Sunday, 30 March 2014

સિવિલ સર્વિસ પરીક્ષા: પ્રતિભાવંત યુવાનોની ખોજ કે...?!



              લોકસભાની-૨૦૧૪ ચૂંટણીમાં યુ.પી.એ સરકાર બહુમત મેળવે કે ન મેળવે, પણ જતાં જતાં તેમણે દેશના એવા યુવક-યુવતીઓને માટે એક સોનેરી સિક્કો ઉછળ્યો છે, જેઓ દેશની સિવિલ સર્વિસિસમાં પ્રવેશવા થનગની રહ્યા છે. આને ચૂંટણીનો ચક્રવ્યૂહ કહો કે જરૂરિયાત કહો, પણ આ પરીક્ષાની તૈયારી કરનારા લાખો વિધ્યાર્થીઓને મોટી રાહત મળી છે. સિવિલ સર્વિસિસમાં વહીવટી,(IAS), પોલીસ(IPS), અને વિદેશ(IFS) એમ ત્રણ પ્રકારના હોદ્દાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા ત્રણ તબકકામાં પાસ કરવાની હોય છે. પ્રાથમિક પરીક્ષા બાદ, મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં સફળ થવાનું હોય છે. આવી પરીક્ષામાં પાસ થવા માટે વધુમાં વધુ ચાર જ તક મળતી હતી(ઓબીસી ઉમેદવારને સાત, જ્યારે એસસી/એસટી ઉમેદવારો માટે કોઈ મર્યાદા નથી!) ૨૦૧૪થી જે સુધારો અમલી થયો તે મુજબ તમામ પ્રકારના ઉમેદવારો હવે બે પરીક્ષા વધુ આપી શકશે. જો કે સામાન્ય ઉમેદવારોને ઉંમરની ઉપલી સીમામાં (3૦ વર્ષમાં) કોઈ વધારો મળ્યો નથી. (આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવાની લઘુતમ વય મર્યાદા ૨૧ વર્ષની છે)
            ચાલુ વર્ષ દરમ્યાન આ નવી રાહતને લીધે ઉમેદવારોની સંખ્યા વધી જવાની છે ત્યારે મનમાં ફરી ભ્રષ્ટાચારનો વંટોળ પેદા થવા લાગે છે. આજકાલ આની ચર્ચા એટલી હોટ છે કે આવી ઉચ્ચ પરીક્ષા વિશે લખતી વખતે પણ તરત જ મન એ તરફ વળી ગયું! જો કે નોંધનીય બાબત એ છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ સૌથી મોખરે આવી જાય છે:  રાજકારણીઓ, આઇ.એસ.અધિકારીઓ અને કોર્પોરેટ માધાંતાઓ. યુ.પી.એ સરકારનો આ નિર્ણય દેશના બુદ્ધિશાળી  યુવાનોને સુચારુ શાસન ચલાવવા માટેની તક છે કે પછી ભ્રષ્ટાચાર કરવા માટેનું પ્રલોભન છે એ વિચારણીય પ્રશ્ન છે.
              આવા મહત્વના(તગડા?!) હોદ્દા તરફ જવામાં રાહત મેળવનારા યુવાનો આ નોકરી માટે કેટલા યોગ્ય છે તે વિશે જાણો એક અભિપ્રાય. પોતાની ૨૩ વર્ષની ઉંમરે આઇ.એ.એસ તરીકે જોડાયેલા અને ગત વર્ષે જ નિવૃત થયેલ એક અધિકારીને UPSCએ ઇન્ટરવ્યૂ પેનલ માટે બોલાવ્યા હતા, એ વખતે તેઓએ જે પરીવર્તન જોયું તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પહેલું, મોટાભાગના ઉમેદવારો શહેરોમાંથી  નહીં, જિલ્લા અને નાના નગરોમાંથી આવ્યા હતા. બીજું, તેઓમાંના ઘણા પાસે M.Tech., M.B.B.S. જેવી વ્યાવસાયિક ડિગ્રી હતી પરંતુ ચાલીસ વર્ષ પહેલાના ઉમેદવારો પાસે અંગ્રેજીનું જે પ્રભુત્વ હતું તે આ લોકોમાં નહોતું! ત્રીજું, તેઓમાંથી ઘણાનો બીજો પ્રયત્ન હતો અને પરણીત તથા બાળકોવાળા હતા.
                ઇન્ટરવ્યૂ લેનાર આ અધિકારી વસ્તી વિષયક પરિવર્તનથી ખુશ હતા પણ IAS અને IPS માટે જે શ્રેષ્ઠતા જોઈએ તે આ ઉમેદવારો પાસે નહોતી તેનાથી વ્યથિત હતા. ૧૯૭૦માં પોતાના રાજ્યને યાદ કરતાં તેઓએ કહ્યુંતું કે તે વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ, અને સુપ્રિન્ટેન્ડન્ટ અપરણીત ફૂટડા યુવાન હતા અને ટેનિસ, ઘોડેસવારી જેવી રમતોમાં પાવરધા હતા. એમનો કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ હતો કે આજના ઉમેદવારો શરીર-મન સૌષ્ઠવ બાબતે ઊણા ઉતરતા હતા.
               જો કે સરકારે હાલમાં આપેલી આટલી છૂટ છતાં દરવાજા સાવ ખુલ્લા મૂકી દીધા નથી. આજે લગભગ 1500 IAS, 1250 IPS અને 300 IFS અધિકારીઓની દેશને જરૂર છે, આવનારા દશકમાં નિવૃત થનાર અધિકારીઓને ધ્યાનમાં લેતા આ આંકડાઓ વધી શકે તેમ છે. તેની સામે આ વર્ષે બધા મળીને માત્ર 590 ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે. 2012માં 1037 જગ્યાઓમાંથી 998 જગ્યાઓ જ ભરવામાં આવી હતી. એટલે દેશના બુદ્ધિશાળી યુવાનો આવા હોદ્દા પર આવે તે જરૂરી જ નહીં પણ ઇચ્છનીય ગણાય.
               આ પરીક્ષામાં પાસીંગ ગુણ હોતા નથી, કટ ઓફ માર્કસનું ધોરણ હોય છે.(નેગેટિવ માર્કિંગ પણ ખરું) તે પસાર કરો એટલે આગળની પરીક્ષામાં બેસવાની તક મળે છે. આવા વિદ્યાર્થીઓ ભેગા મળે ત્યારે એવું ભાગ્યે જ બોલતા હોય છે કે મારા ફલાણા ટકા આવ્યા. તેઓના મેરીટ ક્રમાંક અને વય અનુસાર જ જે તે હોદ્દા માટેની પસંદગી આપવામાં આવે છે. 2012 ની સિવિલ સેર્વિસિસની પરીક્ષામાં કેરળની યુવતીએ 2250માંથી 1193 ગુણ (53%) મેળવીને ટોપ નું સ્થાન મેળવ્યું એ હિસાબે 50% સુધીના વિદ્યાર્થીઓને સૌથી ઉચ્ચ હોદ્દાઓ માટે પસંદ કરવામાં આવ્યા હતાં!
               એક તરફ પરીક્ષાના માળખામાં અનુકૂળ ફેરફાર અને બીજી તરફ ઉમેદવારોની વધતી સંખ્યા શું એ વાતની પુષ્ટિ કરે છે કે કટ ઓફ માર્કસનું ધોરણ આસાન બની રહ્યું છે? ના 2012 માં આ ધોરણ 800 થી નીચે ગયુ છે તે 2004 માં 1000 કે તેથી વધુ હતું. મતલબ કે સરકારે જે બે વધુ પરીક્ષાની છૂટ આપી છે તેમ છતાં હવે આ પરીક્ષાઓ પાસ કરવાનું કઠિન બની રહ્યું છે. આ પરીક્ષા હવે ગોખણિયા જ્ઞાન            ને બદલે મૌલિક અભિવ્યક્તિ અને કુશાગ્ર બુદ્ધિની કલા બની રહી છે. UPSCની માર્ગદર્શક સૂચના મુજબ મુખ્ય પરીક્ષાનો ઉદ્દેશ પરીક્ષાર્થીઓના સમગ્ર બૌદ્ધિક ગુણો તથા તેના ઊંડા જ્ઞાનના મૂલ્યાંકનનો છે, માત્ર માહિતી ભંડાર તથા યાદશક્તિના મૂલ્યાંકનનો નથી.
                અગાઉ જણાવ્યુ તેમ દેશમાં હજીયે ઘણાં આવા ઉચ્ચ હોદ્દા માટે યોગ્ય માણસોની જરૂર છે અને દિવસે દિવસે એ વધવાની છે. પણ બીજી તરફ પરીક્ષાનું પાસ થવાનું કઠિન બનાવાઇ રહ્યું છે, તેનો આશય ખરેખર પ્રતિભાશાળી ઉમેદવારોને શોધવાનો છે. પણ, અર્થશાત્રનો એ નિયમ છે કે પુરવઠા કરતાં માંગ વધી જાય તો ભાવો વધે. અહીં એનો મતલબ આવા હોદ્દા પર ઉમેદવારોની પસંદગીમાં ભ્રષ્ટાચાર વધવાનો પણ સંકેત છે. જગ્યાઓ ઘણી ને, ઉમેદવારો ઓછા મળે તો નબળા અને ઓછા કાર્યક્ષમ ઉમેદવારોને માટે સેટિંગ થવા માંડશે! જો આમ થાય તો સૌથી વધુ ભ્રષ્ટાચાર કરનારાઓમાં આઇ.એ.એસ અધિકારીઓએ હોય છે એ વાતને પુષ્ટિ નહીં મળે?!
                એક વાત એવી પણ જોવા મળી છે કે પરીક્ષામાં સારા ગુણાંક મેળવનારા ઉમેદવારોમાંથી  કેટલાકનું ઇન્ટરવ્યૂમાં પ્રદર્શન સારું નહોતું. અર્થાત, અહીં ઇન્ટરવ્યૂથી ઉમેદવાર પોતે કેટલો સંતુષ્ટ છે તે મહત્વનુ નથી પણ ઇન્ટરવ્યૂ પેનલને કેટલો સંતોષ આપી શકે છે તે મહત્વનું છે. તમે બેઠા છો તેની પાછળની દીવાલનો રંગ કયો છે? એવા એક પ્રશ્નના ઉત્તરમાં ઉમેદવારે જરાક ડોકું ફેરવવાની કોશિશ કરી અને એ ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ થઈ ગયો હતો! આમ, આ પરીક્ષાની તૈયારી વૈતરા પ્રકારની નહીં, પણ સ્માર્ટ પ્રકારની જોઈએ. ઇન્ટરવ્યૂ માટે પણ યોગ્ય તાલીમ અને પ્રશિક્ષણની આવશ્યકતા રહે છે.
               વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવનારા લોકો દેશના વહીવટ, સુરક્ષા અને વિદેશી વહીવટમાં જોડાય એ દેશના હિતમાં છે. પણ એમાંયે સમગ્ર ટીમ સુચારુ સંચાલનમાં સહયોગી થાય તો જ. ગુજરાતીઓ આવી પરીક્ષાથી બહુધા દૂર જ રહેલા જણાયા છે, છતાં બદલાતા પ્રવાહોમાં શ્રેષ્ઠ પ્રશાસક યુવાનો દેશને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય તો એની ખુશી ગુજરાતીઓના હૈયે હોય જ. વિચારે ગુજરાતનાં યુવાનો આ વિશે. આપ વધુ જાણકારી માટે www.upsc.gov.in પર જઈ શકો છો.                      
  
-ડૉ. વિજય મનુ પટેલ ( ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા- 31/3/14)

Monday, 17 March 2014

માનવ જીવનમાં રંગોના પ્રભાવનું પર્વ, ધૂળેટી



                    એક તરફ આજકાલ બોર્ડ પરીક્ષાનો માહોલ છે, અને બીજી તરફ આ બે દિવસથી લોકો હોળી-ધૂળેટીના પર્વનો આનંદ અને અજંપો માણી રહ્યાં છે. તહેવારોમાં ધાર્મિક શ્રદ્ધા અને એકમેકને મળવાથી પ્રસન્નતાનો અનુભવ થાય, પણ તહેવારોમાં માનસિક સંકુચિતતા અને અસભ્ય વર્તનની આશંકાથી અજંપો પણ રહેતો હોય છે. ધૂળેટીને વધુ સાલસતા અને મર્યાદામાં ઉજવનારો એક વર્ગ છે તો બીજી તરફ બીજાના સન્માનને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિમાં રાચનારો વર્ગ પણ છે. લોકોના સ્વભાવ, વિચારસરણી પર રંગોનો પ્રભાવ હોય ખરો? માનવીના જીવનમાં આ રંગો કેવા કેવા રંગો ભરે છે તેના પ્રભાવ વિશે આજે થોડી પ્રાસંગિક વાત કરી.
                                માનવી આમ તો ગમે તે દેશ કે પ્રદેશનો હોય તેને હંમેશા દુ:ખથી દૂર રહેવાનુ ગમે છે. પણ આનો ઉપાય દરેક પાસે નથી હોતો એટલે કેટલાંક તેનાથી દૂર રહેવા માદક દ્રવ્યોનું શરણું લઈ લે છે. કેટલાક સિનેમા, શોપિંગ, કલબ કે દૂરના સ્થળે જવાનો માર્ગ પણ અપનાવી લેતા હોય છે. હોળીનો ઉત્સવ પણ એક રીતે દુ:-દર્દ ભૂલવાનો ઉત્સવ છે, જેમાં એકબીજા પર રંગો છાંટીને સૌ પોતાની નિરાશાને ઘડી ભર ભૂલી જાય છે. આ રંગોનો પ્રભાવ માનવ સ્વભાવ સાથે જોડાયેલો હોવાનું પ્રતીત થાય છે.
                               
                              એક વ્યક્તિ ફરિયાદ કરે કે મને ઊંઘ નથી આવતી. જો કોઈ દાક્તર પાસે જશે તો તે માટેની દવા આપશે. પણ રંગોનો અભ્યાસી તેમ ન કરતાં તેને કહેશે કે મિત્ર, તમારા શરીરમાં લાલ રંગોનું સંતુલન નથી. અર્થાત જો આવું સંતુલન હોય તો વ્યક્તિત્વ ખીલી ઉઠે, શારીરિક માનસિક રોગો ઘટી શકે. જે લોકો હિંસક અને ક્રૂર છે, વારંવાર અતિ ગુસ્સામાં સરી પડે છે તેઓમાં કાળા રંગનું પ્રભુત્વ રહેલું હોય છે. કાળા રંગોનો પ્રભાવ વ્યક્તિને સારસારનો વિવેક ભૂલાવે છે. જે લોકો ઇર્ષ્યાળુ હોય છે બીજાની જરા સરખી પણ પ્રગતિ કે ઉત્કર્ષ પચાવી નથી શકતા તેવા લોકોમાં, ગાઢ ભૂરો રંગ પ્રભાવક હોય છે. આવી વ્યક્તિ બીજાનું જોવામાં, પોતાનું સારું-ખરાબ જોવાનું જ ભૂલી જાય છે!
                         ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે અમુક વ્યક્તિ બહુ કપટી છે, દાવ ખેલનારી છે એનાથી સાવધ રહેજો. દરેક શેરી મહોલ્લામાં આવી એકાદ વ્યક્તિ તો કદાચ મળી આવે જે બધાને ઊંચા-નીચા કરી શકે. આવી વ્યક્તિ પર ભૂખરા (કબૂતર જેવા) રંગની અસર સવિશેષ હોય છે. આપણે વ્યક્તિના ભાવોને રંગો દ્વારા કે રંગોના આધારે વ્યક્તિના સ્વભાવ વિશે થોડું અનુમાન કરી શકીએ છીએ. ક્યારેક સારા માણસો ખરાબ વ્યવહાર કરે કે ખરાબ માણસ સારું વર્તન કરતાં જણાય ત્યારે આપણને આશ્ચર્ય થતું હોય છે પરંતુ એ વ્યક્તિના આભામંડળમાં થતાં ફેરફારોને આભારી હોય છે.
                                 કોઈ વ્યક્તિ વધુ ધાર્મિક હોવા પાછળ તેનામાં પીળા રંગનું વર્ચસ્વ વધુ હોય છે. કોઈ વ્યક્તિ બહુ ચંચળ હોય અને અચાનક તે સ્થિર અને ગંભીર બની જતી હોય તો તેજસ(અગ્નિ જેવા) રંગને કારણે હોય છે. તે જ રીતે જેમને સંસારની ક્રિયાઓમાં ખાસ દિલચશ્પી ન હોય તો તેઓ પર સફેદ રંગની છાયા વધુ રહેતી હોય છે. સફેદ રંગથી ક્રોધ શાંત થાય છે, રોજિંદી ભાગદોડમાં, કપટમાં, અને લોભવૃત્તિ પર નિયંત્રણ આવે છે.
                રંગોનું પણ વિજ્ઞાન છે અને તેના પર આધારિત ચિકિત્સાના પ્રગો(કલર થેરપી) થયા છે. રંગોના મિશ્રણથી કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે વિશેના પણ અભ્યાસો થયા છે. એક વ્યક્તિએ પોતાના નવા મકાનને રંગ કરાવ્યો. રંગો વિશે તેને ઝાઝી જાણકારી હતી નહીં એટલે એ વિશે સ્વાભાવિક જ એને કશું વિચાર્યું નહોતું. રહેવા અને સુવાના રૂમમાં (લિવિંગ અને બેડરૂમમાં) તેણે ગાઢ લાલ રંગ લગાડાવી દીધો. પરિમાણ એ આવ્યું કે તેના ઘરમાં સતત સંઘર્ષ-ઝઘડા-બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. લાલ રંગ ઊર્જા અને આક્રમક્તાનો પ્રભાવ પાથરી ગયો હતો!
                                માત્ર દીવાલ પરના રંગો જ નહીં, કપડાના રંગો પણ વ્યક્તિ પર પ્રભાવ પાથરે છે. લાલ રંગના વસ્ત્રો વ્યક્તિને ઝડપથી ઉગ્ર બનાવી દેશે. ગાઢ  ભૂરાશવાળા કપડાં પહેરવાથી કદાચ તમે ઈર્ષાળુ બની જાવ તેવું બને. જેઓ મંદ બુદ્ધિવાળા છે તેઓ જો પીળા રંગનું દર્શન કરતાં રહે તો તેનામાં યાદશક્તિ વધી શકે છે! રંગોના ફેરબદલ  દ્વારા વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં ફેરફાર લાવી શકે છે. હા, રંગો હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસર ઉપજાવે છે.
                                 રંગો વિશે થયેલા વિવિધ સંશોધનો એ દર્શાવે છે કે રંગોનો પ્રભાવ માનવ મસ્તિષ્ક પર પડે તો છે જ, પણ એ કેટલે અંશે અને કેટલા સમય સુધી એ વાતની પુષ્ટિ મળતી નથી. છતાં આપણો સૌએ એ અનુભવ્યું હશે કે અમુક પ્રકારના રંગોથી આપણે પ્રસન્ન થઈ જઇ છીએ, અમુક રંગોવાળા વાતાવરણમાં જવાથી આપણને ઉન્માદ કે શાંતિનો અનુભવ થાય છે. તો પછી શાળાના વર્ગખંડો અને સ્ટાફરૂમમાં રંગોની યોગ્ય પસંદગી કરીને અશિસ્ત કે મનની સંકુચિતતાને કેમ દૂર ન કરી શકાય? ખોટી પ્રવુત્તિઓના ખર્ચા ઘટાડીને શાળાઓ નિયમિત રીતે રંગરોગાન કરીને પોતાની શિક્ષણની ગુણવત્તા ન સુધારી શકે? શાળા-કોલેજો વિચારી તો જુઓ.
               બાળકો મોટેભાગે ભપકાદાર રંગો તરફ આકર્ષાય છે. કિશોરોને પણ ભપકાદાર કે રેડિયમ રંગો વધુ પસંદ પડે છે, જ્યારે વડીલો ઝાખાં રંગના વસ્ત્રો વધુ પસંદ કરે છે. જે લોકો શિક્ષિત અને શ્રીમંત હોય છે તેઓની પણ અમુક ચોક્કસ ડિઝાઇન કે રંગોની પસંદગી હોય છે. આ બધી બાબતો જાણ્યે-અજાણ્યે  એ વાતને સ્વીકારવા મજબૂર કરે છે કે રંગોનો પ્રભાવ આપણાં પર હોય છે જ. હા, દરેક બાબતમાં થોડા અપવાદો તો રહેવાના, તેથી અહીં રજૂ કરેલ બાબતો બધાને એકસરખી રીતે લાગુ ન પણ પડે.
                તહેવારો સાથે રંગોનો સંબંધ પણ ખાસ રીતે જ જોડાયેલો હશે. કોઈપણ તહેવાર રંગો વિનાનો હોઇ શકે ખરો? કલ્પના માત્રથી જ કદાચ eઆપણને ફિક્કાસનો અનુભવ થવા માંડે. હોળી આનંદનો દિવસ છે, અનિષ્ટ પર ઇષ્ટના વિજયનું પર્વ છે. શિક્ષણનું મૂળ કામ પણ તો આ જ છે ને? સંસ્થાઓના સૌ સભ્યો વચ્ચેનું વૈમનસ્ય ઘટે એ માટે શાળા-કોલેજોને રંગોથી સુશોભિત કરીએ. આવો, રંગોની સાથે એને જોડીએ. બીજાને રંગોના સુંદર આભામંડળથી સજાવીએ. સન્માન સાથે બીજાની ખુશીમાં વધારો કરીને પોતે પણ પ્રફુલિત બનીએ. શિક્ષણની ગુણવત્તા સુધારવા ધૂળેટીને આમ મનાવીએ... 


-ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ તા 17/3/14)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...