UAEની વિદેશ યાત્રાનું ચિંતન
ત્રેપન વર્ષ
સુધી દિવાળીમાં ઘરે જ રહેવાનું બન્યું હતું. સમજણ આવી પછીયે દિવાળી કે અન્ય તહેવારમાં ઘરે જ રહેવું એવું
લગભગ વણાઈ ગયું હતું. પણ..પણ.. છેલ્લાં પાંચ-સાત વર્ષથી આવી માન્યતા સંદર્ભે થોડી
ગુંગણામણ અનુભવાતી હતી. તહેવારોમાં એકમેકને મળવાનો ઉત્સાહ ખરી રહ્યો હતો. લોકો
ઈરાદાપૂર્વક તહેવારના મિલનને બોજ માનીને ફરવા ઉપડી જતાં હતાં! શહેર જાણે સાચે જ
સ્માર્ટ બની રહ્યાંનું અનુભવાતું હતું.
મને
દિવાળીમાં વિદેશ જવાની તક મળી ત્યારે
દિવાળીમાં ઘર બંધ થઈ જવાના વિચાર માત્રથી આંખમાં ઝળહળિયાં આવી ગયા હતાં. પણ પછી
ફરી લોકોની માનસિકતામાં આવેલા પરીવર્તન સાથે અનુસંધાન સાધ્યું. અમે દિવાળીના
દિવસોમાં જ વિદેશ જઈ આવ્યા હતાં.
જેના જીવનનું બાળપણ
ગામડાંની દુનિયામાં વીત્યું હોય તેવી વ્યક્તિ જીવનના પચાસ વર્ષ પછી ગામડાથી સાવ
છેડાના એવા આધુનિક વિદેશી શહેરની મુલાકાતે જાય ત્યારે તેના વિચારોમાં ભારે ઉથલપાથલ
થઈ જાય, જેમ રસ્તે ચાલતો માણસ દૂર કોઈ વ્યક્તિને ઠોકર ખાતો જોઈને
ઘડીક હેતબાઈ જાય તેમ! વાત કરીએ થોડાં પ્રવાસ અવલોકનની.
આપણને ગૌરવ થાય તેવું અદ્ભુત અને મઝાનું મુંબઈ એરપોર્ટ જોયું ત્યારે ભારતીય
હોવાનું ગૌરવ અનુભવાયું. નવાઈની વાત એટલે લાગી હતી કે ગામડાનાં બારીબારણાં,
પલંગ, થાંભલાઓ જેવી સાવ તુચ્છ લાગતી વસ્તુઓને આધુનિક ઢબે રજૂ
કરીને કમાલ કરી છે. વિદેશી પ્રવાસીઓ ભારતીય સાંસ્કૃતિક વારસામાં ઘેલા થવાનું જરૂર
અનુભવશે. (ઘણાં લોકો વિમાનની પ્રતીક્ષામાં આ બધાથી વંચિત રહી જતાં હોય છે)
UAE એ નાના નાના, પણ સુવિધાઓથી સમૃદ્ધ દેશોનું સંગઠન છે. જેની સ્થાપના 1971માં થઈ હતી. આ દેશોમાં અજમાન, દુબઈ, ફૂજૈરાહ, રસ અલ ખૈમાહ, સારજાહ, ઉમ્મ-અલ-કુવૈત અને રાજધાની અબુધાબી એમ સાત દેશોનો સમાવેશ થાય છે. આ દરેકમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે.
UAE એ નાના નાના, પણ સુવિધાઓથી સમૃદ્ધ દેશોનું સંગઠન છે. જેની સ્થાપના 1971માં થઈ હતી. આ દેશોમાં અજમાન, દુબઈ, ફૂજૈરાહ, રસ અલ ખૈમાહ, સારજાહ, ઉમ્મ-અલ-કુવૈત અને રાજધાની અબુધાબી એમ સાત દેશોનો સમાવેશ થાય છે. આ દરેકમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે.
અબુધાબી આ સાતેયમાં સૌથી
મોટો સમૃદ્ધ રાજવી (Emirates) દેશ ગણાય છે. અહીંનું લગભગ 70 ટકા ક્ષેત્રફળ રણપ્રદેશ છે, અને
200 જેટલાં ટાપુઓ ધરાવે છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની મુલાકાત લઈ
ચૂક્યા છે એવી શેખ ઝાયદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત અહીંનું પ્રવાસી સ્થળ છે. આમ તો
ધાર્મિક સ્થળોની મુલાકાત મારે મન ઝાઝું આકર્ષણનું કેન્દ્ર નથી છતાં તેને જોવાની તક
મળી. પર્શિયન કારપેટની સાથે મારબલની કોતરણીવાળું અને વિશાળ ઝુમ્મરો સાથેનું
બાંધકામ મુલાકાતીઓને ફોટા માટે લલચાવનારું છે.
ચાલીસ હજારથી વધુ
વ્યક્તિઓ નમાઝ પઢી શકે તેવી વિશાળ અને સ્વચ્છ મસ્જિદ ‘રાજસ્વી
ધર્મસ્થાન’નું પ્રતીક છે. આમ તો અબુધાબી ચુસ્ત ઇસ્લામી દેશ ગણાય છે
છતાં જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીની મુલાકાત પછી થોડાં વર્ષોમાં અહીં એક ભવ્ય
મંદિર નિર્માણ પામશે. જો એમ થશે તો અબુધાબીને એક વધુ પ્રવાસી આકર્ષણ મળશે.
આ દેશમાં કાબર, હોલો
અને બિલાડી દેખાયાં ત્યારે સાડા-ત્રણ હજાર કિ.મી. દૂરનું અંતર સાવ ભૂંસાઈ ગયું
હતું, પણ વાહનોની અવરજવર અને શિષ્ટાચાર જોયા ત્યારે એ અંતર
સ્પષ્ટ રીતે આંખ સામે આવીને ઊભું રહ્યું હતું! વિશાળ રસ્તાઓ અને ઓછી વસ્તી
વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય એ ખરું, પણ તોયે નાની-મોટી
વ્યક્તિઓ રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે જેબ્રા ક્રોસીંગથી દશ-પંદર ફૂટ દૂરથી જ અટકી
જવાનું દરેક વાહન ચાલાકના લોહીમાં હોય છે. રાહદારીને આદર આપવાનું સૌજન્ય વાહન
ચાલકને હોય છે, તેમ મન ફાવે ત્યાંથી રસ્તો ઓળંગી જવાની માનસિકતા અહીંના
વસવાટીઓમાં દેખાતી જ નથી! ભારતીય તરીકે આ
શીખવા જેવું છે.
રસ્તાઓ પર ભાડે ફરતી
ટેકસીઓ માટે કડક આચારસંહિતા છે. કારમાં ફરજિયાત LCD
ડિસ્પ્લે પર ડ્રાઈવરનો ફોટો અને તેનો ID no. દેખાતો રહે.
અહીં ભારત કરતાં વિપરીત એવી જમણી બાજુ વાહન ચલાવવાની (Right Hand Drive)
વ્યવસ્થા અમલમાં છે. નિર્ધારિત ઝડપથી વધુ વાહન ચલાવનારાઓને ‘મોટી
રકમની પેનલ્ટી’ સતત સભાન રાખે છે! ડ્રાઇવરની બાજુમાં બેસનારે પણ સીટ બેલ્ટ
બાંધવો ફરજિયાત છે. દરેક રહેવાસી માટે પાર્કિંગની જગ્યા નિશ્ચિત હોય છે. અન્ય
સ્થળે પાર્કિંગ કરવા માટે ત્યાં મૂકેલા મશીનમાં સમય મુજબ દિરહામ નાંખવા જ પડે!
નવાઈની વાત એ લાગી હતી કે ટ્રાફિકની આ તમામ
ગતિવિધિને નિયંત્રિત કરવા રસ્તાઓ પર પોલીસ જ હોતી નથી! દેશમાં 600થી વધુ ત્રીજી
આંખ (કેમેરા)ની નજર અને કાયદાના અમલની બીક ભલભલાની બોલતી બંધ કરી દે છે. હે મારા
વ્હાલા વાચકો! વધુ ટ્રાફિક પોલીસ હોય તો વધુ સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ
વાતને અહીં કોઈ રીતે સમર્થન મળતું નથી!!
અબુધાબીનું બીજું આકર્ષણ
ફરારી વર્લ્ડ અને યશ વોટર પાર્કસનું છે. ફરારી વર્લ્ડ ભારતીયો અને વિશ્વના બધા
પ્રવાસીઓને આકર્ષે છે. દુનિયામાં રેસકાર બનાવતી અને કારરેસનું આયોજન કરતી ખ્યાતિ
પ્રાપ્ત પ્રાચીન કંપનીઓમાં ફરારીનું નામ અહીં તાજું થઈ જાય છે. પોતાની લોભામણી કાર
દુનિયાના લોકો જુએ (ભલે ખરીદે નહી તોયે) તે માટે વિશાળ જગ્યામાં બીજા અન્ય આકર્ષણો
મૂકીને પોતાનું જંગી મૂડીરોકાણ કર્યું છે.
જિમનાસ્ટીક,
સાઇકલ શૉ, વર્ચ્યુયલ ડ્રાઈવ,
દુનિયાનું સૌથી ઝડપી રોલર કોસ્ટર વગેરે જેવા મનોરંજક સાધનોની સાથે ભારતીય પ્રકાશ
વર્ષ (દિવાળી ઉત્સવ)ને રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ મૂકીને ભારતીય પ્રવાસીઓને
આકર્ષવાની ગણતરી પરથી આપ સમજી શકશો કે ભારતીય ગ્રાહકો આ દેશને મન કેટલા મહત્ત્વના
છે!
વોટર પાર્કનું આકર્ષણ
ગુજરાતીઓ અને ભારતીયોને મન નવાઈ પમાડે તેવું કદાચ ન લાગે પણ રણપ્રદેશમાં વોટર
પાર્ક કે ગાર્ડન હોવા એ આશ્ચર્યજનક બાબત નથી શું?
સુરક્ષા બાબતે અહીં ચુસ્ત વ્યવસ્થા છે. થોડે થોડે અંતરે સજ્જ સુરક્ષા ગાર્ડ જોવા
મળે. ભીના પગથી લપસી ન પડાય તે માટે
ખરબચડી સપાટી અને બટન દબાવતાં ગરમ પાણીના ફુવારાની મઝા મળે તે તો અદ્ભુત વળી!
અમીરાતના આ દેશો ગેસ અને
તેલના વિપુલ ભંડારોને લીધે આર્થિક રીતે ધનાઢ્ય છે. આંતરમાળખાના બે ઘટકો વીજળી અને
રસ્તામાં કોઈ કસર નથી. પરંતુ ધર્મની રૂઢિચુસ્તતાએ માણસ તરીકેની વૈચારિક ઊંચાઈને
ઠીંગણી રાખી છે. વિદેશી બુદ્ધિ અને કૌશલ્ય પાછળ પુષ્કળ દિરહામ (અહીંનું ચલણ)
ખર્ચીને આ દેશના રાજાઓએ પોતાના દેશ તરફ વિશ્વનું આકર્ષણ પેદા કર્યું છે.
આબોહવાની
રીતે અમીરાતના દેશો અતિશય ગરમીવાળા (50સે.થી વધુ!) છે. વરસાદનું નામોનિશાન નહીં
મળે, કેમ કે જંગલો કે વૃક્ષોના અભાવથી અહીંની જમીન ધગધગે છે.
આવા સંજોગોમાં માનવને અનુકૂળ વાતાવરણને સર્જવા સતત અને સમગ્ર સ્થળે એ.સી. અનિવાર્ય
થઈ પડે છે. ઘર, મોલ, હોસ્પિટલ, કાર, સિટી બસ એમ બધું જ
‘ઠંડા ઠંડા કૂલ’ જેવુ હોય
છે. શરદી-કફપ્રકૃતિવાળા પ્રવાસી માટે સતત આવી સ્થિતિમાં રહેવું કષ્ટદાયક રહે છે.
તેમ છતાં અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ઠંડી વ્યવસ્થા જ સ્વીકારવી પડે છે. ઠંડી કો
મારો ગોલી!!
અબુધાબીમાં
કોઈ ભિખારી દેખાતો નથી. રસ્તા ઉપર પાઉંવડા કે ચા ની લારી નહીં મળે! છૂટક દુકાનો પણ
ભાગ્યે જ હોય. જે કઈં છે તે હાઇપર માર્કેટ કે મોલ્સમાં સમાયેલું છે. અબુધાબી મોલ
અને મારીના મોલ અહીંના સૌથી મોટા મોલ છે. વિશાળ જગ્યામાં પથરાયેલાં આવા ખરીદ-વેચાણ
કેન્દ્રો સંપૂર્ણતઃ એ.સી. અને લાઇટની ઝાકમઝોળવાળા છે. સ્થાનિક વસ્તી ચોથા ભાગની છે,
એટલે મોટાભાગના ગ્રાહકો પણ વિદેશીઓ જ હોવાના.
વિદેશી નાગરિકોને પોતાની
આવડત અનુસાર અઢળક કમાણી કરવાની છૂટ છે, પરંતુ તેઓ
પોતાના આયુષ્કાળ દરમ્યાન અહીંનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યાં સુધી
દેશમાં હોય ત્યાં સુધી દુકાન, ફ્લેટ ભાડે રાખી શકે છે. દેશ છોડો એટલે બધું અહીંની
સરકારની માલિકીનું થઈ જાય! બિન ઇસ્લામી નાગરિકનું મૃત્યુ થાય તો તેના શરીરને તેના
વતન દેશમાં મોકલી દેવાય છે (મરેલા માણસોને માટે જગ્યા પણ નહીં મળે!!) કમાઈને માત્ર
પોતાના વતનને અને પોતાની જીવનશૈલીને વધુ સારી બનાવી શકે એ જ આ દેશમાં રહેવાનો મોટો
લાભ છે.
UAEના
સમૂહ દેશોમાં સૌથી વધુ વિકસિત દેશ દુબઈ છે. આ વિકાસ પાછળ ઉદાર નીતિ છે. દુબઈને
સાધન સંપન્ન બનાવવામાં રાજાએ જેટલી ઉદારતા દાખવી હશે તેના કરતાં વધુ વિદેશી
પ્રવાસીઓને રહેવા-ફરવા, કપડાં પહેરવામાં અને તહેવારોની ઉજવણીમાં છૂટછાટ આપીને
દાખવી છે. એમ કરવું ફરજિયાત હતું, નહિતર ઊંચા ઊંચા બિલ્ડીંગો અને ઝાકમઝોળ મોલ્સને જોવા કોણ
આવે?! માણસને સમૃદ્ધિ ગમે છે તેની સાથે તેને ઘણાંબધા લોકોને
બતાવવાનું પણ ગમતું હોય છે. આ દુનિયાના કોઈપણ માનવીને લાગુ પડતી માનસિકતા છે.
દુબઈનું આર્થિક મહત્ત્વ
દર્શાવતાં આંકડાઓમાં હમણાં પડવું નથી. અહીં જે ખાસ આકર્ષણ છે તે બે વસ્તુઓનું છે:
વિશાળ બાંધકામો અને મનોરંજનના સ્થળો. ઓફિસો હોય કે મોલ્સ,
સિવિલ એન્જીનિયરીંગ, મિકેનિકલ એન્જીનિયરીંગ,
ઇંટિરિયર ડિઝાઇન, હોટેલ મેનેજમેંટ, ઇવેન્ટ
મેનેજમેંટ કે અન્ય કામોની ગુણવત્તા સ્પષ્ટ નજરે ચઢે. આ માટે વધુ પૈસા ખર્ચાતા હશે
એ ખરું, પણ ‘ગમેતેવું ચલાવી લેવાની’
માનસિકતા પર ચાંપતી નજર રખાય છે. ડ્રાઈવર હોય કે ઇજનેર,
બાથરૂમ સફાઈ કરનાર હોય કે ખાવાનું બનાવનાર રસોઇયો સૌ પોતાની ઉત્તમ કામગીરી માટે
વ્યસ્ત રહે છે. કામચોરી કરનારાઓને અહીં ટકવું લગભગ અશક્ય છે!
મારી દ્રષ્ટિએ દુબઈના
પ્રવાસી આકર્ષણોમાં મોલ્સ કરતાંય વધુ મહત્ત્વના મિરેકલ ગાર્ડન અને ગ્લોબલ વિલેજ
છે. મારા રોકાણ દરમ્યાન માત્ર ગ્લોબલ વિલેજ જોવાનો લાભ મળ્યો હતો પણ એ આખી દુનિયા
ફરી લીધા બરાબર હતું! અહીં વિશ્વના ત્રીસેક જેટલાં દેશોના પોતાની ખાસિયતો સાથેના ‘ડોમ’
પથરાયેલાં છે. દરેક દેશના પહેરવેશ, ખાદ્ય
પદાર્થો, અને વિવિધતા સાથે તેની સંસ્કૃતિના દર્શન કરવામાં તમે
દુબઈમાં છો તે પણ ભૂલી જાવ!
દુબઈની ઘણીમોટી કમાણી
પ્રવાસીઓ પાસેથી આવે છે, એટલે તેમને માટે અવનવાં થીમ પાર્કનું સર્જન થતું રહે છે.
(થોડા સમયમાં બોલીવૂડ પાર્ક શરૂ થશે!) આ દેશો પાસે વસ્તીના પ્રમાણમાં જમીનની કમી
નથી. તેથી રસ્તાઓ પણ અતિ વિશાળ છે. પાર્કિંગ કે પાર્કમાં ચાલતાં ચાલતાં થાકી જવાય!
ભારતમાં પ્રવાસી આકર્ષણ પેદા કરતી વખતે મોસમ પ્રમાણેનું જોવા-માણવાલાયક દૂરંદેશી
આયોજન થાય તેવું ઈચ્છીએ.
ભારતીયો અને ગુજરાતીઓને દુબઈ આવવાનું ઘેલું એટલે નથી લાગેલું કે તે નજીક છે, પણ
એટલે છે કે અહીં એક ભારત-ગુજરાત વસેલું છે. આ દેશમાંથી ભારતીયો જતાં રહે તો દુબઈની
શાન રાતોરાત અડધી થઈ જાય! દિવાળી અને ક્રિસ્ટમસની ભવ્ય ઉજવણી એ વાતની સાક્ષી છે કે
અહીંની સરકાર (રાજા) કઇંક અંશે વ્યક્તિ સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપે છે. ભારતીયો
દિવાળીના દિવસોમાં પોતાના એપાર્ટમેંટ્સને લાઇટથી શણગારે છે અને મેદાનમાં જઈ
આતશબાજીની મઝા માણી શકે છે. નવરાત્રીમાં ગરબાનું આયોજન પણ ખરું! હા,
પાર્કિંગ માટેની જગ્યા શોધવા બાબતે દુબઈ કરતાં અબુધાબી વધુ સુગમ દેશ છે. પાર્કિંગ
સુવિધા માટે આવનારાં સમયમાં દુબઈના રાજાએ કોઈ નક્કર ઉપાય વિચારવો જ પડશે.
આમ છતાં મસ્જિદ ઉપરાંત
દરેક મોલ્સમાં નમાઝ પઢવા માટેની એક અલગ જગ્યા હોય જ છે અને નિયમિત સમયે હઝાન
પોકારાય છે. વિદેશી પ્રવાસીઓ ટૂંકા કપડાં પહેરીને ભલે હરે-ફરે તેમાં તેઓને વાંધો
નથી, પણ સ્થાનિક ઇસ્લામીઓ બુરખામાં (અપ ટૂ ડેટ) જ રહે છે અને
નમાઝ પઢવાનું ચુકતા નથી.
બદલાતાં સંજોગો
સાથે ધર્મની પકડ ઢીલી કર્યા વિના છૂટકો નથી એ વાત આ રાજાઓને વહેલી-મોડી સમજાશે પણ
એનેય હજી ઘણાં વર્ષો લાગશે. ભારતના ‘ડિઝાઇનર્સ
નેતાઓ’ (અધૂરાં અને દંભી નેતાઓ) પણ આ વાત જેટલી ઝડપથી સમજશે અને
સ્વીકારશે તેટલા ઝડપથી ભારત વિશ્વનું આકર્ષણ બનશે. કોઈ શક?!
ગુજરાતી,
પંજાબી અને મદ્રાસી વાનગીઓ, મરી મસાલા, શાકભાજી અને
ફળો અહીં આસાનીથી અને ગુણવત્તાયુક્ત મળે
છે. પણ આ દેશોની ઘણી અરેબિક વાનગીઓ પસંદ આવી જાય તેવી છે. જેવી કે,
ખબુસ (ઘઉંની બનાવટ), હમસ (ચણાના લોટની બનાવટ),
લબાન (ઘટ્ટ અને મોળી છાસ), ફલાફલ (હમસમાં વીટ્ળાયેલી બનાવટ) અને પ્રુન્સ (ખજૂર જેવુ
ફળ). નવા દેશના, આ નવા સ્વાદ ચખાડવા બદલ સાળાજીના પરિવારનો આભાર માનું. આ
ઉપરાંત, આનાથી વધુ વેરાયટી માંસાહારી વાનગીઓમાં પણ ખરી. હા,
ઇસ્લામ ધર્મમાં દારૂનો નિષેધ છે છતાં અહીં ખુલ્લા બજારમાં મળે છે ( આને કહેવાય
ઉદારીકરણ! ) દારૂ વિશે લોકો ઘણું જાણતાં હોય છે એટલે એ વિશે મારે ઝાઝું કહેવું
નથી!!
આ દેશોના
રસ્તાઓ અને મકાનોને સ્વચ્છ રાખવા આસાન એટલે છે કે અહીં રેતી ઊડે છે, ધૂળ
નહીં. મતલબ માટીને સાફ કરવું મુશ્કેલ છે. એમ છતાં અહીં જાહેર સ્વચ્છતા બાબતે
કામચોરી નહિવત છે એ વાત સ્વીકારવી પડે. એપાર્ટમેંટ,
ઓફિસો, અને દુકાનોમાં નિયમિત રીતે કાચની સફાઈ થતી જ રહે છે. આવી
કામગીરીમાં વિદેશી કામદારો જ હોય છે. સ્થાનિક લોકો આવા કામો કરતાં જ નથી. શાકભાજી
પણ નહીં વેચે!
UAEના
લગભગ બધા દેશો પાસે જે સમૃદ્ધિ છે તે બધી ખરીદેલી છે. મતલબ અહીંના બહુધા સ્થાનિક લોકો
બુદ્ધિની રીતે કે જ્ઞાન-સમજની રીતે ચઢિયાતાં નથી. સંશોધન વૃત્તિ કે વૈજ્ઞાનિક
અભિગમની વાત આકર્ષક નથી. એમ છતાં નાણાકીય સમૃદ્ધિથી આ દેશોએ અમેરિકા,
હોંગકોંગ, બ્રિટન જેવા વિકસિત દેશોની ટેક્નોલોજિકલ વ્યવસ્થા અપનાવી
છે. મેં જે અગાઉ લેખોમાં વર્ણન કર્યું છે તે બધી સુવિધાઓ પણ વિદેશી બુદ્ધિને આભારી
છે! બીજાને અનુકૂળતાઓ આપવા છતાં પોતાની ઇસ્લામી વિચારધારાને ઝાઝી છટકવા દીધી નથી.
તેઓ પોતાની અંગત દુનિયા જાહેરમાં દેખાવા દેતા નથી. બધા લોકો પોતપોતાની કામગીરી
નચિંતે કરતાં રહે એટલી સુરક્ષા સૌને ખરી, પણ
રાજાશાહીમાં સરકાર વિરુદ્ધ બોલવા કે રજૂઆત કરવાનું આસાન નથી જ નથી.
ગુજરાતીમાં કહેવાય છે કે ‘જર,
જમીન ને જોરુ, કજિયાના છે છોરું’. એવું
અહીં હશે તોયે જાહેરમાં દેખાતું નથી. સરમુખત્યારશાહીમાં આમ થવું હકીકત હોય છે.
અંદરખાને આવી શક્યતાને નકારી ન શકાય.
જાહેરમાં દારૂ પીધેલા લોકો ન દેખાય, પણ ક્લબોનું
અસ્તિત્વ એ વાતની સાક્ષી છે કે મસાજ પાર્લરની સાથે અહીંયે ખાનગીમાં ઘણુંબધુ ચાલતું
હશે. પ્રત્યક્ષ રીતે આવી જગ્યા વિશે જાણવા મેં રસ દાખવ્યો નથી પણ દરેક માણસની
સ્વાભાવિક વૃત્તિઓમાં ક્યારેક આવી મોજમજાની લાગણીઓ ઉભરાતી હશે. હા, એ
તેની મર્યાદામાં જ રહે તે અનિવાર્ય જ ગણાય.
અહીંની શાળાઓ વિશે ખાસ
જાણી શક્યો નથી. અબુધાબીમાં 50થી વધુ અને દુબઈમાં તો એથીયે વધુ જાહેર અને ખાનગી
શાળાઓ છે. આવી શાળાઓ બહુધા શહેરથી દૂર હોય છે. દરેકને પોતાની બસ ખરી, પણ
તમામ સ્કૂલ બસો પીળા રંગની જ હોય! આપણી જેમ કેટલાક વાલીઓ જાતે સંતાનને સ્કૂલે
લેવા-મૂકવા આવે. વિદ્યાર્થીઓના દફતરો મોટેભાગે પૈંડાવાળા (સ્ક્રોલર બેગ) હોય છે.
ઊંચકવાનું નહીં, સરકાવતાં લઈ જવાનું. (ભાર વિનાનું ભણતર?!)
થોડી વાત આરોગ્ય વિશે પણ
કરું. અહીં જેટલા પણ લોકોને જોયા છે મારા જેવા પાતળા બાંધાના ભાગ્યેજ દેખાતા હતા
(તેમાં હું એક ખરો!) મેંદાની વાનગીઓ, પીણાં અને
માંસાહારી વાનગીઓ ખાનારાઓ બહુમતીમાં હતા. રોટલી-ભાખરી કે દાળભાતિયા તો સાવ ઓછા. આમ
છતાં સમતોલ આહારમાં આવે તેવું બધુ જ અહીંના સ્ટોર્સમાં ઉપલબ્ધ હોય છે. તાજું દૂધ,
શાકભાજી, ફળો, માંસ, સૂકો મેવો, વાઇન વગેરે
દુનિયાના ખૂણે ખૂણેથી અહીં આયાત થઈને આવે છે અને ચોવીસ કલાક મળી રહે પછી ખાવાના
શોખીનોને કોઈ તકલીફ પડે ખરી?! હા, દિરહામ કમાતાં આવડવું જોઈએ!!
આ બધા દેશોના
એપાર્ટમેન્ટસ બહારથી લગભગ સરખા જેવા લાગતાં હોય છે. ગેલેરી ભાગ્યે જ (અથવા બહુ
નાનકડી) જોવા મળે એટલે બહાર કપડાં લટકતાં દેખાય જ નહીં! ગરમી ખૂબ પડે, પણ
કપડાં તો ઘરમાં જ સુકવવા પડે, ખરું કહેવાય નહીં?!
અબુધાબી અને દુબઈમાંથી જે કઈં જાણ્યું તેને રજૂ કર્યું, હવે
થોડી સમીક્ષા સંક્ષિપ્તમાં પણ જણાવું:
1. ટેક્નોલોજીનો
ઉપયોગ કરવા માટે દેશ પાસે વિઝન સાથે પુષ્કળ નાણાંભંડોળ હોવું જરૂરી છે.
2. જે
દેશના ચલણો મજબૂત (ઊંચા મૂલ્યવાળા ) છે તે દેશના નાગરિકો વધુ પ્રવાસો કરી શકે છે.
3. કોઈપણ
દેશના ચલણને ખર્ચવાની પસંદગી જે તે નાગરિકની પોતાની હોય છે, પણ
તે નક્કી કરે છે જે તે દેશની સરકાર. દેશમાં માત્ર હોસ્પિટલો વધારવાથી નહીં,
મોલ્સ કે આનદપ્રમોદના વિસ્તારો (સ્થળો) વધવાથી વિદેશી હુંડિયામણ વધુ કમાઈ શકાય છે!
4. વધુ
પ્રવાસ કરનારાઓ ધીમા અવાજે બોલતા (વાત કરતાં) જણાયા છે. કેટલાયે મોલ્સમાં ફર્યો, પણ
કોઈએ મોટેથી બૂમ પાડયાનું સાંભળ્યુ નહોતું. હા,
ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ આમાં અપવાદ ગણાશે!!
5. વિદેશી
પ્રવાસીઓ ઘણુખરું જે તે સ્થળે ફરવા જતાં પહેલાં તેના વિશે સંશોધન કરીને આવે છે.
ભારતીય પ્રવાસીઓ આ બાબતે ઘણાં પાછળ છે.
6. પ્રવાસીઓનો
પ્રવાહ હંમેશાં વિકસિત અને આધુનિક દેશો તરફનો જ હોય છે. આવા દેશો સભ્યતાની
દ્રષ્ટિએ બહુધા ચઢિયાતા હોય છે તેથી વિદેશ પ્રવાસો પછી વ્યક્તિના વ્યવહારમાં
હકારાત્મક પરીવર્તન આવવું જોઈએ. પણ આ વિશે મારો અનુભવ બહુ સંતોષકારક નથી. ટૂંકા
કપડાં પહેરવાથી ‘ગોરા લોકોનો’નો શિષ્ટાચાર
આવી જાય તેમ માનવાની ભૂલ કરવા જેવી નથી.
7. આ
દેશોમાં પરચુરણ (રિયાલ)ની તંગી નથી એટલે ‘છુટ્ટા
નથી’ એમ કહીને કોઈએ ટેક્સીવાળા કે સ્ટોર્સવાળા ચોકલેટ પકડાવતાં
નથી!
8. શેક્સપિયરે
કહ્યું છે કે, ‘Apparel often proclaim the men’ અર્થાત
વસ્ત્રો જ માણસનો પ્રથમ પરિચય હોય છે. અહીંના લોકો બાહ્ય દેખાવ બાબતે બહુ સભાન રહે
છે. આપણાં ભારતીય દર્શન સાથે આ મૂલ્ય બંધબેસતું ન જણાશે, પણ
સ્વચ્છ અને સુઘડ રહેવું સારા માણસ તરીકેનું એક લક્ષણ તો ગણવું જ પડશે. આપ માનો ય ન
માનો!
કોઈપણ દેશને પાંચ સાત
દિવસમાં જોઈ શકાય, સમજી ન શકાય. મોટાભાગના લોકો પ્રવાસમાં માત્ર જોવાનું જ
કામ કરે છે. મેં પણ ઘણુખરું જોયું જ છે, તોયે 24
દિવસના રોકાણ અને સાળાજીના ઉત્સાહથી અબુધાબી અને
દુબઈને કૈંક અંશે સમજીને આટલું વિશ્લેષણ કરી શક્યો છું. હા, હજી
મને આ શહેરોના રસ્તાઓ અને વિસ્તારોની દિશા વિશે ગૂંચ રહી જ છે એટલી નિખાલસ કબૂલાત.
સારજાહ, અલ ઇન જેવા વિસ્તારો જોવાનું,
અબુધાબીની બસ મુસાફરી કે દુબઈની મેટ્રો ટ્રેન મુસાફરરી નસીબમાં આવી નહીં કેમ કે
આટલું ફરવા-સમજવામાં જ હાંફી જવાયું હતું. પ્રવાસોની મજા માણવા ઉત્સાહની સાથે સાથે
મજબૂત શારીરિક ક્ષમતા જોઈએ એનો પ્રત્યક્ષ અનુભવ મોડે મોડે પણ સમજાયો છે. બાય બાય UAE !!
- ડૉ.
વિજય મનુ પટેલ