Sunday, 6 August 2017

ભારત ઉત્થાનમાં બે સ્વર્ગસ્થ વૈજ્ઞાનિકોનું યોગદાન


                            ગત અઠવાડિયામાં ભારતના બે મેધાવી વ્યક્તિત્વોનો અસ્ત થયો. જીવન સાથે મૃત્યુ એ માનવજીવન સાથે અભિન્ન રીતે જોડાયેલી ઘટના છે એટલે આ સમાચારમાં અજુગતું કશું નથી, પણ તેઓના યોગદાનને ભૂલી જવું એ જીવીત ભારતીયો માટે યોગ્ય નહીં જ ગણાશે. અંતરિક્ષ વિજ્ઞાની સ્વ. એસ. આર. રાવ (ઉડુપી રામચંદ્ર રાવ) ભારતીય અવકાશ સંશોધનના અગ્રણીઓમાંના એક હતા. પ્રથમ કૃતિમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટથી લઈને અંતિમ મંગલયાન સુધીના મિશનમાં તેઓએ હાજર રહીને કામગીરી બજાવી હતી.


                              1975માં આર્યભટ્ટને તરતો મૂક્યા બાદ બીજા 20 જેટલા ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટેના રોકેટ બનાવવાની તકનીકીમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી અને તેને પરિણામે જ 1992માં એસ.એલ.વીનું સફળ પ્રક્ષેપણ શક્ય બન્યું હતું. 85 વર્ષના આયુષ્યબાદ હવે આપણે તેમની કીમતી યાદોને વાગોળતાં રહેવાની છે. ઇસરો તેમના ખાલીપાને ઝડપથી પૂરી દે એવી અંતરેચ્છા.

                              બીજા એવા જ પ્રબુદ્ધ વિજ્ઞાની સ્વ.પ્રો.યશપાલ નેવું વર્ષના આયુષ્ય બાદ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. 1926માં જન્મેલા યશપાલજી મૂલત: વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાનને તેઓ પરિવર્તનનું હથિયાર બનાવવા આજીવન પ્રયત્નશીલ રહ્યાં હતા. તેઓ વિજ્ઞાનના પ્રસાર-પ્રસાર માટે સતત મથતા રહ્યા હતા કેમ કે તેઓ સ્પષ્ટ માનતા હતા કે વિજ્ઞાન એ જનકલ્યાણનું માધ્યમ છે. વિજ્ઞાન વિના આંતરિક અને બાહ્ય પ્રગતિ સંભવ નથી.

                              તેમણે 1949માં પંજાબ યુનિવર્સિટીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી અને 1958માં MIT (મેસેચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી, અમેરિકા)માંથી ભૌતિક વિજ્ઞાનના વિષયમાં જ પીએચ.ડીની    ડિગ્રી મેળવી હતી. વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાના તેમના પ્રયત્નો બદલ 2009માં તેમને UNESCO દ્વારા કલિંગ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકારે વિજ્ઞાન અને શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને 2013માં પદમ વિભૂષણ પુરસ્કારથી નવાજયા હતા.

                              વિજ્ઞાનની કોઈપણ શાખા સાથે તેમને લગાવ હતો. ભૌતિકશાસ્ત્ર ઉપરાંત જીવજંતુઓ અને પ્રાકૃતિક (પર્યાવરણ) વિજ્ઞાન પણ તેમના ગમતાં ક્ષેત્રો હતા. બાળકો જેવી જિજ્ઞાસાવૃતિ ધરાવનારા યશપાલજી સ્વયં બાળકોમાં વિજ્ઞાનના સંસ્કારોને સિંચિત કરવાના પક્ષધર હતા. તેથી જ ઉચ્ચ શિક્ષણની સાથે સાથે પાયાની કેળવણીમાં સુધારા બાબતે પણ સંવેદનશીલ  રહેતાં. સરકાર દ્વારા શિક્ષણ સુધાર સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે ભાર વિનાના ભણતર (Burden-less Education)ની હિમાયત કરી અને તેના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ રહ્યા પણ ખરા. જો કે જે સંદર્ભમાં તેમણે આ શબ્દ પ્રયોગ કર્યો હતો તેને બદલે દેશમાં બહુધા માત્ર દફતરના ભાર ઘટાડવા સાથે જ અમલમાં મુકાયો તેનો રંજ તેઓને અચૂક રહ્યો જ હશે.


                              તેઓ દૂરદર્શનના વિજ્ઞાન આધારિત કાર્યક્રમ ટર્નિંગ પોઈન્ટથી લોકો સુધી વધુ પહોંચી શક્યા હતા. સરળ શબ્દો અને સમજ દ્વારા વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની તેમની કામગીરી હંમેશાં યાદ રહેશે. દૂરદર્શનના વિજ્ઞાન વિષયક કાર્યક્રમોની એડવાઈઝરી કાઉન્સીલના તેઓ સભ્ય રહ્યા હતા. ઉપરાંત આયોજનપંચના મુખ્ય સલાહકાર, વિજ્ઞાન-ટેક્નોલૉજી વિભાગમાં સચીવ તથા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ જેવા મહત્વના હોદ્દાઓ પર તેમણે ફરજ બજાવી હતી.

                              વિજ્ઞાન અને કેળવણીના બે ક્ષેત્રોનો તેમના વ્યક્તિત્વમાં અનોખો સમન્વય હતો. બાળકોને મઝા પડે તેવી વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓને શાળાઓ સુધી પહોંચાડવામાં સરકારને ભલામણ કરવાથી માંડીને એવી સંસ્થાઓના નિર્માણ કે અસ્તિત્વ માટે તેઓ સતત મથતા રહ્યા હતા. આ સંદર્ભમાં 1972માં દેશના કેટલાક વૈજ્ઞાનિકો, ઇજનેરો, શિક્ષણવિદ્દો અને સામાજિક સુધારકોએ ભેગા મળીને વિજ્ઞાનને સૂક્ષ્મ રીતે ભણાવે તેવી આદર્શ (મોડેલ) શાળા સ્થાપવાનો વિચાર રજૂ કર્યો હતો. મધ્યપ્રદેશની સરકારે હોશંગાબાદ ખાતે આવા કાર્યક્રમ HSTP (Hoshangabad Science Teaching Program)ને મંજૂરી આપી. જે એકલવ્યનામથી દેશમાં જાણીતી બની.

                              વિજ્ઞાનના પ્રયોગશીલ/પ્રવૃત્તિશીલ શિક્ષણ દ્વારા શાળા શિક્ષણની ગુણવત્તા સુધારણાના ધ્યેય સાથે  આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ભારતની જાહેર અને ખાનગી સંસ્થાઓ પણ આ પ્રકલ્પમાં જોડાઈ હતી. સ્પષ્ટ છે કે પ્રો. યશપાલની વિચારધારા સાથે આ સુસંગત પગલું હતું. ત્રીસ વર્ષ બાદ સ્થાનિક કક્ષાએથી આ પ્રોજેકટને બંધ કરવાની રજૂઆત થાવાથી પ્રો. યશપાલ વ્યથિત થયા હતા. તે સમયે તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહને આ પ્રોજેકટ ચાલુ રાખવા માટે પત્ર લખ્યો હતો. તેમાંના બે પેરેગ્રાફ અક્ષરસ: અહીં મૂકું છું:

                              ‘’....I am aware that very conservative or very lazy people may not like the discovery approach. I can also understand that some people may not be enamored of an approach that leads to questioning and helps to create a temper that might resist brainwashing. Because of this program Madhya Pradesh is seen as a Teacher. The best academics from the country have given of their time and effort since the time the program started over 30 years ago.

                               I feel privileged that I was one of those who came in close contact with it on a number of occasions. Please do not let it wither away. Let the program be evaluated as often as require, as has been done several times in the past. But allowing it to be killed would be a tremendous loss to Madhya Pradesh and the country. Such efforts come only once or twice in a century…’’

                              દેશમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા પ્રકારના સાચુકલા શિક્ષણનો વિસ્તાર થાય તેવી આજીજી તેમના આ શબ્દોમાં છલકતી દેખાય છે. યુનિવર્સિટી શિક્ષણના ધ્યેયોને પાર પાડી શકે તેવા શાળાકીય વિજ્ઞાન શિક્ષણના માળખાની પુન: રચના કરવી, સાર્વત્રિક શિક્ષણમાં નવીનીકરણ હિસ્સો બને, શિક્ષકોનું સ્તર ઊંચું લઈ જવાના પ્રયત્નો થાય, સ્વૈચ્છિક સંશોધનને ઉત્તેજન મળે તથા બિનસરકારી સંગઠનોનો શિક્ષણમાં સ્વૈચ્છિક સહયોગ મેળવવાના વિચારો સાથે તેઓ સદા સંકળાયેલા રહ્યા હતા.

                              સ્વ. રાવ અને સ્વ. યશપાલ ભારતીય બુદ્ધિધનની માત્ર ગેરહાજરી નહીં પણ ખોટ બનશે. હવે આવા બંને વ્યક્તિત્વો આપણી વચ્ચે નથી. એમની ખોટ પૂરવા માટે દેશના યુવાનો સફળ થાય તેવા આશાવાદ સાથે શિક્ષણસૂત્ર કૉલમ આ બંને પ્રબુદ્ધ જીવોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

                             

            -ડૉ. વિજય મનુ પટેલ (Published in Gujarat Gaurdian Daily 1/8/17)

Monday, 22 May 2017

My Voice About Naxalite







પ્યારા
દોસ્તો!


આ વખતે આપની
સમક્ષ આ વિડિયો સાથે ઉપસ્થિત છું. શું છે એમાં
? ઉપરની લિન્ક પર કરો ક્લિક:

Saturday, 6 May 2017

મિત્રો ,

મારા જ પુસ્તક ની એક સંવેદનશીલ ગુજરાતી વાર્તા મારા જ અવાજમાં સાંભળો;




Monday, 27 February 2017

રોજગાર કસોટી વિદ્યાર્થીની ઓળખ આપશે, કૌશલ્ય નહીં!


                           શાળામાં નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે ઇન્ટરવ્યુ આપવો પડે. ધોરણ બાર સુધીના વચલા ધોરણમાં પ્રવેશ મેળવવો હોય તો નાની પરીક્ષા આપવી પડે. ત્યાર પછી કેટલીક કોલેજો કે અભ્યાસક્રમો માટેય પ્રવેશ પરીક્ષા આપવાની! આમ શિક્ષણના જુદા જુદા તબક્કે પ્રવેશ પરીક્ષા આપતાં જ રહેવું પડે છે એ તો સામાન્ય બાબત થઈ ગઈ. તેનાથી વિદ્યાર્થીઓ જે તે ધોરણ કે અભ્યાસક્રમ માટે કેટલા ક્ષમતાવાન છે તેની ચકાસણી થાય તે પણ સમજાય.

                        પણ ભણી રહ્યા પછી, એટલે કે કોઈ ચોક્કસ ડિગ્રી મેળવી લીધા બાદ પણ પરીક્ષા આપવાની હોય તો? હા, વધુ ભણવા માટે નહીં પણ નોકરી મેળવવા માટે તો તમને કદાચ અટપટું જ લાગશે, ખરું? હવે એવા દિવસો દૂર નથી. ઈજનેરીમાં ભણતાં વિદ્યાર્થીઓએ પોતાના છેલ્લા વર્ષમાં રોજગાર કસોટી (Employability Test)’ આપવા તૈયાર રહેવું પડશે. દેશની સરકારી કે ખાનગી, તમામ પ્રકારની ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ તેમાં જોડાશે. આ પરીક્ષામાં મેળવેલા ગુણને આધારે નક્કી કરવામાં આવશે કે કયા વિદ્યાર્થીને કેવી નોકરી મળશે!

                        પહેલા ઉચ્ચ શિક્ષણ સુધી બહુ ઓછા યુવાનો પહોંચી શકતા હતા તેથી સરકારે છેલ્લા દશેક વર્ષમાં શિક્ષણના વ્યાપ વધારવાના અનેક પ્રયત્નો કર્યા અને પરિણામ એ આવ્યું કે હવે ઢગલેબંધ સ્નાતકો દર વર્ષે બહાર પડી રહ્યા છે. આવો મોટો જથ્થો જ સરકારને માટે ચિંતાનો વિષય બન્યો છે. ઈજનેરોનો વિશાળ સમૂહ પેદા તો થયો, પણ આવા ભણેલાં ઇજનેરો પાસે કોઈ ખાસ કૌશલ્ય હોતું નથી એવું સરકારને લાગ્યું છે. એટલે આવો નવો વિચાર અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.

                        શિક્ષણની સમગ્ર વ્યવસ્થા સરકાર દ્વારા નિર્ધારિત થાય છે. હવે પોતાને જ પોતાની વ્યવસ્થા સામે વાંધો પડ્યો છે. ઈજનેરી ડિગ્રી મળે પણ લાયકાત ન આવે તો ભારે અજુગતું કહેવાય એવું સરકારને લાગ્યું છે. દેશની ત્રણ હજાર ઈજનેરી કોલેજોમાંથી બે વર્ષમાં લગભગ સાત હજાર ઇજનેરો બહાર પડ્યા, જેમાંથી 20 થી 30 ટકાને જ સારી નોકરી મળી શકી. બાકીનાને ન મળી તેના અન્ય કારણો હશે પણ તેમાંનું એક વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો અભાવ જણાયું.

                        આના ઉકેલરૂપ સરકાર જે વ્યવસ્થા વિચારી રહી છે તે રોજગાર કસોટીની છે. અર્થાત, પરીક્ષા આપીને પાસ થવાય અને ભણી રહ્યા પછી પણ પરીક્ષા જ આપવાની! આ કસોટી લેવા પાછળનો આશય વિદ્યાર્થીઓની ક્ષમતા કે આવડતનું સ્તર જાણવાનો અને તેને અનુરૂપ નોકરી આપવાનો છે. માત્ર ચોપડીનું જ્ઞાન(કે માહિતી) નહીં પણ જે તે પરિસ્થિતિમાં કામ લાગે તેવી કુશળતા મેળવેલ છે કે કેમ તે પણ જાણી શકાય છે.

                        આ ઉપરાંત આ પરીક્ષાથી એ પણ જાણી શકાય કે વિદ્યાર્થી કઈ શૈક્ષણિક સંસ્થા કે કોલેજમાંથી ઉત્તીર્ણ થયો છે, અને તેની શૈક્ષણિક ગુણવત્તાનું સ્તર કેવું છે? હવે વિચારણીય પ્રશ્ન એ થાય કે તો પછી આવી કસોટી માત્ર ઈજનેરી કોલેજના સ્નાતકો માટે જ શા માટે હોવી જોઈએ? સમગ્ર ભારતીય શિક્ષણ વ્યવસ્થાની એ તાસીર છે કે કોઈપણ અભ્યાસક્રમમાંથી બહાર પડતાં યુવાનોમાંથી મોટાભાગનામાં કૌશલ્યની ભારે ઉણપ રહી જાય છે. બી.કોમ. થયેલાંને નામું લખતા નથી આવડ્તુ અને અન્ય સ્નાતકોને અંગ્રેજીમાં (કે ગુજરાતીમાં) સારી અરજી લખતા નથી આવડતું.

                        તો શું અભ્યાસની દરેક શાખામાં રોજગાર કસોટી લેવાની? આ વિષયને જૂથચર્ચામાં મૂકીએ તો ચર્ચાનો અંત નહીં આવે છતાં મજા તો પડી જ જાય! પણ માની લઈએ કે સરકાર ઈજનેરી પછી મેડિકલ, પેરામેડિકલ, વાણિજ્ય, વિનયન એમ દરેક શાખામાં કોલેજનું (સ્નાતક કે અનુસ્નાતક) શિક્ષણ પૂરું કર્યા પછી વિદ્યાર્થીને માટે આવી કસોટી ફરજિયાત બનાવી દે તો શું રોજગાર વધી જશે?

                        ના. કેમ કે આ કસોટીમાં ઓછા ગુણ મેળવનારને અમુક ચોક્કસ પ્રકારની નોકરી ન મળે તે તો ખરું, પણ બીજી કોઈ નોકરીયે મળી જાય તેવી ખાતરી મળતી નથી. વળી, આ તો ઘોડો નાસી ગયા પછી તબેલાને તાળું મારવા જેવુ થશે. જે વિદ્યાર્થીઓ આ કસોટીમાં ઉત્તીર્ણ ન થઈ શકે તેમનું કોલેજ શિક્ષણ નકામું હતું એમ માની લેવાનું? જો એમ થાય તો વિદ્યાર્થી અને કોલેજ બંનેની નામોશી થાય. જે સમય વહી ગયો છે તેને પાછો મેળવી શકાશે નહીં તેથી આ કસોટીથી શક્ય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓમાં હતાશા આવે.

                        શિક્ષણતંત્ર હંમેશા લાઈવ રહે છે એટલે તેમાં જે સમસ્યા ઉદભવે છે તેને ડામવા માટે જે તે સમયની સરકાર, તેના પ્રધાનો અને અધિકારીઓ પોતાના નવા નવા ખ્યાલો ઉમેરતાં રહે છે. આટલા વૈવિધ્યસભર દેશમાં કોઈ એક નિર્ણયની માત્ર એક જ સારી-માઠી અસર થાય તેવું માની ન શકાય, એટલે મોટાભાગના સરકારી પ્રધાનો ‘Trial & Error’ મુજબ નિર્ણયો લેતા રહે છે. આમાં જે ચાલી ગયું તે ચાલ્યું, નહિતર ઘડીકમાં પાછું લઈ લો!

                        રોજગારની ક્ષમતા કે યોગ્યતા ચકાસણી કસોટીનો ખ્યાલ પણ સરકારના અગાઉના નિર્ણયોથી ઊભા થયેલાં પ્રશ્નોમાંથી નીપજેલો છે. ઊંચા પરિણામો પછી પણ રોજગારી ક્ષમતા નબળી રહેવામાં યુવાનોની ઇન્ટરવ્યુ અને જૂથચર્ચાની નિષ્ફળતાએ એ પુરવાર કર્યું છે કે ઇજનેરો ધંધાકીય એકમો માટે યોગ્ય નથી. મોટા\ મોટા કોર્પોરેટ જૂથના અધિકારીઓએ જાહેરમાં કબુલ કર્યું છે કે અમારી પાસે  ગ્રેજ્યુએટ આવે, પણ કુશળ યુવાનો આવતા નથી!

                        આ કસોટી ફરજિયાત સ્વરૂપે લાગુ પાડવામાં આવશે તો સ્નાતકો તેની પૂર્વતૈયારી કરવામાં વધુ મહેનત કરે અને સારા ગુણાંક મેળવી દે તો  શક્ય છે કે નોકરી પ્રાપ્ત થઈ જાય. પણ જે કાબેલિયત કે સમજ ત્રણ-પાંચ વર્ષમાં ન આવી હોય તે એક મહિનાની મહેનતથી આવી જાય એ બાબતે શંકા રહે જ. એનો મતલબ એ થાય કે મોટાભાગના યુવાનો માટે આ કસોટી વધારાનો બોજ બની રહેશે.

                        મારો અંગત મત એવો છે કે સરકારે તમામ કોલેજોની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેના સઘન પ્રયાસો કરવા જરૂરી છે. વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ટર્મ પેપર, ઔદ્યોગિક મુલાકાતો, પ્રાધ્યાપકોનું અધ્યાપન કાર્ય, કેમ્પસની બદીઓ વગેરે ઉપર બાજ નજર રાખી અધ્યનન-અધ્યાપન કાર્યની ગુણવત્તા સુધારવાના નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવે તો આવી વધારાની કસોટી લેવાનો પ્રશ્ન ટાળી શકાય તેમ છે.

                        વિદ્યાર્થીઓએ જ્યારે જે તે વિદ્યાશાખામાં જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હોય છે ત્યારે તેને તેમાં જ ઉત્તમ બનવાની તક મળે તે જોવાનું કામ સરકારી તંત્રએ કરવાનું હોય, નહીં કે તેનું ભણતર પૂરું થયા પછી તેની યોગ્યતા સામે શંકા કરવાનું!



-ડૉ. વિજય મનુ પટેલ( Published in Gujarat Gaurdian Daily )

Monday, 19 December 2016

UAEની વિદેશ યાત્રાનું ચિંતન

UAEની વિદેશ યાત્રાનું ચિંતન



                     ત્રેપન વર્ષ સુધી દિવાળીમાં ઘરે જ રહેવાનું બન્યું હતું. સમજણ આવી પછીયે  દિવાળી કે અન્ય તહેવારમાં ઘરે જ રહેવું એવું લગભગ વણાઈ ગયું હતું. પણ..પણ.. છેલ્લાં પાંચ-સાત વર્ષથી આવી માન્યતા સંદર્ભે થોડી ગુંગણામણ અનુભવાતી હતી. તહેવારોમાં એકમેકને મળવાનો ઉત્સાહ ખરી રહ્યો હતો. લોકો ઈરાદાપૂર્વક તહેવારના મિલનને બોજ માનીને ફરવા ઉપડી જતાં હતાં! શહેર જાણે સાચે જ સ્માર્ટ બની રહ્યાંનું અનુભવાતું હતું.

                        મને દિવાળીમાં  વિદેશ જવાની તક મળી ત્યારે દિવાળીમાં ઘર બંધ થઈ જવાના વિચાર માત્રથી આંખમાં ઝળહળિયાં આવી ગયા હતાં. પણ પછી ફરી લોકોની માનસિકતામાં આવેલા પરીવર્તન સાથે અનુસંધાન સાધ્યું. અમે દિવાળીના દિવસોમાં જ વિદેશ જઈ આવ્યા હતાં.

                        જેના જીવનનું બાળપણ ગામડાંની દુનિયામાં વીત્યું હોય તેવી વ્યક્તિ જીવનના પચાસ વર્ષ પછી ગામડાથી સાવ છેડાના એવા આધુનિક વિદેશી શહેરની મુલાકાતે જાય ત્યારે તેના વિચારોમાં ભારે ઉથલપાથલ થઈ જાય, જેમ રસ્તે ચાલતો માણસ દૂર કોઈ વ્યક્તિને ઠોકર ખાતો જોઈને ઘડીક હેતબાઈ જાય તેમ! વાત કરીએ થોડાં પ્રવાસ અવલોકનની.

આપણને ગૌરવ થાય તેવું અદ્ભુત અને મઝાનું મુંબઈ એરપોર્ટ જોયું ત્યારે ભારતીય હોવાનું ગૌરવ અનુભવાયું. નવાઈની વાત એટલે લાગી હતી કે ગામડાનાં બારીબારણાં, પલંગ, થાંભલાઓ જેવી સાવ તુચ્છ લાગતી વસ્તુઓને આધુનિક ઢબે રજૂ કરીને કમાલ કરી છે. વિદેશી પ્રવાસીઓ ભારતીય સાંસ્કૃતિક વારસામાં ઘેલા થવાનું જરૂર અનુભવશે. (ઘણાં લોકો વિમાનની પ્રતીક્ષામાં આ બધાથી વંચિત રહી જતાં હોય છે)



                        UAE એ નાના નાના, પણ સુવિધાઓથી સમૃદ્ધ દેશોનું સંગઠન છે. જેની સ્થાપના 1971માં થઈ હતી. આ દેશોમાં અજમાન, દુબઈ, ફૂજૈરાહ, રસ અલ ખૈમાહ, સારજાહ, ઉમ્મ-અલ-કુવૈત અને રાજધાની અબુધાબી એમ સાત દેશોનો સમાવેશ થાય છે. આ દરેકમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે.

                        અબુધાબી આ સાતેયમાં સૌથી મોટો સમૃદ્ધ રાજવી (Emirates) દેશ ગણાય છે. અહીંનું લગભગ 70 ટકા ક્ષેત્રફળ રણપ્રદેશ છે, અને 200 જેટલાં ટાપુઓ ધરાવે છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની મુલાકાત લઈ ચૂક્યા છે એવી શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત અહીંનું પ્રવાસી સ્થળ છે. આમ તો ધાર્મિક સ્થળોની મુલાકાત મારે મન ઝાઝું આકર્ષણનું કેન્દ્ર નથી છતાં તેને જોવાની તક મળી. પર્શિયન કારપેટની સાથે મારબલની કોતરણીવાળું અને વિશાળ ઝુમ્મરો સાથેનું બાંધકામ મુલાકાતીઓને ફોટા માટે લલચાવનારું છે.

                        ચાલીસ હજારથી વધુ વ્યક્તિઓ નમાઝ પઢી શકે તેવી વિશાળ અને સ્વચ્છ મસ્જિદ રાજસ્વી ધર્મસ્થાનનું પ્રતીક છે. આમ તો અબુધાબી ચુસ્ત ઇસ્લામી દેશ ગણાય છે છતાં જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીની મુલાકાત પછી થોડાં વર્ષોમાં અહીં એક ભવ્ય મંદિર નિર્માણ પામશે. જો એમ થશે તો અબુધાબીને એક વધુ પ્રવાસી આકર્ષણ મળશે.

                        આ દેશમાં કાબર, હોલો અને બિલાડી દેખાયાં ત્યારે સાડા-ત્રણ હજાર કિ.મી. દૂરનું અંતર સાવ ભૂંસાઈ ગયું હતું, પણ વાહનોની અવરજવર અને શિષ્ટાચાર જોયા ત્યારે એ અંતર સ્પષ્ટ રીતે આંખ સામે આવીને ઊભું રહ્યું હતું! વિશાળ રસ્તાઓ અને ઓછી વસ્તી વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય એ ખરું, પણ તોયે નાની-મોટી વ્યક્તિઓ રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે જેબ્રા ક્રોસીંગથી દશ-પંદર ફૂટ દૂરથી જ અટકી જવાનું દરેક વાહન ચાલાકના લોહીમાં હોય છે. રાહદારીને આદર આપવાનું સૌજન્ય વાહન ચાલકને હોય છે, તેમ મન ફાવે ત્યાંથી રસ્તો ઓળંગી જવાની માનસિકતા અહીંના વસવાટીઓમાં  દેખાતી જ નથી! ભારતીય તરીકે આ શીખવા જેવું છે.


                        રસ્તાઓ પર ભાડે ફરતી ટેકસીઓ માટે કડક આચારસંહિતા છે. કારમાં ફરજિયાત LCD ડિસ્પ્લે પર ડ્રાઈવરનો ફોટો અને તેનો ID no. દેખાતો રહે. અહીં ભારત કરતાં વિપરીત એવી જમણી બાજુ વાહન ચલાવવાની (Right Hand Drive) વ્યવસ્થા અમલમાં છે. નિર્ધારિત ઝડપથી વધુ વાહન ચલાવનારાઓને મોટી રકમની પેનલ્ટી સતત સભાન રાખે છે! ડ્રાઇવરની બાજુમાં બેસનારે પણ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. દરેક રહેવાસી માટે પાર્કિંગની જગ્યા નિશ્ચિત હોય છે. અન્ય સ્થળે પાર્કિંગ કરવા માટે ત્યાં મૂકેલા મશીનમાં સમય મુજબ દિરહામ નાંખવા જ પડે!

                         નવાઈની વાત એ લાગી હતી કે ટ્રાફિકની આ તમામ ગતિવિધિને નિયંત્રિત કરવા રસ્તાઓ પર પોલીસ જ હોતી નથી! દેશમાં 600થી વધુ ત્રીજી આંખ (કેમેરા)ની નજર અને કાયદાના અમલની બીક ભલભલાની બોલતી બંધ કરી દે છે. હે મારા વ્હાલા વાચકો! વધુ ટ્રાફિક પોલીસ હોય તો વધુ સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ વાતને અહીં કોઈ રીતે સમર્થન મળતું નથી!!

                        અબુધાબીનું બીજું આકર્ષણ ફરારી વર્લ્ડ અને યશ વોટર પાર્કસનું છે. ફરારી વર્લ્ડ ભારતીયો અને વિશ્વના બધા પ્રવાસીઓને આકર્ષે છે. દુનિયામાં રેસકાર બનાવતી અને કારરેસનું આયોજન કરતી ખ્યાતિ પ્રાપ્ત પ્રાચીન કંપનીઓમાં ફરારીનું નામ અહીં તાજું થઈ જાય છે. પોતાની લોભામણી કાર દુનિયાના લોકો જુએ (ભલે ખરીદે નહી તોયે) તે માટે વિશાળ જગ્યામાં બીજા અન્ય આકર્ષણો મૂકીને પોતાનું જંગી મૂડીરોકાણ કર્યું છે.

                        જિમનાસ્ટીક, સાઇકલ શૉ, વર્ચ્યુયલ ડ્રાઈવ, દુનિયાનું સૌથી ઝડપી રોલર કોસ્ટર વગેરે જેવા મનોરંજક સાધનોની સાથે ભારતીય પ્રકાશ વર્ષ (દિવાળી ઉત્સવ)ને રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ મૂકીને ભારતીય પ્રવાસીઓને આકર્ષવાની ગણતરી પરથી આપ સમજી શકશો કે ભારતીય ગ્રાહકો આ દેશને મન કેટલા મહત્ત્વના છે! 


                        વોટર પાર્કનું આકર્ષણ ગુજરાતીઓ અને ભારતીયોને મન નવાઈ પમાડે તેવું કદાચ ન લાગે પણ રણપ્રદેશમાં વોટર પાર્ક કે ગાર્ડન હોવા એ આશ્ચર્યજનક બાબત નથી શું? સુરક્ષા બાબતે અહીં ચુસ્ત વ્યવસ્થા છે. થોડે થોડે અંતરે સજ્જ સુરક્ષા ગાર્ડ જોવા મળે.  ભીના પગથી લપસી ન પડાય તે માટે ખરબચડી સપાટી અને બટન દબાવતાં ગરમ પાણીના ફુવારાની મઝા મળે તે તો અદ્ભુત વળી!

                        અમીરાતના આ દેશો ગેસ અને તેલના વિપુલ ભંડારોને લીધે આર્થિક રીતે ધનાઢ્ય છે. આંતરમાળખાના બે ઘટકો વીજળી અને રસ્તામાં કોઈ કસર નથી. પરંતુ ધર્મની રૂઢિચુસ્તતાએ માણસ તરીકેની વૈચારિક ઊંચાઈને ઠીંગણી રાખી છે. વિદેશી બુદ્ધિ અને કૌશલ્ય પાછળ પુષ્કળ દિરહામ (અહીંનું ચલણ) ખર્ચીને આ દેશના રાજાઓએ પોતાના દેશ તરફ વિશ્વનું આકર્ષણ પેદા કર્યું છે.
                       આબોહવાની રીતે અમીરાતના દેશો અતિશય ગરમીવાળા (50સે.થી વધુ!) છે. વરસાદનું નામોનિશાન નહીં મળે, કેમ કે જંગલો કે વૃક્ષોના અભાવથી અહીંની જમીન ધગધગે છે. આવા સંજોગોમાં માનવને અનુકૂળ વાતાવરણને સર્જવા સતત અને સમગ્ર સ્થળે એ.સી. અનિવાર્ય થઈ પડે છે. ઘર, મોલ, હોસ્પિટલ, કાર, સિટી બસ  એમ બધું જ ઠંડા ઠંડા કૂલ જેવુ હોય છે. શરદી-કફપ્રકૃતિવાળા પ્રવાસી માટે સતત આવી સ્થિતિમાં રહેવું કષ્ટદાયક રહે છે. તેમ છતાં અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ઠંડી વ્યવસ્થા જ સ્વીકારવી પડે છે. ઠંડી કો મારો ગોલી!!
                        અબુધાબીમાં કોઈ ભિખારી દેખાતો નથી. રસ્તા ઉપર પાઉંવડા કે ચા ની લારી નહીં મળે! છૂટક દુકાનો પણ ભાગ્યે જ હોય. જે કઈં છે તે હાઇપર માર્કેટ કે મોલ્સમાં સમાયેલું છે. અબુધાબી મોલ અને મારીના મોલ અહીંના સૌથી મોટા મોલ છે. વિશાળ જગ્યામાં પથરાયેલાં આવા ખરીદ-વેચાણ કેન્દ્રો સંપૂર્ણતઃ એ.સી. અને લાઇટની ઝાકમઝોળવાળા છે. સ્થાનિક વસ્તી ચોથા ભાગની છે, એટલે મોટાભાગના ગ્રાહકો પણ વિદેશીઓ જ હોવાના.
                        વિદેશી નાગરિકોને પોતાની આવડત અનુસાર અઢળક કમાણી કરવાની છૂટ છે, પરંતુ તેઓ પોતાના આયુષ્કાળ દરમ્યાન અહીંનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યાં સુધી દેશમાં હોય ત્યાં સુધી દુકાન, ફ્લેટ ભાડે રાખી શકે છે. દેશ છોડો એટલે બધું અહીંની સરકારની માલિકીનું થઈ જાય! બિન ઇસ્લામી નાગરિકનું મૃત્યુ થાય તો તેના શરીરને તેના વતન દેશમાં મોકલી દેવાય છે (મરેલા માણસોને માટે જગ્યા પણ નહીં મળે!!) કમાઈને માત્ર પોતાના વતનને અને પોતાની જીવનશૈલીને વધુ સારી બનાવી શકે એ જ આ દેશમાં રહેવાનો મોટો લાભ છે.

                        UAEના સમૂહ દેશોમાં સૌથી વધુ વિકસિત દેશ દુબઈ છે. આ વિકાસ પાછળ ઉદાર નીતિ છે. દુબઈને સાધન સંપન્ન બનાવવામાં રાજાએ જેટલી ઉદારતા દાખવી હશે તેના કરતાં વધુ વિદેશી પ્રવાસીઓને રહેવા-ફરવા, કપડાં પહેરવામાં અને તહેવારોની ઉજવણીમાં છૂટછાટ આપીને દાખવી છે. એમ કરવું ફરજિયાત હતું, નહિતર ઊંચા ઊંચા બિલ્ડીંગો અને ઝાકમઝોળ મોલ્સને જોવા કોણ આવે?! માણસને સમૃદ્ધિ ગમે છે તેની સાથે તેને ઘણાંબધા લોકોને બતાવવાનું પણ ગમતું હોય છે. આ દુનિયાના કોઈપણ માનવીને લાગુ પડતી માનસિકતા છે.       
                        દુબઈનું આર્થિક મહત્ત્વ દર્શાવતાં આંકડાઓમાં હમણાં પડવું નથી. અહીં જે ખાસ આકર્ષણ છે તે બે વસ્તુઓનું છે: વિશાળ બાંધકામો અને મનોરંજનના સ્થળો. ઓફિસો હોય કે મોલ્સ, સિવિલ એન્જીનિયરીંગ, મિકેનિકલ એન્જીનિયરીંગ, ઇંટિરિયર ડિઝાઇન, હોટેલ મેનેજમેંટ, ઇવેન્ટ મેનેજમેંટ કે અન્ય કામોની ગુણવત્તા સ્પષ્ટ નજરે ચઢે. આ માટે વધુ પૈસા ખર્ચાતા હશે એ ખરું, પણ ગમેતેવું ચલાવી લેવાની માનસિકતા પર ચાંપતી નજર રખાય છે. ડ્રાઈવર હોય કે ઇજનેર, બાથરૂમ સફાઈ કરનાર હોય કે ખાવાનું બનાવનાર રસોઇયો સૌ પોતાની ઉત્તમ કામગીરી માટે વ્યસ્ત રહે છે. કામચોરી કરનારાઓને અહીં ટકવું લગભગ અશક્ય છે!
                        મારી દ્રષ્ટિએ દુબઈના પ્રવાસી આકર્ષણોમાં મોલ્સ કરતાંય વધુ મહત્ત્વના મિરેકલ ગાર્ડન અને ગ્લોબલ વિલેજ છે. મારા રોકાણ દરમ્યાન માત્ર ગ્લોબલ વિલેજ જોવાનો લાભ મળ્યો હતો પણ એ આખી દુનિયા ફરી લીધા બરાબર હતું! અહીં વિશ્વના ત્રીસેક જેટલાં દેશોના પોતાની ખાસિયતો સાથેના ડોમ પથરાયેલાં છે. દરેક દેશના પહેરવેશ, ખાદ્ય પદાર્થો, અને વિવિધતા સાથે તેની સંસ્કૃતિના દર્શન કરવામાં તમે દુબઈમાં છો તે પણ ભૂલી જાવ!

                        દુબઈની ઘણીમોટી કમાણી પ્રવાસીઓ પાસેથી આવે છે, એટલે તેમને માટે અવનવાં થીમ પાર્કનું સર્જન થતું રહે છે. (થોડા સમયમાં બોલીવૂડ પાર્ક શરૂ થશે!) આ દેશો પાસે વસ્તીના પ્રમાણમાં જમીનની કમી નથી. તેથી રસ્તાઓ પણ અતિ વિશાળ છે. પાર્કિંગ કે પાર્કમાં ચાલતાં ચાલતાં થાકી જવાય! ભારતમાં પ્રવાસી આકર્ષણ પેદા કરતી વખતે મોસમ પ્રમાણેનું જોવા-માણવાલાયક દૂરંદેશી આયોજન થાય તેવું ઈચ્છીએ.
                         ભારતીયો અને ગુજરાતીઓને દુબઈ આવવાનું ઘેલું એટલે નથી લાગેલું કે તે નજીક છે, પણ એટલે છે કે અહીં એક ભારત-ગુજરાત વસેલું છે. આ દેશમાંથી ભારતીયો જતાં રહે તો દુબઈની શાન રાતોરાત અડધી થઈ જાય! દિવાળી અને ક્રિસ્ટમસની ભવ્ય ઉજવણી એ વાતની સાક્ષી છે કે અહીંની સરકાર (રાજા) કઇંક અંશે વ્યક્તિ સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપે છે. ભારતીયો દિવાળીના દિવસોમાં પોતાના એપાર્ટમેંટ્સને લાઇટથી શણગારે છે અને મેદાનમાં જઈ આતશબાજીની મઝા માણી શકે છે. નવરાત્રીમાં ગરબાનું આયોજન પણ ખરું! હા, પાર્કિંગ માટેની જગ્યા શોધવા બાબતે દુબઈ કરતાં અબુધાબી વધુ સુગમ દેશ છે. પાર્કિંગ સુવિધા માટે આવનારાં સમયમાં દુબઈના રાજાએ કોઈ નક્કર ઉપાય વિચારવો જ પડશે.
                        આમ છતાં મસ્જિદ ઉપરાંત દરેક મોલ્સમાં નમાઝ પઢવા માટેની એક અલગ જગ્યા હોય જ છે અને નિયમિત સમયે હઝાન પોકારાય છે. વિદેશી પ્રવાસીઓ ટૂંકા કપડાં પહેરીને ભલે હરે-ફરે તેમાં તેઓને વાંધો નથી, પણ સ્થાનિક ઇસ્લામીઓ બુરખામાં (અપ ટૂ ડેટ) જ રહે છે અને નમાઝ પઢવાનું ચુકતા નથી.
                        બદલાતાં સંજોગો સાથે ધર્મની પકડ ઢીલી કર્યા વિના છૂટકો નથી એ વાત આ રાજાઓને વહેલી-મોડી સમજાશે પણ એનેય હજી ઘણાં વર્ષો લાગશે. ભારતના ડિઝાઇનર્સ નેતાઓ (અધૂરાં અને દંભી નેતાઓ) પણ આ વાત જેટલી ઝડપથી સમજશે અને સ્વીકારશે તેટલા ઝડપથી ભારત વિશ્વનું આકર્ષણ બનશે. કોઈ શક?!
                        ગુજરાતી, પંજાબી અને મદ્રાસી વાનગીઓ, મરી મસાલા, શાકભાજી અને ફળો અહીં આસાનીથી  અને ગુણવત્તાયુક્ત મળે છે. પણ આ દેશોની ઘણી અરેબિક વાનગીઓ પસંદ આવી જાય તેવી છે. જેવી કે, ખબુસ (ઘઉંની બનાવટ), હમસ (ચણાના લોટની બનાવટ), લબાન (ઘટ્ટ અને મોળી છાસ), ફલાફલ (હમસમાં વીટ્ળાયેલી બનાવટ) અને પ્રુન્સ (ખજૂર જેવુ ફળ). નવા દેશના, આ નવા સ્વાદ ચખાડવા બદલ સાળાજીના પરિવારનો આભાર માનું. આ ઉપરાંત, આનાથી વધુ વેરાયટી માંસાહારી વાનગીઓમાં પણ ખરી. હા, ઇસ્લામ ધર્મમાં દારૂનો નિષેધ છે છતાં અહીં ખુલ્લા બજારમાં મળે છે ( આને કહેવાય ઉદારીકરણ! ) દારૂ વિશે લોકો ઘણું જાણતાં હોય છે એટલે એ વિશે મારે ઝાઝું કહેવું નથી!!
                       આ દેશોના રસ્તાઓ અને મકાનોને સ્વચ્છ રાખવા આસાન એટલે છે કે અહીં રેતી ઊડે છે, ધૂળ નહીં. મતલબ માટીને સાફ કરવું મુશ્કેલ છે. એમ છતાં અહીં જાહેર સ્વચ્છતા બાબતે કામચોરી નહિવત છે એ વાત સ્વીકારવી પડે. એપાર્ટમેંટ, ઓફિસો, અને દુકાનોમાં નિયમિત રીતે કાચની સફાઈ થતી જ રહે છે. આવી કામગીરીમાં વિદેશી કામદારો જ હોય છે. સ્થાનિક લોકો આવા કામો કરતાં જ નથી. શાકભાજી પણ નહીં વેચે!

                        UAEના લગભગ બધા દેશો પાસે જે સમૃદ્ધિ છે તે બધી ખરીદેલી છે. મતલબ અહીંના બહુધા સ્થાનિક લોકો બુદ્ધિની રીતે કે જ્ઞાન-સમજની રીતે ચઢિયાતાં નથી. સંશોધન વૃત્તિ કે વૈજ્ઞાનિક અભિગમની વાત આકર્ષક નથી. એમ છતાં નાણાકીય સમૃદ્ધિથી આ દેશોએ અમેરિકા, હોંગકોંગ, બ્રિટન જેવા વિકસિત દેશોની ટેક્નોલોજિકલ વ્યવસ્થા અપનાવી છે. મેં જે અગાઉ લેખોમાં વર્ણન કર્યું છે તે બધી સુવિધાઓ પણ વિદેશી બુદ્ધિને આભારી છે! બીજાને અનુકૂળતાઓ આપવા છતાં પોતાની ઇસ્લામી વિચારધારાને ઝાઝી છટકવા દીધી નથી. તેઓ પોતાની અંગત દુનિયા જાહેરમાં દેખાવા દેતા નથી. બધા લોકો પોતપોતાની કામગીરી નચિંતે કરતાં રહે એટલી સુરક્ષા સૌને ખરી, પણ રાજાશાહીમાં સરકાર વિરુદ્ધ બોલવા કે રજૂઆત કરવાનું આસાન નથી જ નથી.
                        ગુજરાતીમાં કહેવાય છે કે જર, જમીન ને જોરુ, કજિયાના છે છોરું’. એવું અહીં હશે તોયે જાહેરમાં દેખાતું નથી. સરમુખત્યારશાહીમાં આમ થવું હકીકત હોય છે. અંદરખાને આવી શક્યતાને  નકારી ન શકાય. જાહેરમાં દારૂ પીધેલા લોકો ન દેખાય, પણ ક્લબોનું અસ્તિત્વ એ વાતની સાક્ષી છે કે મસાજ પાર્લરની સાથે અહીંયે ખાનગીમાં ઘણુંબધુ ચાલતું હશે. પ્રત્યક્ષ રીતે આવી જગ્યા વિશે જાણવા મેં રસ દાખવ્યો નથી પણ દરેક માણસની સ્વાભાવિક વૃત્તિઓમાં ક્યારેક આવી મોજમજાની લાગણીઓ ઉભરાતી હશે. હા, એ તેની મર્યાદામાં જ રહે તે અનિવાર્ય જ ગણાય.
                        અહીંની શાળાઓ વિશે ખાસ જાણી શક્યો નથી. અબુધાબીમાં 50થી વધુ અને દુબઈમાં તો એથીયે વધુ જાહેર અને ખાનગી શાળાઓ છે. આવી શાળાઓ બહુધા શહેરથી દૂર હોય છે. દરેકને પોતાની બસ ખરી, પણ તમામ સ્કૂલ બસો પીળા રંગની જ હોય! આપણી જેમ કેટલાક વાલીઓ જાતે સંતાનને સ્કૂલે લેવા-મૂકવા આવે. વિદ્યાર્થીઓના દફતરો મોટેભાગે પૈંડાવાળા (સ્ક્રોલર બેગ) હોય છે. ઊંચકવાનું નહીં, સરકાવતાં લઈ જવાનું. (ભાર વિનાનું ભણતર?!)
                        થોડી વાત આરોગ્ય વિશે પણ કરું. અહીં જેટલા પણ લોકોને જોયા છે મારા જેવા પાતળા બાંધાના ભાગ્યેજ દેખાતા હતા (તેમાં હું એક ખરો!) મેંદાની વાનગીઓ, પીણાં અને માંસાહારી વાનગીઓ ખાનારાઓ બહુમતીમાં હતા. રોટલી-ભાખરી કે દાળભાતિયા તો સાવ ઓછા. આમ છતાં સમતોલ આહારમાં આવે તેવું બધુ જ અહીંના સ્ટોર્સમાં ઉપલબ્ધ હોય છે. તાજું દૂધ, શાકભાજી, ફળો, માંસ, સૂકો મેવો, વાઇન વગેરે દુનિયાના ખૂણે ખૂણેથી અહીં આયાત થઈને આવે છે અને ચોવીસ કલાક મળી રહે પછી ખાવાના શોખીનોને કોઈ તકલીફ પડે ખરી?! હા, દિરહામ કમાતાં આવડવું જોઈએ!!
                        આ બધા દેશોના એપાર્ટમેન્ટસ બહારથી લગભગ સરખા જેવા લાગતાં હોય છે. ગેલેરી ભાગ્યે જ (અથવા બહુ નાનકડી) જોવા મળે એટલે બહાર કપડાં લટકતાં દેખાય જ નહીં! ગરમી ખૂબ પડે, પણ કપડાં તો ઘરમાં જ સુકવવા પડે, ખરું કહેવાય નહીં?! અબુધાબી અને દુબઈમાંથી જે કઈં જાણ્યું તેને રજૂ કર્યું, હવે થોડી સમીક્ષા સંક્ષિપ્તમાં પણ જણાવું:
           1.       ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે દેશ પાસે વિઝન સાથે પુષ્કળ નાણાંભંડોળ હોવું જરૂરી છે.
           2.       જે દેશના ચલણો મજબૂત (ઊંચા મૂલ્યવાળા ) છે તે દેશના નાગરિકો વધુ પ્રવાસો કરી શકે છે.
           3.       કોઈપણ દેશના ચલણને ખર્ચવાની પસંદગી જે તે નાગરિકની પોતાની હોય છે, પણ તે નક્કી કરે છે જે તે દેશની સરકાર. દેશમાં માત્ર હોસ્પિટલો વધારવાથી નહીં, મોલ્સ કે આનદપ્રમોદના વિસ્તારો (સ્થળો) વધવાથી વિદેશી હુંડિયામણ વધુ કમાઈ શકાય છે!
          4.       વધુ પ્રવાસ કરનારાઓ ધીમા અવાજે બોલતા (વાત કરતાં) જણાયા છે. કેટલાયે મોલ્સમાં ફર્યો, પણ કોઈએ મોટેથી બૂમ પાડયાનું સાંભળ્યુ નહોતું. હા, ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ આમાં અપવાદ ગણાશે!!
           5.       વિદેશી પ્રવાસીઓ ઘણુખરું જે તે સ્થળે ફરવા જતાં પહેલાં તેના વિશે સંશોધન કરીને આવે છે. ભારતીય પ્રવાસીઓ આ બાબતે ઘણાં પાછળ છે.
           6.       પ્રવાસીઓનો પ્રવાહ હંમેશાં વિકસિત અને આધુનિક દેશો તરફનો જ હોય છે. આવા દેશો સભ્યતાની દ્રષ્ટિએ બહુધા ચઢિયાતા હોય છે તેથી વિદેશ પ્રવાસો પછી વ્યક્તિના વ્યવહારમાં હકારાત્મક પરીવર્તન આવવું જોઈએ. પણ આ વિશે મારો અનુભવ બહુ સંતોષકારક નથી. ટૂંકા કપડાં પહેરવાથી ગોરા લોકોનોનો શિષ્ટાચાર આવી જાય તેમ માનવાની ભૂલ કરવા જેવી નથી.
             7.       આ દેશોમાં પરચુરણ (રિયાલ)ની તંગી નથી એટલે છુટ્ટા નથી એમ કહીને કોઈએ ટેક્સીવાળા કે સ્ટોર્સવાળા ચોકલેટ પકડાવતાં નથી!
             8.       શેક્સપિયરે કહ્યું છે કે, ‘Apparel often proclaim the men’ અર્થાત વસ્ત્રો જ માણસનો પ્રથમ પરિચય હોય છે. અહીંના લોકો બાહ્ય દેખાવ બાબતે બહુ સભાન રહે છે. આપણાં ભારતીય દર્શન સાથે આ મૂલ્ય બંધબેસતું ન જણાશે, પણ સ્વચ્છ અને સુઘડ રહેવું સારા માણસ તરીકેનું એક લક્ષણ તો ગણવું જ પડશે. આપ માનો ય ન માનો!
                        કોઈપણ દેશને પાંચ સાત દિવસમાં જોઈ શકાય, સમજી ન શકાય. મોટાભાગના લોકો પ્રવાસમાં માત્ર જોવાનું જ કામ કરે છે. મેં પણ ઘણુખરું જોયું જ છે, તોયે 24 દિવસના રોકાણ અને સાળાજીના ઉત્સાહથી અબુધાબી અને  દુબઈને કૈંક અંશે સમજીને આટલું વિશ્લેષણ કરી શક્યો છું. હા, હજી મને આ શહેરોના રસ્તાઓ અને વિસ્તારોની દિશા વિશે ગૂંચ રહી જ છે એટલી નિખાલસ કબૂલાત. સારજાહ, અલ ઇન જેવા વિસ્તારો જોવાનું, અબુધાબીની બસ મુસાફરી કે દુબઈની મેટ્રો ટ્રેન મુસાફરરી નસીબમાં આવી નહીં કેમ કે આટલું ફરવા-સમજવામાં જ હાંફી જવાયું હતું. પ્રવાસોની મજા માણવા ઉત્સાહની સાથે સાથે મજબૂત શારીરિક ક્ષમતા જોઈએ એનો પ્રત્યક્ષ અનુભવ મોડે મોડે પણ સમજાયો છે. બાય બાય UAE !!



- ડૉ. વિજય મનુ પટેલ

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...