એક સર્જનશીલ શિક્ષક સાથેની વાતચીતમાં
ગમગીની છવાઈ ગઈ હતી. ઘણા વર્ષોની નોકરી બહુ ઉત્સાહપૂર્વક કર્યા પછી આજે એ થોડા
નિરાશ થઈ બોલ્યા હતા: હવે નવું કરવાની બહુ ઈચ્છા નથી થતી. વિચારો તો નવા નવા આવે
છે પણ નવું કર્યા પછી પ્રતિચારો (feedback) ઓછા થઈ ગયા છે
એટલે એવું લાગે છે કે જે કઈં નવી પ્રવૃત્તિ કે નવા પ્રયોગો કરું છું તે
વિદ્યાર્થીઓને પસંદ નથી આવતા. હું સાંભળી રહ્યો હતો અને મનોમન સંમતિ પણ આપી રહ્યો
હતો, કેમ કે ક્યારેક મને પણ આવું લાગ્યું હતું.
સોશ્યલ
મીડિયા પરની ટૂંકી પોસ્ટ કર્યા પછી જેની સૌને તાલાવેલી હોય છે તે એ કે લખાણ (કે
ચિત્ર) પર કેટલી likes કે comments મળે છે. આ સ્વાભાવિક હોય છે પરંતુ ધીમે ધીમે એ ‘અપેક્ષા’માં
પરિવર્તિત થતી જાય છે. શરૂઆતમાં પ્રતિચારો ઘણા મળે પણ પછી એમાં ઓટ શરૂ થતી જાય છે.
આમ થવાનું એક કારણ વિવિધાતાનો અભાવ હોય છે! નવું મૂકો (કે આપો) પણ એક જ પ્રકારનું
હોય તો લોકો માટે એમાંથી ધીમે ધીમે રસ ઘટી જાય છે. આ મનોવૈજ્ઞાનિક રીતે પણ સ્વીકૃત
તથ્ય છે!
જે
શિક્ષકો પ્રયોગશીલ છે તેઓ પણ જો એક જ પ્રકારની પ્રવૃત્તિ વારંવાર કર્યા કરશે તો
પોતાનું સત્વ ગુમાવશે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો વિચાર છે કે, ‘નિષ્ફળતા
એ જ પ્રગતિમાં સફળતા છે.’ કોઈપણ પ્રવૃત્તિમાં શિક્ષક નિષ્ફળ નીવડે છે ત્યારે તેણે એ
યાદ રાખવાનું છે કે એમાંથી પણ પોતે અને વિદ્યાર્થીઓ કઇંક તો શીખે જ છે. સમૂહ કાર્ય
પદ્ધતિ (Project Base Method)માં નવીન વિચાર
અને ઉત્સાહ સૌથી વિશેષ હોય છે. પરંતુ જ્યારે એમાં ઇચ્છિત પરિણામ નથી મળતું ત્યારે?
આવું
થાય ત્યારે પ્રારંભિક તબક્કે આવી કામગીરીમાંથી જ બહાર જવાનો વિચાર આવે છે. અને ઘણા
શિક્ષકો એને જે તે વર્ષ પૂરતી જ નહીં, કાયમ માટે
તિલાંજલી આપી દે છે! પ્રોજેકટ પદ્ધતિ એ સામૂહિક શિક્ષણ (Collaborative learning)નું
સ્વરૂપ છે. માનવ સંસ્કૃતિ ‘સમૂહ’ના પાયા પર વિકસેલી
છે. એટલે શિક્ષણમાં પણ તે અભિન્ન રીતે જોડાયેલી છે. સમૂહમાં રહીને વિદ્યાર્થીઓ
વાતચીત, માન-સન્માન, ભાગીદારીતા, સહકાર
જેવા ગુણો શીખે છે. હવે આ રીતે કોઈ કામ કરવામાં નિષ્ફળતા મળે તો તેમાં પદ્ધતિનો
દોષ કેવી રીતે હોય? હા, એમાં અંતિમ ધ્યેય પર ન જવાતું હોય તો પણ વિદ્યાર્થીઓ અને
શિક્ષકો ઉપરના જેવા અનુભવો તો પ્રાપ્ત કરે જ છે.
એક
શાળાના શિક્ષકને વિચાર આવ્યો કે મારે તાપી નદી વિશેનું પ્રોજેકટ કાર્ય કરાવવું છે.
તેમણે વિદ્યાર્થીનું એક જૂથ તૈયાર કર્યું અને એક દિવસ આદેશ કર્યો કે તમારે દશથી
પંદર દિવસમાં તાપી નદી વિશેનું પ્રોજેકટ કાર્ય પૂર્ણ કરવાનું છે. તાસ પૂરો થયો પછી
આ જૂથના વિદ્યાથીઓ ભેગા તો થયા પણ આમાં ‘શું કરવાનું’ એ
વિશેનું સમાધાન મળ્યું નહોતું. શિક્ષકના પક્ષે પહેલી ક્ષતિ આ રહી ગઈ હતી કે ‘તાપી નદી’માં કયા
કયા મુદ્દાનો સમાવેશ કરવાનો હતો તે જણાવ્યુ જ નહોતું.
એક
ઉત્સાહી વિદ્યાર્થીએ ફોન પર શિક્ષક પાસેથી આનો જવાબ મેળવી લીધો. એ જવાબ હતો: તમારે
નદીનું ભૌગોલિક સ્થાન, તેનું મૂળ, આસપાસના શહેર કે
ગામડાઓ વિશેની માહિતી ભેગી કરવાની. થોડાં દિવસો વીત્યા પછી શિક્ષકે જૂથને બોલાવીને
પૂછ્યું, ‘કેટલું કામ પત્યુ?’ જેણે ફોન કરીને જાણ્યું
હતું તેણે થોડીઘણી માહિતી ભેગી કર્યાનું કહ્યું, અન્યો
તો મૌન જ રહ્યાં! શિક્ષકની બીજી ક્ષતિ અહીં રહી ગઈ હતી. વચ્ચે વચ્ચે સમગ્ર જૂથ
સાથે ચર્ચા અને માર્ગદર્શન અપાયું જ નહીં એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ કઈ માહિતી, ક્યાંથી
અને કોણ મેળવશે તે બાબતે અધૂરાં જ રહ્યાં!
આ
મૂંઝવણમાંથી શિક્ષકે ઉકેલ આપ્યો કે લાઈબ્રેરી, સામયિકો
અને ઇન્ટરનેટ પરથી સામગ્રી શોધવી. વાત થોડી આગળ ચાલી, પણ
વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની માયાજાળમાં એવા ફસાયા કે જે જોઈએ છે તેને બદલે બીજું બધુ જ
મળતું! આથી કેટલાકે કંટાળાથી અને કેટલાકે ડરથી ઇન્ટરનેટની વાત જ માંડી વાળી.
બે-ત્રણ જણ સિવાય બીજા કોઈ પાસે સંશોધનવૃત્તિ અને વિકલ્પો હતા જ નહિ. જૂથમાં ‘અમૂક
લોકો તો કઈં કરતાં જ નથી’નો અસંતોષ વધ્યો. સામૂહિક શક્તિથી જે કામ ઉત્તમ રીતે પૂર્ણ
થવું જોઈતું હતું તે સામાન્ય અને એકાંગી બનીને સમેટાઈ ગયું!
તાપી
નદીના પ્રોજેકટમાં ચીલાચાલુથી વિશેષ કશું ન થયું. તાપી નદીની મુલાકાત, તાપી
નદી કિનારે વસેલાં તીર્થસ્થાનોના ચિત્રો કે ત્યાં વસતા એકાદ વ્યક્તિ સાથેના ટૂંકા
સંવાદો જેવી વાતોની શિક્ષકે એમાં સમાવવી જોઈતી હતી. પણ શિક્ષક સ્વયં આવા કામ વિશે
સ્પષ્ટ નહોતા. સામૂહિક રીતે કામ કરવામાં કે કરાવવામાં કામ કે પ્રવૃત્તિની વહેંચણી
નક્કી કરવાની હોય એ વાત કદાચ શિક્ષક સાહજિક રીતે ચૂકી ગયા હતા! વિષયવસ્તુની પસંદગીથી
લઈને અંતિમ સ્વરૂપ સુધી શિક્ષકની હાજરી અનિવાર્ય છે છતાં તે મોટેભાગે પડદા પાછળ
રહે છે એ આ પ્રોજેકટ પદ્ધતિની ખાસિયત છે.
આપણી
શિક્ષણ વ્યવસ્થામાં આ પ્રકારે શીખવવાની બોલબાલા ઓછી જણાઈ છે. આમ તો અન્ય નવીન
પદ્ધતિઓનો પણ જૂજ જ ઉપયોગ થાય છે. એની પાછળનું મહત્ત્વનું કારણ એ હોય છે કે આમાં
શિક્ષકે ખૂબ વિચારવું પડે છે! મનોવિજ્ઞાન કહે છે કે મોટાભાગના માણસો ‘સરળ’
વ્યવસ્થા જ પસંદ કરે છે એ દ્રષ્ટિએ સૂઝવાળા કરતાં પણ જુદું વિચારવાવાળા કે જુદો
રસ્તો પસંદ કરવાવાળા શિક્ષકો પણ દુર્લભ જ રહેવાના.
આ
લેખ વાંચ્યા પછી એમાં થોડા વધુ શિક્ષકો ઉમેરાય એવી આશા છે. ઘણીવખત જે મૂંઝવણો
વિદ્યાર્થી કક્ષાએ અનુભવાતી હોય તેવી જ શિક્ષક કક્ષાએ પણ અનુભવાતી હોય છે. પણ એ
તરફ કોણે ધ્યાન આપવાનું હોય? ત્યાંયે અસમંજસતા જ હોય છે, ખરું? એટલે
શિક્ષણ ઘરેડ મુજબ ચાલતું રહે છે. આમ છતાં જે શિક્ષકો મથે છે તેઓને દિલથી અભિનંદન.
આવા લોકો નવીનીકરણ અને સર્જનાત્મકતાની જ્યોતને બૂઝવવા નથી દેતાં એવું ભગીરથ કાર્ય
તો કરે જ છે.
-ડૉ. વિજય મનુ પટેલ