ગત
અઠવાડિયામાં ભારતના બે મેધાવી વ્યક્તિત્વોનો અસ્ત થયો. જીવન સાથે મૃત્યુ એ
માનવજીવન સાથે અભિન્ન રીતે જોડાયેલી ઘટના છે એટલે આ સમાચારમાં અજુગતું કશું નથી, પણ
તેઓના યોગદાનને ભૂલી જવું એ જીવીત ભારતીયો માટે યોગ્ય નહીં જ ગણાશે. અંતરિક્ષ
વિજ્ઞાની સ્વ. એસ. આર. રાવ (ઉડુપી રામચંદ્ર રાવ) ભારતીય અવકાશ સંશોધનના
અગ્રણીઓમાંના એક હતા. પ્રથમ કૃતિમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટથી લઈને અંતિમ મંગલયાન
સુધીના મિશનમાં તેઓએ હાજર રહીને કામગીરી બજાવી હતી.
1975માં આર્યભટ્ટને
તરતો મૂક્યા બાદ બીજા 20 જેટલા ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટેના રોકેટ બનાવવાની
તકનીકીમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી અને તેને પરિણામે જ 1992માં
એસ.એલ.વીનું સફળ પ્રક્ષેપણ શક્ય બન્યું હતું. 85 વર્ષના આયુષ્યબાદ હવે આપણે તેમની
કીમતી યાદોને વાગોળતાં રહેવાની છે. ઇસરો તેમના ખાલીપાને ઝડપથી પૂરી દે એવી
અંતરેચ્છા.
બીજા એવા જ
પ્રબુદ્ધ વિજ્ઞાની સ્વ.પ્રો.યશપાલ નેવું વર્ષના આયુષ્ય બાદ આપણી વચ્ચેથી વિદાય લઈ
ગયા છે. 1926માં જન્મેલા યશપાલજી મૂલત: વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાનને તેઓ પરિવર્તનનું
હથિયાર બનાવવા આજીવન પ્રયત્નશીલ રહ્યાં હતા. તેઓ વિજ્ઞાનના પ્રસાર-પ્રસાર માટે સતત
મથતા રહ્યા હતા કેમ કે તેઓ સ્પષ્ટ માનતા હતા કે વિજ્ઞાન એ જનકલ્યાણનું માધ્યમ છે.
વિજ્ઞાન વિના આંતરિક અને બાહ્ય પ્રગતિ સંભવ નથી.
તેમણે
1949માં પંજાબ યુનિવર્સિટીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી અને
1958માં MIT (મેસેચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી,
અમેરિકા)માંથી ભૌતિક વિજ્ઞાનના વિષયમાં જ પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી. વિજ્ઞાનને લોકભોગ્ય
બનાવવાના તેમના પ્રયત્નો બદલ 2009માં તેમને UNESCO
દ્વારા કલિંગ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકારે વિજ્ઞાન અને શિક્ષણમાં
નોંધપાત્ર યોગદાન બદલ તેમને 2013માં પદમ વિભૂષણ પુરસ્કારથી નવાજયા હતા.
વિજ્ઞાનની કોઈપણ
શાખા સાથે તેમને લગાવ હતો. ભૌતિકશાસ્ત્ર ઉપરાંત જીવજંતુઓ અને પ્રાકૃતિક (પર્યાવરણ)
વિજ્ઞાન પણ તેમના ગમતાં ક્ષેત્રો હતા. બાળકો જેવી જિજ્ઞાસાવૃતિ ધરાવનારા યશપાલજી
સ્વયં બાળકોમાં વિજ્ઞાનના સંસ્કારોને સિંચિત કરવાના પક્ષધર હતા. તેથી જ ઉચ્ચ
શિક્ષણની સાથે સાથે પાયાની કેળવણીમાં સુધારા બાબતે પણ સંવેદનશીલ રહેતાં. સરકાર દ્વારા શિક્ષણ સુધાર સમિતિના
અધ્યક્ષ તરીકે તેમણે ‘ભાર વિનાના ભણતર’ (Burden-less
Education)ની હિમાયત કરી અને તેના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ
રહ્યા પણ ખરા. જો કે જે સંદર્ભમાં તેમણે આ શબ્દ પ્રયોગ કર્યો હતો તેને બદલે દેશમાં
બહુધા માત્ર ‘દફતરના ભાર ઘટાડવા’
સાથે જ અમલમાં મુકાયો તેનો રંજ તેઓને અચૂક રહ્યો જ હશે.
તેઓ દૂરદર્શનના
વિજ્ઞાન આધારિત કાર્યક્રમ ‘ટર્નિંગ પોઈન્ટ’થી લોકો સુધી
વધુ પહોંચી શક્યા હતા. સરળ શબ્દો અને સમજ દ્વારા વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની
તેમની કામગીરી હંમેશાં યાદ રહેશે. દૂરદર્શનના વિજ્ઞાન વિષયક કાર્યક્રમોની એડવાઈઝરી
કાઉન્સીલના તેઓ સભ્ય રહ્યા હતા. ઉપરાંત આયોજનપંચના મુખ્ય સલાહકાર,
વિજ્ઞાન-ટેક્નોલૉજી વિભાગમાં સચીવ તથા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ જેવા
મહત્વના હોદ્દાઓ પર તેમણે ફરજ બજાવી હતી.
વિજ્ઞાન અને
કેળવણીના બે ક્ષેત્રોનો તેમના વ્યક્તિત્વમાં અનોખો સમન્વય હતો. બાળકોને મઝા પડે
તેવી વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓને શાળાઓ સુધી પહોંચાડવામાં સરકારને ભલામણ કરવાથી
માંડીને એવી સંસ્થાઓના નિર્માણ કે અસ્તિત્વ માટે તેઓ સતત મથતા રહ્યા હતા. આ
સંદર્ભમાં 1972માં દેશના કેટલાક વૈજ્ઞાનિકો,
ઇજનેરો, શિક્ષણવિદ્દો અને સામાજિક સુધારકોએ ભેગા મળીને વિજ્ઞાનને
સૂક્ષ્મ રીતે ભણાવે તેવી આદર્શ (મોડેલ) શાળા સ્થાપવાનો વિચાર રજૂ કર્યો હતો.
મધ્યપ્રદેશની સરકારે હોશંગાબાદ ખાતે આવા કાર્યક્રમ HSTP (Hoshangabad
Science Teaching Program)ને મંજૂરી આપી. જે ‘એકલવ્ય’
નામથી દેશમાં જાણીતી બની.
વિજ્ઞાનના
પ્રયોગશીલ/પ્રવૃત્તિશીલ શિક્ષણ દ્વારા શાળા શિક્ષણની ગુણવત્તા સુધારણાના ધ્યેય
સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ભારતની જાહેર અને ખાનગી સંસ્થાઓ પણ આ પ્રકલ્પમાં જોડાઈ હતી. સ્પષ્ટ છે કે પ્રો.
યશપાલની વિચારધારા સાથે આ સુસંગત પગલું હતું. ત્રીસ વર્ષ બાદ સ્થાનિક કક્ષાએથી આ
પ્રોજેકટને બંધ કરવાની રજૂઆત થાવાથી પ્રો. યશપાલ વ્યથિત થયા હતા. તે સમયે તેમણે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહને આ પ્રોજેકટ ચાલુ રાખવા માટે પત્ર
લખ્યો હતો. તેમાંના બે પેરેગ્રાફ અક્ષરસ: અહીં મૂકું છું:
‘’....I am aware
that very conservative or very lazy people may not like the discovery approach.
I can also understand that some people may not be enamored of an approach that
leads to questioning and helps to create a temper that might resist
brainwashing. Because of this program Madhya Pradesh is seen as a Teacher. The
best academics from the country have given of their time and effort since the time
the program started over 30 years ago.
I feel privileged that I was one of those who
came in close contact with it on a number of occasions. Please do not let it
wither away. Let the program be evaluated as often as require, as has been done
several times in the past. But allowing it to be killed would be a tremendous
loss to Madhya Pradesh and the country. Such efforts come only once or twice in
a century…’’
દેશમાં
વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા પ્રકારના સાચુકલા શિક્ષણનો વિસ્તાર થાય તેવી આજીજી
તેમના આ શબ્દોમાં છલકતી દેખાય છે. યુનિવર્સિટી શિક્ષણના ધ્યેયોને પાર પાડી શકે
તેવા શાળાકીય વિજ્ઞાન શિક્ષણના માળખાની પુન: રચના કરવી,
સાર્વત્રિક શિક્ષણમાં ‘નવીનીકરણ’ હિસ્સો બને, શિક્ષકોનું
સ્તર ઊંચું લઈ જવાના પ્રયત્નો થાય, સ્વૈચ્છિક
સંશોધનને ઉત્તેજન મળે તથા બિનસરકારી સંગઠનોનો શિક્ષણમાં સ્વૈચ્છિક સહયોગ મેળવવાના
વિચારો સાથે તેઓ સદા સંકળાયેલા રહ્યા હતા.
સ્વ. રાવ અને સ્વ.
યશપાલ ભારતીય બુદ્ધિધનની માત્ર ગેરહાજરી નહીં પણ ખોટ બનશે. હવે આવા બંને
વ્યક્તિત્વો આપણી વચ્ચે નથી. એમની ખોટ પૂરવા માટે દેશના યુવાનો સફળ થાય તેવા
આશાવાદ સાથે શિક્ષણસૂત્ર કૉલમ આ બંને પ્રબુદ્ધ જીવોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
-ડૉ. વિજય મનુ
પટેલ (Published in Gujarat Gaurdian Daily 1/8/17)