મારી સર્જનાત્મક કૃતિ
‘રક્ષાબંધન’ નિમિત્તે ખાસ આપ સૌના રસદર્શન માટે:
.....એનો વાંક એટલો જ હતો કે રિશેષમાં તેણે પોતાના વર્ગના મિતેષને છાનામાના ચોકલેટ આપી હતી. જયના અને મિતેષ બંને દસમાં ધોરણમાં સાથે જ ભણતાં વિધ્યાર્થીઓ હતાં. આજે જયનાએ પોતાના જન્મદિનની ખુશીમાં તેને ચોકલેટ આપી ત્યારે વર્ગના જીતની નજર પડી અને તેણે આ વાતને હવા આપી દીધી હતી. બસ, વર્ગના બધાની નજરે આ બંનેનો ‘પ્રેમસંબંધ’ નોંધાઈ ગયો હતો.
ત્રીજા તાસમાં ગુજરાતીના સર વર્ગમાં આવ્યા અને રક્ષાબંધન વિષેની એક કવિતાનું રસદર્શન શરૂ કર્યું હતું- ‘…. રક્ષાબંધન ભાઈ-બહેનનું એક અનોખુ પર્વ છે. પરિવારના સભ્યોને એકબીજા સાથે પ્રેમના તાંતણે જોડતા આવા પર્વો ભારતીય સમાજની વિશિષ્ટતા છે....જે ઘરમાં બહેનનો ભાઈ કે ભાઈની બહેન ન હોય તેવા ઘરોની અધૂરપ એકબીજાને ભાઈ કે બહેન બનાવી પૂરી કરીએ તો સમાજમાં સ્ત્રીની સુરક્ષા પણ વધે અને સન્માન પણ વધે...’ કવિતામાં એકબીજા પ્રત્યેના બલિદાનનો મર્મ સમજાવી શિક્ષકે તાસ પૂરો કર્યો હતો.
- આવતીકાલે ‘રક્ષાબંધન દિન’ની શાળામાં રજા હતી. એટલે શાળા છૂટતી વખતે જયનાએ મિતેષને રાખડી બાંધી ત્યારે જીત અને તેના સાથીઓ વિસ્ફારિત નજરે બંનેને જોઈ રહ્યાં હતા..!
No comments:
Post a Comment