બે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિ અજાણતા જ આધાર કાર્ડ
મેળવવાની લાઈનમાં ઊભી હતી. વેપારીએ પ્રાધ્યાપકને પૂછ્યું- ‘આ વર્ષ કેવું રહ્યું?’
પ્રાધ્યાપક બોલ્યા, ‘જૂનું છે તે જતું
નથી ને નવું કઈં ને કઈં આવ્યા જ કરે છે!’ તેમણે વાત આગળ
ચલાવતાં પ્રશ્ન કર્યો- ‘તમારા ફીલ્ડમાં કેવું છે?’ જવાબ આવ્યો- ‘અમારામાં પણ નવું નવું તો ઘણું આવે છે
પણ તે લોકોને મોઘું લાગે છે, ને આજનું નવું કાલે ક્યાં જૂનું
થઈને નીકળી જાય છે તેની ખબર જ નથી પડતી બોલો!’
વેપાર અને
શિક્ષણ આમ તો બંને સાવ જુદા ક્ષેત્ર છે એટલે એની સરખામણી બહુ યોગ્ય કહેવાય નહી. પણ
બેઉમાં એક વાત સામાન્ય રહી છે તે ‘દ્વિધાયુક્ત માહોલ’. વેપારીઓને સમજાતું નથી કે તેજી
ચાલે છે કે મંદી? અને વર્ષને અંતે શિક્ષકો-પ્રાધ્યાપકોને
સમજાતું નથી કે તેઓએ આખા વર્ષમાં શું કર્યું?! શિક્ષણમાં આ
વર્ષ કેવું રહ્યું તેની આજે થોડી ગપસપ કરીએ.
પ્રાથમિક
શિક્ષણમાં અભ્યાસક્રમ બદલાયો,
પાઠ્યપુસ્તકો બદલાયા, ધોરણ આઠને પ્રાથમિકમાં સમાવાયું, ધોરણ નવમા શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન(SSE) અને
સિમેસ્ટર પદ્ધતિ લાગુ થઈ. ધોરણ દસ અને અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પણ સિમેસ્ટર
પદ્ધતિ આવી પણ ધોરણ ૧૧,૧૨ વાણિજ્ય અને વિનયન પ્રવાહ જેમના
તેમ જ રહ્યા! વળી, વિજ્ઞાન પ્રવાહમાં માત્ર પહેલા અને ત્રીજા
સિમેસ્ટરમાં OMR પરીક્ષા લેવાનો નિર્ણય હતો તેમાં ફેરફાર
કરીને બીજા-ચોથામાં પણ OMR પ્રશ્નો રાખવાનું ફાઇનલ કરાયું! અંતે
પણ આ લોકો ચાર સેમ પૂરા કર્યા પછી પણ ગુજકેટ અને નીટમાં ‘ફીટ’ થવા દોડતા જ રહ્યાં.
ધોરણ નવ અને
દસમાં ભણાવનારા આખું વર્ષ પરીક્ષા લેવાના કે મૂલ્યાંકનની માથાકૂટમાંથી જ બહાર નહીં
આવ્યા. સાઠ વિદ્યાર્થીઓમાં જાતજાતની આવડત અને કુશળતા શોધવાના આ પ્રથમ પ્રયાસે
કેટલાયને ‘હાર્ટ
એટેક’ લાવી દીધો! તો વળી ઘણાબધાએ સરસ રીતે પત્રકોમાં સ્વૈચ્છિક ગુણાંકન(!) કરીને
બધું થાળે પાડી દીધું! બીજી તરફ નાપાસ નહી કરવાના અને ડાયરેક્ટ પરીક્ષા આપવાના
પ્રકલ્પથી ધોરણ ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસનારાઓ એટલા
બધા વધી ગયા કે પુરવણી તપાસનારા શિક્ષકો ઘટી પડ્યા ! પહેલા સરકારે સેલ્ફ ફાઇનાન્સ
શાળાઓને એટલી બહેકાવી કે હવે તેના જ સંચાલકો શિક્ષણ ખાતાને એમ કહીને હંફાવી રહ્યાં
છે કે, ‘તમે અમારા શિક્ષકોને પગાર નથી
ચૂકવતા, તેમની પસંદગીનો અમારો હક્ક છીનવી લો છો તો જાવ જાહેર
પરીક્ષાના પેપર તપાસવા અમે પણ શિક્ષકો નહી મોકલીએ, થાય તે
કરી લો!’ આ બેની લડાઈમાં ત્રીજા (શિક્ષકો) ફાવવાનો તો સવાલ
નહોતો પણ ઉલટા તેઓ વધારે રિબાયા.
આ વર્ષે જાણે
શિક્ષણ ક્ષેત્રે એટલા બધા સ્પેશિયાલિસ્ટ(!) ડૉક્ટરો વધી ગયા કે જાત જાતના ઈલાજની
ગોળી અને ઈંજેક્સન્સ ખાઈ ખાઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનેય શક્તિને બદલે ‘અશકિત’ આવી ગઈ છે. નવા
પરિવર્તનોથી નવી શક્તિ, નવો ઉત્સાહ આવવાને બદલે શિક્ષકો
વિદ્યાર્થીઓને કહેતા રહે છે કે, ‘અલ્યાઓ! તમે બરાબર ભણજો અમારું તો હવે પૂરું થયું!’ આ બાજુ બિચારા વિદ્યાર્થીઓ આખું વર્ષ ભણવા કરતાં મૂલ્યાંકન(પરીક્ષા)માં જ
એવા ડૂબેલા રહ્યાં કે તેઓ તરવાનું જ ભૂલી ગયા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો
ભરીને અમે રોઈ પડ્યા!! ક્યા કરે ?!
ભૂતકાળના
વિદ્યાર્થીઓ જ્યારે મળે છે ત્યારે શાળાજીવનના મધૂરા સંસ્મરણોને અચૂક વાગોળે છે. પણ
હવે છેલ્લા બે-ત્રણ વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ મળે છે ત્યારે એવી વાતો ઓછી થઈ ગઈ
છે. કેમ કે હવે શાળા-કોલેજોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સૌથી મહત્વની પ્રવૃત્તિ
રહી હોય તો તે પરીક્ષા લેવાની અને રિઝલ્ટ આપવાની. સર્વાંગી વિકાસ માટેની સામૂહિક
પ્રવુત્તિઓ કે કાર્યક્રમો હવે મોસમ બનીને નહી માત્ર ‘માવઠું’ બનીને આવે છે.
ક્યારેક જ!
સંચાલકો અને વાલીઓને પણ હવે ઊંચી ઊંચી(મોટી મોટી!) પરીક્ષાઓનો ચસ્કો લાગ્યો
હોવાનું જોવા મળ્યું છે. સાતમાનું ગણિત આવડે નહીં ને AIEEE, GRE, NEET વગેરેની તૈયારી શરૂ થઈ જાય!
પ્રાથમિકનો પાયો મજબૂત કરવા પર ધ્યાન આપવાને બદલે આ લોકો ઉચ્ચતર શિક્ષણની ફિકર
કરવા માંડ્યા છે॰ ભવિષ્યનું
આયોજન હોય, પણ પાયો
મજબૂત નહીં હોય તો શું? એવું સમજાવતા કહીએ તો કહે છે કે, ‘...કઈં નહીં. સરકારે જ કીધું છે કે પ્રાથમિક
શિક્ષણમાં કોઈને નાપાસ નહી કરવાના! બધી ચિંતા સરકારે જ દૂર કરી દીધી પછી અમારે હવે
દૂરનું જ વિચારવાનુ રહેને બોલો?’
આ તરફ વેકેશન
પડવાનું એટલે સરકારે શિક્ષકોને માટે અણગમતી(!) પ્રવૃત્તિ તૈયાર રાખી છે. પાંચ
દિવસની નિવાસી તાલીમ. એ પણ બે તબક્કામાં. ગુજરાતનાં કોઈ શિક્ષકને પુછો તો એવું જ
તારણ મળશે કે શિક્ષકોને સમજાય તેવું હોમવર્ક કર્યા વિના થયેલા આ તાલીમી આયોજનમાં
શિક્ષકો અપગ્રેડ થવાને બદલે વધારે ગૂંચવાતા જ હોય છે! આ તાલીમ સાથે સંકળાયેલા સૌને
અધુરાપણાનો અહેસાસ થતો હોય છે પણ છતાં બધાને અંતિમ ઓડકાર તો ‘સંતોષ’ નો જ આવે છે કે
હાશ પત્યું !!
છેલ્લા
બે-ત્રણ વર્ષથી શાળાઓમાં એક પરિવર્તન દેખાય છે તે એ કે વેકેશનની આવી તાલીમ આવે તે
પહેલા તો સંચાલકો અને આચાર્યો ધોરણ દસ, બારના વર્ગો શરૂ કરી દે છે. આવતા વર્ષનું અત્યારથી ભણીએ તો
આવતા વર્ષે કોર્સ વહેલો પૂરો થઈ જાય ને?! તમે કોઈ સંચાલકને
પૂછો કે આવું કેમ? તો કહેશે, ‘બીજા બધા જ કરે છે ને!’ ક્યારેક લાગે છે કે સંચાલકો અને વાલીઓને પણ શિક્ષણ પ્રક્રિયાને જેમ
તેમ દોડાવી જવામાં બહુ રસ જણાય છે.
યથા રાજા તથા પ્રજા એ ઉક્તિ અનુસાર
સરકારના એક નિર્ણયથી આખી શિક્ષણવ્યવસ્થા પ્રભાવિત થાય. હવે સરકારને શિક્ષણમાં શા
માટે, અને કેટલો રસ હોય તે
વિચારવાનું કામ મુશ્કેલ નથી. પોતાની સત્તા અને પ્રભાવ રાખવાની હોડમાં સૌ
નીતિ-નિર્ધારકો પડી ગયા છે. સંચાલકોને પોતાની શાળા-કોલેજની ફિકર છે, તો સત્તાધીશોને પોતાની ખુરશી(સત્તા)ની ફિકર છે. યુનિવર્સિટીના વાઇસ
ચાન્સેલરથી લઈને શાળામાં શિક્ષક-આચાર્યની નિમણૂક કરવા સુધીની જોગવાઈ ગુજરાત સરકારે
કરી દીધી છે. સરકાર એક તરફ ખર્ચ ઘટાડવાને બહાને ખાનગી શાળા-કોલેજોને ઉત્તેજન આપી
રહી છે અને બીજી તરફ સંચાલનમાં પોતાની હઠ ચલાવી રાખવા માંગે છે.(એમાં કદાચ
સંચાલકોની દાનત પર સરકારને શંકા છે.) જો કે શિક્ષણને રાજકારણનું આશ્રય સ્થાન
બનાવવાનો દુષ્ટ વિચાર આવનારા સમયમાં નવા પ્રશ્નો સર્જે તો નવાઈ નહીં.
યુનિવર્સિટી શિક્ષણમાં આ વર્ષે એક સાથે
બે કોર્સ ભણવાનો નવો વિચાર તો આવ્યો, પણ પરીક્ષાના પેપરો ફૂટવાના છબરાડઓએ કોલેજ શિક્ષણનો ક્લાયમેક્સ બગાડી
નાંખ્યો. વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીની વરીયાવ કોલેજે તો પરીક્ષાની ચોરીમાં
સત્તાધીશોને નાકે દમ લાવી દીધો! ને સુરત શિક્ષણ સમિતિની શાળાના છબરડામાં તો એવુંય
થયું કે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ ભણ્યા જૂનો અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રો આવ્યા
નવા અભ્યાસક્રમના. ખરું થિયું!!
સારાંશમાં કહીએ તો વીતેલાં વર્ષમાં આપણું
શિક્ષણ સરકારી કે ખાનગી,
અધ્યાપનનું કે મૂલ્યાંકનું, અને નવું કે જૂનું? એવી ઘટમાળમાં જ અટવાતું રહ્યું. જે કઈં અને જ્યાં પણ ગૂચવાડો થતો ત્યારે તેને
માટે જવાબદાર કોણ એ નક્કી કરવા માટે શિક્ષણ ક્ષેત્રના સૌ કોઈ બીજા તરફ જ આંગળી
ચીંધતા જોવા મળ્યા. એક બીજા સાથે હાથ મિલાવવાનો અવસર તો મહદંશે ખોવાયેલો જ રહ્યો. બોર્ડની
પરીક્ષાના પરીણામોમાં હવે કઇં નવું ન થાય અને આવતા વર્ષે નવું શું થશે તેની દ્વિધા
સાથે પણ સૌના હૈયે એટલું આશ્વાસન જરૂર રહ્યું કે હાશ! આ વર્ષ તો પત્યું યાર !!
-ડો.
વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન અખબારમાં છપાયેલ લેખ 28/4/13)