Friday, 25 October 2019

મતલબી અવોર્ડ્સ: બચકે રહેના રે બાબા!


               ગુજરાતીમાં એક કહેવત છે: વા જોઈને સૂપડું મૂકવું! ખેતીના વ્યવસાયમાં જ્યારે અનાજનો પાક તૈયાર થઈ જાય પછી તેની સફાઈ માટે સુપડા કે તગારા દ્વારા તેને ઊપણવાની ક્રિયા થતી. જેમાં કુદરતી પવનની લહેર દ્વારા અનાજના દાણામાંથી બિનજરૂરી કચરાને ઉડાડી દેવામાં આવતો! ત્યાર પછી તો યંત્રો દ્વારા આવી સફાઈ થવા માંડી એટલે આ કહેવત પણ હવે ખાસ સાંભળવા નથી મળતી. મને એનું સ્મરણ એક ખાસ સંદર્ભમાં થયું છે. જે તે સમયે જેવો પ્રવાહ ચાલતો હોય તેમાં જોડાઈ જવું એમ.
                એક આવો સંદેશો મળે છે: શ્રીમાન, અમારી સંસ્થા શિક્ષણના ક્ષેત્રમાં એક જાણીતી સંસ્થા(સંગઠન) છે. આપને જાણીને આનંદ થશે કે દર વર્ષે અમે જાણીતી હસ્તીઓ દ્વારા સફળ થયેલી વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ. અગાઉ આવા અનેક વિદ્વાન વ્યક્તિઓનું (સામેલ યાદી!) અમે પ્રતિષ્ઠિત ઍવોર્ડ દ્વારા સન્માનિત કરી ચૂક્યા છીએ. અમને ખુશી છે કે આ વર્ષે એમાં તમારું નામ પણ વિચારણા હેઠળ છે. શિક્ષણક્ષેત્રે તમારી સિદ્ધિ અને ઉત્કૃષ્ટ સેવા બદલ અમો ગર્વ અનુભવીએ છીએ. કૃપા કરી આ સાથે સામેલ ફોર્મ ભરીને તમારા બાયોડેટા સાથે અમને મોકલી આપશો..
                 જ્યારે આવો સંદેશો કે પત્ર મળે ત્યારે શિક્ષક કે આચાર્યનો પ્રતિભાવ કેવો હશે? કેટલાક તો તે જ દિવસે કે તે જ સમયે વિશેષ કશું જાણ્યા વિના જ એમાં નોંધણી કરી દેશે, સાચું? શક્ય છે આપ પણ તેમાના એક હોવ! આવી જાહેરાતો ખરેખર સન્માનનીય ભાવના માટેની હોય છે ખરી? હકીકત એવી છે કે બહુધા આ લોકો સેવાને નામે વેપાર કરનારા હોય છે. ઍવોર્ડ કે પ્રસિદ્ધિ ભૂખ્યા લોકોને ઍવોર્ડ કે પ્રમાણપત્ર વેચવાનો તેમનો ધંધો હોય છે. આશ્ચર્યની વાત એ લાગશે કે આવા ઍવોર્ડ મેળવવા માટે તો લોકો કેટલા રૂપિયાયે ખર્ચી નાંખે છે!
                સોશિયલ મિડિયાનો પ્રભાવ, અન્ય માધ્યમો કરતાં પણ વિશેષ રીતે ફૂલ્યોફાલ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિજિટલ માર્કેટિંગની બોલબાલા વધી રહી છે એટલે શિક્ષણ પણ તેમાંથી બાકાત રહી શકે નહીં. છેલ્લા થોડા સમયમાં શિક્ષક-આચાર્ય માટેના ઍવોર્ડની વિવિધ લોભામણી જાહેરાતોનો મારો ચાલ્યો છે. નવા પ્રયોગો કે સિદ્ધિઓ જણાવો અને અમે આપને સન્માનિત કરીશુંની જાહેરાતે દેશના અનેક શિક્ષકોને આકર્ષિત કર્યા છે.



                તહેવારોમાં કે કોઈ ખાસ દિવસ માટે જેમ ઓનલાઈન શોપિંગવાળી કંપનીઓ બમ્પર અને લોભામણી જાહેરાત કરીને તગડી કમાણી કરી રહી છે તે જ રીતે આ લોકો સોશિયલ મિડિયા દ્વારા દેશના શિક્ષકો અને આચાર્યોને ઍવોર્ડની જાહેરાતથી લલચાવી રહ્યા છે. કેટલાક શિક્ષકો તો એવા પ્રયત્નમાં રહેવા લાગ્યા છે કે આવી ઍવોર્ડની કોઈપણ જાહેરાત આવે એટલે તેઓ વહેલામાં વહેલી તકે નોંધણી કરાવી જ દે! થોડી સામાન્ય વિગતો અને કામગીરી જણાવો એટલે બીજું કઇં નહીં તો ડિજિટલ પ્રમાણપત્ર તો મળી જ જાય! આવી એજન્સીઓ માત્ર ભારતની જ નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ ઘણી એજન્સીઓ શિક્ષકો-આચાર્યો કે સંચાલકોને આકર્ષવા તૈયાર જ છે. ઓનલાઈન અરજી દ્વારા આવી સંસ્થાઓ માત્ર તમારી સામાન્ય માહિતી જ નહીં, પરંતુ ઇ-મેઈલ, મોબાઈલ નંબર અને તેનાથી લિન્ક થયેલી બધી જાણકારી મેળવી લે છે. ઉપરાંત, ઍવોર્ડ પછી ડોનેશન, મેમબેરશીપ ફી કે આર્થિક સહાયરૂપે નાણાંની માંગણી પણ થતી હોવાનું સાંભળ્યું છે.
                ખાસ કરીને સોશિયલ મિડિયામાં ચાલતા અનેક અંદરગ્રાઉન્ડ કૌભાંડોમાંનું આ પણ એક હોઈ શકે છે. જો કે ઍવોર્ડ આપનારી કેટલીક પોસ્ટમાં નાના અક્ષરોમાં સંદેશો લખ્યો જ હોય છે કે તમે જે રજૂ કરશો તેનો ઉપયોગ ભવિષયમાં કંપની (કે સંગઠન) પોતાના હેતુસર કરશે, વહેંચશે અને વાપરશે! પણ આવું વાંચવાનો સમય કેટલા પાસે હોય છે? તેથી સર્ટિફિકેટ કે ઈનામની લાલચ (કે લોભ) તેઓને ઉતાવળે નોમિનેશન કરાવી દેવામાં સફળ થઈ જાય છે!
                ભૂતકાળમાં પણ આવી એજન્સી કે જૂથો સામાજિક સેવા અને સન્માનને નામે પોતાનો પ્રચાર-પ્રસાર કરી ચૂકી છે. હવે જમાનો ડિજિટલ થયો છે અને સોશિયલ મિડિયાનો વ્યાપ વધી રહ્યો છે એટલે એ બધુ હવે આવા માધ્યમો થકી પણ લોકો સુધી પહોંચી રહ્યું છે. મારી પાસે દર વર્ષે આવી ઓછામાં ઓછી ત્રણેક એજન્સીઓ ઍવોર્ડ માટેનું ફોર્મ ટપાલ મારફતે મોકલાવે છે. કેટલાકમાં તો વળી અધધ કેટેગરી હોય છે! ઍવોર્ડનું આટલું બધુ વૈવિધ્ય જ વિશ્વસનીયતા પર શંકા પેદા કરે છે. સદભાગ્યે હું એમાં આજ સુધી ફસાયો નથી.
                 ઍવોર્ડ એ ખરેખર તો એવું ઈનામ છે જે વ્યક્તિની સાચી અને ન્યાયી સિદ્ધિના બદલામાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મેળવ્યા વિના તેને આપવામાં આવતું હોય છે. આવું વિશ્વસનીય અને સમર્પિત કામ કોણ કરી શકે? સૌથી વધુ વિશ્વનીય સરકાર જ હોઈ શકે. બાકીની સંસ્થાઓ, જુથો કે મંડળો પોતાના લાભ માટે જ બીજાને મોટા ભા કરતાં હોય છે. બાકી શીલ્ડ કે સર્ટિફિકેટ વેચાય, ઍવોર્ડ નહીં! વા જોઈને સૂપડું મૂકનારા એમાં ભરમાય છે. અગાઉ કહ્યું તેમ ભારતમાં આવી ઘણી દુકાનો (એજન્સીઓ) પહેલા પણ હતી ને હવે વધી હોય તો નવાઈ નહીં.
                કોઈ વ્યક્તિ ઍવોર્ડ માટે એટલો બધો પાગલ (crazy) શા માટે થતો હશે એવો સવાલ ઘણાના મનમાં થતો હશે. ઍવોર્ડ માટે શિક્ષકોની દોડ વ્યક્તિગત પ્રતિષ્ઠામાં વધારો કરવાની હોય છે. પોતાના જુથ કે સમાજમાં પોતે કઇંક વિશેષ છે એવી નામના કમાવવા માટે તે આવા સન્માન તરફ આકર્ષાતા હોય છે. સંનિષ્ઠ અને પ્રયોગશીલ શિક્ષકો કે આચાર્યો આનાથી પ્રેરિત થાય અને યોગ્યતાનુસાર તેમને બહુમાન મળે તો કોઈ વાંધો ન હોઈ શકે, પણ પ્રમાણપત્ર મેળવીને તેને મોટી સિદ્ધિમાં ખપાવી દેવાની માનસિકતા ટીકાપાત્ર છે. ઉપરછલ્લી સિદ્ધિને મોટી ગણીને તેને જાહેર કરનારા એ ભૂલી જતાં હોય છે કે જ્યારે વ્યક્તિગત રીતે જાહેરમાં તેઓએ વિચારો પ્રસ્તુત કરવાના આવે છે ત્યારે તેમનું ખરું મૂલ્ય (વ્યક્તિત્વ) લોકો સમજી લેતા હોય છે.
                ઘણી વખત તો શૈક્ષણિક સંસ્થાઓ જ આ માટે શિક્ષક કે આચાર્ય પર દબાણ કરતી હોય છે. સ્પર્ધાત્મક યુગમાં સંસ્થાઓ પણ પોતાના ગુણ(merit) વધારવા આવું ઇચ્છતી હોય છે. તો વળી કેટલાક સંગઠનો પણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સારા સંબંધ વિકસાવવા આતુર હોય છે. (બંનેના હેતુ પાર પડે!!)
                અંતમાં, તકલાદી ઍવોર્ડ મેળવવાથી શિક્ષણક્ષેત્રની ગરિમા વધે છે કે નંદવાય છે એના પર મંથન કરવા જેવુ છે. જે શ્રેષ્ઠ શિક્ષક છે તે ઍવોર્ડના મોહતાજ નથી હોતા અને જે ગુણવત્તાલક્ષી શાળા-કોલેજો છે તેને પ્રગતિશીલ હોવાના પુરાવાની શી જરૂર હોય છે? એમ છતાં હું સ્પષ્ટ માનું છું કે યોગ્યતાની પરખ દ્વારા શિક્ષક, આચાર્ય કે શૈક્ષણિક સંસ્થાઓનું બહુમાન કે કદર થવા જ જોઈએ, હા, એમાં પૂરતી પારદર્શિતા અને કામની ગુણવત્તા જળવાવી જોઈએ બસ!

-ડૉ. વિજય મનુ પટેલ 

Thursday, 17 October 2019

મિત્રો,
આ વાંચીને હળવી શૈલીમાં મરક મરક કરો!!
Good luck.

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...