમાં છપાયેલ લેખ)

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...