સ્ત્રી
સન્માન અને પુરુષોનું ઉત્તરદાયિત્વ
સુંદર ફૂલોથી શોભતા ગજરામાં એક ફૂલ
કરમાયેલું કે ચૂંથાયેલું હોય તો સમગ્ર ગજરાનું સૌંદર્ય જોખમાય છે. છતાં પણ આખા
ગજરાને આપણે કાઢીને ફેંકી દેતા નથી. સમગ્ર સમાજ વ્યવસ્થામાં પણ એવું જ છે.
હજારો-લાખોની ભીડમાં જ્યારે એકાદ-બે કે થોડા લોકો અમાનવીય વ્યવહારો તરફ ભટકી જાય
ત્યારે બાકીના લોકો પ્રત્યે આપણો ભાવ તટસ્થ જ રહે છે. પરંતુ હકીકત એ છે કે ગજરાના
બાકીના ફૂલોને બદલે ચર્ચા તો પેલા કરમાયેલા કે ચૂંથાયેલા ફૂલની જ થાય છે. હજારોના
ટોળામાં લોકોના મુખે તો પેલા ભટકેલા માણસો જ હોય છે. આ માનવ સ્વભાવનું મૂળભૂત
લક્ષણ છે. જે વ્યવસ્થિત છે તે નહી પણ જે અવ્યવસ્થિત છે તે જ ઘણુખરું ટીકાપાત્ર બને
છે.
દિલ્હીની ગેંગરેપ ઘટના શાંત તળાવમાં પડેલા
પથરા સમાન હતી. પાણીની અંદરખાને પણ ચહલપહલ થતી જ રહે છે, પણ આ ઘટના
બર્બરતાપૂર્ણ હતી એટલે લોકજુવાળ પણ સુનામી જેવો આવ્યો. સ્ત્રી અપમાન અને યૌન
શોષણની આવી ઘટનાઓ જાતિગત ભેદભાવોને તીવ્ર સ્વરૂપે રજૂ કરનારી છે. સમાજમાં જ્યાં
સુધી સ્ત્રીને ‘ખોરાક’ કે ‘પરસ્ત્રી’ તરીકે જોવાની વૃત્તિ રહેશે ત્યાં સુધી આવી
દુર્ઘટનાઓની શક્યતા વધુ રહેવાની.
આવું કૃત્ય કરનારાઓની માનસિકતા વિશે
મનોચિકિત્સકો પાસે હજાર કારણો હશે. કાયદા નિષ્ણાતો પાસે સજાના અનેક વિકલ્પો હશે.
શિક્ષણ કે સમાજશાસ્ત્રીઓ પાસે પણ પોતાના સુધારાત્મક વિચારો હશે. પણ નથી હોતા ભોગ
બનેલી સ્ત્રી પાસે પોતાને બોલવા જેવા શબ્દો. દુનિયાના કોઈ પણ દેશમાં બળાત્કાર, છેડતી, મારપીટ કે હત્યાના બનાવોથી સ્ત્રીઓ વ્યથીત છે. શું આને ‘વિકાસ’ સાથે કોઈ નિસ્બત હોય છે? આવો, આ માટે મહત્વના એક ‘જાતિ-સમાનતા
આંક’ થી થોડું વિશ્લેષણ કરીએ.
United
Nations Development Program દ્વારા જાતિ-સમાનતા આંક તૈયાર કરવામાં
આવે છે. જેમાં ત્રણ મહત્વના માપદંડ (1) પ્રજોત્પત્તિ સ્વાસ્થ્ય (2) સ્ત્રી સશક્તિકરણ
પ્રયાસો અને (3) શ્રમ બજારમાં સ્ત્રીઓના હિસ્સાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ
દરેકમાં પાછા બબ્બે માપદંડો સમાયેલા હોય છે. ટૂકમાં,
કિશોરાવસ્થા પ્રજનન દર, સ્ત્રી શિક્ષણનું પ્રમાણ, સંસદમાં સ્ત્રીઓની ટકાવારી, વ્યવસાયમાં રોકાયેલી
સ્ત્રીઓ વગેરે જેવી બાબતોની આંકડાકીય માહિતીને આધારે આ આંક તૈયાર કરવામાં આવે છે.
આ આંકનું લઘુત્તમ મૂલ્ય 0 છે જે સ્ત્રી-પુરુષ સમાનતાની સૌથી સારી સ્થિતિનું સૂચન
કરે છે જ્યારે મહત્તમ મૂલ્ય 1, બંને વચ્ચેની અસમાનતા તીવ્ર
છે એમ સૂચવે છે. આમ ઓછું મૂલ્ય વધુ સારી સ્થિતિનું સૂચક છે.
2011માં ભારતનો સ્ત્રી-પુરુષ સમાનતા આંક
0.6172 છે,
જે બંને વચ્ચે હજી ઘણી અસમાનતા સૂચવે છે. વિકસિત દેશોમાં સ્વીડન (પ્રથમ) 0.04, નેધરલેન્ડ (બીજો) 0.05, ડેન્માર્ક (ત્રીજો) 0.06
અગ્રણી દેશો છે જ્યાં સ્ત્રી-પુરુષ સમાનતાનું ધોરણ ઘણું ઊચું છે. એ દ્રષ્ટીએ ત્યાં
જાતીય ગુના કે બળાત્કાર જેવા સ્ત્રી શોષણના બનાવો આપણા કરતાં ઓછા છે. પણ વસ્તીની
ગીચતાને જોતાં આપણી અધધ વસ્તીમાં ગુનાઓનું પ્રમાણ પણ વધુ જ રહેવાનુ.
ભારતીય ગુના અંગેના અહેવાલ મુજબ 2011માં
બળાત્કારના લગભગ 24208 કેસો નોધાયા. જ્યારે અશ્લીલ છેડછાડના લગભગ 42968 કેસો
નોધાયા હતા. બળાત્કારમાં સૌથી પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ (3406), બીજા ક્રમે પશ્ચિમ
બંગાળ (2363) અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ (2042) રાજ્ય રહ્યું છે. જ્યારે
ગુજરાતનો ક્રમ 11મો (439) રહ્યો છે. ભારતમાં દર લાખની વસ્તીએ લગભગ 4 સ્ત્રીઓ જાતીય
ગુનાનો અને 1.7 (બે) સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે. આ આંકડાઓ ભલે નાના દેખાય છે
પરંતુ વિશ્વમાં સ્ત્રીઓ સામેના ગુનામાં અમેરિકા, દક્ષિણ
આફ્રિકા, પછી ભારતનો ક્રમ ત્રીજો છે!
દુનિયાના વિકસિત દેશો આપણા કરતા આગળ છે એ
આપણું આશ્વાસન ન હોય શકે. કેમ કે સભ્યતાની ઊચાઈએ પહોચવાનું ધ્યેય સર્વે જીવોમાં ‘માનવી’ જ રાખી શકે છે. એટલે જ દિલ્હીની સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજકીય, કાયદાકીય, સમાજસેવા અગ્રણીઓને પુન: વિચારવાની ફરજ પાડી છે. આમાથી શું માર્ગ નીકળશે એ તો સમય જ કહેશે. પણ
સ્ત્રીઓ પ્રત્યેના પુરુષના વ્યવહારમાં કયા પરિવર્તનો ઈછનીય લાગે છે તે અંગે આટલું
કહેવું ઉચીત લાગે છે:
1) ફૂરસદના સમયે જ્યારે માત્ર પુરુષો
જ ભેગા મળતા હોય છે ત્યારે જે વાતો થતી હોય છે તેમાં સ્ત્રીઓના અપમાન કે શોષણ
વિશેની (કે ‘ભોગવાદી’ વસ્તુ તરીકેની) ચર્ચા ના જ થવી જોઈએ.
2) કોઈપણ સ્ત્રી કોઈ પ્રશ્નનું
સમાધાન કે ઉકેલ માંગવા તમારી (પુરુષ) પાસે આવે ત્યારે તેમાં બહુ સંવેદનશીલતા દાખવવાની જરૂર નથી.
માત્ર પ્રશ્નના ઉકેલમાં રસ લો, સંવેદનામાં નહી.
3) પુરુષ મિત્રો, જ્યાં પણ હોવ, ત્યાંથી ઘરની વ્યક્તિઓ સાથે સંપર્ક જાળવો. પત્ની કે પુત્રીની સુરક્ષા
વિશે વિચારશો તો અન્ય સ્ત્રીઓ વિશે પણ સન્માન વધશે.
4) જો તમે કોઈ ધ્યેય વિના માત્ર
ગપ્પાં મારવા જ ભેગા મળતા હો તો તેના કરતાં સર્જનાત્મક ચર્ચા, સામૂહિક વાંચન કે
સામાજિક સેવાના કાર્યમાં રસ લો.
5) પોતાના મલિન વિચારોને ભાષા
સ્વરૂપે વ્યકત કરવાની ટેવ ન પાડો. અપશબ્દો કે હલકી વાણીથી છકી ન જાઓ. એકલા પુરુષ
મિત્રો તરીકે ભેગા મળો ત્યારે આ બાબતને અચૂક ધ્યાનમાં રાખો.
6) તમારા જૂથમાં એવા પુરુષને પ્રવેશ
ન આપો જે પોતે એકલો જ રહેતો હોય અથવા તેના ઘરમાં કોઈ સ્ત્રી વ્યક્તિ જ ન હોય. આવા
પુરુષ વિશે જાણકારી અચૂક રાખો.
7) સ્ત્રીઓના પહેરવેશ કે વર્તન પણ
પુરૂષોને ઉશ્કેરનારા હોય છે એ ખરું, પણ આ સમસ્યાને પોતાના ઘરથી જ ઉકેલવાનો પ્રયત્ન કરો. તમારી દ્રષ્ટિએ પરાઈ
લગતી સ્ત્રી કોઇની પત્ની, બેન મા, કે
સંબંધી હોય એ ન ભૂલો.
સભ્યતાની
કેળવણી માત્ર પુરૂષોને કે છોકરાઓને માટે જ હોય એ વાત સાચી નથી જ. છતાં આજકાલ જેની
ચર્ચા બહુ છે એ બળાત્કારના સંદર્ભમાં માત્ર પુરુષોની શિષ્ટાચાર કેળવણી પર ભાર
મુક્તા આ સૂચનો મૂક્યા છે. એ વૈધિક રીતે નહી પણ સ્વયંને ઢંઢોળવા તરફ તમને લઈ જશે
એવી આશા સાથે યાદ કરીએ આ સુવિચારને ‘यत्र
नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:’
-
ડો.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ)
No comments:
Post a Comment