Sunday, 9 August 2020

પપ્પા, આ સ્કૂલ ક્યારે ખુલશે?!

 

વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની...સાંભળતા એ પિતાને ઘરમાં બેઠેલા તેના દીકરાએ પૂછ્યું કે, પપ્પા સ્કૂલ ક્યારે ખુલશે?’ અચાનક આવી પડેલા સવાલથી પિતા અચંબિત થયા અને વિમાસણમાં પડી ગયા કે મારું બચપણ માગું છું કે મારા દીકરાનું? છેલ્લા લગભગ પાંચ મહિનાથી કેદમાં પૂરાઈ રહેલા પિતા પણ દીકરાના સવાલથી વ્યથિત થયા હતા. એટલા માટે નહીં કે તેના દીકરાનો અભ્યાસ બગડી ગયો છે પણ એટલા માટે કે તેના મિત્રો, શિક્ષકો, શાળાનું મકાન અને શાળાના મેદાનનું સાહચર્ય તે ગુમાવી રહ્યો હતો. પિતાનું મન વધુ વિચારે ચઢી ગયું હતું.

 શરીરમાં કોઈ વસ્તુની ઉણપ અચાનક આવતી નથી. એ ધીમે ધીમે મહિનાઓ અને વર્ષો પછી દેખા દે છે. તે જ રીતે છૂટી છવાઈ રજાઓ કે એકાદ મહિનાના વેકેશનનો વાંધો નહોતો પણ સળંગ પાંચ મહિનાથી શૈશવ-કિશોરાવસ્થા અને તારુણ્ય પોતાના મૂળ વિકાસમાંથી કશુંક ગુમાવી રહ્યું હતું. મારા એકલાનો જ નહીં, અનેક માબાપોની આ વિમાસણ હશે. પ્રાકૃતિક જનજીવન બંધિયાર બન્યુ છે તેની વેદના ઘરોમાં પુરાયેલા આવા બાળકોના મનમાં સતત ઘૂમરાતી હશે. પણ એને ઠાલવે ક્યાં?


 મનમાં ઉછાળતા એ તરંગો તો બારણાની લક્ષ્મણરેખા લાંઘી નથી શકતા એટલે નાનું ઘર હોય તો આગળ-પાછળની એકાદું લોબી કે પરસાળમાં અને શક્ય હોય તો અગાસીની થોડી ચોરસ ફુટ જગ્યામાં જઈને આકાશની ભૂરાશને ક્યાંક કોઈક ભરીને તાજગીનો અનુભવ કરતું હશે. પણ રમતના મેદાન પરની એ દોડાદોડી અને રીસેસમાં નાસ્તો કરતા કરતા એકબીજાની પટ્ટી પાડવાનું બહુ ખોવાયેલુ ખોવાયેલુ લાગતું હશે. અનુભવાય તો એવું પણ છે કે શાળા છુટવાના બેલનો ટંકારવ તો તેમને ઊંઘમાં પણ સંભળાતો હશે!

હું જાણું છું કે આ લોકોને ઓનલાઇન ભણવામાં વાંધો નથી. એ તો હવે ફાવી ગયું છે. એમાં તો પહેલા કરતાં વધારે સ્વતંત્રતા છે! માત્ર શિક્ષકોના અવાજને આટલું ધ્યાનથી પહેલા ક્યારેય નહોતા સાંભળતા તે હવે તેઓને વ્હાલું લાગે છે. પહેલા તો ચાલુ ક્લાસમાં ઊંઘાતું નહીં, પણ અહીં તો એમ થઈ શકે છે! તોયે આજુબાજુના દોસ્તારો બહુ યાદ આવે છે. નાસ્તાના ડબ્બાની હેરફેર બંધ થઈ ગઈ છે તેનો વાંધો નથી, પણ કોઈનો સરસ મજાનો નાસ્તો હોય તો તેને ઝડપથી પૂરો કરી દેવાની મઝા વિલાઈ ગઈ તેનો વસવસો છે. એટલે જ વારંવાર એમના ગળા સુધી આવતું હશે કે શાળા ક્યારે ખુલશે?

ક્યારેક આ બાળકોને થતું જ હશે છે કે, આવ્યો આવ્યો ને કોરોના અમારા બાળપણ અને તારુણ્ય કાળમાં જ આવ્યો? જુનથી શાળા શરૂ થવાની હોય ત્યારનો તેઓનો થનગનાટ ભલે ઓસરી ગયો, લાઈનબંધ ગોઠવાઈ જવાનુંયે છૂટી ગયું. પણ પટાવાળો બેલ પકડે એટલે દૂરથી જ ગબડ્ડી મારવાની ચિંતા-મિશ્રિત પળો ગાયબ થઈ ગઈ છે. પ્રાર્થના બંધ થઈ ગઈ છે એ ખરું પણ એને લીધે સમય સચવાઈ જતો હતો એ બધું પાછું ક્યારે મળશે? રોજેરોજ કંઈ નવું સાંભળવાનું તો ઝૂંટવાઇ ગયુ પણ શાળાનું મકાન આ બાળકો વિના ઝૂરતું હશે તે જોવા તો કોઈક લઈ જાવ?!

દરેક તાસ પછી સંભળાતો ટકોરો આમ અચાનક સાથ છોડી દેશે એવી તો કલ્પના જ નહોતી. પણ દરેક તાસે શિક્ષકો બદલાતા એનો જે રોમાંચ હતો તેની ખોટ સાલે છે. ભલે તેઓ બધા જ હેન્ડસમ કે બ્યુટીફુલ નહોતા પણ તેમના કપડાની સ્ટાઇલ કે રંગો પણ એમના નસીબમાંથી જાણે ગાયબ થઇ ગયા છે. નોટ કમ્પ્લીટ રાખવાની કે ઘરકામ ચકાસણીમાંથી મુક્તિનો આનંદ થયો છે, પણ સ્ક્રીનનું હોમવર્ક જરાય આકર્ષક નથી લાગતું તે તેઓ કોને અને કેમ સમજાવે?

મમ્મીનો આ તમારી ચા મૂકી છે નો સાદ પણ પિતાજી સાંભળી નહોતા શક્યા. એ પોતાના અને અન્યોના સંતાનોની મન:સ્થિતિ અને થંભી ગયેલા બાળપણની વ્યથામાં ગરક થઈ ગયા હતા. ફરી દીકરાએ પિતાને ઢંઢોળ્યા, પપ્પા, આ તમારી ચાની ચૂસકી લેતા રહો! અવાજ સાંભળીને તેમણે ચાનો કપ હાથમાં લીધો. બસ હવે થોડા દિવસમાં ફરી સ્કૂલ શરૂ થઈ જશે એવા કામચલાઉ ઉત્તર આપવાનું હજી તેમને યોગ્ય લાગ્યું નહોતું. એ તો બસ બાળકોની કેદ થયેલી દુનિયાની ચિંતામાં ફરી ખોવાયા હતા.

નિવૃત્ત લોકો તો ટેવાઇ ગયા હોય છે ઘરમાં રહેવા માટે, ખરું? અને એમને ક્યાં ઉછળકૂદ કરવાનું ગમે? પણ આ તો કલાકેય જંપીને ના બેસે. અરે, શિક્ષક જરા પાછળ ફરે એટલે ઉભા થઈને આગળ પાછળ જઈ આવે! બ્લેકબોર્ડ પરથી નોટમાં ઉતારવાનું સદંતર છૂટી ગયું તેનો તેઓને વાંધો નથી, પણ બ્લેકબોર્ડ પર તોફાનીઓના નામ જોવાનો લ્હાવો લૂંટાઈ ગયો એનો અજંપો છે! શાળાના અનેક પગથિયાં ચડવાનું મટયું છે, પણ પગથિયે પગથિયે જોડાયેલો સ્પર્શ તેમને બહુ યાદ આવતો હશે.

ઘરના ટેબલ પર બેઠા બેઠા પણ ભણી શકાય છે એ ખરું. વચ્ચે વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો ધ્યાન ભટકી જાય એ પણ સમજી શકાય તેવું છે. પણ વર્ગખંડ કે સભાખંડના બોરિંગ લેક્ચર વચ્ચે જ ઝપ્પી મારી લેવાની તક ફરી ક્યારે મળશે? કોઈ દિવસ ઓનલાઈન તાસ બંધ રહે તો બહુ સારું લાગે છે પણ પ્રોક્સી તાસ છીનવાઈ ગયા તેનું બહુ લાગી આવ્યુ છે! ઘરમાં તો ગમે ત્યારે તેઓ ઊઠે તો વાંધો નથી આવતો. અરે ન્હાયા વિના જ કમ્પ્યૂટર કે મોબાઇલ સામે ભણે તોયે ક્યાં કોઈને ખબર પડે જ છે?! પણ યુનિફોર્મમાં કોઈ દિવસ અધૂરપ કે કચાશ રહી ગઈ હોય ત્યારે વાલીને બોલાવવાની તાકીદ કે ધમકી સાવ જ નેપથ્યમાં ધકેલાઈ ગઈ તેનો બહુ રંજ લાગતો હશે.

પિતા ઊંડા વિચારમાં હજી ગરક જ હતા. એ મનોમન વિચારતાં હતા કે ચેટિંગની દુનિયામાં આ બાળકો માહેર બન્યા છે. શબ્દોથી પોતાના પ્રેમ અને તડપને મનાવી રહ્યા હશે, પણ પોતાને ગમતી કે ગમતાને રૂબરૂ ન મળી શકવાનું દુઃખ કોને કહેશે? તારુણ્યમાં થતા એમના હૈયાની ઊર્મિ અને ઊર્જાને ઊર્ધ્વગામી બનાવનારું મેદાન કે સ્ટેજ જ તેમનાથી જોજનો દૂર ચાલી ગયું છે. એટલે જ હૈયે ડૂમો ભરાતાં ભરાતાં બોલાઈ જવાતું હશે કે, પપ્પા, આ સ્કૂલ ક્યારે ખુલશે?’

કમ્પ્યુટરની દુનિયા અદભુત છે. આખે આખી લાયબ્રેરી, પ્રયોગશાળા, ચિત્રખંડ અને સંગીત-કલાનો એમાં ભંડાર સમાયેલો છે. એક ક્લિક કરો એટલે બધું હાજર! હા, ઠીક છે. પણ અહીં તો બેંચ પરના ચીતરડાનો વૈભવ જ ડૂબી ગયો છે. પ્રયોગોના વિડીયો હાથવગા છે, પણ શાળાની લેબોરેટરી કે કમ્પ્યુટર લેબમાં જવા માટે લાઇનમાં ઊભા રહેવાનું હજીયે ભુલાતું નથી. બેસૂરા વાજિંત્રો કે ગાયન વખતની મસ્તી તો બહુત યાદ આતી હોગી શાયદ! સ્ક્રીન પર દેખાતો નકશો ખૂબ આકર્ષક લાગે છે, પણ વર્ગની દિવાલ પર લટકતો ફાટેલો નકશો હૃદયમાંથી ભૂંસાતો જ નથી તેનું શું?

પિતાજી ચાનો અધુરો કપ હાથમાં પકડીને સુન્ન થઇ ગયા હતા. એટલામાં ફરી તેમના દીકરાનો અવાજ સંભળાયો હતો: પપ્પા, ફરી સંભળાવોને વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની..

ડૉ. વિજય મનુ પટેલ 

Tuesday, 21 July 2020

ઓનલાઈન શિક્ષણ: દ્વિધા અને સત્ય!

કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લેતો. માણસ પણ જાણે અદ્રશ્ય શત્રુ સામે બાથ ભીડવા માંગતો હોય તેમ સામો થઇ રહ્યો છે. દુનિયાના બધા દેશોના નાગરિકોને હવે પુરાઇ રહેવું ગમતું નથી પણ તેઓની જેવી ચહલ-પહલ વધે એટલે વાયરસ ફરી મરણિયો થઇને માનવજાતને પછાડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે શું કરવું તેની સૂઝ પડતી નથી. આ એકલ-દોકલ વ્યક્તિની વાત નથી પણ આખી દુનિયા આવી દ્વિધામાં જીવી રહી છે. અને જ્યાં સુધી કોરોનાની રસી શોધાશે નહીં ત્યાં સુધી તો આમ જ જીવશે.

આ સ્થિતિમાં શિક્ષણ વ્યવસ્થા સાવ ખોરંભે પડી ગયા જેવી સ્થિતિ છે. સરકાર અને સંચાલકો જરાક ઉતાવળા થાય એટલે કોરોના માથું ઊંચકીને તેમને બેસો છાનામાના નો આદેશ કરી દે છે! આવી સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણના આકાશી અવતારમાં આશાનું કિરણ દેખાઇ રહ્યું છે. એ જેવું હોય તેવું હમણાં અન્ય સારો કોઈ વિકલ્પ નથી એટલે એના વિશેની ચર્ચા આજકાલ સાંભળવા મળી રહી છે. થોડા સમય પહેલાં સુરતની ઇજનેરી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જૂથે ગોઠવેલી આવી જ એક ચર્ચાના વિચારો અને રસપ્રદ તારણોને અહીં રજૂ કરીએ.

દાર્શનિક કે તત્વચિંતકોની એક ખાસિયત એ હોય છે કે તેઓ આ જગતમાંથી વિદાય લઈ લે પછી પણ તેમના વિચારોની ચર્ચા પેઢીઓ સુધી થતી રહે છે. એવા બે વિચારકોનો અહીં ઉલ્લેખ કરું. પ્રથમ છે ફાધર વાલેસ. તેમનો એક વિચાર હતો કે ‘’કમ્પ્યુટર યંત્રોની નવી સંસ્કૃતિ છે, ને એ વિશ્વ સંસ્કૃતિ થવાની જ છે.’’ સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે सर्वस्य लोचनम शास्त्रम. મતલબ જ્ઞાન દરેકની આંખ છે. બીજા એક વિચારકનો પણ ઉલ્લેખ કરું તો એ છે એલ્વિન ટોફલર.  એનો એક વિચાર હતો કે ‘’દરેક સંસ્કૃતિને પોતાનું આગવું સામાજિક બંધારણ કે નીતિ નિયમો હોય છે, જેમાં રહીને વ્યક્તિ અરસપરસ વ્યવહારો કરે છે.’’

આ બંને ચિંતકોના વિચારોને જોડીએ તો કમ્પ્યુટર એક નવી સંસ્કૃતિ છે અને તેણે પોતાનું અલગ સામાજિક બંધારણ રચ્યું છે. આજે આપણે બધા જ તેનો હિસ્સો છીએ અને પરસ્પર વ્યવહારો રહ્યા છીએ. આપણને સૌને ખબર જ છે કે પરિવર્તનો પર આપણો સંપૂર્ણ કાબુ નથી, એની સાથે આપણામાં એક કાચબા વૃત્તિ (Turtle instinct) પણ રહેલી હોય છે. જ્યારે કશુંક બદલાય છે ત્યારે આપણા વિચારોને ઘડીભર તે સંકુચિત કરી દે અથવા અટકાવી દે છે. જીવ તરીકે મનુષ્ય કાચબા કરતાં ચડિયાતો છે એટલે એ સમસ્યાનું સમાધાન શોધવા નવા વિકલ્પો તરફ દ્રષ્ટિપાત કરે છે. આવા સમયે શરૂઆતમાં જે ગડમથલ અનુભવાય છે તેમાં સાંપ્રત સમયની ઓનલાઇન શિક્ષણ વિશેની દ્વિધા પણ સમાવિષ્ટ છે.

 ઓનલાઇન શિક્ષણ સામે વિરોધ કે વાંધો શા માટે છે? આના કારણોમાં સૌથી પહેલું અને મહત્ત્વનું છે આંતરમાળખાનો અભાવ. ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગના 2017-18 ના સર્વે મુજબ, ભારતમાં  16 ટકા ઘરોમાં રોજના એક થી આઠ કલાક અને ૩૩ ટકા ઘરોમાં રોજના ૯ થી ૧૨ કલાક જ વીજળીની પ્રાપ્યતા છે. મતલબ લગભગ 50 ટકા ઘરોમાં દિવસના 50  ટકા સમય જ વીજળી ઉપલબ્ધ છે. આપણે માની લઈએ કે એ પણ રાત્રીના સમયે જ વધુ મળતી હશે, તેથી દિવસ દરમ્યાન બાળકોના ઓનલાઇન શિક્ષણની વાત અશક્ય જેવી જણાય છે.

બીજું કે, ભારતની ૬૬ ટકા વસ્તી ગામડામાં છે જ્યાં ઇન્ટરનેટ માત્ર 15 ટકા પાસે જ છે. 37% ઘરો તો એક રૂમવાળા છે. સમગ્ર ભારતમાં ૧૧ ટકા ઘરોમાં કમ્પ્યુટર અને ૨૯ ટકા પાસે સ્માર્ટફોન છે. આવી સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો વિચાર જ કંપાવી મૂકે તેમ છે. આ તો થયા આંતરમાળખાના કારણો. જ્યાં બે કે વધુ બાળકો હોય, સંયુક્ત પરિવાર હોય, સીમિત આવક હોય, નબળી ગ્રહણશક્તિવાળા બાળકો હોય અને સંતાનના આરોગ્યથી ભયભીત હોય ત્યાં આવી વ્યવસ્થા સામાજિક રીતે બિનઅસરકારક બને છે.

ઉપરાંત, શિક્ષકોની અપૂરતી સંખ્યા અને ડિજિટલ એજ્યુકેશન માટેની તાલીમના અભાવે પરિસ્થિતિ સહેવાય તેવી નથી જ. ભારતના શિક્ષણ ખાતાની 2016ની માહિતી મુજબ સરકારી શાળાઓમાં પ્રાથમિક કક્ષાએ 17.51 % અને માધ્યમિક કક્ષાએ 14.78 % જગ્યાઓ ખાલી છે! એક જ શિક્ષક હોય તેવી દેશમાં અંદાજે એક લાખ શાળાઓ છે! આ અધૂરપ ઓનલાઈન શિક્ષણમાં કેવી રીતે પૂરી શકાશે?

અને હા, આવી પડેલી આફત આકસ્મિક છે જેમાં શિક્ષકો પણ હેતબાઈ ગયા છે. વર્ગખંડ સિવાય ઓનલાઈન ભણાવી શકાય ખરું પણ તેને માટે દેશના મોટાભાગના શિક્ષકો પાસે યોગ્ય તાલીમ નથી. વર્ગખંડમાં ભણાવવાનું કામ અને સ્ક્રીન પર ભણાવવાનું કામ સરખું નથી જ. જરૂરી સાધનોનો અભાવ, કમ્પ્યુટર કૌશલ્યનો અભાવ અને નવીન અભિગમની અધૂરપ શિક્ષકોને પણ ઓનલાઈન માટે બિનસરકારક બનાવે છે. વળી, જુદી જુદી વય જુથના બાળકોની નાનકડા સ્ક્રીન પર એકાગ્ર થવાની ક્ષમતા વિશે વિચારીએ તો મનોવૈજ્ઞાનિક રીતે પણ ઓનલાઇન શિક્ષણ મર્યાદિત અવધિ માટે જ  અનુકૂળ જણાય છે.

આ બધું છતાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ હવે ધીમે ધીમે એ તરફ વળી રહ્યા છે. શા માટે? આ નવું ડિજિટલ શિક્ષણ વિદ્યાર્થીઓને અને નવી પેઢીના શિક્ષકોને ખૂબ આકર્ષી રહ્યું છે. આવા લોકો તરફથી સમાચારપત્રો કે સોશિયલ મીડિયામાં મોટા પાયે વિરોધ થયાનું જાણ્યું નથી. બીજું કે, જે લોકો પહેલા તીવ્ર વિરોધ કરતા હતા એવા વાલીઓ પણ લાંબો સમય પોતાના સંતાનોને ઘરમાં સાચવી રાખવામાં થાકી ગયા છે! સ્પર્ધાત્મક યુગમાં તેઓ પણ હવે વિચારવા માંડ્યા છે કે આ રીતે પણ જો થોડું ઘણું ભણાતું હોય તો એમાં વાંધો શું કામ હોવો જોઈએ? અને કોરોના મહામારીથી આખી દુનિયાના ઘણા વિકાસશીલ દેશોએ શિક્ષણના વર્તમાન વિકલ્પ તરીકે ઓનલાઈન વ્યવસ્થા પર ભરોસો મૂક્યો હોય તો આપણે પણ શા માટે પાછળ રહેવું જોઈએ.

વર્તમાન પરિસ્થિતિમાં જે મુશ્કેલી છે તે જ સંસાધનોની અછત અને તાલીમના અભાવની છે. આ બંને એક-બે વર્ષમાં દૂર થશે જ. કોરોના મહામારી ચાલી જવાની છે. પણ શિક્ષણમાં ઓનલાઇનનો નવો અવતાર જરૂર રહેવાનો છે સમજજો. તેથી ભવિષ્યમાં શાળાઓની વ્યવસ્થામાં પણ બદલાવ આવે તો નવાઈ નહીં પામતા. શક્ય છે આવનારા થોડા વર્ષોમાં માધ્યમિક થી ઉપરનું બધુ જ સૈદ્ધાંતિક શિક્ષણ ઓનલાઈન થઈ જશે, શાળા-કોલેજો માત્ર વ્યવહારુ (practical) પ્રવૃત્તિઓ માટે જ રહેશે! આને કારણે સમાજ વ્યવસ્થા પણ બદલાશે જ. ઘરોમાં એક જગા ‘online’ માટે જ હશે! આ સંદર્ભમાં google trendનો જે રિપોર્ટ છે તેના આંકડાનો સંદર્ભ અહીં ટાંકીને વાત પૂરી કરીએ.

મિત્રો, છેલ્લાં થોડા મહિનામાં ગૂગલ પર જે શબ્દોથી સર્ચ થયું છે તેમાં Learn online શબ્દમાં 85 %, Teach online શબ્દમાં 148%, At home Learning શબ્દમાં 79% અને Classes online શબ્દમાં અધધ 300%નો વધારો નોંધાયો છે! આ બતાવે છે કે ભારત સાથે દુનિયાભરમાં નવી રીતે ભણવાનો યુગ શરૂ થયો છે. આપણે જાતને તૈયાર કરીશું?

          E-mail: patel_vijaym@yahoo.com

Friday, 19 June 2020

ઓનલાઇન શિક્ષણ: સરકાર કો ભી કન્ફ્યુઝન!

                કોરોના મહામારીના આગમને દેશ અને દુનિયાના સમગ્ર અર્થતંત્રને લોકડાઉનની સ્થિતિમાં મૂકી દીધું છે ત્યારે ભણનારાઓ આમાંથી મુક્ત કઈ રીતે રહી શકે? દુનિયામાં અંદાજે ૭૦ ટકા વિદ્યાર્થીઓ કેદ થયા છે. એકલા ભારતમાં જ નર્સરીથી લઈને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીની શાળાના લગભગ ૩૨ કરોડ વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં બંધ થઈ ગયા છે. આને કારણે વિદ્યાર્થીઓ પર આધારિત શૈક્ષણિક સંસ્થાઓને માટે સામાજિક અને આર્થિક ખર્ચનો બોજ આવી પડ્યો છે. અનુમાન છે કે આવનારા સમયમાં અધવચ્ચેથી શાળા છોડી જનારાઓ(ડ્રોપ-આઉટ)ની સંખ્યા વધશે, જે બાળમજૂરીની સમસ્યાને પણ વધુ વિકટ બનાવશે.

              આ ઉપરાંત, કેટલાક સામાજિક દુષણોમાં પણ ભારે ઉછાળો આવ્યાનું જણાયુ છે. જેમાં બાળકો પર હિંસા-અત્યાચાર, તણાવ કે તીવ્ર આવેગ અને નાની વયે ગર્ભાધાનનો સમાવેશ થાય છે. બીજી તરફ શિક્ષણવિદો પ્રણાલિકાગત શિક્ષણ પદ્ધતિ ચોક એન્ડ ટોક તરફથી ઓનલાઇન તરફ જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાની વ્યવસ્થાએ ઘણાની માનસિક સ્થિરતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનશૈલી વચ્ચેની લક્ષ્મણરેખા ડામાડોળ થઇ છે!


                સરકાર દ્વારા 2012-13માં સ્થાપિત મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ UDISE (Unified District Information System for Education)ના આંકડા મુજબ શાળા કક્ષાએ ભારતમાં 15 લાખ શાળાઓ, 25 કરોડ વિદ્યાર્થીઓ અને 94 લાખ શિક્ષકો છે અને 5૦,૦૦૦ જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. આવા સંજોગોમાં શિક્ષણને પ્રત્યક્ષ (ભૌતિક) સ્વરૂપમાંથી ઓનલાઇન (ડિજિટલ) સ્વરૂપ તરફ લઈ જવું એ મોટો પડકાર છે. આ માટે સરકાર તરફથી જે પ્રયત્નો થઇ રહ્યા છે તેના તરફ એક દ્રષ્ટિપાત કરીએ.

                UGC અને MHRD જેવા રાષ્ટ્રીય કક્ષાના વિભાગો ઇ-બુક્સ, -જર્નલ્સ કે ઓડિયો-વીડિયો દ્વારા શિક્ષણ માટેની તૈયારીમાં વ્યસ્ત છે.  સરકાર દ્વારા સ્વયંપ્રભા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં ઉચ્ચકક્ષાની 32 શૈક્ષણિક ચેનલો શરૂ થશે, જે 24 કલાક DTH દ્વારા ઘરબેઠા શિક્ષણનું કામ કરશે. આ ચેનલોને શૈક્ષણિક સાહિત્ય કે સામગ્રી IIT, UGC અને NCERT દ્વારા તૈયાર કરીને પહોંચાશે. દેશમાં ઓછી જાણીતી એવી NLDI (National Digital Library of India)દ્વારા પુસ્તકો અને જર્નલને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ વિચારણા હેઠળ છે. પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ માટે વર્ચ્યુઅલ લેબના પ્લેટફોર્મ્સ પણ ઉભા કરવા વિચારાઈ રહ્યું છે.

                ભારત જેવા દેશમાં ઇન્ટરનેટનો પ્રવેશ હજી 36% વિસ્તારમાં જ થયો છે. અને દર 100 વ્યક્તિઓમાંથી 78 વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે (ચીનમાં આ આંકડો તો 99 જેટલો છે!) કાયમી ધોરણે બ્રોડબેન્ડ કનેકશન ધરાવનારા આપણે ત્યાં હજી 1.3 4ટકા છે અને 46 ટકા ઘરોમાં ટેલિવિઝન જ શિક્ષણનું માધ્યમ છે. આવા સંજોગોમાં દૂરસ્થ શિક્ષણ મોટો પડકાર છે. આ ઉપરાંત સ્થાનિક વીજળીની અસુવિધા, સાધનસામગ્રીનો અભાવ અને વિદ્યાર્થી-શિક્ષકોની નબળી ડિજિટલ સ્કીલ જેવા પરિબળો પણ આમાં મોટા અવરોધક પરિબળો છે..

                લગભગ બે મહિનાના લોકડાઉન બાદ હજી બે મહિના સુધી શાળાઓ શરૂ કરવાના સંજોગો ઉપસ્થિત થાય તેમ જણાતું નથી ત્યારે સરકાર સામે મોટો પડકાર એ છે કે અભ્યાસક્રમ ઘટાડીને પણ કઈ રીતે શિક્ષણ શરૂ કરી શકાય. મોટા અને મધ્યમ કદના શહેરોમાં કેટલીક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ માટેના પ્રયત્નો કરી રહી છે પણ નાના શહેર અને તાલુકા કક્ષાના કેટલાયે માબાપો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નથી. તેથી ત્યાં તો તેઓ શાળા દ્વારા અપાતા સાહિત્ય કે માર્ગદર્શન પર જ આધારિત રહેવાના છે. ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને તુલનામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં વધુ વેઠવાનું આવશે.

                જો કે હાલમાં જેનું ચલણ વધ્યું છે એ ઓનલાઈન શિક્ષણમાં ઘણી મર્યાદાઓ રહી છે. સૌથી પહેલી તો, દૂર રહીને વિદ્યાર્થીઓની ગતિવિધિઓને માપવા (મૂલ્યાંકિત) કરવા માટેની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ જ નથી. મતલબ ઘણું ખરું એક તરફી અને નિશ્ચિત દિશા વિનાનું થઈ રહ્યું છે. બીજી મર્યાદા, એ કે જે વિદ્યાર્થીઓ નિયમિત વર્ગોમાં પણ પોતાને એકાગ્ર કરી શકતા નહોતા તેઓ આ શિક્ષણને પણ ગંભીરતાથી લેશે નહીં. એટલે આવા વિદ્યાર્થીઓ સહિત અન્યોને માટે પણ સ્વયં શિસ્ત, પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શનની ઊંચી માંગ શિક્ષણ જગતમાં રહેવાની.

                થોડા સમય પહેલા MOOC પ્લેટફોર્મ પર ઓનલાઈન ભણનારાઓ વિશે અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ આ પ્લેટફોર્મ પર 2012-2018 દરમિયાન હાર્વર્ડ અને MIT યુનિવર્સિટીના 5.64 મિલિયન વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આશ્ચર્યની વાત એ જણાઈ હતી કે આમાંથી પાંચ ટકા કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ જ પોતાનો કોર્સ પૂર્ણ કરી શક્યા હતા! આનો ગર્ભિત અર્થ એ થાય કે શિક્ષકોના યોગ્ય અને સાતત્યપૂર્ણ નિયમિત માર્ગદર્શન વિના ઓનલાઇન શિક્ષણની દુનિયામાં વિદ્યાર્થીઓ ગોઠું જ ખાય છે.

                દેશના લથડી પડેલા અર્થતંત્રને પાટે ચડાવવા માટે તો `આત્મનિર્ભર ભારત`નો સંકલ્પ સરકારે આપ્યો છે. પણ શિક્ષણમાં આત્મનિર્ભર કેવી રીતે થવાશે એ બાબતે સરકાર પોતે જ દ્વિધામાં છે. કુદરતી આપત્તિ સમયે જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટુકડી ઉપલબ્ધ હોય છે તેમ શિક્ષણમાં પેદા થતી આવી કટોકટી સામે હજી સુધી તો કોઈ બચાવ ટુકડી સરકાર પાસે નથી. હવે નીતિવિષયક અને અમલ યોગ્ય એમ બંને પ્રકારના નિર્ણયો સરકારે લેવા રહ્યા.

                તેની સાથે દેશના શિક્ષકોને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવા પડશે. શિક્ષકોને તૈયાર કરનારી સંસ્થાઓએ સ્વયં પોતાના અભ્યાસક્રમ દ્વારા, ભાવી આકસ્મિક લોકડાઉનની આફત સામે કામ આવે તેવી આવડતો શીખવવી પડશે. પોતાનું ઇમેલ એકાઉન્ટ નહીં ધરાવનારા શિક્ષકોની સંખ્યા પણ આ દેશમાં ખૂબ મોટી છે, તો પછી આવા લોકો વિડીયો બનાવવા, ડિજિટલ સાહિત્ય તૈયાર કરવામાં કે બ્લેકબોર્ડ વિના ભણાવી શકવામાં સફળ થશે ખરા? ભણાવવા કે શીખવા ઉપરાંત મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા (કે સમજ્યા) તેના મૂલ્યાંકનનો પણ છે.

                જોકે આ માટેનો ઉપાય વિદ્યાર્થીઓ દ્વારા રજુ થતા ઓપનબુક એસેસમેન્ટ, ઓનલાઇન પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા વગેરે જેવી પ્રયુક્તિઓનો છે જેનાથી વિદ્યાર્થીઓની નબળાઈ અને ક્ષમતાઓનો અંદાજ મેળવી શકાય છે. દુનિયાના વિકસિત દેશો કરતાં ભારત જેવા ગીચ વસ્તીવાળા વિકાસશીલ દેશની વસ્તીને શિક્ષિત કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે હવે તે સમૂળગી જ બદલાઈ ગઈ છે સમજો. હમણાં તો એ દિશામાં સરકારની ભાવિ યોજનાઓ અને પ્રોત્સાહક નીતિ પર સૌની નજર મંડાયેલી છે. આ લખાય છે ત્યાં સુધી નવા સત્રમાં શું અને કેમ કરવાનું છે તે જણાવ્યું નથી. એટલે ત્યાં સુધી સંચાલકો, આચાર્યો, શિક્ષકો, કોચિંગ ક્લાસીસ વગેરે પોતાની રીતે તૈયારી કરવામાં પડ્યા જ છે તો તેમને પણ ચાલવા દઈએ. ખરું ને?

ડૉ. વિજય મનુ પટેલ 


Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...