Monday, 19 December 2016

UAEની વિદેશ યાત્રાનું ચિંતન

UAEની વિદેશ યાત્રાનું ચિંતન



                     ત્રેપન વર્ષ સુધી દિવાળીમાં ઘરે જ રહેવાનું બન્યું હતું. સમજણ આવી પછીયે  દિવાળી કે અન્ય તહેવારમાં ઘરે જ રહેવું એવું લગભગ વણાઈ ગયું હતું. પણ..પણ.. છેલ્લાં પાંચ-સાત વર્ષથી આવી માન્યતા સંદર્ભે થોડી ગુંગણામણ અનુભવાતી હતી. તહેવારોમાં એકમેકને મળવાનો ઉત્સાહ ખરી રહ્યો હતો. લોકો ઈરાદાપૂર્વક તહેવારના મિલનને બોજ માનીને ફરવા ઉપડી જતાં હતાં! શહેર જાણે સાચે જ સ્માર્ટ બની રહ્યાંનું અનુભવાતું હતું.

                        મને દિવાળીમાં  વિદેશ જવાની તક મળી ત્યારે દિવાળીમાં ઘર બંધ થઈ જવાના વિચાર માત્રથી આંખમાં ઝળહળિયાં આવી ગયા હતાં. પણ પછી ફરી લોકોની માનસિકતામાં આવેલા પરીવર્તન સાથે અનુસંધાન સાધ્યું. અમે દિવાળીના દિવસોમાં જ વિદેશ જઈ આવ્યા હતાં.

                        જેના જીવનનું બાળપણ ગામડાંની દુનિયામાં વીત્યું હોય તેવી વ્યક્તિ જીવનના પચાસ વર્ષ પછી ગામડાથી સાવ છેડાના એવા આધુનિક વિદેશી શહેરની મુલાકાતે જાય ત્યારે તેના વિચારોમાં ભારે ઉથલપાથલ થઈ જાય, જેમ રસ્તે ચાલતો માણસ દૂર કોઈ વ્યક્તિને ઠોકર ખાતો જોઈને ઘડીક હેતબાઈ જાય તેમ! વાત કરીએ થોડાં પ્રવાસ અવલોકનની.

આપણને ગૌરવ થાય તેવું અદ્ભુત અને મઝાનું મુંબઈ એરપોર્ટ જોયું ત્યારે ભારતીય હોવાનું ગૌરવ અનુભવાયું. નવાઈની વાત એટલે લાગી હતી કે ગામડાનાં બારીબારણાં, પલંગ, થાંભલાઓ જેવી સાવ તુચ્છ લાગતી વસ્તુઓને આધુનિક ઢબે રજૂ કરીને કમાલ કરી છે. વિદેશી પ્રવાસીઓ ભારતીય સાંસ્કૃતિક વારસામાં ઘેલા થવાનું જરૂર અનુભવશે. (ઘણાં લોકો વિમાનની પ્રતીક્ષામાં આ બધાથી વંચિત રહી જતાં હોય છે)



                        UAE એ નાના નાના, પણ સુવિધાઓથી સમૃદ્ધ દેશોનું સંગઠન છે. જેની સ્થાપના 1971માં થઈ હતી. આ દેશોમાં અજમાન, દુબઈ, ફૂજૈરાહ, રસ અલ ખૈમાહ, સારજાહ, ઉમ્મ-અલ-કુવૈત અને રાજધાની અબુધાબી એમ સાત દેશોનો સમાવેશ થાય છે. આ દરેકમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે.

                        અબુધાબી આ સાતેયમાં સૌથી મોટો સમૃદ્ધ રાજવી (Emirates) દેશ ગણાય છે. અહીંનું લગભગ 70 ટકા ક્ષેત્રફળ રણપ્રદેશ છે, અને 200 જેટલાં ટાપુઓ ધરાવે છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની મુલાકાત લઈ ચૂક્યા છે એવી શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત અહીંનું પ્રવાસી સ્થળ છે. આમ તો ધાર્મિક સ્થળોની મુલાકાત મારે મન ઝાઝું આકર્ષણનું કેન્દ્ર નથી છતાં તેને જોવાની તક મળી. પર્શિયન કારપેટની સાથે મારબલની કોતરણીવાળું અને વિશાળ ઝુમ્મરો સાથેનું બાંધકામ મુલાકાતીઓને ફોટા માટે લલચાવનારું છે.

                        ચાલીસ હજારથી વધુ વ્યક્તિઓ નમાઝ પઢી શકે તેવી વિશાળ અને સ્વચ્છ મસ્જિદ રાજસ્વી ધર્મસ્થાનનું પ્રતીક છે. આમ તો અબુધાબી ચુસ્ત ઇસ્લામી દેશ ગણાય છે છતાં જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીની મુલાકાત પછી થોડાં વર્ષોમાં અહીં એક ભવ્ય મંદિર નિર્માણ પામશે. જો એમ થશે તો અબુધાબીને એક વધુ પ્રવાસી આકર્ષણ મળશે.

                        આ દેશમાં કાબર, હોલો અને બિલાડી દેખાયાં ત્યારે સાડા-ત્રણ હજાર કિ.મી. દૂરનું અંતર સાવ ભૂંસાઈ ગયું હતું, પણ વાહનોની અવરજવર અને શિષ્ટાચાર જોયા ત્યારે એ અંતર સ્પષ્ટ રીતે આંખ સામે આવીને ઊભું રહ્યું હતું! વિશાળ રસ્તાઓ અને ઓછી વસ્તી વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય એ ખરું, પણ તોયે નાની-મોટી વ્યક્તિઓ રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે જેબ્રા ક્રોસીંગથી દશ-પંદર ફૂટ દૂરથી જ અટકી જવાનું દરેક વાહન ચાલાકના લોહીમાં હોય છે. રાહદારીને આદર આપવાનું સૌજન્ય વાહન ચાલકને હોય છે, તેમ મન ફાવે ત્યાંથી રસ્તો ઓળંગી જવાની માનસિકતા અહીંના વસવાટીઓમાં  દેખાતી જ નથી! ભારતીય તરીકે આ શીખવા જેવું છે.


                        રસ્તાઓ પર ભાડે ફરતી ટેકસીઓ માટે કડક આચારસંહિતા છે. કારમાં ફરજિયાત LCD ડિસ્પ્લે પર ડ્રાઈવરનો ફોટો અને તેનો ID no. દેખાતો રહે. અહીં ભારત કરતાં વિપરીત એવી જમણી બાજુ વાહન ચલાવવાની (Right Hand Drive) વ્યવસ્થા અમલમાં છે. નિર્ધારિત ઝડપથી વધુ વાહન ચલાવનારાઓને મોટી રકમની પેનલ્ટી સતત સભાન રાખે છે! ડ્રાઇવરની બાજુમાં બેસનારે પણ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. દરેક રહેવાસી માટે પાર્કિંગની જગ્યા નિશ્ચિત હોય છે. અન્ય સ્થળે પાર્કિંગ કરવા માટે ત્યાં મૂકેલા મશીનમાં સમય મુજબ દિરહામ નાંખવા જ પડે!

                         નવાઈની વાત એ લાગી હતી કે ટ્રાફિકની આ તમામ ગતિવિધિને નિયંત્રિત કરવા રસ્તાઓ પર પોલીસ જ હોતી નથી! દેશમાં 600થી વધુ ત્રીજી આંખ (કેમેરા)ની નજર અને કાયદાના અમલની બીક ભલભલાની બોલતી બંધ કરી દે છે. હે મારા વ્હાલા વાચકો! વધુ ટ્રાફિક પોલીસ હોય તો વધુ સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ વાતને અહીં કોઈ રીતે સમર્થન મળતું નથી!!

                        અબુધાબીનું બીજું આકર્ષણ ફરારી વર્લ્ડ અને યશ વોટર પાર્કસનું છે. ફરારી વર્લ્ડ ભારતીયો અને વિશ્વના બધા પ્રવાસીઓને આકર્ષે છે. દુનિયામાં રેસકાર બનાવતી અને કારરેસનું આયોજન કરતી ખ્યાતિ પ્રાપ્ત પ્રાચીન કંપનીઓમાં ફરારીનું નામ અહીં તાજું થઈ જાય છે. પોતાની લોભામણી કાર દુનિયાના લોકો જુએ (ભલે ખરીદે નહી તોયે) તે માટે વિશાળ જગ્યામાં બીજા અન્ય આકર્ષણો મૂકીને પોતાનું જંગી મૂડીરોકાણ કર્યું છે.

                        જિમનાસ્ટીક, સાઇકલ શૉ, વર્ચ્યુયલ ડ્રાઈવ, દુનિયાનું સૌથી ઝડપી રોલર કોસ્ટર વગેરે જેવા મનોરંજક સાધનોની સાથે ભારતીય પ્રકાશ વર્ષ (દિવાળી ઉત્સવ)ને રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ મૂકીને ભારતીય પ્રવાસીઓને આકર્ષવાની ગણતરી પરથી આપ સમજી શકશો કે ભારતીય ગ્રાહકો આ દેશને મન કેટલા મહત્ત્વના છે! 


                        વોટર પાર્કનું આકર્ષણ ગુજરાતીઓ અને ભારતીયોને મન નવાઈ પમાડે તેવું કદાચ ન લાગે પણ રણપ્રદેશમાં વોટર પાર્ક કે ગાર્ડન હોવા એ આશ્ચર્યજનક બાબત નથી શું? સુરક્ષા બાબતે અહીં ચુસ્ત વ્યવસ્થા છે. થોડે થોડે અંતરે સજ્જ સુરક્ષા ગાર્ડ જોવા મળે.  ભીના પગથી લપસી ન પડાય તે માટે ખરબચડી સપાટી અને બટન દબાવતાં ગરમ પાણીના ફુવારાની મઝા મળે તે તો અદ્ભુત વળી!

                        અમીરાતના આ દેશો ગેસ અને તેલના વિપુલ ભંડારોને લીધે આર્થિક રીતે ધનાઢ્ય છે. આંતરમાળખાના બે ઘટકો વીજળી અને રસ્તામાં કોઈ કસર નથી. પરંતુ ધર્મની રૂઢિચુસ્તતાએ માણસ તરીકેની વૈચારિક ઊંચાઈને ઠીંગણી રાખી છે. વિદેશી બુદ્ધિ અને કૌશલ્ય પાછળ પુષ્કળ દિરહામ (અહીંનું ચલણ) ખર્ચીને આ દેશના રાજાઓએ પોતાના દેશ તરફ વિશ્વનું આકર્ષણ પેદા કર્યું છે.
                       આબોહવાની રીતે અમીરાતના દેશો અતિશય ગરમીવાળા (50સે.થી વધુ!) છે. વરસાદનું નામોનિશાન નહીં મળે, કેમ કે જંગલો કે વૃક્ષોના અભાવથી અહીંની જમીન ધગધગે છે. આવા સંજોગોમાં માનવને અનુકૂળ વાતાવરણને સર્જવા સતત અને સમગ્ર સ્થળે એ.સી. અનિવાર્ય થઈ પડે છે. ઘર, મોલ, હોસ્પિટલ, કાર, સિટી બસ  એમ બધું જ ઠંડા ઠંડા કૂલ જેવુ હોય છે. શરદી-કફપ્રકૃતિવાળા પ્રવાસી માટે સતત આવી સ્થિતિમાં રહેવું કષ્ટદાયક રહે છે. તેમ છતાં અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ઠંડી વ્યવસ્થા જ સ્વીકારવી પડે છે. ઠંડી કો મારો ગોલી!!
                        અબુધાબીમાં કોઈ ભિખારી દેખાતો નથી. રસ્તા ઉપર પાઉંવડા કે ચા ની લારી નહીં મળે! છૂટક દુકાનો પણ ભાગ્યે જ હોય. જે કઈં છે તે હાઇપર માર્કેટ કે મોલ્સમાં સમાયેલું છે. અબુધાબી મોલ અને મારીના મોલ અહીંના સૌથી મોટા મોલ છે. વિશાળ જગ્યામાં પથરાયેલાં આવા ખરીદ-વેચાણ કેન્દ્રો સંપૂર્ણતઃ એ.સી. અને લાઇટની ઝાકમઝોળવાળા છે. સ્થાનિક વસ્તી ચોથા ભાગની છે, એટલે મોટાભાગના ગ્રાહકો પણ વિદેશીઓ જ હોવાના.
                        વિદેશી નાગરિકોને પોતાની આવડત અનુસાર અઢળક કમાણી કરવાની છૂટ છે, પરંતુ તેઓ પોતાના આયુષ્કાળ દરમ્યાન અહીંનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યાં સુધી દેશમાં હોય ત્યાં સુધી દુકાન, ફ્લેટ ભાડે રાખી શકે છે. દેશ છોડો એટલે બધું અહીંની સરકારની માલિકીનું થઈ જાય! બિન ઇસ્લામી નાગરિકનું મૃત્યુ થાય તો તેના શરીરને તેના વતન દેશમાં મોકલી દેવાય છે (મરેલા માણસોને માટે જગ્યા પણ નહીં મળે!!) કમાઈને માત્ર પોતાના વતનને અને પોતાની જીવનશૈલીને વધુ સારી બનાવી શકે એ જ આ દેશમાં રહેવાનો મોટો લાભ છે.

                        UAEના સમૂહ દેશોમાં સૌથી વધુ વિકસિત દેશ દુબઈ છે. આ વિકાસ પાછળ ઉદાર નીતિ છે. દુબઈને સાધન સંપન્ન બનાવવામાં રાજાએ જેટલી ઉદારતા દાખવી હશે તેના કરતાં વધુ વિદેશી પ્રવાસીઓને રહેવા-ફરવા, કપડાં પહેરવામાં અને તહેવારોની ઉજવણીમાં છૂટછાટ આપીને દાખવી છે. એમ કરવું ફરજિયાત હતું, નહિતર ઊંચા ઊંચા બિલ્ડીંગો અને ઝાકમઝોળ મોલ્સને જોવા કોણ આવે?! માણસને સમૃદ્ધિ ગમે છે તેની સાથે તેને ઘણાંબધા લોકોને બતાવવાનું પણ ગમતું હોય છે. આ દુનિયાના કોઈપણ માનવીને લાગુ પડતી માનસિકતા છે.       
                        દુબઈનું આર્થિક મહત્ત્વ દર્શાવતાં આંકડાઓમાં હમણાં પડવું નથી. અહીં જે ખાસ આકર્ષણ છે તે બે વસ્તુઓનું છે: વિશાળ બાંધકામો અને મનોરંજનના સ્થળો. ઓફિસો હોય કે મોલ્સ, સિવિલ એન્જીનિયરીંગ, મિકેનિકલ એન્જીનિયરીંગ, ઇંટિરિયર ડિઝાઇન, હોટેલ મેનેજમેંટ, ઇવેન્ટ મેનેજમેંટ કે અન્ય કામોની ગુણવત્તા સ્પષ્ટ નજરે ચઢે. આ માટે વધુ પૈસા ખર્ચાતા હશે એ ખરું, પણ ગમેતેવું ચલાવી લેવાની માનસિકતા પર ચાંપતી નજર રખાય છે. ડ્રાઈવર હોય કે ઇજનેર, બાથરૂમ સફાઈ કરનાર હોય કે ખાવાનું બનાવનાર રસોઇયો સૌ પોતાની ઉત્તમ કામગીરી માટે વ્યસ્ત રહે છે. કામચોરી કરનારાઓને અહીં ટકવું લગભગ અશક્ય છે!
                        મારી દ્રષ્ટિએ દુબઈના પ્રવાસી આકર્ષણોમાં મોલ્સ કરતાંય વધુ મહત્ત્વના મિરેકલ ગાર્ડન અને ગ્લોબલ વિલેજ છે. મારા રોકાણ દરમ્યાન માત્ર ગ્લોબલ વિલેજ જોવાનો લાભ મળ્યો હતો પણ એ આખી દુનિયા ફરી લીધા બરાબર હતું! અહીં વિશ્વના ત્રીસેક જેટલાં દેશોના પોતાની ખાસિયતો સાથેના ડોમ પથરાયેલાં છે. દરેક દેશના પહેરવેશ, ખાદ્ય પદાર્થો, અને વિવિધતા સાથે તેની સંસ્કૃતિના દર્શન કરવામાં તમે દુબઈમાં છો તે પણ ભૂલી જાવ!

                        દુબઈની ઘણીમોટી કમાણી પ્રવાસીઓ પાસેથી આવે છે, એટલે તેમને માટે અવનવાં થીમ પાર્કનું સર્જન થતું રહે છે. (થોડા સમયમાં બોલીવૂડ પાર્ક શરૂ થશે!) આ દેશો પાસે વસ્તીના પ્રમાણમાં જમીનની કમી નથી. તેથી રસ્તાઓ પણ અતિ વિશાળ છે. પાર્કિંગ કે પાર્કમાં ચાલતાં ચાલતાં થાકી જવાય! ભારતમાં પ્રવાસી આકર્ષણ પેદા કરતી વખતે મોસમ પ્રમાણેનું જોવા-માણવાલાયક દૂરંદેશી આયોજન થાય તેવું ઈચ્છીએ.
                         ભારતીયો અને ગુજરાતીઓને દુબઈ આવવાનું ઘેલું એટલે નથી લાગેલું કે તે નજીક છે, પણ એટલે છે કે અહીં એક ભારત-ગુજરાત વસેલું છે. આ દેશમાંથી ભારતીયો જતાં રહે તો દુબઈની શાન રાતોરાત અડધી થઈ જાય! દિવાળી અને ક્રિસ્ટમસની ભવ્ય ઉજવણી એ વાતની સાક્ષી છે કે અહીંની સરકાર (રાજા) કઇંક અંશે વ્યક્તિ સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપે છે. ભારતીયો દિવાળીના દિવસોમાં પોતાના એપાર્ટમેંટ્સને લાઇટથી શણગારે છે અને મેદાનમાં જઈ આતશબાજીની મઝા માણી શકે છે. નવરાત્રીમાં ગરબાનું આયોજન પણ ખરું! હા, પાર્કિંગ માટેની જગ્યા શોધવા બાબતે દુબઈ કરતાં અબુધાબી વધુ સુગમ દેશ છે. પાર્કિંગ સુવિધા માટે આવનારાં સમયમાં દુબઈના રાજાએ કોઈ નક્કર ઉપાય વિચારવો જ પડશે.
                        આમ છતાં મસ્જિદ ઉપરાંત દરેક મોલ્સમાં નમાઝ પઢવા માટેની એક અલગ જગ્યા હોય જ છે અને નિયમિત સમયે હઝાન પોકારાય છે. વિદેશી પ્રવાસીઓ ટૂંકા કપડાં પહેરીને ભલે હરે-ફરે તેમાં તેઓને વાંધો નથી, પણ સ્થાનિક ઇસ્લામીઓ બુરખામાં (અપ ટૂ ડેટ) જ રહે છે અને નમાઝ પઢવાનું ચુકતા નથી.
                        બદલાતાં સંજોગો સાથે ધર્મની પકડ ઢીલી કર્યા વિના છૂટકો નથી એ વાત આ રાજાઓને વહેલી-મોડી સમજાશે પણ એનેય હજી ઘણાં વર્ષો લાગશે. ભારતના ડિઝાઇનર્સ નેતાઓ (અધૂરાં અને દંભી નેતાઓ) પણ આ વાત જેટલી ઝડપથી સમજશે અને સ્વીકારશે તેટલા ઝડપથી ભારત વિશ્વનું આકર્ષણ બનશે. કોઈ શક?!
                        ગુજરાતી, પંજાબી અને મદ્રાસી વાનગીઓ, મરી મસાલા, શાકભાજી અને ફળો અહીં આસાનીથી  અને ગુણવત્તાયુક્ત મળે છે. પણ આ દેશોની ઘણી અરેબિક વાનગીઓ પસંદ આવી જાય તેવી છે. જેવી કે, ખબુસ (ઘઉંની બનાવટ), હમસ (ચણાના લોટની બનાવટ), લબાન (ઘટ્ટ અને મોળી છાસ), ફલાફલ (હમસમાં વીટ્ળાયેલી બનાવટ) અને પ્રુન્સ (ખજૂર જેવુ ફળ). નવા દેશના, આ નવા સ્વાદ ચખાડવા બદલ સાળાજીના પરિવારનો આભાર માનું. આ ઉપરાંત, આનાથી વધુ વેરાયટી માંસાહારી વાનગીઓમાં પણ ખરી. હા, ઇસ્લામ ધર્મમાં દારૂનો નિષેધ છે છતાં અહીં ખુલ્લા બજારમાં મળે છે ( આને કહેવાય ઉદારીકરણ! ) દારૂ વિશે લોકો ઘણું જાણતાં હોય છે એટલે એ વિશે મારે ઝાઝું કહેવું નથી!!
                       આ દેશોના રસ્તાઓ અને મકાનોને સ્વચ્છ રાખવા આસાન એટલે છે કે અહીં રેતી ઊડે છે, ધૂળ નહીં. મતલબ માટીને સાફ કરવું મુશ્કેલ છે. એમ છતાં અહીં જાહેર સ્વચ્છતા બાબતે કામચોરી નહિવત છે એ વાત સ્વીકારવી પડે. એપાર્ટમેંટ, ઓફિસો, અને દુકાનોમાં નિયમિત રીતે કાચની સફાઈ થતી જ રહે છે. આવી કામગીરીમાં વિદેશી કામદારો જ હોય છે. સ્થાનિક લોકો આવા કામો કરતાં જ નથી. શાકભાજી પણ નહીં વેચે!

                        UAEના લગભગ બધા દેશો પાસે જે સમૃદ્ધિ છે તે બધી ખરીદેલી છે. મતલબ અહીંના બહુધા સ્થાનિક લોકો બુદ્ધિની રીતે કે જ્ઞાન-સમજની રીતે ચઢિયાતાં નથી. સંશોધન વૃત્તિ કે વૈજ્ઞાનિક અભિગમની વાત આકર્ષક નથી. એમ છતાં નાણાકીય સમૃદ્ધિથી આ દેશોએ અમેરિકા, હોંગકોંગ, બ્રિટન જેવા વિકસિત દેશોની ટેક્નોલોજિકલ વ્યવસ્થા અપનાવી છે. મેં જે અગાઉ લેખોમાં વર્ણન કર્યું છે તે બધી સુવિધાઓ પણ વિદેશી બુદ્ધિને આભારી છે! બીજાને અનુકૂળતાઓ આપવા છતાં પોતાની ઇસ્લામી વિચારધારાને ઝાઝી છટકવા દીધી નથી. તેઓ પોતાની અંગત દુનિયા જાહેરમાં દેખાવા દેતા નથી. બધા લોકો પોતપોતાની કામગીરી નચિંતે કરતાં રહે એટલી સુરક્ષા સૌને ખરી, પણ રાજાશાહીમાં સરકાર વિરુદ્ધ બોલવા કે રજૂઆત કરવાનું આસાન નથી જ નથી.
                        ગુજરાતીમાં કહેવાય છે કે જર, જમીન ને જોરુ, કજિયાના છે છોરું’. એવું અહીં હશે તોયે જાહેરમાં દેખાતું નથી. સરમુખત્યારશાહીમાં આમ થવું હકીકત હોય છે. અંદરખાને આવી શક્યતાને  નકારી ન શકાય. જાહેરમાં દારૂ પીધેલા લોકો ન દેખાય, પણ ક્લબોનું અસ્તિત્વ એ વાતની સાક્ષી છે કે મસાજ પાર્લરની સાથે અહીંયે ખાનગીમાં ઘણુંબધુ ચાલતું હશે. પ્રત્યક્ષ રીતે આવી જગ્યા વિશે જાણવા મેં રસ દાખવ્યો નથી પણ દરેક માણસની સ્વાભાવિક વૃત્તિઓમાં ક્યારેક આવી મોજમજાની લાગણીઓ ઉભરાતી હશે. હા, એ તેની મર્યાદામાં જ રહે તે અનિવાર્ય જ ગણાય.
                        અહીંની શાળાઓ વિશે ખાસ જાણી શક્યો નથી. અબુધાબીમાં 50થી વધુ અને દુબઈમાં તો એથીયે વધુ જાહેર અને ખાનગી શાળાઓ છે. આવી શાળાઓ બહુધા શહેરથી દૂર હોય છે. દરેકને પોતાની બસ ખરી, પણ તમામ સ્કૂલ બસો પીળા રંગની જ હોય! આપણી જેમ કેટલાક વાલીઓ જાતે સંતાનને સ્કૂલે લેવા-મૂકવા આવે. વિદ્યાર્થીઓના દફતરો મોટેભાગે પૈંડાવાળા (સ્ક્રોલર બેગ) હોય છે. ઊંચકવાનું નહીં, સરકાવતાં લઈ જવાનું. (ભાર વિનાનું ભણતર?!)
                        થોડી વાત આરોગ્ય વિશે પણ કરું. અહીં જેટલા પણ લોકોને જોયા છે મારા જેવા પાતળા બાંધાના ભાગ્યેજ દેખાતા હતા (તેમાં હું એક ખરો!) મેંદાની વાનગીઓ, પીણાં અને માંસાહારી વાનગીઓ ખાનારાઓ બહુમતીમાં હતા. રોટલી-ભાખરી કે દાળભાતિયા તો સાવ ઓછા. આમ છતાં સમતોલ આહારમાં આવે તેવું બધુ જ અહીંના સ્ટોર્સમાં ઉપલબ્ધ હોય છે. તાજું દૂધ, શાકભાજી, ફળો, માંસ, સૂકો મેવો, વાઇન વગેરે દુનિયાના ખૂણે ખૂણેથી અહીં આયાત થઈને આવે છે અને ચોવીસ કલાક મળી રહે પછી ખાવાના શોખીનોને કોઈ તકલીફ પડે ખરી?! હા, દિરહામ કમાતાં આવડવું જોઈએ!!
                        આ બધા દેશોના એપાર્ટમેન્ટસ બહારથી લગભગ સરખા જેવા લાગતાં હોય છે. ગેલેરી ભાગ્યે જ (અથવા બહુ નાનકડી) જોવા મળે એટલે બહાર કપડાં લટકતાં દેખાય જ નહીં! ગરમી ખૂબ પડે, પણ કપડાં તો ઘરમાં જ સુકવવા પડે, ખરું કહેવાય નહીં?! અબુધાબી અને દુબઈમાંથી જે કઈં જાણ્યું તેને રજૂ કર્યું, હવે થોડી સમીક્ષા સંક્ષિપ્તમાં પણ જણાવું:
           1.       ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે દેશ પાસે વિઝન સાથે પુષ્કળ નાણાંભંડોળ હોવું જરૂરી છે.
           2.       જે દેશના ચલણો મજબૂત (ઊંચા મૂલ્યવાળા ) છે તે દેશના નાગરિકો વધુ પ્રવાસો કરી શકે છે.
           3.       કોઈપણ દેશના ચલણને ખર્ચવાની પસંદગી જે તે નાગરિકની પોતાની હોય છે, પણ તે નક્કી કરે છે જે તે દેશની સરકાર. દેશમાં માત્ર હોસ્પિટલો વધારવાથી નહીં, મોલ્સ કે આનદપ્રમોદના વિસ્તારો (સ્થળો) વધવાથી વિદેશી હુંડિયામણ વધુ કમાઈ શકાય છે!
          4.       વધુ પ્રવાસ કરનારાઓ ધીમા અવાજે બોલતા (વાત કરતાં) જણાયા છે. કેટલાયે મોલ્સમાં ફર્યો, પણ કોઈએ મોટેથી બૂમ પાડયાનું સાંભળ્યુ નહોતું. હા, ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ આમાં અપવાદ ગણાશે!!
           5.       વિદેશી પ્રવાસીઓ ઘણુખરું જે તે સ્થળે ફરવા જતાં પહેલાં તેના વિશે સંશોધન કરીને આવે છે. ભારતીય પ્રવાસીઓ આ બાબતે ઘણાં પાછળ છે.
           6.       પ્રવાસીઓનો પ્રવાહ હંમેશાં વિકસિત અને આધુનિક દેશો તરફનો જ હોય છે. આવા દેશો સભ્યતાની દ્રષ્ટિએ બહુધા ચઢિયાતા હોય છે તેથી વિદેશ પ્રવાસો પછી વ્યક્તિના વ્યવહારમાં હકારાત્મક પરીવર્તન આવવું જોઈએ. પણ આ વિશે મારો અનુભવ બહુ સંતોષકારક નથી. ટૂંકા કપડાં પહેરવાથી ગોરા લોકોનોનો શિષ્ટાચાર આવી જાય તેમ માનવાની ભૂલ કરવા જેવી નથી.
             7.       આ દેશોમાં પરચુરણ (રિયાલ)ની તંગી નથી એટલે છુટ્ટા નથી એમ કહીને કોઈએ ટેક્સીવાળા કે સ્ટોર્સવાળા ચોકલેટ પકડાવતાં નથી!
             8.       શેક્સપિયરે કહ્યું છે કે, ‘Apparel often proclaim the men’ અર્થાત વસ્ત્રો જ માણસનો પ્રથમ પરિચય હોય છે. અહીંના લોકો બાહ્ય દેખાવ બાબતે બહુ સભાન રહે છે. આપણાં ભારતીય દર્શન સાથે આ મૂલ્ય બંધબેસતું ન જણાશે, પણ સ્વચ્છ અને સુઘડ રહેવું સારા માણસ તરીકેનું એક લક્ષણ તો ગણવું જ પડશે. આપ માનો ય ન માનો!
                        કોઈપણ દેશને પાંચ સાત દિવસમાં જોઈ શકાય, સમજી ન શકાય. મોટાભાગના લોકો પ્રવાસમાં માત્ર જોવાનું જ કામ કરે છે. મેં પણ ઘણુખરું જોયું જ છે, તોયે 24 દિવસના રોકાણ અને સાળાજીના ઉત્સાહથી અબુધાબી અને  દુબઈને કૈંક અંશે સમજીને આટલું વિશ્લેષણ કરી શક્યો છું. હા, હજી મને આ શહેરોના રસ્તાઓ અને વિસ્તારોની દિશા વિશે ગૂંચ રહી જ છે એટલી નિખાલસ કબૂલાત. સારજાહ, અલ ઇન જેવા વિસ્તારો જોવાનું, અબુધાબીની બસ મુસાફરી કે દુબઈની મેટ્રો ટ્રેન મુસાફરરી નસીબમાં આવી નહીં કેમ કે આટલું ફરવા-સમજવામાં જ હાંફી જવાયું હતું. પ્રવાસોની મજા માણવા ઉત્સાહની સાથે સાથે મજબૂત શારીરિક ક્ષમતા જોઈએ એનો પ્રત્યક્ષ અનુભવ મોડે મોડે પણ સમજાયો છે. બાય બાય UAE !!



- ડૉ. વિજય મનુ પટેલ

Monday, 19 September 2016

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!


                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  સાહેબ, મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી અપેક્ષાએ તેની બધી જરૂરિયાતો પૂરી કરી છે. જોઈતી બધી વસ્તુઓ અપાવી છે, પણ ભણવામાં હજી કોઈ વળતર નથી મળતું. શાળા-કોલેજો આખા દિવસની કરી દો સર! હું તો વર્તમાન શિક્ષણના પરીવર્તનથી જુદું જ વિચારી રહ્યો હતો, જેમાં શાળા-કોલેજના થોડા કલાક બાદ વિદ્યાર્થીઓએ નાના નાના કામો કે વ્યવસાય કરીને થોડા પૈસા કમાય. પણ વાલીએ સૂચવેલો વિકલ્પ તો હજીયે વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં રોકી રાખવા બાબતે હતો.!

                        મેં તાત્કાલિક તો કોઈ ઉપાય તેમને આપ્યો જ નહોતો અને મારો વિચાર પણ તેમને વહેંચ્યો નહોતો. વાલીની ફરિયાદ સાચી હતી પણ પોતાનું સંતાન સારું ભણે તે માટે તેમણે અજમાવેલા રસ્તાઓ યોગ્ય નહોતા. મને જે વિચાર આવ્યો છે તે આવી સમસ્યામાંથી જ નીપજેલ હતો. શાળા-કોલેજના સંતાનોને પોતાના શોખ પૂરા કરવા માટે જે થોડી નાણાકીય આવશ્યકતા રહે મા-બાપ આપે જ એવો હઠાગ્રહ વર્ષો જૂની આપની સમાજ વ્યવસ્થાનો જ ભાગ છે. સંતાન જાતે કામાતુ ન થાય ત્યાં સુધી (અને ત્યાર બાદ પણ!) મા-બાપે જ રૂપિયા ખર્ચ્યા કરવાના એ ભારતીય કૌટુંબિક વિચારધારા છે અને હજીયે પ્રસ્તુત જ છે.

                       
                         પણ હવે આ વ્યવસ્થામાં ગાબડું પડે અથવા પાડવાના પ્રયત્નો થાય તો શું એ વિશે વિચારીએ. આમ તો જે વિકસિત દેશો છે ત્યાં મોટેભાગે વિદ્યાર્થીઓ પોતાના ભણવાના અને સાથે થોડા મનોરંજનનો ખર્ચો જાત કમાઈથી કાઢે છે. વાલીઓ ઈચ્છે તો મદદ કરે, પણ સંતાનો એવી માંગણી કરવામાંયે ક્ષોભ અનુભવે છે. તરુણાવસ્થામાં આવે ત્યારથી વિદ્યાર્થીઓ પોતે આર્થિક ઉપાર્જન બાબતે સક્રિય થઈ જતાં હોય છે.

                        આપણે ત્યાંના યુવાનો આવું બિલકુલ વિચારતા નથી. હા, થોડી હવા મહાનગરોમાં દેખાય છે ખરી, પરંતુ ભારતીય સમાજ વ્યવસ્થામાં આ બાબતે મોટા પાયે બદલાવ આવે તો કઈં ખોટું નથી. શાથી? ઉચ્ચતર માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ કરતાં હતા સંશોધનમાં તેઓના અનુભવ ઘણા ફળદાયી જણાયા હતા. નાણાકીય વળતરનો લાભ તો ખરો જ પણ તેની સાથે જવાબદારી કઈ રીતે નિભાવવી, સમયપાલન કઈ રીતે થાય, વડીલો સાથે કેવી રીતે વાતચીત કરવી, દુનિયામાં જે ફેરફારો આવી રહ્યા હોય તેનાથી વાકેફ થવું વગેરે જેવા અનેક લાભો મળે છે. ખરા અર્થમાં શિક્ષણની વ્યવહારુ તાલીમ આ રીતે જ મળે છે.

                        બીજું, આ રીતે વ્યસ્ત તરુણો બીજી અનેક સમસ્યાઓમાંથી બચી શકે છે. નવરા નખ્ખોદ વાળે એ કહેવત માનવશ્રમના દુર્વ્યયને જ રજૂ કરે છે.  માત્ર શાળા કે કોલેજમાં ચાર-પાંચ કલાકો વિતાવીને બાકીનો સમય, મોટાભાગના તરૂણો અને યુવાનો માટે હરવા-ફરવા અને મનોરંજનમાં જ વીતી જતો હોય છે. (અપવાદરૂપ કિસ્સામાં તેનો અભ્યાસ પાછળ ઉપયોગ થતો હોય છે.) આ સમયમાં થતી મોટાભાગની પ્રવૃત્તિઓ ઉત્પાદક હોતી નથી, એટલું જ નહીં ઘણી વખત આવા સમયમાં જ  યુવાનો ખોટી રીતભાત, ખોટી આદત અને ખોટા સંબંધોમાં સરી પડતાં હોવાનું જણાયું છે.

                        તેથી જો શાળા-કોલેજના સમય બાદ તેઓને અન્ય કોઈ આવડત વધે અને સાથે થોડું વળતર પ્રાપ્ત થાય તેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો બેવડો લાભ મળે છે. પોતાના ખર્ચને પહોંચી વળ્યાનું સ્વમાન મળે અને સાથે કઇંક નવી જવાબદારી કે આવડત કેળવ્યાનો સંતોષ પ્રાપ્ત થાય. કામની જવાબદારી વ્યક્તિને વધુ પરિપક્વ બનાવે છે એ હકીકતનો અસ્વીકાર થઈ શકે તેમ નથી.

                        કોલેજમાં દાખલ થતાં પહેલાંથી જ વિદ્યાર્થીઓમાં આ અંગેનો હકારાત્મક અભિગમ વિકાસવા માંડે તો આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ કેળવવાના બીજા પ્રકલ્પો કે ખાસ વર્ગો ભરવાની આવશ્યકતા ન રહે. જાતે કમાયેલું ધન, કરકસર નાગરિક બનાવવામાં પણ લાભદાયી બની રહે છે.

                        કોલેજના વિદ્યાર્થીઓ ઉંમરની દ્રષ્ટિએ થોડા પરિપક્વ હોય છે તેથી આવા વ્યાવસાયિક કામ માટે વાલીઓ તરફથી સહકાર ઝડપથી મળે, પરંતુ શાળાના વિદ્યાર્થીઓને આવું કામ (ખાસ કરીને વળતર મેળવવાના હેતુથી) કરાવવા બાબતે ભારતીય વાલીઓ ઉત્સાહી નહીં જ બને. આની પાછળના મુખ્ય કારણોમાં રોજના ચાર કલાકથી વધુ સમય કોઈ કામમાં જોડાવું પડે તો પાંચ દિવસ મુજબ 20 કલાકથી વધુ શારીરિક-માનસિક શ્રમમાં જાય, એને લીધે ભણતરની ગુણવત્તા પર સીધી અસર પડે. શાળાનું ગૃહકાર્ય અધૂરું રહે. લાંબેગાળે ડોપાઉટનો પ્રશ્ન પણ કદાચ આવે!

                        વળી, બધા જ વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ માટે સક્ષમ હોતા નથી. શારીરિક અને માનસિક રીતે પણ. અન્ય કેટલાકને તેની કોઈ જ આવશ્યકતા જણાતી હોતી નથી. અને થોડા કિસ્સામાં વાલીઓ પોતાના સંતાન બાબતે વધુ પડતાં પસેસીવ હોવાથી તેઓ ક્યારેય આ બાબતે વિચારશે જ નહીં!

                        શાળા-કોલેજના જે વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ માટે જોડાશે તેઓએ અભ્યાસ સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ (વિજ્ઞાન મેળો, રમત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા વગેરે..)નો ભોગ આપવો પડે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય અને જોબ મેળવવામાં કૂદી પડે તો આગળનો અભ્યાસ પડી ભાંગવા સંભવ છે. પૈસા કમાવવાની લ્હાયમાં કારકિર્દી સંકોચાઈને રહી જાય એવું બને.

                        આ વ્યવસ્થાના ઉપર મુજબના લાભાલાભ છે. જે તે સરકારે પોતાના સમાજ અને શાસન વ્યવસ્થા અનુસાર વિચારવું પડે. માત્ર સૈદ્ધાંતિકને બદલે વ્યવહારુ જ્ઞાન મેળવવાની તક યુવાનોને લગ્નજીવન પહેલાં મળે તો કૌટુંબિક સ્થિરતા આપવામાં મદદરૂપ બની શકે છે એ દ્રષ્ટિએ એ સ્વીકારવાની લાલચ થાય પણ પૈસા પૈસા ની માનસિકતા, સંબંધોમાં નવા પ્રશ્નો ઊભા કરે એવું બને.

                        આ બંને વચ્ચે તરુણો અને યુવાનો માટે એક મધ્યમ માર્ગ એ રીતે વિચારી શકાય કે શાળા-કોલેજના વર્ષો દરમ્યાન અમુક કલાકની સમાજસેવા’(વળતર વિનાનું કાર્ય) ફરજિયાત બનાવવામાં આવે. આમાં આર્થિક વળતર ન હોય પણ કામનો અનુભવ મળે. વર્ષના થોડાક જ કલાકો (કે દિવસો)નું કામ હોય એટલે વૈધિક શિક્ષણમાં પણ ઝાઝો અવરોધ ન આવે.

                        સૈદ્ધાંતિકની સાથે પોતાના ગમતા ક્ષેત્રે કામ કરવાનો થોડો અનુભવ વિદ્યાર્થીઓને જવાબદારીનું ભાન કરાવે અને એ રીતે સારા નાગરિક બનાવવામાં મદદરૂપ થાય. પાર્ટટાઈમ જોબ કે સમાજસેવાની રીતે વર્ષના થોડા કલાકો કે દિવસો વ્યવહારુ જ્ઞાન કે અનુભવ મેળવવામાં વિદ્યાર્થીઓ કાઢે તેમાં ગેરલાભ કરતાં લાભો ઘણાં છે છતાં વાચક તરીકે આપ પણ એ બાબતે મંથન કરી જુઓ.


-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 19/6/16)

Monday, 4 April 2016

શાકભાજી રસ્તા પર અને ઑવન એ.સી. દુકાનમાં વેચાય?!



              મારા એક સ્નેહી વિદેશમાં ઘણા વર્ષોથી નોકરી અર્થે રહ્યાં છે અને તેઓનું વારંવાર મૂળ વતન ભારતમાં આવવાનું થયા કરે. એક દિવસ તેઓએ જણાવ્યુ કે આપણે ત્યાં વિચિત્રતા ગજબની છે. મેં કહ્યું, ‘કેમ એવું તો બધે જ હોય ને?’ તેઓ બોલ્યા, ‘હા, પણ જુઓ સામે નજર કરોશાકભાજી રસ્તા પર વેચાય છે ને ટી.વી.,ફ્રીઝ પેલા એ..સી શૉ રૂમમાં વેચાય છે! અવલોકન સટીક હતું અને વેદના વિચારણીય હતી.

                શાકભાજી જીવવા માટે વધારે અગત્યની વસ્તુ છે. તેથી તે તાપ-તડકા અને ધૂળ ઉડતા રસ્તા પર ન વેચાવી જોઈએ એ વાત સો ટચની સોના જેવી છે. બીજી તરફ ટી.વી. જેવી વસ્તુઓ જીવવા માટે ઓછી અગત્યની ગણાય તેના માટે એરકન્ડિશન્ડ શૉ રૂમની જરૂર નથી. મગજ અહીં જ ચકરાવે ચઢે. જે શાકભાજીને સાચવવા માટે ઠંડા વાતાવરણની જરૂર રહે છે તેવી વસ્તુઓ એ.સી., કૂલર કે ફ્રીઝને વેચવા માટે ઠંડા વાતાવરણની શી જરૂર?

                મોટા મોટા અને ઠંડા ઠંડા મોલ્સમાં શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ વેચાવવાને બદલે રસ્તા પર વેચાય એવા ભારત દેશની વિષમતા સ્નેહીજનની ખટકી હતી. સ્નેહી સાથેની વાતચીતનો સૂર એવો હતો કે શાકભાજીને રાખવા-વેચવા માટે એ.સી.ની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય તો પછી ટી.વી. ફ્રીઝ કે ઘરઘંટી વેચવાના શૉ રૂમ માટે પણ એ ફરજિયાત રીતે ન જ હોવી જોઈએ. દેશના સીમિત સાધનોની ફાળવણી જ ખોટી રીતે થાય તો તે માત્ર સમાજની જ નહીં શાસકોની પણ મૂર્ખામી ગણાય!

                તાર્કિક રીતે સાચી જણાતી આ દલીલ વ્યવહારમાં મૂકવી સરળ જણાતી નથી કેમ કે, શાક્ભાજીના સર્જક અને વેચનારને સાવ ઓછો નફો મળે છે તેથી તે કોલ્ડ સ્ટોરેજવાળી જગ્યા પસંદ કરી શકે તેમ જ નથી. વળી, શાકભાજીના ભાવ જરાક જ વધે તેમાં તો સમાજની દરેક વ્યક્તિ હો..હા..કરી મૂકે છે. જીવન જરૂરિયાતની વસ્તુ આટલી મોંઘી હોય કેની  બૂમરાણ મચાવનારો સમાજ ધૂળ, તડકામાં વેચાતી શાકભાજી માટે 10 રૂપિયા પણ વધારે ચૂકવવા તૈયાર નથી થતો તે કેટલી હાસ્યાસ્પદ વાત લાગે છે?

                આપણને ક્યારેય એવો વિચાર નથી આવતો કે આટલા તાપ અને ધૂળ કચરાવાળી શાકભાજી આપણા જીવનનો ઉત્તમ આધાર કેવી રીતે બની શકે? વધારે વિચિત્રતા તો એ છે કે ટી.વી, ફ્રીઝ જેવી મોજશોખની વસ્તુ ખરીદવામાં એ.સી. શૉ રૂમને અગ્રિમતા આપીએ છીએ પણ તેમાં 500 રૂપિયા ઓછા કરવાની ઓફર સુધ્ધાં નથી કરતાં! (ત્યાં સ્ટેટસનો સવાલ લાગે છે, ખરું ને?)

                અર્થશાસ્ત્રના ખ્યાલ મુજબ વસ્તુના માંગ-પુરવઠાને આધારે બજારના નિર્ણયો લેવાતા હોય છે એમ માનીને સંતોષ માની શકાય, પણ મુદ્દો વિચારણીય તો છે જ. દુનિયાના વિકસિત દેશોમાં શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ રસ્તા પર કે એ.સી. વિના વેચાતી હશે તેવી શક્યતા નહિવત જ હશે. કેમ કે ત્યાં લોકોમાં જ એવી સમજ પેદા થઈ હોય છે કે આહાર માટેની વસ્તુઓ આરોગ્યપ્રદ અવસ્થામાં જ ખરીદાતી-વેચાતી હોવી જોઈએ.

                આમ જોવા જઈએ તો આ પ્રશ્નનું સમાધાન મેળવવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાઓની છે. વિજ્ઞાનમાં આહારની સૂટેવો ભણાવાય છે પરંતુ એ જ ભણાવનારા અને ભણનારાઓ ખાવાની વસ્તુઓ બાબતે આટલું ઊંડાણપૂર્વકનું વિચારતા જ નથી. અરે દેશના કેટલાંયે શહેરોમાં તો હોટેલ કે રેસ્ટોરન્ટ કરતાં લોકો રસ્તા પર જ વધુ આરોગે છે! ને એમાંય વળી પચાસ ટકા લોકો તો રસોઈ માટેનો ઑવન ખરીદવા માટે હોંશે હોંશે એરકન્ડીશન્ડ શૉ રૂમમાં જાય છે!!

                લોકોને જીવન જીવવાની કળા શીખવવાનું કામ સમાજનું નથી પણ શાળા-કોલેજોનું છે. જે દેશમાં શાળા-કોલેજનું શિક્ષણ આવો ભેદ સમજાવતુ થાય ત્યાં ઉપરના જેવી મૂંઝવણ(કે વિષમતા) ભાગ્યે જ પેદા થાય.

                ઊર્જા બચાવો, પાણી બચાવો કે પર્યાવરણ બચાવવાના અભિયાનો(કે કાર્યક્રમો) શા માટે કરવા પડે છે તે મને સમજાતું નથી કેમ કે આ બધી જ બાબતો અભ્યાસક્રમનો ભાગ બની ચૂકી હોય છે. ઊઘાડો કે વાસી ખોરાક ન ખાવાની વાત કે પછી આડેધડ પાણીનો બગાડ ન કરવાની વાત દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ તેના શાળા-કોલેજકાળ દરમ્યાન ભણી જ હોય છે.

                છતાં આમ થવા પાછળની અધૂરપ એ જણાય છે કે આ બધી શાણી વાતો માત્ર વાંચન અને લેખનમાં જ સમેટાઇ જાય છે, પેઢી દર પેઢી! સ્વચ્છતા, આરોગ્ય કે શિષ્ટાચાર વિશે નિબંધ લખવા કરતાં તેને અમલમાં મૂકવામાં વધારે ડહાપણ છે એટલું જ નહીં નરી આવશ્યકતા પણ હોય છે. પરંતુ સમાજને આવું ડહાપણ શિક્ષકો(કે શૈક્ષણિક સંસ્થાઓ)પાસેથી મળતું જ નથી, તેથી ભણેલી માતાઓ(સ્ત્રીઓ)ને પણ એ ખ્યાલ જ નથી આવતો કે શાકભાજી ખરીદવા-વેચવા માટે ખુલ્લી જગ્યા કે રસ્તો યોગ્ય સ્થાન નથી. (હા, તેઓ આવી જગ્યાએથી ખરીદેલા શાકભાજી પાણીથી ધોઈને સંતોષ માને છે ખરા!)

                થોડા વર્ષો પહેલાની સરકારે જ્યારે શાકભાજીના ક્ષેત્રે FDIને છૂટ આપી હતી ત્યારે લોકોએ કાગારોળ મચાવેલી. મોટા એરકન્ડીશન્ડ મોલ આવશે તો બિચારા લારી કે ફૂટપાથ પર વેચનારાઓની રોજી છીનવાઈ જશે. આવી છે આપણી માનસિકતા. ધૂળ-કચરા, તાપ ને પવનમાં દૂષિત બનેલી ખાદ્ય વસ્તુઓ પ્રત્યેનો આપણો મોહ આજેય એવો જ છે. ફેરિયાના દૂધ જેવો. ભલે પાણીવાળું દૂધ પીવું પડે, પણ કોથળીનું તો નહીં જ! સારા દૂધ માટે દૂર જવું પોષાય નહિઁ, પણ મોબાઈલ કે પિત્ઝા માટે તો એરકંડિશન્ડ શૉ રૂમમાં જ જવાય ભલે તે પાંચ કિલોમીટર દૂર કેમ ન હોય!

                આવી વસ્તુઓનો ધંધો કરનારા પણ દુકાનમાં એ.સી. પહેલા મુકાવશે. ને બીજી તરફ લારીવાળા લસણ-કોથમીર પર કંતાનના ટૂકડા પર પાણી છાંટી છાંટીને ચલાવશે. આરોગ્યપ્રદ જીવન માટે જે સૌથી મહત્ત્વની બાબતો છે તેમાં જ લોકો ‘મૂર્ખ’  રીતે વર્તે છે.. (માત્ર શાકભાજી જ રસ્તા ઉપરથી નથી ખરીદતા, રસ્તા પર ઊભા ઊભા પાણીપૂરી, ભેળપૂરી કે શેરડીનો રસ પણ ઝાપટે છે!)

                સરકાર પક્ષેય કાચું કપાય છે, અને કોર્પોરેટ જગતમાં પણ અન્યાયી ધંધાકીય  રીતરસમો હોંશે હોંશે અપનાવાય છે. પહેલાં આડેધડ ગંદકી, બગાડ અને અસમાનતા પેદા કરવી અને પછી તેને નાબૂદ કરવાની ઝુંબેશ (અભિયાન) ઉપાડવાની ભારતીય માનસિકતા સાચે જ અજુગતિ લાગે છે. પેલા સ્નેહીજનની વાત મુદ્દાની હતી અને છે તેથી આપ સૌની વચ્ચે મૂકી છે. આમાં નિર્ણય દરેકે પોતાની રીતે કરવાનો છે.

                પ્રજા અને રાજા બંને મંથન કરે અને સીમીત સાધનો દ્વારા ઉન્નત જીવન કેમ બનાવી શકાય તે તરફ પોતાને અભિમુખ કરે તો જ સાચો વિકાસ કર્યો કહેવાશે. શિક્ષણ સંસ્થાઓની સાર્થકતા પણ તેમાં જ છે.

               
-ડૉ.વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડીયન અખબારમાં છપાયેલ લેખ તા:4/4/16)

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...