શાળામાં નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે
ઇન્ટરવ્યુ આપવો પડે. ધોરણ બાર સુધીના વચલા ધોરણમાં પ્રવેશ મેળવવો હોય તો નાની
પરીક્ષા આપવી પડે. ત્યાર પછી કેટલીક કોલેજો કે અભ્યાસક્રમો માટેય પ્રવેશ પરીક્ષા
આપવાની! આમ શિક્ષણના જુદા જુદા તબક્કે પ્રવેશ પરીક્ષા આપતાં જ રહેવું પડે છે એ તો
સામાન્ય બાબત થઈ ગઈ. તેનાથી વિદ્યાર્થીઓ જે તે ધોરણ કે અભ્યાસક્રમ માટે કેટલા
ક્ષમતાવાન છે તેની ચકાસણી થાય તે પણ સમજાય.
પણ ભણી રહ્યા પછી,
એટલે કે કોઈ ચોક્કસ ડિગ્રી મેળવી લીધા બાદ પણ પરીક્ષા આપવાની હોય તો? હા, વધુ
ભણવા માટે નહીં પણ નોકરી મેળવવા માટે તો તમને કદાચ અટપટું જ લાગશે,
ખરું? હવે એવા દિવસો દૂર નથી. ઈજનેરીમાં ભણતાં વિદ્યાર્થીઓએ
પોતાના છેલ્લા વર્ષમાં ‘રોજગાર કસોટી (Employability Test)’
આપવા તૈયાર રહેવું પડશે. દેશની સરકારી કે ખાનગી,
તમામ પ્રકારની ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ તેમાં જોડાશે. આ પરીક્ષામાં મેળવેલા
ગુણને આધારે નક્કી કરવામાં આવશે કે કયા વિદ્યાર્થીને કેવી નોકરી મળશે!
પહેલા ઉચ્ચ શિક્ષણ સુધી
બહુ ઓછા યુવાનો પહોંચી શકતા હતા તેથી સરકારે છેલ્લા દશેક વર્ષમાં શિક્ષણના વ્યાપ
વધારવાના અનેક પ્રયત્નો કર્યા અને પરિણામ એ આવ્યું કે હવે ઢગલેબંધ સ્નાતકો દર
વર્ષે બહાર પડી રહ્યા છે. આવો મોટો જથ્થો જ સરકારને માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઈજનેરોનો વિશાળ સમૂહ પેદા તો થયો, પણ આવા ભણેલાં ઇજનેરો પાસે કોઈ ખાસ કૌશલ્ય હોતું નથી એવું
સરકારને લાગ્યું છે. એટલે આવો નવો વિચાર અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.
શિક્ષણની સમગ્ર વ્યવસ્થા
સરકાર દ્વારા નિર્ધારિત થાય છે. હવે પોતાને જ પોતાની વ્યવસ્થા સામે વાંધો પડ્યો
છે. ઈજનેરી ડિગ્રી મળે પણ લાયકાત ન આવે તો ભારે અજુગતું કહેવાય એવું સરકારને
લાગ્યું છે. દેશની ત્રણ હજાર ઈજનેરી કોલેજોમાંથી બે વર્ષમાં લગભગ સાત હજાર ઇજનેરો
બહાર પડ્યા, જેમાંથી 20 થી 30 ટકાને જ સારી નોકરી મળી શકી. બાકીનાને ન
મળી તેના અન્ય કારણો હશે પણ તેમાંનું એક ‘વિદ્યાર્થીઓમાં
કૌશલ્યનો અભાવ’ જણાયું.
આના ઉકેલરૂપ સરકાર જે
વ્યવસ્થા વિચારી રહી છે તે રોજગાર કસોટીની છે. અર્થાત,
પરીક્ષા આપીને પાસ થવાય અને ભણી રહ્યા પછી પણ પરીક્ષા જ આપવાની! આ કસોટી લેવા
પાછળનો આશય વિદ્યાર્થીઓની ક્ષમતા કે આવડતનું સ્તર જાણવાનો અને તેને અનુરૂપ નોકરી
આપવાનો છે. માત્ર ચોપડીનું જ્ઞાન(કે માહિતી) નહીં પણ જે તે પરિસ્થિતિમાં કામ લાગે
તેવી કુશળતા મેળવેલ છે કે કેમ તે પણ જાણી શકાય છે.
આ ઉપરાંત આ પરીક્ષાથી એ
પણ જાણી શકાય કે વિદ્યાર્થી કઈ શૈક્ષણિક સંસ્થા કે કોલેજમાંથી ઉત્તીર્ણ થયો છે, અને
તેની શૈક્ષણિક ગુણવત્તાનું સ્તર કેવું છે? હવે
વિચારણીય પ્રશ્ન એ થાય કે તો પછી આવી કસોટી માત્ર ઈજનેરી કોલેજના સ્નાતકો માટે જ
શા માટે હોવી જોઈએ? સમગ્ર ભારતીય શિક્ષણ વ્યવસ્થાની એ તાસીર છે કે કોઈપણ
અભ્યાસક્રમમાંથી બહાર પડતાં યુવાનોમાંથી મોટાભાગનામાં કૌશલ્યની ભારે ઉણપ રહી જાય
છે. બી.કોમ. થયેલાંને નામું લખતા નથી આવડ્તુ અને અન્ય સ્નાતકોને અંગ્રેજીમાં (કે
ગુજરાતીમાં) સારી અરજી લખતા નથી આવડતું.
તો શું અભ્યાસની દરેક
શાખામાં ‘રોજગાર કસોટી’ લેવાની? આ
વિષયને જૂથચર્ચામાં મૂકીએ તો ચર્ચાનો અંત નહીં આવે છતાં મજા તો પડી જ જાય! પણ માની
લઈએ કે સરકાર ઈજનેરી પછી મેડિકલ, પેરામેડિકલ, વાણિજ્ય,
વિનયન એમ દરેક શાખામાં કોલેજનું (સ્નાતક કે અનુસ્નાતક) શિક્ષણ પૂરું કર્યા પછી
વિદ્યાર્થીને માટે આવી કસોટી ફરજિયાત બનાવી દે તો શું રોજગાર વધી જશે?
ના. કેમ કે આ કસોટીમાં
ઓછા ગુણ મેળવનારને અમુક ચોક્કસ પ્રકારની નોકરી ન મળે તે તો ખરું, પણ
બીજી કોઈ નોકરીયે મળી જાય તેવી ખાતરી મળતી નથી. વળી, આ
તો ઘોડો નાસી ગયા પછી તબેલાને તાળું મારવા જેવુ થશે. જે વિદ્યાર્થીઓ આ કસોટીમાં
ઉત્તીર્ણ ન થઈ શકે તેમનું કોલેજ શિક્ષણ નકામું હતું એમ માની લેવાનું? જો
એમ થાય તો વિદ્યાર્થી અને કોલેજ બંનેની નામોશી થાય. જે સમય વહી ગયો છે તેને પાછો
મેળવી શકાશે નહીં તેથી આ કસોટીથી શક્ય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓમાં હતાશા આવે.
શિક્ષણતંત્ર હંમેશા લાઈવ
રહે છે એટલે તેમાં જે સમસ્યા ઉદભવે છે તેને ડામવા માટે જે તે સમયની સરકાર,
તેના પ્રધાનો અને અધિકારીઓ પોતાના નવા નવા ખ્યાલો ઉમેરતાં રહે છે. આટલા વૈવિધ્યસભર
દેશમાં કોઈ એક નિર્ણયની માત્ર એક જ સારી-માઠી અસર થાય તેવું માની ન શકાય,
એટલે મોટાભાગના સરકારી પ્રધાનો ‘Trial & Error’ મુજબ નિર્ણયો લેતા રહે છે. આમાં
જે ચાલી ગયું તે ચાલ્યું, નહિતર ઘડીકમાં પાછું લઈ લો!
રોજગારની ક્ષમતા કે
યોગ્યતા ચકાસણી કસોટીનો ખ્યાલ પણ સરકારના અગાઉના નિર્ણયોથી ઊભા થયેલાં
પ્રશ્નોમાંથી નીપજેલો છે. ઊંચા પરિણામો પછી પણ રોજગારી ક્ષમતા નબળી રહેવામાં
યુવાનોની ઇન્ટરવ્યુ અને જૂથચર્ચાની નિષ્ફળતાએ એ પુરવાર કર્યું છે કે ઇજનેરો
ધંધાકીય એકમો માટે યોગ્ય નથી. મોટા\ મોટા
કોર્પોરેટ જૂથના અધિકારીઓએ જાહેરમાં કબુલ કર્યું છે કે ‘અમારી
પાસે ગ્રેજ્યુએટ આવે, પણ
કુશળ યુવાનો આવતા નથી!’
આ કસોટી ફરજિયાત સ્વરૂપે
લાગુ પાડવામાં આવશે તો સ્નાતકો તેની પૂર્વતૈયારી કરવામાં વધુ મહેનત કરે અને સારા
ગુણાંક મેળવી દે તો શક્ય છે કે નોકરી
પ્રાપ્ત થઈ જાય. પણ જે કાબેલિયત કે સમજ ત્રણ-પાંચ વર્ષમાં ન આવી હોય તે એક મહિનાની
મહેનતથી આવી જાય એ બાબતે શંકા રહે જ. એનો મતલબ એ થાય કે મોટાભાગના યુવાનો માટે આ
કસોટી ‘વધારાનો બોજ’ બની રહેશે.
મારો અંગત મત એવો છે કે
સરકારે તમામ કોલેજોની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેના સઘન પ્રયાસો કરવા જરૂરી
છે. વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ટર્મ પેપર, ઔદ્યોગિક
મુલાકાતો, પ્રાધ્યાપકોનું અધ્યાપન કાર્ય,
કેમ્પસની બદીઓ વગેરે ઉપર બાજ નજર રાખી અધ્યનન-અધ્યાપન કાર્યની ગુણવત્તા સુધારવાના
નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવે તો આવી વધારાની કસોટી લેવાનો પ્રશ્ન ટાળી શકાય તેમ છે.
વિદ્યાર્થીઓએ જ્યારે જે
તે વિદ્યાશાખામાં જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હોય છે ત્યારે તેને તેમાં જ
ઉત્તમ બનવાની તક મળે તે જોવાનું કામ સરકારી તંત્રએ કરવાનું હોય,
નહીં કે તેનું ભણતર પૂરું થયા પછી તેની યોગ્યતા સામે શંકા કરવાનું!
-ડૉ.
વિજય મનુ પટેલ( Published in Gujarat Gaurdian Daily )
Thanks for sharing such an amazing blog with us , Great work... https://godotengine.org/qa/user/Proversioncrack
ReplyDelete