રમતમાં હાર-જીત આવે, તેમ જીવનમાં સુખ-દુ:ખની સ્થિતિ પણ આવે જ. સમગ્ર સૃષ્ટિમાં કશું સ્થાયી નથી. કદાચ એટલે જ આપણને આ દુનિયા ગમે છે! શાંત અને ભેંકાર ભાસતી શાળા-કોલેજો હવે થોડા દિવસો પછી ધમધમવા માંડશે. નવા વિદ્યાર્થીઓ અને નવા પાઠ્યપુસ્તકો સાથે ફરીથી જૂના શિક્ષકોના સંવાદો શરૂ થશે. નવા વાલીઓની અપેક્ષાઓ સાથે શિક્ષકો, આચાર્ય અને સંચાલકો સાથે નવી મિટિંગોનો દોર ચાલશે. કારકિર્દીના નવા આયામો ઊઘડશે તેની સાથે વાલી-વિદ્યાર્થીઓની વિમાસણ પણ યથાવત રહેશે.
બદલાતી કૌટુંબિક વ્યવસ્થા અને કુટુંબના સભ્યોનો બદલાતો અભિગમ સામાજિક શાંતિને દૂર રાખવા મથી રહ્યો છે. બધું બદલાય છે તેમ છતાં શાંતિનો અનુભવ ઓછો થાય છે. આવું શાને થાય છે એ પ્રશ્નનો ઉત્તર આસાન નથી એટલે દરેક વ્યક્તિ આ માટે બીજા પર ઠીકરા ફોડે છે. વિરોધ પક્ષવાળા શાસક પક્ષને, સંતાનો વાલીઓને, દર્દીઓ દાક્તરોને અને વિદ્યાર્થીઓ શિક્ષકોને જવાબદાર ઠેરવે છે. આમાં અપવાદો હોય તો પણ સાચું નથી. માનવી જ્યારે પોતાની અપેક્ષાઓ બહુ ઊંચી આંકે છે ત્યારથી તેની દુ:ખી થવાની શરૂઆત થઈ જાય છે.
102 નોટ નોટ આઉટ ફિલ્મમાં 102 વર્ષ સુધી જીવીને અમુક વ્યક્તિનો રેકર્ડ તોડવાની બાપની મહત્ત્વાકાંક્ષા પણ વધારે પડતી જ હતી, છતાં એ સભાનાવસ્થામાં લેવાયેલી હતી અને એનો એકમાત્ર આશય લાંબુ જીવવાનો નહોતો. માત્ર પોતાના પુત્રના જીવન પ્રત્યેના નિરાશાજનક આભિગમને બદલવા માટેની મથામણ હતી. લાંબુ જીવવાનું મહત્ત્વનું નથી, પણ પ્રસન્નતાથી જીવવું જોઈએ એવો સંદેશ ફિલ્મના મૂળમાં છે. મોટી ઉંમરનો (વૃદ્ધ) બાપ, પોતાનાથી નાના (વૃદ્ધ!) પુત્રને જીવન જીવવાની ફિલસૂફી શીખવવાનો નવતર કિમીયો અજમાવે છે. એની સાથે નવી પેઢીના પોતાના પુત્ર અને તેના દીકરા(પૌત્ર)ને સબક શીખવાડે છે! સંવેદનશીલતાની આંધળી દોટમાં સરી પડતાં બાપ(પોતાના પુત્ર)ને તેનો બાપ મોટી ઉંમરે પણ એક મહત્ત્વનો લેશન આપે છે. આ ફિલ્મનો એક ડાયલોગ, ‘મેરે પુત્રકો, ઉનકે પુત્રકે સામને મેં હારને નહીં દૂંગા’ ધ્યાનાકર્ષક અને યાદગાર છે.
કારકિર્દીના સંદર્ભમાં વિચારીશું તો મોટાભાગના વાલીઓ પોતાના સંતાનો(ખાસ કરીને પુત્રના)ના શિક્ષણમાં અસાધારણ રોકાણ કરવા તૈયાર થઈ જાય છે. મોટો દાક્તર કે ઇજનેર બને, વિદેશમાં જઈ ભણે, અવનવા કોર્ષ કરે...ને એમાં ને એમા મા-બાપો ફુલાય. વર્ષો પછી વાસ્તવિક્તા સમજાય ત્યારે આ જ સંતાનો વાલીઓની સંવેદનાનું શોષણ કરવા માંડે ત્યારે જાણે ‘વૃદ્ધાશ્રમ’ની વ્યવસ્થાને બળ મળતું હોય તેવું લાગે. સુખની શોધ અને તેને પામવાની ઘેલછા કુટુંબને સમરાંગણ બનાવી મૂકતી હોય છે. કારકિર્દીની પસંદગી કેટલી યોગ્ય હતી કે અયોગ્ય હતી તેનું ભાન કુટુંબ અને સમાજને મોડુ થાય છે એટલે આ સિલસિલો અટકતો નથી.
હમણાં બોર્ડ પરીક્ષાના પરિણામો આવ્યા છે, કોલેજોના હવે આવશે. પરિણામ જ્યારે હાથમાં આવે છે ત્યારે મનોમંથન શરૂ થાય છે કે કઈ લાઇનમાં જવું અથવા જે લાઇન છે તે બરાબર છે કે નહી? તેથી, આજે કારકિર્દી વિશેની વિશેની ધારણાઓ (ભ્રમણાઓ!)નું ચિંતન કરવું છે.
પહેલી ભ્રમણા, કારકિર્દીનો નિર્ણય ધોરણ દશ કે બારમાં, વિદ્યાર્થીઓ આવે પછી જ કરવાનો હોય. જે તે સંતાનની પ્રાથમિક શિક્ષણની તરાહ, તેને ગમતી પ્રવૃત્તિઓ, તેની આવડત અને કુટુંબની આર્થિક-સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતાન ધોરણ આઠ કે નવમા આવે ત્યારે જ નક્કી કરવી જોઈએ. આપણે બહુધા કારકિર્દીનો નિર્ણય એકાદ અઠવાડિયામાં જ કરી દેતા હોઈએ છીએ!
બીજી ભ્રમણા, જેમાં શોખ હોય તેવી કારકિર્દી પસંદ કરાય. આમાં ભલભલા લોકો અટવાઈ પડ્યા છે. રસ કે શોખથી મનોરંજન કે મઝા મળે, પણ જરૂરી નથી કે તેનાથી રૂપિયા(આવક) મળશે જ. આર્થિક ક્ષમતા કેળવવા માટે આવડત કે ક્ષમતા જોઈએ, મજા આવે તેવું કામ નહીં. બહુ થોડા અપવાદો મળશે ખરા કે જેમાં પોતાના શોખને પોતાના વ્યવસાય કે ધંધો બનાવ્યો હોય. પરંતુ આવું ભાગ્યે જ જોવા મળે છે માટે પહેલા સંતાનની ક્ષમતા પર ધ્યાન આપો, શોખ પર નહીં!
ત્રીજી ભ્રમણા એ છે કે જેમાં વધુ કમાણી થાય તેવી ક્ષેત્રો ઉત્તમ કહેવાય. જરૂરિયાતની પૂર્તિ માટે નાણાંની આવશ્યકતાને નકારી ન શકાય. પરંતુ નોકરીમાં વધુ નાણાં, વધુ સંતોષ આપે છે તે સાચું નથી જ. મોટાભાગના લોકોને પૂછશો તો ઉત્તર આ જ હશે, ‘સેટિસફેકસન? એની વાત છોડો!’ કમાણીની વાત અનંત છે એટલે જે તે વ્યક્તિએ પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરવી જરૂરી છે. આની ચર્ચા કારકિર્દી નિર્ણયના શરૂઆતના તબક્કે થવી જ જોઈએ. નાણાં બધી જ વસ્તુઓ ખરીદી શકે છે, પરંતુ કારકિર્દીમાં સૌથી અગ્રિમ મૂકવાની ભૂલ ઘણાબધા કરતાં હોય છે.
ચોથી, પોતાના મિત્ર કે સગા જે ફિલ્ડમાં છે તેમાં જવું શ્રેષ્ઠ રહેશે. દરેક વ્યક્તિની ક્ષમતા ભાગ્યે જ સરખી હોય શકે. આવડતને સંબંધો સાથે ખાસ નિસબર હોતી નથી. આપણે ત્યાં બહુધા દાક્તરો પોતાના સંતાનોને પોતાના જ ફિલ્ડમાં લાવવા હઠાગ્રહી હોય છે! તેમનામાં ક્ષમતા હોય તો વાંધો નથી, પણ અક્ષમ વ્યક્તિ(સંતાનો) માટે આવા ઠોકી બેસાડવામાં આવતાં નિર્ણયો જોખમી બને છે(અને બન્યા પણ છે!).
પાંચમી, જેમાં ઓછામાં ઓછી તકલીફ તેમાં જવું હિતાવહ છે. જગતમાં કોઈપણ ક્ષેત્ર મહેનત વિનાનું નથી. કોઈ શારીરિક શ્રમ કરે છે, કોઈ માનસિક રીતે વધુ કામ કરે છે તો કોઈ શરીર-મન બંનેનો વધુ ઉપયોગ કરે છે. અમુક કામો એક જગ્યાએ બેસીને જ કરવાના હોય, અમુક માટે બહાર ફરવું પડે! એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે એ.સી.રૂમમાં બેસીને કામ કરવાનું સૌથી શાંતિ અને સલામતભર્યું હોય છે. આવા લોકોએ આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે!
અને છઠ્ઠી ભ્રમણા એ છે કે પહેલાં ગમે તેમાં કૂદી પડવાનું, પછી બધું આવડી જ જાય! આ જોખમી રસ્તો છે. આમ કરનાર માટે એટલું તો સ્પષ્ટ થઈ જાય કે પોતે નિર્ણય નથી લઈ શકતી કે તેનામા કઈ આવડત છે. આવું કરનારા પુરુષાર્થ કરતાં નસીબ પર વધુ મદાર રાખતા હોય છે. લાગ્યું તો તીર નહિતર તુક્કો! વારંવાર એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં કુદવાની વૃત્તિ જીવનમાં સાતત્યપૂર્ણ કામ અપાવી શકતી નથી.
સારાંશમાં, જીવનનો મહત્ત્વનો નિર્ણય કરતી વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પૂરતી ચર્ચા કરે, એકમેકને આદર આપે અને પોતાની ક્ષમતા, સંસાધનો અને ભાવી જીવન વિશેની પોતાની સંકલ્પના સાથે રાખે એ અત્યંત આવશ્યક છે.
-ડૉ. વિજય મનુ પટેલ (શિક્ષણ સૂત્ર કૉલમમાં છપાયેલ લેખ)